આજથી ચાર દિવસના લાંબા વીકએન્ડની શરૂઆત થઇ છે. લાંબા વીક એન્ડની શરૂઆત "पूरब और पश्चिम" મૂવી જોઇને કરી. 15મી ઓગસ્ટના વીક દરમ્યાન સોની પર રોજ દેશ ભક્તિના મૂવી આવતા હતા એ વખતે આ મૂવી રેકોર્ડ કર્યું હતું તો આજે જોવાનો મેળ પડ્યો. આમ તો આ મૂવી પહેલા જોયેલુ છે પણ ઘણા વખત પહેલા જોયું હતું એટલે ફરી જોવાની મઝા આવી. અહીં સિંગાપોરમાં બેઠા બેઠા આવા (અથવા ભારત કુમારના કોઇ પણ) મૂવી જોઇએ એટલે થોડા સેન્ટી થઇ જવાય.
મૂવીના અમુક સંવાદો સરસ છે જેમ કે જ્યારે ભારત કુમાર ભણવા માટે લંડન જતા હોય છે ત્યારે અશોક કુમાર એમને કહે છે કે પહેલા દુનિયાભરમાંથી લોકો જ્ઞાન મેળવવા ભારત આવતા હતા જ્યારે હવે લોકોને જ્ઞાન મેળવવા માટે પરદેશ જવું પડે છે. ત્યારે ભારત કુમારે સરસ જવાબ આપ્યો કે જ્ઞાન નહીં પણ વિજ્ઞાન મેળવવા માટે લોકો પરદેશ જાય છે. કદાચ આજથી 25-30 વર્ષ પહેલા આ દલીલ યોગ્ય હતી પણ આજના જમાનામાં એવું નથી રહ્યું. આજ કાલ લોકો ફક્ત GreenBack માટે અને રૂપિયાનો ગુણાકાર કરવા જ જાય છે. બાકી આજકાલ જ્ઞાન વિજ્ઞાન માટે જનારા લોકો બહુ ઓછા રહી ગયા છે.
બીજો સંવાદ મને અશોક કુમારનો ગમ્યો જેમાં એ કહે છે કે “हरनाम पछ्छ्म पछ्छ्म करता रहा, क्या मिला उसे पछ्छ्म से…” આજના સમયમાં જોવા જઇએ તો આ વાત સાચી પણ છે અને ખોટી પણ છે. પશ્ચિમ પાસેથી માણસને રૂપિયા અને ભૌતિકવાદ મળી શકે છે. પણ ભારત પાસે જે અખૂટ માનવીય સંવેદનાઓ, સંબંધોના તાણાવાણા અને પ્રેમભાવ છે એ પશ્ચિમ ક્યારેય નહીં આપી શકે. જો કે હું એમ નથી કહેતો કે માણસે ક્યારેય પરદેશ ના જવું જોઇએ અને પરદેશ ખરાબ જ છે. દરેક વ્યક્તિએ ભારતની બહાર નીકળીને એકવાર અનૂભવ તો લેવો જ જોઇએ. જો તમે ખરાબ અને સારુ બન્ને નહીં જુઓ તો તમે નક્કી નહીં કરી શકો કે શું સારુ છે અને શું ખોટુ છે? દરેક માણસની જીવન પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય છે એટલે જેને જે સારુ લાગે એ પ્રમાણે નિર્ણય કરે.
મૂવીના અમુક ગીતો પણ સારા છે. આવા મૂવી સમયાંતરે જોતા રહેવા જોઇએ જેથી થોડા emotionally charge થઇ જવાય. મને મૂવી જોતા જોતા વિચાર આવ્યો કે હું પરદેશમાં તો છું પણ પશ્ચિમમાં નહીં પૂર્વમાં છું તો શું મારે આ મૂવી જોઇને બહુ સેન્ટી થવું જોઇએ? 🙂
ઇમેજ : ગુગલ ઇમેજીસમાંથી
Filed under: ઇન્ડિયા, મૂવી | Tagged: પૂરબ ઔર પશ્ચિમ, ભારત કુમાર, મનોજ કુમાર, મૂવી, emotions | Leave a comment »


