રંગતાળી ગરબા-ગઝલ – જવાહર બક્ષી
એક વાગી અજાણી તાળી કે રંગમાં રંગતાળી,
એક અણદીઠ સૂરત ભાળી કે રંગમાં રંગતાળી.
કેમ રોકાય તાળી રોકે પળમાં જ પહોંચી ત્રિલોકે,
સાવ અમથી જરા ઉલાળી કે રંગમાં રંગતાળી.
દ્વાર દસ દસ દિશાનાં ઝૂલે કૈં અવનવાં દૃશ્ય ખૂલે,
હું તો બેઠો પલાંઠી વાળી કે રંગમાં રંગતાળી.
રંગબેરંગ આખીય સૃષ્ટિ કે માત્ર મારી જ દૃષ્ટિ?
ઓગળી ગઈ કે પાછી વાળી કે રંગમાં રંગતાળી
– જવાહર બક્ષી
ગુજરાતી કવિતા કે સાહિત્યમાં સહેજ પણ રસ ન હોય તોય ‘રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી’ -શ્રી વલ્લભ ભટ્ટના આ ગરબાથી અજાણ હોય એવો ગુજરાતી મળવો મુશ્કેલ છે. પ્રસ્તુત ગરબા-ગઝલમાં કવિએ ગરબાની ધ્રુવપંક્તિને રદીફ બનાવીને ગરવાના ઢાળમાં જ સ-રસ ગઝલ કહી છે. પણ આ રંગ ‘મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો’વાળો ભગવો રંગ છે. તાળી લાગી જવી એટલે ધ્યાન લાગી જવું. અહીં જે અજાણી તાળી લાગવાની વાત છે એ પણ પરમ ચેતના સાથે સુરતા જોડાવાની વાત છે. કરમણ ભગત જેવા અનેક ભક્તા કવિઓએ તાળી લાગવાનો મહિમા કર્યો છે:‘આંખમાં એવાં તો આંજણ આંજ્યાં કે તનડામાં તાળી લાગી ગઈ,’ ‘ત્રિકુટિમાં લાગી મુંને તાળી.’દરેક શેરના ઉલા મિસરામાં આંતર્પ્રાસગુંથણીના કારણે કૃતિમાં ગરબામાં હીચ લેતા હોઈએ એવી પ્રવાહિતા પણ ઉમેરાઈ છે. ઈશ્વર સાથે તાર જોડાઈ ગયા બાદ આખી સૃષ્ટિ રંગબેરંગી પ્રતીત થાય છે. આ પ્રતીતિ કેવળ સ્વયંની દૃષ્ટિનો કમળો જ હોય તોય હવે ફરક નથી પડતો, કારણ નજર ચરમ ચેતનામાં ઓગળી ગઈ હોય કે ભીતર પાછી વળી ગઈ હોય, હવે બધું એકસમાન છે.


Kishor Ahya said,
September 16, 2026 @ 6:32 PM
રંગ તાળી રંગ તાળી રે રંગમાં રંગ તાળી. બધા સાજ એક બાજુ, અને એક બાજુ તાળી! તાળી પાડી ગીત ભજન ગાવામાં જે મજા છે તે બીજે ક્યાંય ન મળે! કવિશ્રી જવાહર બક્ષીની આધ્યાત્મિક ભાવ દૃષ્ટિ વાળી ગઝલ ‘રંગતાળી ગરબા’ ખૂબ ગમી. ગઝલ સરળ ભાષામાં સમજાય તેવી છે.
“રંગબેરંગ આખીય સૃષ્ટિ કે માત્ર મારી જ દૃષ્ટિ?
ઓગળી ગઈ કે પાછી વાળી કે રંગમાં રંગતાળી”
આસ્વાદ આપતા શ્રી વિવેકભાઈએ લખ્યું છે, “નજર ચરમ ચેતનામાં ઓગળી ગઈ હોય કે ભીતર પાછી વળી ગઈ હોય, હવે બધું એકસમાન છે.”અહીં એક અર્થ દૃષ્ટિ અગોચરમાં ઓગળી ગઈ કે પાછી વાળી એટલે કે ફરી સંસાર તરફ વાળી એવો પણ કરી શકાય કેમકે અગોચરમાં ઓગળી જવું એજ દૃષ્ટિનું ભીતર વળવું છે. દૃષ્ટિની દિશા બદલાય, બાહ્યદૃષ્ટિના બદલે દૃષ્ટિ ભીતર તરફ વળે ત્યારેજ બધું રંગ બેરંગી દેખાય છે પણ અહીં આ અર્થની ચોક્કસતા માટે પાછી વાળી પછી આશ્ચર્ય ચિન્હ હોવું જરૂરી હતું, જે નથી તેમજ એક વખત આત્મ અનુભવ થયા બાદ દૃષ્ટિનું સંસાર તરફ વળવું એ વાત પણ ઠીક બેસતી નથી તેથી શ્રી વિવેકભાઈએ મુકેલ અર્થ વધુ યોગ્ય, વધુ સરસ છે.
શ્રી વિવેકભાઈએ ગઝલની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે. રચના ભલે ગઝલ સ્વરૂપની હોય પણ ગીત સ્વરૂપે ગાઈ પણ શકાય તેવી બની ગઈ છે. બહુ સરસ.
🌹🌹🌹🌹
Reena Parikh said,
September 16, 2026 @ 10:22 PM
અતિશય સુંદર!🙏🏻💐
છેલ્લો શેર કમાલ! 🙏🏻🙏🏻
લયસ્તરો – Layastaro.com » દેખ કબીરા રોય – લલિત ત્રિવેદી said,
September 17, 2026 @ 10:50 AM
[…] આપણે એક ગરબા-ગઝલનો આસ્વાદ કર્યો.. આજે એક દોહા-ગઝલ માણીએ. […]
Suresh Parmar said,
September 21, 2026 @ 12:40 PM
खूब सरस।🌹👍🙏
Devendra Shah said,
September 21, 2026 @ 2:02 PM
🙏🙏 પ્રભુ, સુપર્બ પ્રસાદ, આભાર, પ્રણામ.🙏🙏
Shailesh Gadhavi said,
September 21, 2026 @ 8:10 PM
બહુ સરસ પ્રયોગ.. 💐
ramesh maru said,
September 24, 2026 @ 1:09 PM
વાહ 👌🏻👌🏻