નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથી હું.
– રેખા જોશી

ખમ્મા ઘણી… – દિલીપ ધોળકિયા ‘શ્યામ’

મૌન તારા સાદને ખમ્મા ઘણી,
આ નીરવ સંવાદને ખમ્મા ઘણી.

રોજ ટપકીને જગાડે રાતભર,
તુજ નઠારી યાદને ખમ્મા ઘણી.

એક પૂરવ, એક આથમણો રહ્યો,
જૂજવા આ વાદને ખમ્મા ઘણી.

ભર ઉનાળે માવઠાં સમ બેસતા,
યાદના વરસાદને ખમ્મા ઘણી.

છોડ ખોટી વાહવાહીની રમત,
વાહથી બરબાદને ખમ્મા ઘણી.

શ્વાસમાં રમતો રહી ગુંજ્યા કરે,
નાભિ ઘૂમતા નાદને ખમ્મા ઘણી.

ચાલતા ચકડોળથી છટકી ગયો,
કો’ક એ અપવાદને ખમ્મા ઘણી.

– દિલીપ ધોળકિયા ‘શ્યામ’

શહેરમાં રહેતા લોકો કોઈ છીંક ખાય અને ‘બ્લેસ યૂ’ કહે, પણ કાઠિયાવાડમાં તો વાતે વાતે ‘ખમ્મા ઘણી’ સંભળાય. આમ તો ‘ખમ્મા’ શબ્દ ‘ક્ષમા’ પરથી બન્યો છે, પણ કોઈને આપણે ‘ઘણી ખમ્મા’ કહીએ ત્યારે માફી માંગવા કરતાં એનું ક્ષેમકુશળ ઇચ્છતા હોવાનો ભાવ વધુ વ્યક્ત થાય છે. સૌરાષ્ટ્રના સહજ ઉદગારને ગઝલની રદીફમાં વણી લઈને કવિએ સરસ મજાની ગઝલ આપી છે. મૌનનો અવાજ સાંભળી શકે અને એની સાથે મૌન સંવાદ પણ સાધી શકે એ જ માણસ કવિ બને, પણ અહીં કવિ કેવળ મૌનના અવાજને સાંભળતા જ નથી, એની ખેરિયત પણ પ્રાર્થે છે, પરિણામે શેર સિદ્ધ થાય છે. રાતભર ઉજાગરા કરાવતી નઠારી યાદનુંય કવિ ભલું જ ઇચ્છે છે અને સૉશ્યલ મિડિયા પર પ્રચલિત જેવી ખોટી વાહવાહીને હકીકત ઘણી લઈ બરબાદ થઈ જનારનુંય કવિ કલ્યાણ ઝંખે છે. ગાડરિયા પ્રવાહ જેવી ગતાનુગતિક ચિત્તવૃત્તિથી આઝાદ થઈ પોતાની રાહ પોતે કંડારનારને બિરદાવતો આખરી શેર તો સવિશેષ ગમી જાય એવો છે.

19 Comments »

  1. ધ્રુવ કુમાર said,

    September 11, 2026 @ 12:54 PM

    આખી ગઝલમાં કમ સે કમ,એક શેર તો સારો હોય એવી ગઝલ મૂકો…
    . આ ગઝલમાં ‘ખમ્મા ઘણી’ જેવી લોકઢાળની રદીફ વાપરીને વાચકને આકર્ષવાનો પ્રયાસ થયો છે, પણ ગઝલનો ખરી આત્મા—જે ‘ચોટ’ (Punchline) અને તાર્કિક સંગતતા માં રહેલો છે—તે આખી રચનામાંથી ગાયબ છે.

    . કવિએ પ્રાસ (સંવાદ, યાદ, વાદ, વરસાદ, બરબાદ, નાદ, અપવાદ) મેળવવાની ઘેલછામાં અર્થ અને કલ્પનોની બલિહારી આપી દીધી છે.
    આ રચનાને ગઝલ કહેવા કરતાં ‘પ્રાસયુક્ત શબ્દોની રમત’ કહેવી વધુ યોગ્ય ગણાશે.

  2. DILIP DHOLAKIYA SHYAM said,

    September 11, 2026 @ 1:14 PM

    મારી રચનાને રજૂ કરવા બદલ..ખૂબ ખૂબ આભાર.. 🙏

  3. હરીશ દાસાણી.મુંબઈ said,

    September 11, 2026 @ 1:31 PM

    ખૂબ સરસ ગઝલ

  4. વિજય રાજ્યગુરુ said,

    September 11, 2026 @ 1:40 PM

    ગમી ગઝલ

  5. Rakesh Thaker said,

    September 11, 2026 @ 4:51 PM

    વાહ ખૂબ સરસ છઠ્ઠો શેર લાજવાબ….શ્યામ ને ખમ્મા ઘણી

  6. Kishor Ahya said,

    September 11, 2026 @ 6:23 PM

    સંત શ્રી કબીરદાસનો પ્રખ્યાત દુહો છે..
    “ચલતી ચાકી દેખ કે, દીયા કબીરા રોય |
    દુઇ પાટન કે બીચ મેં, સાબુત બચા ન કોય ||”

    કમાલસાહેબ કહે છે
    “ચાકી ચાલે ચલન દો, કીલા સે ચિત લાય |
    કીલા હૂં સે જો લગે, તાકો કાલ ન ખાય ||’

    ઘંટી વચ્ચેની કીલ જે પકડી લે છે,( સ્વયંમાં હોવું ) તે કાળથી બચી જાય છે. છેલ્લા શેરમાં કવિ આજ વાત કહે છે..

    “ચાલતા ચકડોળથી છટકી ગયો,
    કો’ક એ અપવાદને ખમ્મા ઘણી.”
    વાહ કવિ! ગઝલના બધાજ શેર મનુષ્યમાં રહેલી પ્રેમ ભાવનાને ઉજાગર કરે છે.

    “શ્વાસમાં રમતો રહી ગુંજ્યા કરે,
    નાભિ ઘૂમતા નાદને ખમ્મા ઘણી”
    કવિ અહીં નાભિ ઘુમતા નાદ એટલે કે ઓહ્મ શબ્દના નાદ વિષે કહે છે. ઓહ્મ ને બ્રહ્મનાદ પણ કહે છે.

    નાનકડો દીકરો પડી જવાથી રડવા માંડે અને માં જ્યારે ‘ખમ્મા’ ‘ખમ્મા ‘ ઉચ્ચારી માથા પર હાથ મૂકે ત્યારે ઘડીક વાર પવન પણ જોવા રોકાય જાય!

    “રોજ ટપકીને જગાડે રાતભર,
    તુજ નઠારી યાદને ખમ્મા ઘણી.” શ્રી વિવેકભાઈએ આસ્વાદમાં લખ્યું છે,રાતભર ઉજાગરા કરાવતી નઠારી યાદનુંય કવિ ભલું જ ઇચ્છે છે. કવિ કહે છે એક બીજાની ભૂલો ખમાંવી દો! જાણે નવો જન્મ!

    નિંદક નિંદા કર્યા કરે, જેવો જેનો ભાવ
    કથા એકની એક છે, ખમ્મા કેજો જાવ.

    સતત નિંદા કરતા મનુષ્યોને ખમાવી દેવાનો શેરમાં સરસ ભાવ બન્યો છે.

    ‘ખમ્મા ઘણી ‘કવિ શ્રી દિલીપ ધોળકિયા ‘શ્યામ’ ની ખૂબ સરસ ગઝલ છે. શ્રી વિવેકભાઇએ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  7. જ્યોતિ રામાણી said,

    September 12, 2026 @ 5:53 AM

    ખુબ સરસ… ભાવવાહી ગઝલ. ખમ્મા ઘણી 👌

  8. વિવેક said,

    September 12, 2026 @ 5:38 PM

    @ ધૃવ કુમાર:

    લયસ્તરો પરની એકેય રચના આપની ક્ષમતા બરની નથી એ વિશે રોજેરોજ વાંચીને ખેદ અનુભવું છું. દરેક વાતમાંથી કેવળ ખોડખાંપણ જ જોવાનું નક્કી કરી દીધું હોય તો કાન્તના સાગર અને શશીમાંય શવ્દોનો નકરો વિલાસ જ નજરે ચડે અને રાવજીના આભાસી મૃત્યુના ગીતમાંય વેદનાનો વલોપાત જ સંભળાય.

    આંખેથી વાંકદર્શનના ચશ્માં ન ઉતારીએ ત્યાં સુધી ગુણ નજરે નહીં ચડે એના માટે ગુજરાતીમાં એક કહેવત છે -કમળો હોય એને પીળું દેખાય.

    યેનકેન પ્રકારે દૂધમાંથી પોરાં જ કાઢવા હોય તો આ કહેવતમાંથી પણ કાઢી શકાય. કારણ કે વૈજ્ઞાનિક તથ્ય તો એ છે કે જેને કમળો થયો હોય એની આંખ અને ડિલ સામાને પીળા દેખાય. કમળો થયો હોય એની નજર તો સાફ જ હોય…

    આપ જો કવિતા કરતા હોવ કે ગદ્ય લખતા હોય તો અમને પણ એનો લાભ આપો, જેથી અમને ખ્યાલ તો આવે કે સાચું અને સારું સાહિત્ય કોને કહેવાય!

    અસ્તુ!

  9. DILIP DHOLAKIYA SHYAM said,

    September 13, 2026 @ 11:45 AM

    આદરણીય કવિ શ્રી વિવેકભાઈ.. તથા સૌ ભાવક અને સર્જક મિત્રો.. આપ સૌએ મારી રચનાને આવકારી તે બદલ આપ સૌનો આભારી છું.. આપનો સ્નેહ સદૈવ મળતો રહે..🙏

  10. DILIPKUMAR CHAVDA said,

    September 13, 2026 @ 12:07 PM

    ભર ઉનાળે માવઠાં સમ બેસતા,
    યાદના વરસાદને ખમ્મા ઘણી.

    સવિશેષ ગમ્યો
    સારી ગઝલ છે..

  11. Preeti Pujara said,

    September 13, 2026 @ 3:53 PM

    આ ગઝલમાં કવિએ મૌન, સ્મૃતિ, આંતરિક સંવાદ અને આત્મચિંતન જેવા સૂક્ષ્મ ભાવોને અત્યંત સંવેદનશીલ રીતે વ્યક્ત કર્યા છે. “ખમ્મા ઘણી” જેવી રાજસ્થાની અભિવ્યક્તિ અહીં માત્ર અભિવાદન નથી, પરંતુ જીવનમાં મળેલા સુખદુઃખ, યાદો, નાદ અને અનુભવો પ્રત્યેની કૃતજ્ઞતા બનીને ઊભરી આવે છે. “રોજ ટપકીને જગાડે રાતભર, તુજ નઠારી યાદને ખમ્મા ઘણી” જેવા શેરમાં સ્મરણની વ્યથા અને મીઠાશ એકસાથે અનુભવી શકાય છે. “ભર ઉનાળે માવઠાં સમ બેસતા, યાદના વરસાદને ખમ્મા ઘણી”માં યાદોને ઉનાળાની વચ્ચે વરસતા માવઠાંનું રૂપક આપીને ભાવની તાજગી સર્જાઈ છે. અંતરના અનહદ નાદ, જીવનના ચકડોળમાંથી મળેલા અપવાદરૂપ વિરામ અને ખોટી વાહવાહીના વિનાશક પરિણામો જેવા વિવિધ અનુભવોને કવિએ સહજ ભાષામાં ગહન અર્થવત્તા આપી છે. રદીફ “ખમ્મા ઘણી” ગઝલને અનોખી લય અને ભાવાત્મક એકતા આપે છે, જ્યારે સરળ અભિવ્યક્તિમાં રહેલી આધ્યાત્મિક ઊંડાઈ આ રચનાને વિશિષ્ટ બનાવે છે.

  12. રેણુકા દવે said,

    September 13, 2026 @ 5:51 PM

    કોક એ અપવાદ ને ખમ્મા ઘણી !
    વાહ વાહ અને વાહ…ઉમદા શેર

  13. Geeta Pandya said,

    September 13, 2026 @ 6:28 PM

    ખૂબ સરસ, ગમી ગઝલ…લયસ્તરને ઘણી ખમ્મા!

  14. ઘનશ્યામ ગઢવી "અનહદ" કવિરાજ said,

    September 13, 2026 @ 10:58 PM

    દિલીપ ધોળકિયા સાહેબે આ ગઝલ ને એક અલગ જ અંદાજ મા ભાવનાત્મક રીતે રજૂ કરી છે
    સદભાવ ના સુખાકારી અને સર્વ ને શુભ નિવડે તેવા ભાવ થી ” ઘણી ખમ્મા ” શબ્દ નો પ્રયોગ કરી પોતાના દિલની ગઝલ સ્વરુપે અભિવ્યકત કરી છે. ખુબ સુંદર. અભિનંદન. સાહેબ. 🌹🙏

  15. વિવેક said,

    September 14, 2026 @ 12:23 PM

    સમય ફાળવીને લયસ્તરો પર પોતાના પ્રતિભાવો આપનાર સહૃદય ભાવકોનો દિલથી આભાર….

  16. ramesh maru said,

    September 14, 2026 @ 5:09 PM

    કવિશ્રી ‘શ્યામ’ની રચના ગમી… વિવેકસરનો વિવેકી જવાબ પણ એટલો જ ગમ્યો.

  17. રાજેન્દ્ર ભટ્ટ said,

    September 14, 2026 @ 5:42 PM

    વાહ કવિ વાહ દિલીપ ધોળકિયા ને ખમ્મા ઘણી

  18. મનીષા આર. દુધાત " મનમંદિર" said,

    September 19, 2026 @ 12:11 PM

    દિલીપજી, આપની શબ્દ સરીતા વાંચીને મજા પડી ગઈ…. આપની ગઝલો અને સાહિત્ય યાત્રાને ખમ્મા ઘણી…. છોડ ખોટી વાહવાહી…. સુંદર શેરીયત…..અભિનંદન

  19. Shailesh Gadhavi said,

    September 19, 2026 @ 1:03 PM

    સરસ ગઝલ💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment