બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગાંધીજી

ગાંધીજી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નમ્રતાના નિધિ હે! – મોહનદાસ કરમચંદ ગાંધી (અનુ. ઉમાશંકર જોશી)

દીન દુખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ, હજો સ્હાય તારી. … દીન૦

મન રહે મોકળાં, હૃદય ખુલ્લાં રહે,
હે હરિ! તાહરી નમ્રતા દે!
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે. …દીન૦

હે પ્રભુ! ધાય વ્હારે તું જ્યારે અરે,
થઈ રહે માનવી નમ્ર છેક;
અલગ પડીએ ન લોકોથી –દે એટલું,
મિત્ર-સેવક થવું એ જ ટેક. …દીન૦

આત્મ-બલિદાન, પ્રભુલીનતા, નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખૂબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા …દીન૦

– મોહનદાસ કરમચંદ ગાંધી (અંગ્રેજી)
(અનુ. ઉમાશંકર જોશી)

*

ગાંધીજીએ લખ્યું હતું: ‘હું જો કવિ હોઉં તો પાંચ આંગળીઓનું મહાકાવ્ય લખું.’ આ ઇચ્છા પોતે જ એક કવિતા સમી છે. ૧૯૩૪ની સાલમાં હૈદરાબાદ કલ્યાણ કેન્દ્રમાં કામ કરતાં કુ. લિનફર્થે એમની પાસે ‘સંદેશા’ની માગણી કરેલી. તેના ઉત્તરરૂપે ગાંધીજીએ અંગ્રેજીમાં સ્તોત્રકાવ્ય જેવો સંદેશો લખી મોકલાવ્યો હતો. ઉમાશંકર જોશીએ આ સંદેશાને પ્રભાતિયાના ઢાળમાં ઢાળી અનુવાદ કર્યો હતો, પણ એનાય બે ‘વર્ઝન’ જોવા મળે છે. ઉપર જે અનુવાદ છે એ ઉમાશંકર લિખિત ‘નિશ્ચેના મહેલમાં’ પુસ્તકમાં છે, અને નીચે જે અનુવાદ છે એ નટુભાઈ જી શાહ સંપાદિત ‘રોજેરોજની કવિતા’ પુસ્તકમાં છે. બંને અનુવાદનું કર્તૃત્વ તો ઉમાશંકર જોશીનું જ છે અને બંને અનુવાદ ઝૂલણા છંદમાં જ છે. આપણે બંને માણીએ. (મૂળ અંગ્રેજી સંદેશો નીચે કમેન્ટવિભાગમાં પોસ્ટ કર્યો છે.)

*

દીન દુખિયા તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

જાહ્નવી, બ્રહ્મપુત્રા તણાં જળ વડે
સરિત યમુના તણાં પુણ્ય ગહરાં
એહ સુંદર અહો દેશમાં શોધવા
સૌ મથીએ તને, સ્હાય તું થાય! …દીન૦

થાય મન મોકળાં, હૃદય ખુલ્લાં રહે,
હે હરિ! તારી નમ્રતા દે,
ભૂમિ ભારત તણાં લોકથી એક રસ,
થઈ જવા શક્તિ, મતિ ને સ્પૃહા દે! …દીન૦

હે પ્રભુ! સ્હાય તું થાય છે માત્ર જ્યાં,
થઈ રહે નર નિરાધાર છેક;
મિત્ર, ચાકર બની સેવીએ, લોક જે,
તેથી વિખૂટા ન પડીએ, તું દેખ…દીન૦

આત્મ-બલિદાનની મૂર્તિ થઈએ અમે,
દિવ્ય મૂર્તિની નમ્રતા શા,
જેથી આ ભૂમિનું થાય દર્શન સુભગ
ને વહે એ પ્રતિ પ્રેમધારા …દીન૦

– મોહનદાસ કરમચંદ ગાંધી (અંગ્રેજી)
(અનુ. ઉમાશંકર જોશી)

Comments (2)