એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!
શૈલેશ ગઢવી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પથિક પરમાર

પથિક પરમાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રોષિતભર્તૃકાની ગઝલ – પથિક પરમાર

હું છવ અકરમી તૈં પિયુ બારે ગિયો છ બૈ,
વાણા વયા છ તોય ન ચ્યમ આવિયો છ બૈ?

‘લ્યી એય ગોવાલણિયું! ઊભી તો ર્યો ની જરી,
મારા ભેરુને ચ્યાંય તમે ભાળિયો છ બૈ?

નૈતર ન ડાબી આંખ થરુકે થરક-થરક,
લાગે છ દખનો ડુંગરો આવી રિયો છ બૈ!

બથમાં વલખતી રાત લઈને ઝૂર્યા કરું,
સૂરજને કુંણે છાબડીમાં ઢાંકિયો છ બૈ?

પૂરી કરીને કાપણી ખડકું કડબના ગંજ,
સેતર વચાળ કાંય રૂંવે ચાડિયો છ બૈ!

પાણી ભરેલ ભાંભલી રઈ હાથમાં, છતાં-
તરસી મરું ને કંઠમાં ભડકો થિયો છ બૈ!

– પથિક પરમાર

જેનો પતિ વિદેશ ગયો હોય એવી વિરહિણી તે પ્રોષિતભર્તૃકા. પ્રતીક્ષારત વિયોગિનીની આ ગઝલ ને તેય જાનપદી બોલીમાં. નાયિકા બઈ એટલે કે સહેલી અથવા સાસુ સાથે એકતરફી સંવાદ સાધે છે. એક જમાનો હતો જ્યારે બે પૈસા રળવા પતિદેવો બહારગામ કે વિદેશ જતા અને પત્નીઓ મહિનાના મહિનાઓ રાહ જોઈ સૂકાઈને કાંટો થતી. વહાણા6 વાઈ જવા છતાં ઘરે પરત ન ફરેલ પતિના વિદેશગમન પાછળ નાયિકાને તો એક જ કારણ ભળાય છે-પોતાનું અક્કરમી હોવું તે. ગોવાલણીઓને ઊભી રહેવા હાકલ કરતો શેર શેરકક્ષાએ પહોંચી શક્યો નથી, ડાબી આંખ ફરકે તો મનગમતી વ્યક્તિ આવવાની વકી ગણાય, પણ અહીં તો દુઃખનો ડુંગરો આવતો હોવાના ભણકારા થાય છે, મતલબ વહાલમ આવવાની વાત પરથી ભરોસો જ ઊઠી ગયો છે. સૂરજને કોઈએ છબડીથી ઢાંકી ન દીધો હોય, એમ જીવનમાં હવે એકધારી રાત જેવા અંધારા સિવાય કશું નથી. પોતે તરસી મરતી હોવા છતાં ને પાણી ભરેલ ભાંભલી નદી હાથવગી હોવા છતાં કંઠમાં ભડકા કરતી તરસ છિપાવી શકાતી નથી. હાથવગી નદી માટે કવિએ નદી હાથમાં જ હોય એવો કાવ્યાત્મક પ્રયોગ કર્યો છે.

Comments (14)

તો ખરા ! – ‘પથિક’ પરમાર

ઝાંઝવાને બાથ ભરો તો ખરા;
પેટમાં અજગર પાળો તો ખરા.

દીવડાને દૂર રાખી જ્યોતથી
અંધકારને ઉલેચો, તો ખરા.

પાનખરને આમ હડસેલો નહીં;
શક્યાતાને આવકારો, તો ખરા.

સામસામે જોઈ લેવું ઠીક છે;
ભીંત સોંસારવા નિહાળો તો ખરા.

ચાર પળનો ચટકો કયાંથી પાલવે?
શ્વાસના સંબધ રાખો, તો ખરા.

દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.

– ‘પથિક’ પરમાર

Comments (4)