નભસ્મધ્યે (સાન્દ્ર ગઝલ) – શિલ્પીન થાનકી
એક પળ ઠહરું, હરીતિમ ઘાસમાં-
-થી ભરી લૌં તાજગી, ઉચ્છવાસમાં
છે હજીય ગ્રીષ્મની પીળી-પચક
જીર્ણ ધૂસરસર હવા, મધુમાસમાં
સ્વપ્ન જે ખીલ્યાં હતાં કિંશુક બની
ને, પુનઃ ગન્ધી જશે, વાતાસમાં
આર્દ્ર મિટ્ટીની સઘન સૌરભ વહી
આવતી, ભળતી જતી મુજ શ્વાસમાં.
– શિલ્પીન થાનકી
આ ગઝલ વાંચો. શું સમજાય છે? મત્લા છે, શેર છે, કાફિયા છે, રદીફ છે અને શેરિયત પણ છે. પહેલી નજરે એમ લાગે કે કવિએ સામાન્યતઃ સૉનેટમાં પ્રયોજાતા અપૂર્ણાન્વય (enjambment)નો વિનિયોગ કર્યો છે. ‘ઘાસમાંથી’ શબ્દમાંથી ‘થી’ છૂટો કરી એને સાની મિસરામાં દદડવા દીધો છે. અને આજ વિધા ચારેય શેરમાં પ્રયોજી છે. વિશુદ્ધ ગઝલના ચાહકો તરત જ નાકનું ટેરવું ચડાવશે, કે આવું તો કેમ ચાલે? પણ વિરામચિહ્નો પર ધ્યાન આપવામાં આવે તો આનાથી અનેકગણું મોટું આશ્ચર્ય નજરે ચડશે. અલ્પવિરામચિહ્ન તો દરેક શેરમાં નજરે ચડે છે, પણ પૂર્ણવિરામ? જરા શોધો તો.. અરે! આખી ગઝલમાં એક જ પૂર્ણવિરામ છે અને તેય આખી રચના પતી ગયા બાદ. હવે આખી ગઝલ એક જ વાક્ય હોય એમ વાંચી જુઓ તો! સમજાયું? આ છે ‘એક વાક્ય ગઝલ!” ચારેય શેરને એક જ હરોળમાં ગોઠવી દેવામાં આવે તો ખ્યાલ આવે કે આખી ગઝલ એક સળંગ વાક્ય જ છે.
આ ગઝલ વિશે ‘નખશિખ’માં સંપાદકો લખે છે: ‘સ્વયંપર્યાપ્ત અસ્તિત્ત્વ ધરાવતો પ્રત્યેક શેર અન્ય શેરોથી તદ્દન અલગ હોવાની વાત અહીં અદભુત રીતે ભૂલાવી દેવામાં આવી છે. સામાન્યતઃ શેરની વાત શેર બહાર છલકાતી ન હોય. શિલ્પિન્ છલકાવે છે, છલકાવ્યે જ જાય છે.,, …ગઝલની આકારગ્રંથિ તોડીને એક સળંગ પંક્તિમાં આખીયે ગઝલને લખતાં કાવ્યમય ગદ્યનું એક સરસ વાક્ય મળે છે.’
રમેશ પારેખે ચાર શેરની આ ગઝલ વિશે સાડા ચાર-પોણા પાંચ પાનાંનો આસ્વાદલેખ લખ્યો છે, જેમાં કવિએ કરેલ ભાષાપ્રયોગ તેમજ ભાવક ચેતનાને કાવ્યાભિમુખ બનાવતા શીર્ષક અને ઉપશીર્ષકની અરુઢતાના વખાણ કર્યા બાદ અંતે લખ્યું છે: ‘પ્રસ્તુત કૃતિમાંથી, પ્રયોગોના ઘટાટોપને સોય શોધવા જેટલી ઝીણવટથી ફંફોસીએ તો પણ કોઈ પ્રતીતિજનક કાવ્યક્ષણ કે ‘તગઝ્ઝુલ’ કહીએ તેવો પદાર્થવિશેષ મળી શકતો નથી.’ ચાર શેરની આ ગઝલ શેરોપરાંત એક સળંગ વાક્ય છે એ આખી બાબત જ ર.પા.ના ધ્યાનબહાર રહી ગઈ હતી.
કવિએ એક જ પ્રલંબ વાક્યને ગઝલના છંદમાં, કાફિયા-રદીફની સંરચના જાળવીને એવી અભૂતપૂર્વ ખૂબીથી ઢાળ્યું છે કે ચારેય શેર સ્વતંત્ર અને પરસ્પર પર નિરાલંબ પણ બન્યા છે, અને આખી ગઝલને એક જ શ્વાસે વાંચતા અલગ જ પ્રકારનો કાવ્યપદાર્થ પણ હાથ આવે છે. હા, ઉચ્છવાસમાં તાજગી ભરવાની વાત કે ધૂસરસર હવા હોવાની વાત પ્રતીતિકર જણાતી નથી, કારણ આ બંને બીના શ્વાસ સાથે વધુ સુસંગત ગણાય.
શીર્ષક અને પેટાશીર્ષક બાબત્નો કોયડો ઉકેલવાનું લયસ્તરોના સુજ્ઞ ભાવકો પર છોડીએ તો?


ધીરૂ said,
September 26, 2026 @ 11:54 AM
♦️. પ્રયોગાત્મકતા આવકાર્ય છે, પરંતુ તે કાવ્યતત્વના ભોગે ન હોવી જોઈએ.
♦️માત્ર કાફિયા મેળવી દેવા કે વાક્ય પૂરું કરી દેવું એ ગઝલ નથી. ગઝલ એ કથનની એવી કળા છે જ્યાં બહુ ઓછા શબ્દોમાં, એક અપ્રત્યાશિત ચમત્કૃતિ કે ગૂઢ અર્થ સાથે વાત પૂરી થાય.
આ રચના એક કાવ્યાત્મક ગદ્ય કે છંદોબદ્ધ પંક્તિઓ ચોક્કસ બની શકે, પણ એમાં ગઝલ તરીકેની ‘શેરીયત’ અને ‘ચોટ’નો સ્પષ્ટ અભાવ દેખાય છે..
રચનામાં ‘હરીતિમ’, ‘ગ્રીષ્મની પીળી-પચક’, ‘કિંશુક’, ‘આર્દ્ર મિટ્ટી’ જેવાં સુંદર પ્રતીકો અને શબ્દો છે ખરા, પરંતુ આ શબ્દો માત્ર એક ચિત્ર ઊભું કરીને અટકી જાય છે; તેમાંથી કોઈ ઊંડી સંવેદના, દર્શન કે વિરોધાભાસ ઉપસતો નથી.
“ઉચ્છવાસમાં”, “મધુમાસમાં”, “વાતાસમાં”, “શ્વાસમાં” જેવા કાફિયા મેળવવામાં આવ્યા છે, પરંતુ શેરનો વિષય કે ભાવ એ કાફિયા તરફ કુદરતી રીતે વહેતો નથી.
પ્રયોગાત્મક ગઝલ તરીકે દરેક શેરને માત્ર એક ચોક્કસ વાક્ય-રચનામાં જ બાંધી રાખવાના આગ્રહને કારણે રચનાત્વ ક્યાંક કૂંઠિત થઈ ગયું છે.
ઉદાહરણ..
“આર્દ્ર મિટ્ટીની સઘન સૌરભ વહી
આવતી, ભળતી જતી મુજ શ્વાસમાં.”
આ બે પંક્તિઓ માત્ર એક વાતાવરણનું વર્ણન કરે છે (કે ભીની માટીની સુગંધ શ્વાસમાં ભળે છે). આમાં અનુભૂતિ છે, પણ કાવ્યાત્મક ચોટ નથી.
જો આ જ ભાવમાં શેરિયત આણવી હોય તો વાક્યમાં કોઈ વિરોધાભાસ, સરપ્રાઈઝ કે ઊંડો ભાવ હોવો જોઈએ—જેમ કે કોરા અસ્તિત્વમાં અચાનક પ્રકૃતિનો પ્રવેશ થવો અથવા સ્મૃતિઓનું જાગવું.
Pravin Shah said,
September 26, 2026 @ 12:13 PM
સાંદ્રનો એક અર્થ થાય છે- રમ્ય, મનોહર.
કવિએ પ્રસ્તુત ગઝલમાં ચાર મનોહર ને રમ્ય દ્રશ્યો ઉપસાવ્યા છે જેમ કે હરીતિમ ઘાસ, ગ્રીષ્મની પીળી-પચક જીર્ણ ધૂસરસર હવા, સ્વપ્નનું કિંશુક બની ખીલવું, આર્દ્ર માટીની સઘન સૌરભનું વહી આવવું. તેથી તેમણે શીર્ષક આપ્યું ‘સાંદ્ર ગઝલ’
સાંદ્રનો અર્થ બીજો અર્થ થાય છે- ગીચોગીચ ભરેલું
કાવ્યમાંથી બીજું કંઈ ના મળે તોય પણ રદીફ, કાફિયા, દ્રશ્યો વગેરે એક જ વાક્યમાં ગીચોગીચ ભરી દીધા હોય એમ નથી લાગતું. તેથી શીર્ષક- ‘સાંદ્ર ગઝલ’
નભ મધ્યે- કવિએ ગઝલના નભ મધ્યે જે નયન રમ્ય અને મનોહર વાતાવરણ ઉપસાવ્યું છે તે જોતાં શીર્ષક સાર્થક લાગે છે.
– ઉચ્છવાસ એ તો ઊર્ધ્વ ક્રિયા છે, તેમાં કંઈ લેવા કે ભરવાનું ના હોય, કંઈક આપવાનું હોય.કવિએ આ ભૂલ મકતાના શેરમાં સુધારી લાગે છે.
બીજા શેરમાં કયા મધુમાસની વાત છે ? સમજાતું નથી.
સ્વપ્નનું કિંશુક બનીને પુનઃ ગન્ધી જવું- કેમ પુન: ? સ્વપ્ન તો એક જ સમયના હોય ને !
ગઝલના મનોરમ્ય દ્રશ્યો માણવા જેવા તો ખરા
HARIN said,
September 26, 2026 @ 12:37 PM
સરસ અને સફળ પ્રયોગ.
Kishor Ahya said,
September 26, 2026 @ 5:59 PM
કવિ શ્રી શિલ્પીન થાનકી એ પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેનો અદૃશ્ય પ્રેમ મધુમાસમા મનુષ્યને કેવી ઉર્જા પ્રદાન કરે છે તે ‘નભસ્મધ્યે ‘ (સાન્દ્ર ગઝલ) ના ચાર શેરમાં સરસ રીતે પ્રગટ કર્યું છે.
મીઠો મહિનો એટલે મધુમાસ. સામાન્યરીતે વસંત ઋતુ મધુમાસ તરીકે ઓળખાય છે પણ જોવા જઈએ તો ધરતીની પ્યાસ બુઝાવતો, વરસાદ લાવતો જેઠ અથવા અષાઢ પણ મધુમાસ જ છે. વસંત ને પોતાનું સૌંદર્ય છે તેમ વર્ષાઋતુને પોતાનું અલગ સૌંદર્ય છે. સૌંદર્ય તો છે જ પણ વર્ષા તો ધરતીપરની સૃષ્ટિના પ્રાણ છે એટલે એ મહા મધુમાસ! ઉનાળો પૂરો થવા જઇ રહ્યો છે વર્ષાનું આગમન થયું છે એવો આ સમય છે
“છે હજીય ગ્રીષ્મની પીળી-પચક
જીર્ણ ધૂસરસર હવા, મધુમાસમાં”
લીલું ઘાસ લહેરાય રહ્યું છે કવિ કહે છે.
“એક પળ ઠહરું, હરીતિમ ઘાસમાં-
-થી ભરી લૌં તાજગી, ઉચ્છવાસમાં”
ગંધને શ્વાસ સાથે સંબંધ પણ તાજગી માટે શ્વાસ, ઉચ્છવાસ બંને સરખા. ભરીલો તાજગી ઉચ્છવાસમાં !
“સ્વપ્ન જે ખીલ્યાં હતાં કિંશુક બની
ને, પુનઃ ગન્ધી જશે, વાતાસમાં” કેસૂડો ખીલે એમ સ્વપ્નો ખીલ્યા હતા, આ સ્વપ્નો સાકર થઈને (વર્ષા થતા) પુન: વાતાવરણને(જીવનને) મહેકાવશે. કવિએ છેલ્લા શેરમાં જે કહ્યું છે તે મજા તો દરેકે માણી જ હશે.
“આર્દ્ર મિટ્ટીની સઘન સૌરભ વહી
આવતી, ભળતી જતી મુજ શ્વાસમાં.”
ભીની માટીની સઘન સુગંધ ,શ્વાસમાં ભળી જાય છે. ઘડીભર ઋતુઓની યાદ અપાવી જતા બધા શેર માણવા જેવા છે. ગઝલ ગમી.
શ્રી વિવેકભાઇએ ખુબજ સરસ ગઝલ પસંદ કરી છે.આસ્વાદ આપતા શ્રી વિવેકભાઈ એ લખ્યું છે. “ચાર શેરની આ ગઝલ શેરોપરાંત એક સળંગ વાક્ય છે એ આખી બાબત જ ર.પા.ના ધ્યાનબહાર રહી ગઈ હતી.” ભાગ્યેજ કોઈના ધ્યાનમાં આવે એવી ગઝલની આ વિશેષતા છે. આ વિશેષતા શ્રી વિવેકભાઈના ધ્યાને આવી એ મજાની વાત છે.
🌹🌹🌹🌹
Mita GM said,
September 27, 2026 @ 12:15 AM
નવો પ્રયોગ આવકાર્ય
Shailesh Gadhavi said,
September 27, 2026 @ 10:06 AM
ઘાસમાં- થી નવતર પ્રયોગ 👍👍👍
જિજ્ઞાસા યુ જોષી 'શુક' said,
September 28, 2026 @ 10:55 AM
ખૂબ સરસ
Suresh Parmar said,
September 28, 2026 @ 1:02 PM
👍🌹🙏
Varij Luhar said,
September 28, 2026 @ 11:29 PM
વાહ. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ
DILIP DHOLAKIYA SHYAM said,
October 2, 2026 @ 2:27 PM
ખૂબ જ સુંદર નવતર પ્રયોગ. નિશ્ચિત માર્ગથી ફંટાઈને નવું કરવાની પણ એક મજા છે. કવિ શ્રીએ સળંગ વાક્યને છંદ બંધારણમાં ક્ષતિ વગર આલેખ્યું છે. કવિ શ્રીને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સહ વંદન..🙏
Ramesh Maru said,
October 2, 2026 @ 2:29 PM
વાહ 👌🏻👌🏻