એક હતો ઇશ્વર !
એટલે ? હવે નથી ?
છે. !! ઇશ્વરને મૃત્યુ નથી હોતું. મૃત્યુ આપણને હોય છે, આપણા બધામાં ઇશ્વરે આત્મા મુકેલો છે એટલે આપણે મરવું પડે, પછી નવા શરીરમાં આપણો આત્મા પ્રવેશ કરે, આવું બધું એને જ ગોઠવેલું છે, અને આપણને ઇશ્વરે જ કીધેલું છે. ઇશ્વર તો પરમ-આત્મા છે, મરતો નથી, તે અજ્ન્મા છે, અમર છે.
તો પછી ઇશ્વર ક્યાં ગયો ?
ઇશ્વર આપણાથી નારાજ થઇ જતો રહ્યો છે.
એ આવશે પાછો, સંભવામિ યુગે યુગે ,એવું વચન આપ્યુ છે એને !
હવે શંકા છે, ન પણ આવે !
કારણ એક નથી ! ઘણા કારણો છે. મોડે મોડે પણ તેણે કરેલી ભૂલો સમજાણી છે.
ઇશ્વરે ભૂલ કરી છે ? – હા માણસને સમજવામાં.
ભૂલો સુધારી ન શકે ? – હવે ઘણું મોડું થઇ ગયું છે.
સૌથી પહેલા તો મોટી ભૂલ એ કરી કે બધા જીવોને પેટ આપ્યું અને ભુખ આપી. તેને કલ્પના કરી હતી કે જીવો બધા ભૂખ મિટાવવા વ્યસ્ત રહેશે. જીવવાનો આનંદ લેશે, પણ કલ્પના ખોટી પડી. ઉલટાની સમસ્યાઓ વધતી ગઇ.
માછલીઓએ ફરીયાદ કરી, અમને ભૂખ લાગે તેવું પેટ આપવાની જરૂર નહોતી. શું અમારે એક બીજાને ખાઇ ને જ જીવવાનું ? માછલીઓની બીજી ફરિયાદ હતી, માનવીને તો તમે ધરતી પર ઉતાર્યો છે, એ શુ કામ પાણીમાં ઉતરીને અમને ખાવા આવે છે ?
ઇશ્વર અચકાઇને બોલ્યો, કદાચ તે અજ્ઞાની છે, આત્મા વિષે તેને જ્ઞાન નથી. માછલીઓએ કહ્યું તે અજ્ઞાની છે એમાં અમારો શું વાંક ? ઇશ્વર ચુપ રહ્યો. માછલીઓએ પ્રશ્ન કર્યો, અમારા શરીરમાં આત્મા જેવું કંઇ ખરૂ કે નહીં ?
ઇશ્વરે કહ્યું, ખરૂ ને ! આત્મા તો મેં બધા જીવમાં મુક્યો છે.
તો પછી અમારા આત્માને બહુ સસ્તો બનાવી દીધો છે, ગમ્મે ત્યારે અમારા શરીરને કોઇ ઝપટી લે એટલે અમારા આત્માને અમારૂ શરીર છોડી નીકળી જવાનું. એવુંજ ને ! ઇશ્વર ચુપ રહ્યો. ઇશ્વર પાસે જવાબો ન હતાં.
ઇશ્વરે જંગલના પ્રાણીઓને કહ્યું, હે જીવો, આનંદ કરો, આનંદથી જીવો.
ગાય, ભેંસ અને બકરીઓએ ફરિયાદ કરી અમે તો ઘાંસ ચારો ચરીને આનંદથી
જીવીએ છીએ પણ અમને વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓ પોતાનો આહાર બનાવે છે. ્ક્યારેક તો અમને લાગે છે કે અમે ઘાંસ ચારો ખાઇને જાણે તેમના માટે જ જીવીએ છીએ.
ઇશ્વરે કહ્યું, એક કામ કરો તમે જંગલ છોડી મનુષ્યો પાસે જતા રહો ત્યાં તમે આનંદથી રહો. જંગલના વાઘ, સિંહ હિંસક બની ગયા છે, હવે તેમને કોઇ પણ જાતનું જ્ઞાન ગળે નહીં ઉતરે, મેં બધાના શરીરમાં મે એક સરખો આત્મા મૂક્યો હતો પણ મારી આ કલ્પના વ્યર્થ ગઇ છે.
ઈશ્વરે વાઘ, સિંહ જેવા પ્રાણીઓને બોલાવીને કહ્યું તમે ગાય, ભેંસ અને બકરી જેવા પ્રાણીઓનો આહાર કરો છો, મને ડર છે કે ક્યાંક માનવીને ખબર પડશે તો તેઓ પણ ચાલુ થઇ જશે ! હું તેઓને મનુષ્ય પાસે મોકલી રહ્યો છું.
એક પ્રાણીએ મોઢું સંતાડીને બીજા પ્રાણીના કાનમાં કહ્યું એતો ક્યારનાયે ચાલુ થઇ ગયા છે. પ્રાણીઓ એક બીજાને કાનમાં કહેવા લાગ્યા, ઈશ્વરને આ વાતની જાણ નથી લાગતી. એક પ્રાણી આ વાત પર છાનું છાનું હસતું હતુ. બીજા પ્રાણીએ ઠોંસો મારીને કહ્યું – રહેવાદે ઇશ્વરની મજાક નહી !
ઇશ્વરે પ્રાણીઓની અંદર અંદરની ઘુસ-પુસ સમજવાની કોશીષ કરી પણ કંઇ સમજાયુ નહીં.
પ્રાણીઓએ કહ્યું તમે ભૂખ તો માનવીને પણ આપી છે, તમે પ્રોમિસ આપો કે તેની ભૂખ મિટાવવા તે અમને નહીં ખાય.
ઇશ્વરે કહ્યું એ તમને નહીં ખાય, તેને માટે મે અઢળક વૃક્ષો, ફળો, અનાજ બધુંજ આપ્યું છે. સાથે સાથે આત્મા વિષે પરમ જ્ઞાન પણ આપ્યું છે.
યજુર્વેદ ૪૦.૭:
યસ્મિન્ત્સર્વાંણી ભૂતાન્યાત્મૌવાભૂદ્વિજાનત:
તત્ર કો મોહ: ક શોક એકત્વમનુપશ્યત:
“જ્યારે મનુષ્ય દરેક પ્રાણીને આત્મા તરીકે જ જુવે છે અને વિવિધતામાં એકતા નિહાળે છે; ત્યારે તેને શોક થતો નથી અને રાગ પણ થતો નથી. તે બધાં ને પોતાના જેવો જ નિહાળે છે અને ખુશ રહે છે.”
વેદ મનુષ્યને દરેક જીવને પોતાના પ્રેમમાં સમાવી લેવાની આજ્ઞા આપે છે.
મનુસ્મૃતિ ૫.૫૧:
અનુમન્તા વિશસિતા નિહન્તા ક્રયવિક્રયી
સંસ્કર્તા ચોપહર્તા ચ ખાદકશ્ચેતિ ઘાતકા:
પશુઓને મારવાની આજ્ઞા આપનાર, માંસને કાપનાર, પશુઓને મારનાર, પશુઓને મારવા માટે ખરીદનાર અને વેચનાર, પકવનાર, પીરસનાર અને ખાનાર આ સર્વે હત્યારા અને પાપી છે.
યજુર્વેદ ૧૧.૮૩:
ઉર્જ નો ધેહિ દ્વિપદે ચતુષ્પદે
બધાં જ બેપગા અને ચોપગા પ્રાણીઓ બળ અને પોષણ પ્રાપ્ત કરે.
હિન્દુઓ આ મંત્રને ભોજન ગ્રહણ કરતાં પહેલાં બોલે છે. આમાં પ્રત્યેક પ્રાણી બળ અને પોષણ મેળવે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. આમ જે દર્શન અને સંસ્કૃતિ જીવનની દરેક ક્ષણે પ્રત્યેક પ્રાણીમાત્રના કલ્યાણની પ્રાર્થના કરતી હોય, તે સંસ્કૃતિ પશુઓના વધને માન્યતા કેવી રીતે આપી શકે?
ઇશ્વરે માનવીને કહ્યું, તમને પણ પેટ આપ્યું છે અને વ્યસ્ત રહેવા માટે ભૂખ આપી છે. તમારા માટે મે વૃક્ષો, ફળો, અનાજ ઘણું બધું આપ્યું છે, ખેતી કરો ઝાડપાન વાવો વ્યસ્ત રહો, નિશ્ચિંત રહો. મે તમારામા અમર આત્મા મુક્યો છે જે તમારા મૃત્યુ પછી પણ વિદ્યમાન રહેશે, તમને નવું શરીર મળશે.
ગાય, ભેંસ અને બકરીઓએ ઇશ્વરને અંદરની હકિકત જણાવી, કહ્યું કે તમારા કહેવાથી અમે જંગલ મુકી મનુષ્યો સાથે આવ્યા, અહીંયા તો મોટો ધોખો થયો છે.આ મનુષ્યો અમને પંપાળીને વ્હાલથી રાખે છે, ખવડાવે પીવડાવે છે રુષ્ટપુષ્ટ બનાવે છે પછી અચાનક જ અમને ધોખો આપી અમારો વધ કરી નાખે છે. જંગલી જાનવરોનો તો ડર લાગતો એથી અમે અમારી જાત બચાવવા દૂર રહેતા. આ મનુષ્ય તો ક્યારે ધોખો દઈ દે છે ખબર જ નથી પડતી. મનુષ્યે તમારા આપેલ જ્ઞાનની અવગણના કરી છે. મનુષ્ય તમને મૂર્ખ બનાવી રહ્યો છે.
માનવી એક બીજાના કાનમાં ઘુસ પુસ કરવા માંડ્યા. કોઇકે કહ્યું ઈશ્વર આપણી વાત જાણી ગયો છે, બીજાએ કહ્યું ચિંતા નહીં કરો આપણે બીજા ઇશ્વરો શોધી લઇશું.
ઇશ્વર માનવીની મનસા પારખી ગયો. હતાશ થઇ ગયો.એક મનુષ્યે કહ્યું,એને જરા પુછો તો, કોઇ અમારો આહાર તો નહીં કરેને ?
ઇશ્વરે દુ:ખી હ્રદયે કહ્યું, સૃષ્ટીની રચનામાં મે સૌથી શ્રેષ્ઠ તમને બનાવ્યા, તમને ભય મુક્ત કર્યા, તમને ખાય તેવા કોઇ જીવના સર્જનનો વિચાર સુધા પણ નથી કર્યો. તમારી ભૂખ પુરી કરવા માટે મે ઘણી વ્યવસ્થા કરી પણ તમારે જીભના ચટાકા અને સ્વાદ માટે બીજા જીવોનો આહાર કરવો જ છે.તમારા પેટ ભરાઇ જશે તો પણ તમારી ભૂખ નહીં મટે, પછી તમને ભૂખ લાગશે સત્તાની, તમને ભૂખ લાગશે જમીન જાયદાદની, તમને ભૂખ લાગશે કિર્તીની, તમે એક બીજાને મારશો. તમે યુધ્ધો કરશો, એક બીજાને શસ્ત્રોથી હણશો, તમારી ઈચ્છાઓ પુરી કરે તેવા નવા નવા ઇશ્વરો શોધી લેજો.
ઇશ્વરને સૃષ્ટીની રચના કરવાનો આનંદ ધીરે ધીરે ઓસરી ગયો હતો, માનવ જાતની રચના કર્યા પછી મોહ ભંગ થઇ ગયો હતો, માનવી તરફથી બધી આશા ખોઇ બેઠો હતો.
એક મનુષ્યે ઇશ્વરને પુછ્યું, અમને છોડીને જઇ રહ્યા છો ?
ઇશ્વરે કહ્યું, હા ! મને બીજા ઇશ્વરો જોડે નહીં ફાવે ! તમે ઘણા ઇશ્વરો ગોતી લીધા હશે, જે તમારી ઈચ્છા મુજબ તમને ખાવા પીવાની છુટ આપશે. તમારા નવા ઇશ્વરો દુનિયાને સંભાળશે.
બ્લોગ-૧૪૧

OK Thanks