Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2013

( कहां गये वो लोग ?   લેખો ક્રમશઃ ચાલુ રાખીશ, વચ્ચે એક વિચાર રજુ કરવાની ઇચ્છા થઇ આવી )

atmATM એટલે  Any time money  24 hours / 7 Days.  પણ હું અંહિયા તેનો સમકક્ષ અર્થ એટલે કે સાધુ / ગુરુ Any Time Monk.  તે ગમ્મે ત્યારે, દિવસ હોય કે રાત, જનસમુહની વચ્ચે હોય કે એકાન્તમાં, સુતો હોય કે જાગતો હોય, તે હંમેશ માટે, હર પળ સાધુ રુપે જ મળવો જોઇએ. MONK શબ્દનો ડીક્સનેરીમાં અર્થ છે. A member of religious community of men living under vows.  VOW નો અર્થ થાય છે. Solemn religious promise.  જો આ શક્ય ન હોય તો કોઇને સાધુ કે ગુરુ થવાનો હક્ક નથી.

સાધુ તો ચલતા ભલા … કદાચ કબીરજીની જ વાણી છે. સાધુ લોકોએ એકથી વધારે દિવસ કોઇ ગામમાં રાતવાસો કરવો ન જોઇએ. કદાચ એટલામાટે જ આ નિયમ બનાવ્યો હશે જેથી કરીને હાલ જે ગુરુ યૌન શોષણના અપરાધના લપેટામાં આવી ગયા છે તેવું ન બને.

અઘોર પંથી બાવાઓની વાતો સાંભળી છે. આજ સુધી જોયા નથી. તેઓ સમાજથી દૂર કોઇ જંગલ યા sadhuગુફામાં વાસ કરતા હોય છે. માંસ, મદીરા અને Sex  આ ત્રણ જ વસ્તુઓ સાથે ડુબેલા હોય છે તેવું સાંભળ્યુ છે. તેમની સાધના જ અવળચંડી લાગે, તેઓ વામપંથી કહેવાય છે. આપણા સમાજે અને ધર્મે તેનો બહિષ્કાર કરેલો છે. આવા અઘોરી જેવા બાવાઓ ચાલાકીથી સમાજને ઉલ્લુ બનાવી ભક્તોની ભીડ એકઠી કરી આપણી વચ્ચે આવીને ભગવાન બની જતા હોય તો વાંક આપણી મૂર્ખ પ્રજાનો છે. નબાળા માણસો જલદી ભીડમાં ખોવાઇ જતા હોય છે. સંસાર માંડેલા અને બાઇડી છોકરા વાળા, લેંઘો ઝભ્ભો પહેરીને સિંહાસન પર બેસી કૃપા વરસાવવાળ બાવાઓ, ધુતારાઓ અને માતાજીઓ ચારે બાજુ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે. આમેય માણસ કોઇને કોઇ તકલીફમાં હોય જ છે. થોડો ઘણો સંઘર્ષ કરવાનીય હિંમત ન હોય, કોઇ ગુરુ કે સાધુની કૃપાથી આસાનીથી લક્ષ્મી વર્ષા થઇ જવાની હોય તેવા ભ્રમમાં રાચનારા નબળા લોકોના આ ગુરુઓ છે. તેવા લોકો તો જુના પૌરાણીક ભગવાનોને કોરાણે મુકીને જ્યાં વધારે ભીડ હોય તેવા નવા ભગવાનની પાછળ આંધળા ભીત થાય છે. મને તો ઘણી વખત વિચાર આવે છે કે જો માણસ પોતાનો ભગવાન પોતે જ નક્કી કરી શકતો હોય તો ભગવાન મોટો કે માણસ ?

હવે થોડા સ્વાનુભવ અને બુધ્ધીશાળી લોકો સાથે થયેલી વાતો અને વાંચેલી વાતો.

sadhu-1આજ કાલના સાધુ સંતો જે ગૃહસ્થ હોય છે, પોથા વાંચી વાંચી અને જ્ઞાની થઇ ગયા હોય છે. ( પોથા શબ્દ જાણી જોઇને વાપર્યો છે ) જ્યારે પોતાના દિકરા દિકરીઓ કે ભત્રિજીઓને ગાદીના વારસ બનાવતા હોય તો તેવા જ્ઞાનીઓનું  જ્ઞાન પોથા પંડીત જેવું સાબીત થાય છે. અને મૂર્ખ અનુયાયીઓ તેમનામા જ જાણે ઇશ્વરી તત્વ ઉતરી આવ્યું હોય તેમ, જાણે કેમ ભગવાનના સગા ભાઇ હોય ! તેમ ઉચકી ઉચકીને નાચતા હોય છે. હું તો દોષ, મૂર્ખ અને ઘેંટા બકરાનાં ટોળાની જેમ ભેગા થતાં માણસોને જ આપું છું.

ક્રાંતિકારી વિચારો ધરાવતા અને સમાજ સુધારક સ્વામિ શ્રી સચ્ચીદાનંદનું એક પુસ્તક વાંચેલુ, તેમણે સાધુ જીવન શરુ કર્યું ત્યારે સાચા ગુરુની શોધમાં લગભગ આખા હિન્દુસ્તાનમાં ફર્યા હતાં. તેમને બહુ જ કડવા અનુભવો થયા હતાં. કેટલાય ગુરુઓ બનાવવા જેવા સાધુઓને ગુરુ બનાવ્યા પછી ભ્રમ ભાંગી જતો અને દુઃખી હૃદયે તેમને કેટલાય ગુરુઓને છોડવા પડ્યા હતાં. તેવો જ અનુભવ તેમણે બ્રહ્મચર્ય વિષે ફેલાવેલા ભ્રમનો લખ્યો છે. તેમણે કેટલાય ગુરુઓ અને સાધુઓને સચ્ચાઇ પૂર્વક પોતાને બ્રહ્મચર્ય પાળવામાં થતી અડચણ વિષે જણાવતા અને સલાહ માગતા. કોઇ કહેતું દશ દિવસ ઉપવાસ કરો, તેઓ કરતાં, કોઇ કહેતું, ખાલી મગનું પાણી પિઓ, તેઓ તેમ કરતાં, ખોરાકમાં તેલ મરચું ન ખાવ, તો તેઓ ્સાદો ખોરાક ખાતા. વર્ષો સુધી અખતરાઓ કરી ને અંતે એવા નિર્ણય ઉપર આવ્યા કે આ વિષયને લઇને બધાને અંધારામાં રાખવામાં આવે છે. કોઇ પણ સાધુના મનમાં એકાંતમાં કેવા કેવા વિચારો આવે છે ? તેનો શું માપ દંડ ? આ વિષય માનસિક લડાઇનો છે જ નહિં. સહજતા અને સમજ હોવી જોઇએ.

સહજતા કોને કહેવાય ? રજનીશજી તેનો એક દાખલો આપતા. ગુરુ આશ્રમમાં રહેતા બે શિષ્યો, સામે એક ગામ હતું ત્યાં ભીક્ષા માગી પાછા આવતા હતાં. વાતોમાં  શાસ્ત્રોની ચર્ચા ચાલતી હતી. વચ્ચે એક નદી આવતી હતી. નદી પાર કરવા જતા હતાં ત્યાં કોઇ યુવાન સ્ત્રિએ તેમને નદી પાર કરાવવા માટે મદદ માગી. મોટો શિષ્ય ખચકાયો, નાના શિષ્યને કહ્યું ” આપણે  બ્રહ્મચારી છીએ, આપણાથી આ કામ ન થાય. ” –  નાના શિષ્યે કહ્યું ” આપણેતો ફક્ત તેને નદી પાર કરવામાં મદદ કરવી છે, તેમાં શું થઇ ગયું ? ” નાના શિષ્યે તે યુવતીને ખભે બેસાડી નદી પાર કરાવીને ઉતારી દીધી.  આશ્રમ હજી થોડે દૂર હતો. બન્ને વચ્ચે ચાલતી વાતચિત અને સંવાદો બંધ થઇ ગયા. નાના શિષ્યે મોટા શિષ્યને કહ્યું ” તું ચુપ કેમ થઇ ગયો ? ”  મોટા શિષ્યે કહ્યું ” તે બરોબર નથી કર્યું, હું ગુરુજીને કહી દઇશ ”  મોટા શિષ્યે આશ્રમ પહોંચતાજ આ વાત ગુરુજીને કહી.  ગુરુજીએ નાના શિષ્યને પૂછ્યું- ” શું આ જે કહે છે તે સાચું છે ? ” નાના શિષ્યે ગુરુજીને કહ્યું -” હા ગુરુજી, મે તો તે યુવતીને ખભા પરથી ત્યાં નદી કિનારે ઉતારી દીધી હતી ! પણ આના ખભા ઉપર હજી પણ બેઠી છે. ” ગુરુજીએ મોટા શિષ્યને કહ્યું બેટા આને કહેવાય સહજતા. મન સાથે લડાઇ કરવા કરતાં સહજ બનો.

એક વાત મારા અનુભવની- મારા પિતાજીને મને સંસ્કૃત ભણાવવાની ખુબ જ ઇચ્છા, એટલે જ્યાં અનુકુળ જગ્યાએ સંસ્કૃત પાઠશાળા હોય ત્યાં વ્યવસ્થા થાય તેવી પૂછ-પરછ કરાતા રહેતા. અને અમદાવાદમાં એક મંદિરમાં સંસ્કૃત પાઠશાળાએ જવાની વ્યવસ્થા થઇ. ખાસ તો તે પાઠશાળા, તે મંદિરમાં રહેતા સાધુઓ માટે હતી, હું ફક્ત છ જ મહિના ત્યાં ગયો હોઇશ. છ મહિનાના ગાળામાં મે જે જોયું, મે પિતાજીને કહ્યું ” પિતાજી આ સાધુઓના બહુ સંપર્કમાં આવવા જેવું નથી. આ સાધુઓ સ્ત્રિનું મોઢું નથી જોતા, એમને સ્ત્રિનું મોઢુમ જોવાની જરુર જ નથી.  તેમનુ કામ તો પુરુષોથી જ પતિ જાય છે.  સો બસો સાધુઓમાં માંડ દશેક સાધુ જ એવા નીકળે જે ખરે ખર સાધુ હશે. ” મારા પિતાજી ટૂંકમાં જ મારો કહેવાનો મર્મ સમજી ગાયાં. અને મને કહી દીધું ” એવું હોય તો ત્યાં જવાની જરુર નથી ” સાહેબ મારી ઉંમર તે વખતે માંડ સત્તર વર્ષની હશે.

આજ વાત હું એક વાર આપણા જાણીતા લેખક શ્રી ગુણવંત શાહને વડોદરા તેમાના ઘરે ” ટહુકો” માં મળવા ગયો હતો ત્યારે ચર્ચી હતી. ગુણવંત શાહે શું કહ્યું ? -” સ્વામિ શ્રી સચ્ચિદાનંદ સાથે મારે પણ આ બાબત ચર્ચા થયેલી છે. સાધુ સમાજની આ બદી કેવી શરમ જનક છે ? ”

બ્લોગ-૧૧૬

Read Full Post »

Design a site like this with WordPress.com
શરૂ કરો