પથ્થરની કાયામાં – અનિલ જોશી
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી પગલીથી ચિતરાયાં ફળિયાં
રમકડાંના મોરલા ગહેક્યા કરે ને ઊડ્યાં વાદળાં બનીને મારાં નળિયાં
મારા કમખામાં ચોમાસું એવું બેઠું કે હવે સહરાના કાંઠાયે છલકે
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
પંખા ઉપર કોઈ માળો ન બાંધશો પંખો ફરશે ને વિખરાશે
રમકડાંના મોરલા ગહેકશે નહીં અને ફળિયામાં પગલી ખોવાશે
મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ એનાં પાંદડાંઓ ડાળમાંથી સરકે
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
– અનિલ જોશી
વરસો પહેલાં ‘દે તાલ્લી’ ઑડિયો કેસેટમાં આ ગીત પહેલવહેલીવાર સાંભળ્યું હતું. પ્રથમ શ્રવણે જ આ ગીતે મને કાયમ માટે ઝાલી લીધો હતો. રાજેન્દ્ર ઝવેરીના સંગીત-સ્વરાંકન અને તૃપ્તિ છાયાનો સ્વર હજી આજેય અંતરમનમાં એવાં ને એવાં જ તરોતાજા છે. આટઆટલા વરસથી આ ગીત લયસ્તરો પર કેમ નહોતું એ જ આશ્ચર્ય. એક પંક્તિનું મુખડું એ પોતે જ એક સુવાંગ ગીત જેવું છે. એ એક પંક્તિમાં કવિએ જે કહી દીધું છે એ કહેવા માટે બે શું, બાવીસ અંતરા પણ ઓછા પડે.
ગીતનાયિકાના જીવનમાં પ્રણયનો પ્રથમ સંસ્પર્શ થયા પછીની અનુભૂતિનું આ ગીત છે. જડ કાયામાં અચાનક સંવેદનાઓ જાગી ઊઠી છે. અને તે કેવી? તો કે, પાલવમાં ગૂંથેલા ફૂલ, પગલી, રમકડાંના મોર, ઘરનાં નળિયાં અને કમખો-આ તમામ જીવંત થઈ ઊઠ્યાં છે. પણ ઉત્સાહનું વાવાઝોડું સાવધાનીને પણ સાથે ઘસડી લાવ્યું છે. પ્રણયસંબંધ પંખા પર બાંધેલા માળા જેવો નાજુક છે, પંખો ફર્યો નથી કે… અહીંથી આખું ગીત રિવર્સ ઓર્ડરમાં પરત ફરે છે… જે સીંચી સીંચીને હૈયાને પ્રણયપ્લાવિત કર્યું હતું, એ જળ જળ ન હોય ને મૃગજળ નીકળે તો?

Vrajlal Savaliya said,
October 3, 2026 @ 11:07 AM
વાહ સજીવારોપણ અલંકૃત કવિતા સંજીવ થઈને ઉગી હોય એવી સત્યતાની પ્રતિતિ કરાવી જાય છે
Kishor Ahya said,
October 3, 2026 @ 6:37 PM
નાઇકાના પ્રથમ પ્રણય અનુભવની સુંદર વાત કવિએ કરી છે. રિવાજ મુજબ નાઇકાના કંકુ પગલાં ઘરમાં થયેલા છે. નાયિકાએ જે વસ્ત્રો પહેર્યા છે એમાં ફૂલો ચીતરેલા છે નાયકને એવું લાગે છે જાણે ચીતરેલાફૂલોમાં સુગંધ ઊઠી રહી છે! એવું લાગે છે જાણે રમકડાના મોર ટહુકી રહ્યા હોય! પથ્થર જેવા શરીરમાં વેલીમાં પાંદડા ફરકે(જાણે કે વસંત આવી )એવું લાગે જાણે કે ચોમાસું બેઠું! રણ છલકાય ગયા! કેવો મધુરો અનુભવ ! વાહ! વાહ! પણ સાથોસાથ કવિ એક સોનેરી સલાહ પણ આપે છે.
“પંખા ઉપર કોઈ માળો ન બાંધશો પંખો ફરશે ને વિખરાશે
રમકડાંના મોરલા ગહેકશે નહીં અને ફળિયામાં પગલી ખોવાશે’
જ્યાં સ્થિરતા નથી ત્યાં હૃદય ના જોડશો કેમકે સ્થિરતા ખોવાસે તો મોર નહીં ટહુકે અને પગલી ખોવાઈ જશે!
“મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ એનાં પાંદડાંઓ ડાળમાંથી સરકે’ જ્યાં કઈ નથી ત્યાંથી મૃગજળ એટલે કે (સંસારમાંથી)અમે જીવનને સિંચ્યું છે ,
વેલના પાંદડાઓ ડાળમાંથી સરકે’ તો જીવન નામુખ્ય આયામો,( જીવનની ક્ષમતા અથવા જીવનનો ધ્યેય જીવનની ધારાથી વિપરીત સરકી જશે.
શ્રી વિવેકભાઈએ કાવ્યની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.કાવ્યના શબ્દો કંઠ અને સંગીતથી મઢ્યા છે એ માણવાની મજા પડી.
🌹🌹🌹🌹
Peeyush Bhatt said,
October 3, 2026 @ 11:08 PM
ધણાં વર્ષો પહેલાં કાંતિ મડિયાનાં દિગ્દર્શન હેઠળ આઈ.એન.ટી. નાં એક નાટકનું શિર્ષક આ ગીત ની પંક્તિ પરથી લેવામાં આવેલ, એવું યાદ આવે છે. પ્રથમ પ્રેમની રણઝણતી ઉર્મીઓની અનુભૂતિનું આ ગીત મનહર છે.
વાહ, અનિલ’દા નાં આ ગીતમાં કેટલાં સરસ ચિત્રો છે? જાણે પથ્થર અને વેલ વચ્ચે આખું ગીત ઝૂલ્યા કરે છે.ગીતનું મુખડું જ જાણે અચંબો, કાવ્ય નાયિકા પોતે પથ્થર જેવી કઠણ, લાગણી વગરની પણ અંદર અંદર ક્યાંક પ્રેમની કૂંપળ ફૂટી છે, એનાં પર્ણો પણ ફરકે છે. અહીં પાલવમાં આળખેલું ફૂલ – એટલે હૈયે સાચવેલી યાદ તાજી થઈ. સુગંધ ફૂટી અને આખું ફળિયું ચિતરાઈ ગયું. આ અનિલ’દા નો શબ્દજાદુ.. ઘરનાં રમકડાંના મોરલા ટહુકે એટલે કે નિર્જીવ ઘર સજીવ થયું. નળિયાં વાદળ બનીને ઊડ્યાં મતલબ કે ઘરનું બંધિયાર પણું તૂટ્યું, મન ખુલ્લું આકાશ બની ગયું. વાહ, ઉત્કૃષ્ટ સજીવારોપણ અલંકારિક શૈલીમાં ગીતનો લય બંને બંધમાં ધબકે છે.
કમખાની અંદર ચોમાસું એટલું બધું ભરાયું છે કે રણનાં કાંઠા પણ છલકાય. કેટલો ઉત્કટ પ્રેમ.
આધુનિક જીવનનો પંખો – ઝડપ, પવન, યંત્ર – એ માળાને રહેવા નહીં દે. જો તમે આ કોમળ લાગણી પર સંસારનો પંખો ફેરવશો તો માળો વિખરાઈ જશે. જો એમ થયું તો પેલી જીવંતતા જતી રહેશે. ફળિયામાં પડેલી પગલી – પ્રેમની નિશાની – ખોવાઈ જશે.
મૃગજળ સીંચી ઉછેરી વેલ… એટલે કે ખોટી આશાથી, સપનાથી આ પ્રેમને જીવાડ્યો છે. એટલે એના પાંદડા ડાળ પરથી સરકી જાય છે, ટકતા નથી. આટલી નિખાલસ કબૂલાત અનિલ જોશી જ કરી શકે.
વાહ , પથ્થર થઈ ગયેલા માણસમાં ઉગેલી કોમળતાનું ગીત. વેલ પથ્થરમાંથી ફૂટી તો છે, પણ તેને કેટલો સમય સાચવી શકાશે, એનો ડર પણ છે. એટલે જ આ ખટ્ટ મીઠું ગેય ગીત ગણગણવાનું ગમે છે.
આ ગમતીલા ગીત નો મઘમઘતો આસ્વાદ વિવેકભાઈ એ કરાવી મોજ કરાવી. આનંદ સહ અભિનંદન.
Peeyush Bhatt said,
October 3, 2026 @ 11:21 PM
ધણાં વર્ષો પહેલાં કાંતિ મડિયાનાં દિગ્દર્શન હેઠળ આઈ.એન.ટી. નાં એક નાટકનું શિર્ષક આ ગીત ની પંક્તિ પરથી લેવામાં આવેલ, એવું યાદ આવે છે.
પ્રથમ પ્રેમની રણઝણતી ઉર્મીઓની અનુભૂતિનું આ ગીત મનહર છે.
વાહ, અનિલ’દા નાં આ ગીતમાં કેટલાં સરસ ચિત્રો છે? જાણે પથ્થર અને વેલ વચ્ચે આખું ગીત ઝૂલ્યા કરે છે.ગીતનું મુખડું જ જાણે અચંબો, કાવ્ય નાયિકા પોતે પથ્થર જેવી કઠણ, લાગણી વગરની પણ અંદર અંદર ક્યાંક પ્રેમની કૂંપળ ફૂટી છે, એનાં પર્ણો પણ ફરકે છે. અહીં પાલવમાં આળખેલું ફૂલ – એટલે હૈયે સાચવેલી યાદ તાજી થઈ. સુગંધ ફૂટી અને આખું ફળિયું ચિતરાઈ ગયું. આ અનિલ’દા નો શબ્દજાદુ.. ઘરનાં રમકડાંના મોરલા ટહુકે એટલે કે નિર્જીવ ઘર સજીવ થયું. નળિયાં વાદળ બનીને ઊડ્યાં મતલબ કે ઘરનું બંધિયાર પણું તૂટ્યું, મન ખુલ્લું આકાશ બની ગયું. વાહ, ઉત્કૃષ્ટ સજીવારોપણ અલંકારિક શૈલીમાં ગીતનો લય બંને બંધમાં ધબકે છે.
કમખાની અંદર ચોમાસું એટલું બધું ભરાયું છે કે રણનાં કાંઠા પણ છલકાય. કેટલો ઉત્કટ પ્રેમ.
આધુનિક જીવનનો પંખો – ઝડપ, પવન, યંત્ર – એ માળાને રહેવા નહીં દે. જો તમે આ કોમળ લાગણી પર સંસારનો પંખો ફેરવશો તો માળો વિખરાઈ જશે. જો એમ થયું તો પેલી જીવંતતા જતી રહેશે. ફળિયામાં પડેલી પગલી – પ્રેમની નિશાની – ખોવાઈ જશે.
મૃગજળ સીંચી ઉછેરી વેલ… એટલે કે ખોટી આશાથી, સપનાથી આ પ્રેમને જીવાડ્યો છે. એટલે એના પાંદડા ડાળ પરથી સરકી જાય છે, ટકતા નથી. આટલી નિખાલસ કબૂલાત અનિલ જોશી જ કરી શકે.
વાહ , પથ્થર થઈ ગયેલા માણસમાં ઉગેલી કોમળતાનું ગીત. વેલ પથ્થરમાંથી ફૂટી તો છે, પણ તેને કેટલો સમય સાચવી શકાશે, એનો ડર પણ છે. એટલે જ આ ખટ્ટ મીઠું ગેય ગીત ગણગણવાનું ગમે છે.
આ ગમતીલા ગીત નો મઘમઘતો આસ્વાદ વિવેકભાઈ એ કરાવી મોજ કરાવી. આનંદ સહ અભિનંદન..
Jigisha Desai said,
October 4, 2026 @ 6:16 PM
Khubsaras geet
Tanu patel said,
October 4, 2026 @ 8:33 PM
બહુ સરસ ગીત અને એટલો જ સરસ વિવેકભાઈ નો આસ્વાદ…
Suresh Parmar said,
October 5, 2026 @ 12:03 PM
સરસ ગીત 🌹👍🙏
Meena Parekh said,
October 5, 2026 @ 2:17 PM
વાહ સરસ
Ramesh Maru said,
October 5, 2026 @ 3:02 PM
વાહ 👌🏻👌🏻🙏🏻
Harihar Shukla said,
October 5, 2026 @ 5:23 PM
વાહ, મોજ.
jyoti Patel said,
October 5, 2026 @ 8:24 PM
Beautiful song👌👌…It so poetically captures how human nature brings up an inevitable caution to protect a bond that is beautiful yet fragile.vivek, your aaswad of how the song moves in reverse gear from romance to caution is true justice.
Devendra Shah said,
October 6, 2026 @ 7:25 AM
🙏🙏 પ્રભુ, સરસ, આભાર, પ્રણામ.🙏🙏