Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2008

બચાવવા વાળો બે હાથ વાળો પણ હોઇ શકે ! 

અમદાવાદના બોમ્બ બ્લાસ્ટના દહેશત વાળા અને ભયાનક દ્રશ્યો જોયા. દિમાગ સૂન્ન થઇ ગયું. ક્ષણ ભરમાંજ માણસ કેવો અનાથ થઇ જાય છે ! બચાવવા વાળો હજાર હાથ વાળો છે,એવો ખયાલ પણ ખોટો પડતો હોય તેવું લાગે, અને આવા સમયે બે હાથ વાળો જાંબાઝ, જાનની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવવા આવી જાય ત્યારે લાગે કે This is the man, Who is real Hero. ટી. વી. ઉપર આવા બોમ્બ ડિફ્યુઝર સ્ક્વોડના જાંબાઝોના સાહસો આપણે જોયાં. યમરાજનો કાન આમળવા જેવું આ કામ ઓછી બહાદુરી ન કહેવાય !માણસ એક જ સેકંડમાં ધુંમાડો બની જાય. છતાંય આપણે નજરે જોયું, લોકોનાં ટોળાને દૂર ઉભું રાખીને આ માણસ સિંહને નાથવા જેવું કામ પાર પાડી રહ્યો હતો. સેલ્યુટ છે આવા નરબંકાઓને.

વિયેતનામ આખું જ્યારે યુધ્ધમાં ધકેલાઇ ગયું હતું અને દેશ આખો એક યુંધ્ધ્ની છાવણીમાં ફેરવાઇ ગયો હતો, ત્યારે ત્યાંની શેરીએ શેરીએ આવા દ્રશ્યો જોવા મળતા, મોટા ભાગનો પુરૂષ વર્ગ સૈન્યમાં જોડાઇને યુધ્ધના મેદાનમાં રોકાયેલો હતો.અમેરિકન વિમાનોની બોમ્બ વર્ષા પછી શહેરો તહસનહસ થઇ જતાં, ઇમારતો ધરાશાઇ થઇ જતી ત્યારે બહાદૂર સૈનિકોની પત્નિઓ આવા બોમ્બ  ડિફ્યુઝન જેવા હિમ્મત ભર્યા કામો કરી લેતી.

મેં આવીજ વાતને રજુ કરતી, વિયેતનામના લેખક “ન્યુપેન ક્વાન્ગ યાન”ની એક વાર્તાનો અનુવાદ કરેલો જેનું નામ ’કબુતર’ હતું. આ અનુવાદ ૧૯૮૦ માં ઓગષ્ટ મહિનાના “શ્રી રંગ” માસિકમાં પ્રકાશિત થયો હતો. આ વાર્તાનો થોડોક શારાંશ…….

કબુતર…

આઠ વર્ષ પછી તેને ફરી એક વાર રજા મળવાનો ચાન્સ ઉભો થયો હતો. લશ્કરી થેલો તૈયાર કરીને તે સૈન્યના અફસર પાસે થોડા દિવસની રજા માંગવા ગયો. હમણા યુધ્ધ વિરામ  જેવો ભાષ થતો હતો. આઠ વર્ષ પહેલા તે આજ થેલો લઇને બે ત્રણ દિવસની રજા લઇને ગયો હતો. પત્નિ સાથે ગુજારેલા એ મીઠા સંસ્મરણો વાગોળતો રહ્યો. એક વાર બપોરે તે આરામથી સુતો હતો અને અચાનક આંખ ખુલી તો જોયું  પત્નિ તેની લશ્કરી વર્દિ પહેરીને લશ્કરનો થેલો પીઠ પાછળ લટકાવી અરિસામાં પોતાને નિહાળી રહી હતી. તેને ઉભા થઇ અચાનક જઇ પાછળથી જકડી લીધી હતી. તે સુંવાળો સ્પર્શ હજી પણ ભુલી શક્યો ન હતો. તેની પત્નિએ આંબલીના ઝાડ સામે ઇશારો કરીને કહેલું કે મને ખાટું ખાવાની બહુ ઇચ્છા થઈ રહી છે. તેનો ગર્ભિત ઇશારો તે સમજી ગયો હતો અને તેને પત્નિને વધારે કસીને જકડી લીધી હતી.

સૈગોન શહેરમાં તેને મહિનાઓ સુધી છુપાઇને રહેવું પડ્યું હતું. ફુટપાથ ઉપર અને હોટલની બહાર રાતો ગુજારવી પડી હતી. એક વાર તો તાન્સોન-ન્હાત શહેરના એમ્યુનીશન ડેપોમાં બોમ્બના ઢગલા વચ્ચે રાત ગુજારી હતી.તેની બેગમાં બોમ્બને નાકામ કરવા માટેના પાના હંમેશા રહેતા. સૈગોનથી વિંચ તરફ જ્યારે તેમની સૈન્ય ટૂકડી ટ્રકમાં જઇ રહી હતી ત્યારે તેને પત્નિની આંબલી ખાવાની ઇચ્છા વાળી વાત યાદ આવી ગઇ. રસ્તામાં એક જગ્યાએ તેને એક નાની ઢીંગલી ખરિદી હતી.

રજાઓ મંજુર થઇ ગયાના આનંદ સાથે તે પોતાના શહેર તરફ રવાના થઇ ગયો હતો. કદાચ તેને હવે તેના વિસ્તારમાં ’પ્રોડક્સન બ્રિગેડીયર લીડર’ તરીકે કામ સોંપવામાં આવશે તેવી તેને આશા હતી. યુધ્ધમાં તેઓ જીતી ગયા હતા. તેમના ખેતરોમાં હવે ખુબજ અનાજ પાકશે. હવે આનંદના દિવસો આવશે. જ્યારે તે ટ્રેઇનમાં વિન્હથીયાનથી  હોઆ તરફ આવી રહ્યો હતો ત્યારે ટ્રેઇનના ડબ્બામાં બેઠેલી બેત્રણ આધેડ વયની સ્ત્રીઓ પાન ચાવતી ચાવતી એક પડોશણ સ્ત્રીની વાતો કરી રહી હતી કે તેના પતિની પાંચ વર્ષ રાહ જોયા પછી થાકીને તેને બીજા લગ્ન કરી લીધા હતા. આ વાત સાંભળીને તે થોડો અકળાઇ ગયો હતો. તેને થયું કે તેને વીતેલા આઠ વર્ષમાં સમય કાઢીને પત્નિને એકાદ પત્ર લખ્યો હોત તો સારૂં હતું.

હવે તેનું ગામ સ્ટેશનથી ત્રણ જ કી.મી. દૂર હતું. આઠ વર્ષ પછી પણ ઘણું ખરુ જેમનુ તેમ જ હતું. નહેરને કીનારે કીનારે તે પોતાના ગામ તરફ જઇ રહ્યો હતો. બાજુની ઘટાટોપ ઝાડીમાંથી એક સફેદ કબુતર ફડફડાટ સાથે ઉડીને ગયું, તે પળ ભર ઉભો રહીગયો. તેને લાગ્યું, મારૂં સુખ અને આનંદ આમ કબુતરની જેમ ઉડી તો નહીં જાયને !

થોડી જ પળોમાં તે તેના ઘરની સામે હતો. દરવાજાનો રંગ અને આંબલીનું ઝાડ આઠ વર્ષ પહેલા જેવાં જ હતાં. વરંડામાં તાર પર તેની પત્નિનું જુનું બ્લાઉઝ સુકાતું હતું. તેને બ્લાઉઝનો રંગ ઓળખતા વાર ન લાગી. બાજુમાં નાના બાળકનું નવું પેન્ટ સુકાતું હતું, તેને નીચે ઉતારી તે ઉંચાઇનો અંદાજ લગાવવા લાગ્યો ત્યાંજ એક બાળક દડે રમતો રમતો તેની સામે આવી ઉભો રહ્યો. બન્ને એક બીજાને જોઇ રહ્યાં. હવે તે પોતાના બાળક સામે હતો. બાળકને સમજતાં વાર ન લાગી કે વર્દિમાં સજ્જ તે માણસ તેનો પિતા જ હતો, કારણકે તેને તેની મા પાસેથી પિતા વિષે ઘણી વાતો સાંભળી હતી. હવે બાળકને થયું, તેને જલદીથી પોતાની માને આ ખબર આપવા જોઇએ, જે ગામના એક ચોકમાં યુધ્ધથી તારાજ થયેલા મકાનો અને રસ્તાઓ ના ખોદાણ કામમાં વ્યસ્ત હતી. બાળક અચાનક ગામના ચોક તરફ દોડી ગયો.તેને બુમ પાડીને રોકવાની ઇચ્છા થઇ, પણ તેને બાળકના નામની ક્યાં ખબર હતી ! તે પણ બાળકની પાછળ દોડતો દોડતો ગામનાં ચોક તરફ ગયો. ચોકમાં ખોદ કામ કરતા કરતા એક જીવતો બોમ્બ નીકળી આવ્યો હતો. સવારે પણ આવોજ એક બોમ્બ ફાટ્યો હતો, અને ત્રણ જણાનાં મ્રત્યુ થયાં હતા. તેની પત્નિ બોમ્બને નાકામ કરવાની જવાબદારી સંભાળી રહી હતી. લોકોના ટોળાને બાજુ પર હટી જવાનું કહીને તે બોમ્બની બાજુમા ઉભી હતી. પોતાના પતિને જોતાજ તે દોડીને તેની પાસે આવી અને બોલી  “થોડીક મિનીટ, હમણાંજ હું પાછી આવું છું, આ બોમ્બ જરા જુદી જાતનો છે,M.K.-25, પહેલી વાર આ જોવા મળ્યો છે.” તેને કહ્યું ” મારા માટે નવો નથી, નિક્સનની હારી ગયેલી ફોજ પાછા વળતી વખતે જગ્યા જગ્યાએ આવા બોમ્બ પાથરતી ગઇ છે, બસ, આવા બોમ્બનું ઢાંકણુ ખોલીને છ આંટાં ડિટોનેટરના ખોલવાના, ખેર તું અહીં ઉભી રહે, હવે હું આવીગયો છું ને !”

તે તેની પત્નિને ટોળા સાથે દૂર ઉભું રહેવાનું કહીને બોમ્બ પાસે ગયો, નીચે બેસીને લશ્કરી થેલામાથી પાનું કાઢ્યું, બોમ્બનું ઢાંકણું ખોલીને ડિટોનેટર ઉપર પાનું લગાવ્યું, તેને યાદ આવીગયું તેના બે મિત્રોથી થોડીક ગફલત થતા આવા બોમ્બને નાકામ કરવા જતા જાનથી હાથ ધોવા પડ્યા હતા, અને પેલું ફડફડા સાથે ઉડેલું સફેદ કબુતર પણ યાદ આવી ગયું…. તેને થયું આ કામ કરતાં પહેલા તેને પોતાના બાળકનુ નામ પૂછ્યું હોત તો સારું હતું !

લેખકે વાર્તાને અહીજ અંત આપ્યો છે.

Read Full Post »

મારા દેશમાં બધુંજ સારું હોવું જોઇએ, એ કાંઇ જરૂરી નથી ! એવું કોણે કહ્યું કે સરકાર  હંમેશા સારી જ હોવી જોઇએ ? સરકાર અમેજતો બનાવી છે. નેતાઓને અમે જ તો ચુંટીને મોકલ્યા છે. સરકાર ક્યારેક કોમેડી શો કરે છે. હમણા અણુસંધિના કરાર ઉપર ટી.વી ઉપર ઘણા તમાશા જોયા. અમે તો હજીયે કોમેડી શો જોતા હોય એમ જોઇને નિરાંતે સુઇ જઇએ છીએ. બીજે દિવસે છાપામાં ફરી પાછા ફોટા જોઇને રાજી થઇએ છીએ. કેવું છે આ રાજકારણીઓનું નહીં !ઓફિસમાં મારા મિત્રને તો હજીયે શેર બજારનું જ સુઝે છે. મને કહે “હવે સેન્સેક્ષ ઉપર જશે !”. ટી.વી ઉપર કેવુ કેવું જોયું નહીં ! તમે માનસો ! હું ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે મારા શ્રીમતિજી કોઇક સિરીયલ જોઇ રહયાં હતા. મે કહ્યું ” જરા સમાચાર વાળી ચેનલ કરતો ! સરકારનું શું થયું જોઇએ તો ખરા !” મને કહે ઉભા રહો થોડિવાર, આ મારી સિરિયલ પતીજવા દો. સરકારમાં શું જોવાનું છે ? સોનિયા ગાંધી બેઠાં છે, હમણાં કોક નોટોના બંડલ લઇને આવ્યો છે. લાલુપ્રસાદ શાયરીઓ બોલે છે. કોમેડી શો જેવું છે બધું”.

હું ચુપચાપ બેઠો રહ્યો. શ્રીમતિજીની સિરિયલ પુરી થવા દિધી. મને કહે “તમને ખબર છે, આ કોમેડી શો આખી દૂનીયા જોઇ રહી છે !” ક્યાંક્થી છાપાનું કટીંગ લાવીને આપ્યું ” આ જુઓ, આ તમારા નેતાઓ !”. મે છાપાના કટીંગ ઉપર નજર ફેરવી. ઉપર ટાઇટલ હતું ” ભારત બચાવો ” મને કહે ” યે હૈ તુમારા દેશ ” આતો હિન્દી ઉપર આવી ગઇ. મે કહહ્યું ” ગુજરાતીમાં બોલને !” મને કહે “હિન્દી શું મરાઠી પણ શીખવું પડશે, સમજ્યા !” હું સમ જી ગયો, મે કહ્યું હવે આગળ કંઇ બોલીશ નહીં, હું બધ્ધું સમજી ગયો છું, હવે તેં આપેલી આ કાપલી વાંચવા દઇશ ? ” 

“વાંચો ”  ટાઇટલ હતું ” ભારત બચાવો ” – જાણો આપણા સાંસદોને ૫૪૫ માંથી

૨૯ – પત્નિને ત્રાસ આપવા બદલ જેમના ઉપર કેસ ચાલે છે.   ૭   – ફ્રોડ કરવા બદલ ધરપકડ કરેલ છે.      ૧૯ – જેમના ઉપર ત્રણથી વધારે ક્રિમીલ કેસ પેન્ડીગ છે.       ૧૧૭-જેમના ઉપર હત્યા, બળાત્કાર અને લૂંટ ના કેસ ચાલી રહ્યા છે.   ૭૧ – જેમની ક્રેડીટ લોન લેવા બાબત બંધી ફરમાવામાં આવેલ છે. કારણ કે તેમનો લોન ભરપાઇ કરવાનો ખરાબ રેકોર્ડ છે.    ૨૧ – નાના મોટા કાયદાઓનો ભંગ કરવા બદલ કેસ દર્જ છે. ૮૪ – જેમણે ક્યારેકને ક્યારેક નાના મોટા ગુનાઓ બદલ ફાઇન ભરેલ છે.

પાછા શ્રીમતિજી બોલ્યા ” યે હૈ આપકા દેશ !”

મને કહે “ટોટલ કરો !”  ટોટલ થયો -૩૪૮ ” મેજોરીટી થઇ ગઈ ! સરકાર જીતેજને !” મને કહે હવે સાંભળો “ઓલો બ્લોગ લખ્યા કરો છો ને ! ક્યારેક બીજું પણ ઇન્ટરનેટમાં જુવો, ” આ બધી વાત સાચી છે કે ખોટી એ જાણવાનો તમને પુરો અધિકાર છે. તમે એક જાગ્રત નાગરિક છો ?” 

આ રહી વેબ સાઇટ, ભારતના દરેક નાગરિક્ને દેશમાં ચાલી રહેલી કોઇ પણ ગતીવિધી વિષે સરકારને પુછવાનો અને સરકાર તેનો વિગતવાર લેખિત જવાબ આપવા બંધાયેલી છે, પંદર દિવસમાં લેખિત માહિતી આપવા જે તે ખાતાના માહિતી અધિકારી બંધાયેલા છે. આ કાયદાનુ નામ છે Right to information આ વિચાર અને તેનો કાયદામાં અમલીકરણ થાય, આ બાબત ખુબજ મહેનત કરનાર માણસનું નામ છે.  “શ્રી અણ્ણા સાહેબ હજારે “ ગાંધીજી જેટલાજ સાદા, કર્મઠ,સત્યની તાકાત વાળા અને અડગ. મહારાષ્ટ્રનું આ રતન છે. અને આદરણીય છે. http://righttoinformation.gov.in/

એક વેબ સાઇટ એવી પણ છે. જ્યાં તમે તમારી સરકારી ખાતાને લગતી અડચણો માટે on line complain નોંધાવી શકો છો. http://pgportal.gov.in 

એક બીજી વાત, હવે આપણે એવા રોદણા રડવાની જરૂર નથી કે, ” શું કરુ ? સાલ્લા બધાજ ચોર છે. કોને મત આપવો ? દશ લોકો ઉભા છે. સાલ્લા બધાજ બદમાશ છે. મારે મત આપવો હોય તોય એક જે ઓછો બદમાશ કોણ છે ? એને શોધવા બેસવાનું ?” નહીં સાહેબ એવી જરૂર નથી, પણ મતદાન અવશ્ય કરવાનું. જુઓ આ કાયદો ! આ વાતનો જવાબ છે.  Section 49-0 as per 1969 act. person can go to the polling booth, confirm his identity,get his finger marked and convey the presiding election officer that he dosen’t want to vote anyone ! Yes such feature is available it is called “49-0”. The result: if a candidate in your ward wins, say by 123 votes, and that perticular ward has received “49-0” (No vote to any one) more than 123, then the polling will be cancelled and will have to be re-polled. Not only that, but the candidature of the contestants will be removed and they can not contest the re-polling, since people had already had expressed their decision on them.

આ બદમાશ નેતાઓએ આ કાયદા વિષે આપણને કાયમ અંધારામાં રાખ્યા છે. આ મતદારનું એક અમોઘ શસ્ત્ર છે. જનજાગ્રતિ જો આવે તો દરેક પક્ષ પોતાનો ઉમેદવાર ઉભો કરતા પહેલા સાત વાર વિચાર કરશે.

Kiran Bedi, Ph.D, is India’s first and highest ranking (retired in 2007) woman officer who joined the Indian Police Service in 1972. …
( આ વેબસાઇટ પોલિસ ખાતાને લગતી બાબત પર ઓન લાઇન Caomplain માટે છે. જે કિરન બેદી પોતે સંભાળે છે )

 

http://www.saferindia.com/kiranbedi/ 

બને તેટલા લોકોને આવા કાયદાઓથી વાકેફ કરશો તો આપણે ગર્વથી કહી શકશું ” દેખો યે દેશ હૈ મેરા…..”

Read Full Post »

આના પહેલાનાં બ્લોગમાં “નાઝિર” સાહેબ વિષે થોડીક માહિતી લખી હતી. ધન્યતા અનુભવું છું. તેમની થોડીક સારી ગઝલો બ્લોગમાં આપ્યા વગર રહી નશક્યો. કંઇક ખુટતુ હોય એવું મહેસુસ કરતો હતો.

* * *

પ્રભુના શીશ પર મારું સદન થઇ જાય તો સારું ; ભલે ગંગા સમું એ મુજ પતન થઇ જાય તો સારું.

નહીં તો  દિલ-બળેલો ક્યાંક બાળી દે નહીં જગને ; પતંગાને શમા કેરું મિલન થઇ જાય તો સારું.

એ અધવચથી જ મારાં દ્વાર પર પાછા ફરી આવે ; જો એવું માર્ગમાં કંઇ અપશુકન થઇ જાય તો સારું.

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે ; હ્રદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું.    

જીવન ભર સાથ દેનારા ! છે ઇચ્છા આખરી મારી ; દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે આ ’નાઝિર’ હર્ષનો માર્યો ; ખુશી કેરું ય જો થોડું રૂદન થઇ જાય તો સારું.

* * * 

 

તમે બોલાવશો એને તો મારું કામ થઇ જાશે ; વિના ઉપચાર આ બીમારને આરામ થઇ જાશે.

પછી મંદિર કે મસ્જિદ, જે ગણું તે ઘર હશે મારું ; કદમથી  આપના મુજ દ્વાર તીરથધામ થઇ જાશે.

નિછાવર થઇ જનારા ! આટલો તો ખ્યાલ કરવો’તો ; જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઇ જાશે.

દયાળુ ! દાન જો દેવું ઘટે તો પાત્રને દેજો ; નહીં તો કંઇક આ ’નાઝિર’ સમા બેફામ થઇ જાશે.

 

* * *

 રૂપાળા દેહમાં આતમનું પણ હોવું જરૂરી છે ; મનોહર ફુલ છે, ફોરમનું પણ હોવું જરૂરી છે.

કહાવો છો દયાળુ ને દયાની છાંટ પણ ક્યાં છે ? આ ખાલી કૂપમાં ઝમઝમનું પણ હોવું જરૂરી છે.

ભલેને ડૂબીએ પણ તાગ સાગરનો લઇ લેશું ; અરે ઝંપલાવ દિલ ! જોખમનું પણ હોવું જરૂરી છે.

નિહાળો ના, આ ફાટી આંખથી સૌંદર્યને ’નાઝિર’ ; પરમ દર્શન સમે સંયમનું પણ હોવું જરૂરી છે.

 

* * *

ઇશ્વર સાથે સીધી વાત કરવાની ’નાઝિર’ સાહેબની રચનાઓ પણ માણવા જેવી હોય છે.

 

 ગગનવાસી ! ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો ; જીવનદાતા !જીવન કેરો અનુભવ તું કરી તો જો !

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ ભગવન ! ફક્ત એક વાર કાંટાની પથારી પાથરી તો જો !

જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું ; અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો !

નિછાવર થઇ જઇશ એ વાત કરવી સહેલ છે ’નાઝિર’;વફાના શ્વાસ ભરનારા !મરણ પહેલા મરી તો જો !

* * * *

’નાઝિર’ સાહેબના જિંદગીના કડવા અનુભવો, હતાશાઓ ઘણી ગઝલોમાં દેખાય છે.

 

પથીક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે; ધરીને રૂપ મંઝિલનું, ઉતારા પણ દગો દેશે.

મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું; અમારાના અનુભવ છે,તમારા પણ દગો દેશે.

હું જાણું છું છતાં નિશદિન લૂંટાવા જાઉં છું ’નાઝિર’ શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.

* * *

 છેલ્લે કડવું પણ અનુભવનું અંતિમ સત્ય ’નાઝિર’ સાહેબ લખે છે……….. 

આ જવાની, જિંદગાની ચાર દિન

             ગમ વ્યથાને શામદાની ચાર દિન

                        મોત ટાણે એકલો મૂકી જશે

                                       એ બધી વાતો વફાની ચાર દિન

                                                 નામ ’નાઝિર’ કોઇના રહ્યાં નથી

                                                         તુજ કવન-યાદી થવાની ચાર દિન

 

 

Read Full Post »

એવા સમયનો આ કવિ છે જ્યારે ટી.વી.સ્ક્રિનોનું ભારતમાં અસ્તિત્વ જ ન હતું. આઇફા એવોર્ડ કે એસ.એમ.એસ. ન હતા, કોમેડી સર્કસ કે સાસુ વહુઓની સિરીયલો નહતી. સેન્સેક્સ,ઇન્ડેક્સની પળોજણ ન હતી. કોર્પોરેટ કંપનીઓ ન હતી કે પેટ્રોલ, ડીઝલના ભાવોની ચિંતા ન હતી. એ સમયે કવિઓ અને લેખકો સાયકલો ઉપર સવાર થઇ ને શાક્ભાજી લેવા જતાં. તેમના જીવનની સંઘર્ષ ગાથાઓ અપરંપાર હતી. લેખનમાં કે કાવ્યતત્વમાં ફિલસુફી ઉમેરાતી. કારણ કે જીવન સંઘર્ષોથી ભરેલું રહેતું. નબળી આર્થિક પરિસ્થિતી,પોતાના, પારકા બનીજાય, સમય આવે ખભો મિલાવી સાથ ન આપે,  હ્રદય ભગ્ન થાય અને ક્યારેક ઇશ્વર ઉપર પણ શંકા થવા લાગે કે મારી સામું જોવાની જાણે એને પણ નવરાશ નથી ! વિષાદ યોગ, વિરક્ત ભાવ, અને કવિના કાવ્યો કે ગઝલોમાં ફિલસુફી ઝલકવા લાગે.

“નાઝિર” જિંદગીની કડવાશ પી જઇને વહેવારૂં વાતો  ગઝલનાં રૂપે આપતો ગયો. ક્યારેક તો આ માણસ ગઝલમાં ઇશ્વર સાથે સીધી વાત કરતો.

સુણે ના સાદ મારો તો મને શું કામ ઇશ્વરથી ? છિપાવે ના ત્રુષા તો આશ શી રાખું સમંદરથી ?

લખ્યાં છે લેખ, એની આબરૂનો ખ્યાલ રોકે છે, નહીંતર ફેંસલો હમણા કરી નાખું મુક્કદ્દરથી .       

“નાઝિર” ( નાઝિર દેખૈયા, તખલ્લુસ સાથેનુ પુરુ નામ બહુ ઓછાને ખબર હશે ) ભાવનગરનો આ કવિ ઘણો સંઘર્ષ કરીને જીવેલો. તેને ગઝલો લખી એક અનોખીજ છાપ પાડી, આધ્યાત્મીક છાંટ વાળી અને ફિલસુફીથી ભરેલી “નાઝિર”ની ગઝલો, રામાયણ કથાકાર શ્રી મોરારી બાપુ પ્રસંગોપાત સંગીત સાથે કથામાં ઘણી વખત ગાય છે. મેં પોતે બેત્રણ વાર સાંભળી છે. શ્રી મોરારી બાપુ લાડથી બોલતા ” અમારો ભાવનગરનો નાઝિર….” અને સંગીત સાથે તેમના સુરીલા અવાજમાં ગઝલ શરૂ થતી….

 ખુશી દેજે જમાનાને, મને હરદમ રૂદન દેજે ; 

અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.  

સદાયે દુ:ખમાં મલકે, મને એવા સ્વજન દેજે, 

ખિઝામાં પણ ન કરમાયે, મને એવા સુમન દેજે.  …………….         

“નાઝિર” મૂળ નામ નૂર મહંમદ, તેમના મોટા ભાઇ “બેબસ” ભાવનગરમાં ઇન્ડીયન અભુ બેન્ડના માસ્ટર તરીખે કામ કરતા. માતા પિતાની છત્રછાંયા ગુમાવ્યા બાદ ભાઇ ભાભી સાથે રહી મોટા થયાં, ક્લેરોનેટ વગાડવાની તાલિમ લઇ અને વારસાગત ધંધામાંજ ઝંપલાવ્યુ. આ વખતે ભાવનગરના આંબા ચોકમાં ઇન્ડીયન અભુ બેન્ડની મેડીએ “ગઝલ સભા” ભરાતી. ભાવનગરનાં ત્યારનાં ગઝલકારો સ્વ.ખલીલ, સ્વ.રફતાર, આશીફ, નીશાત, બેફામ વિ.ની મહેફિલ જામતી અને નાઝીરને ગઝલમાં રસ પડવા લાગ્યો. ધીરે ધીરે ગઝલની સમજ પણ વધવા લાગી. સુપ્ત પ્રતિભા જાગી અને નૂરમહમદમાંથી આપણને નાઝિર મળ્યા.

મોટા ભાઇ “બેબસ”ના અવસાન પછી નાઝિરના શિરે બે પરિવારની જવાબદારી આવી પડી. હવે ’ઇન્ડીયન અભુ બેન્ડ’ની આવક ઓછી પડવા લાગી. ૧૯૫૬ માં નાઝિર જીલ્લા લોકલ બોર્ડની નોકરીમાં જોડાઇ ગયા. કાર્યકુશળતા અને સરળ સ્વભાવને લીધે બધાના મન જીતી લીધા, ગઝલકાર હોવાથી બધાના પ્રિય થઇ ગયા. સામાન્ય નોકરી કરતા કરતાંજ ગઝલોનું સર્જન થતું ગયું.

શિષ્ટ મુશાયરાઓ, રેડીઓ, સમારંભો, મહેફિલો અને સામયિકોમાં નાઝિરને વિશિષ્ઠ સ્થાન મળવા લાગ્યું ’નાઝિર’ની ગઝલોને મહેફિલમાં વહેતી મુકવાનું શ્રેય, સુરીલા અને મોહક કંઠ વાળા શ્રી મનુભાઇ પટેલને જાય. તેમણે દ્વારકાથી કલકત્તા સુધી ’નાઝિર’ને જાણીતો કરી દિધો. આ કવિ બહુ શિષ્ટ અને સંયમી રચનાઓનો માલિક બની રહ્યો અને ગઝલની અનોખીજ છાપ છોડી ગયો. મસ્તક ઝુકી જાય…. આ કવિ ’જામ’નો નહીં ’રામ’નો લાગે.

Read Full Post »

(૪ થી  માર્ચ , ૨૦૦૬. બક્ષીજીએ લખ્યું હતું . મારૂં પોતાનું  એક પ્રશ્નોપનિષદ છે. લોકોની સહમતિ કે અસહમતિ સાથે મારે કોઇ લેવા દેવા નથી.)

 

આ માણસનું પોતાનું  એક આગવું દર્શનશાસ્ત્ર હતું . પ્રસાદમાં કોઇ કેળું આપે તો છાલ સાથે ન ખવાય. પોતાના તર્કમાં જે વિચાર બંધબેસતો ન આવે, તે વાતને આ માણસ કેળાની છાલની જેમ ફેંકી દેતો, એ  પણ  દૃઢ આત્મવિશ્વાસ સાથે. પછી તે બુધ્ધ હોય કે મહાવીર, કૃષ્ણ હોય કે રજનીશ… બક્ષીસાહેબનું પ્રશ્નોપનિષદ  ત્યાંથી શરૂં થતું.

 

એક વાર બક્ષીજીએ  ડો. એ. પી. જે. અબ્દુલ કલામની વાત લખી હતી. તેઓએ એક પ્રવચનમાં શિક્ષકોને  સલાહ આપી હતી  કે વર્ગમાં વિદ્યાર્થીઓને રોજ કમ સે કમ ૨૦ મિનીટ  પ્રશ્નો પૂછો. પ્રશ્નોથી  બાળકો સ્પષ્ટ વિચારતાં થાય છે.

 

જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રશ્નની શું ભૂમિકા છે? પ્રશ્ન શા માટે પૂછાય છે? શંકા થાય છે ત્યારે પ્રશ્ન જન્મે છે. ઉત્તર સમાધાન છે, સાંત્વન છે. સંશય એ અશ્રધ્ધાવાનનું લક્ષણ છે. જો શ્રધ્ધા છે તો પ્રશ્ન નથી, અંધશ્રધ્ધા છે તો માત્ર સ્વિકાર છે, પણ બુધ્ધિનો ઓહાપોહ તર્ક પેદા કરે છે અને તર્કમાંથી પ્રશ્ન પ્રકટે છે. આપણા સર્વમાન્ય ધર્મગ્રંથો ગીતા, ધમ્મપદ, ઉપનિષદો, ભાગવત આદિમાં પ્રશ્નો પૂછાયા છે અને ઉત્તરો અપાયા છે. દરેક બુધ્ધિવાનનું પોતાનું એક પ્રશ્નોપનિષદ હોય છે.

 

ગીતામાં અર્જુનને જેટલી શંકાઓ અને પ્રશ્નો ઉદભવ્યા એટલા  કર્ય., શ્રી કૃષ્ણે બધાંના ગણીગણીને ઉત્તરો આપ્યા. સ્થિતપ્રગ્ન વિષે અર્જુને ઘણાબધા પ્રશ્નો પૂછી નાખ્યા. કૃષ્ણ ભ્રમોનુ નિરસન કરતા રહ્યાં. એક વાર તો કહી પણ દિધું, શંસયાત્મા વિનશ્યતિ. બક્ષીજી લખે છે, અહીં પ્રશ્નની આગળ આશ્ચર્યચિહ્ન નથી, પણ પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. વિજ્ઞાન ક્યારેય કહેતું નથી કે આ સત્ય છે, ધર્મ હંમેશા કહે છે, આ જ સત્ય છે.

 

યુરોપમાં નવજાગ્રતિનો યુગ આવ્યો અને એશિયા પાછળ રહી ગયું, કારણ સ્પષ્ટ છે, યુરોપમાં બુધ્ધિમાનોએ બાળકોના વિસ્મયોમાંથી ઊભા થાય તેવા પ્રશ્નો પૂછ્યા. દરેક લોહી લાલ શા માટે હોય છે? દરેક પ્રાણીના હાડકાનો રંગ સફેદ કેમ હોય છે? દરેક પાંદડુ  લીલું કેમ હોય છે? આકાશનો રંગ બ્લ્યૂ કેમ છે? દરેક વસ્તુ ઉપરથી નીચે જ કેમ પડે છે? અસંખ્ય પ્રશ્નો પૂછાતા ગયા અને વિજ્ઞાનનો વિકાસ થતો ગયો. એક જમાનો હતો કે ધર્મના સ્થાપિત સિધ્ધાંતોનો કોઇ વિરોધ કરે તો, તેને જીવતો જલાવી દેવાતો યા ગર્દન ઉડાવી દેવાતી. પ્રશ્ન પૂછવો એ અધર્મ બની જતો. યુરોપનો ’રેને દેકાર્ત’ લેટિનમાં એક અમર વાક્ય લખી ગયો છે, “હું વિચાર કરી શકું છું, માટે જ હું છું. (આઇ થિંક,ધેર ફોર આઇ એમ.)” સત્ય શોધવા માટે આપણી જિંદગીમાં શક્ય હોય ત્યાં સુધી દરેક વસ્તુ વિષે શંકા કરી પ્રશ્નો ઉઠાવવા જોઇએ, જે ખોટું લાગે તેની અને જે સાચું લાગે તેની પણ એક વાર શંકા થવી જોઇએ. જીવનભર પ્રશ્નો થતા રહશે, કારણ કે પ્રશ્ન એ સ્વચ્છ બુધ્ધિની ઉપજ છે. બાળક મમ્મીને પ્રશ્ન કરે છે : તું મને ક્યાંથી લાવી? અને એ પ્રશ્ન પાછળ પૂરા બ્રંમાંડની  ઉત્ક્રાંતિની  મહાકથા રહેલી છે. પ્રશ્ન અનુત્તર રહી જાય છે. સર્જન ક્યારેય પૂર્ણત: ૧૦૦  ટકા સમજાવવું શક્ય નથી. ઇશ્વરની દુનિયા તમારી સામે ખુલતી  જાય છે. ઇશ્વરની દુનિયા એટલે પક્ષીઓ, પથ્થરો, બાળકો, પ્રાણીઓ, તારાઓ, પર્વતો, આકાશ, પ્રકાશ… પ્રશ્નો બદલાતા રહેશે. પ્રશ્નોપનિષદ વિસ્તરતુ જશે…

Read Full Post »

 તા.૨-૫-૧૯૮૩, બુધવારે ,  બક્ષીજીને હું અને થાનકી (હરસુખ થાનકી) તેમના ઘરે મળવા ગયા હતા. હૂં ૧૯૮૨ માં અમદાવાદથી  મુંબઇ આવી ગયો હતો.. થાનકીના નાના ભાઇ વિનોદનો ’દુરદર્શન’ વરલીમાં ઇન્ટરવ્યુ હતો. અમારો પનવેલથી બધાં સાથે જવાનો પ્રોગ્રામ નક્કી થઇ ગયો હતો. હું આજે પણ પનવેલમાં રહું છું.’દુરદર્શન ’ પહોંચ્યા પછી ખબર પડી કે ઇન્ટરવ્યુ માટે લાંબી લાઇન લાગી છે. લગભગ ત્રણ ચાર કલાક થશે. થાનકીએ મને કહ્યું ’ ચાલ દિનકર , આપણે બક્ષી સાહેબને મળવા જઇએ, વિનોદ  બેઠો છે. તેનો નંબર લાગશે તે પહેલાં આપણે પાછાં આવી જઇશું.’. મેં કહ્યું ’ તને ઘરનાં એડ્રેસની ખબર છે ? ’ થાનકીએ કહ્યું ’ ભલા માણસ ઘણી વખતે તેમની બુક્સમાં વાંચેલુ છે. બંગાલ કેમિકલ્સ પાસે,વરલી, ચલો ’.  અને અમે નીકળી પડ્યા શ્રી બક્ષીજીને મળવા. ઘર ગોતવામાં ખાસ તકલીફ ન પડી… થાનકીની ખબર ન હતી પણ હૂં તો પહેલી વાર બક્ષીસાહેબને રૂબરુ મળવાનો હતો. મનમાં અજીબ સી હલચલ હતી. ત્યારે તેઓ લગભગ જુહુ રોડ પર આવેલી ’સાધના કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ’ના પ્રિન્સીપાલ હતા. એ વખતે મને અને થાનકીને બક્ષીસાહેબનું ખરેખર એવું ઘેલું લાગેલું કે એક પણ લેખ કે પુસ્તકાલયમાં મળતી નોવેલ વાંચ્યાં વગર છોડતા નહીં!. હું મનોમન તૈયારી કરવા લાગ્યો કે તેમની સાથે શું વાત કરશું ? થોડા દિવસો પહેલા જ તેમનાં એક લેખમાં વાંચેલું  કે “ ઔદિચ્ય બ્રાહ્મણો હંમેશા મારા  દુશ્મનો રહ્યા છે, જૈનોએ દગો દિધો છે અને મુસલમાન દોસ્તોએ ખભો મિલાવી સાથ આપ્યો છે.’ આ માણસ લખવામાં એટલો બિન્દાસ્ત અને નિડર હ્તો, કે વાંચ્યાં પછી ગમતો. એના ઉપર માન થતું. કારણ કે ભરપુર વિદ્વત્તા, આત્મવિશ્વાસ… જે લખો તે ઓછું પડે. ગુજરાતી સાહિત્યનો એકલવીર .’ TROY ‘ પિક્ચર જોયું છે ? “Greek Warrior Achilles “ એક વાર જરુર જોજો, ’ બ્રેડ પીટે ’ બહુ સરસ અભિનય આપ્યો છે. તેજતર્રાર જુસ્સો અને એક યોઘ્ઘાની ખુમારી. બસ, એવીજ ચપળતા અને તેજતર્રાર લેખનનો મિજાજ…

એમને રૂબરૂ મળવાની ક્ષણ આવીગઇ. ઘરની બેલ વગાડી. બક્ષીસાહેબે પોતે જ દરવાજો ખોલ્યો. ખોલતાની સાથે જ ’આવો આવો, કેમ છો ? ’ જાણે પરિચીત લોકોને આવકારો આપતા હોય. થાનકીએ કહ્યું, “ હું હરસુખ થાનકી , ’રંગતરંગ’ અને ’ચાંદની’નો સહતંત્રી છું અને લખું પણ છું.’ બક્ષીજી બોલ્યા, “ હા.. હા  નામ સાંભળ્યુ છે !” થાનકી  એકદમ હસી પડ્યો. આવા મોટા ગજાનો માનવી એમ કહે કે હા ,મે નામ સાંભળ્યુ છે, વાહ .. વાહ ફીદા છીએ આ માણસ ઉપર! હવે પરિચય આપવાનો મારો વારો હતો. અચાનક જ બોલાઇ ગયું, ’ હું  દિનકર ભટ્ટ, ઔદિચ્ય બ્રાહ્મણ, જે કાયમ તમારા દુશ્મનો રહ્યાં છે!’ બક્ષીસાહેબે મારો હાથ પકડીને ખેંચી લીધો, મારી પીઠ પર ધબ્બો મારીને કહ્યું, “તમે પહેલા ઔદિચ્ય બ્રાહ્મણ છો જે મિત્ર લાગો છો.” અને વાતાવરણ ખડખડાટ હાસ્યથી છવાઇ ગયું.

અમે એકાદ કલાક બેઠા. ઘણા વિષયો પર વાતો નીકળી. દિલ તરબતર થઇ ગયું. ગદગદ થઇ ગયું. બક્ષીસાહેબને  ફરી સલામ…

 ૪થી  માર્ચ, ૨૦૦૬. બક્ષીજીએ લખ્યું હતું : “પાંચ મહીના પછી હું ૭૫ વર્ષનો થઈશ, ત્યારે પણ મારૂં સત્ય મારી સામે આંખ ફાડીને જોતું હશે. સત્ય શું છે?  આત્મિય  વ્યક્તીનું  મ્રત્યું ? મ્રત્યુંની પેલે પાર શું હશે તે? સત્ય હર ઉંમરે બદલાતું રહ્યું છે. મારૂં પોતાનું પ્રશ્નોપનિષદ છે. લોકોની સહમતિ કે અસહમતિ સાથે મારે કોઇ  લેવાદેવા નથી.” 
તા. ૨૫ માર્ચ  ૨૦૦૬, શનીવારે, બક્ષીજી ’અલવિદા’ કહી નીકળી ગયા. બક્ષીજીએ લખ્યું હતું, “મૃત્યુ મને જીસસ અને મોઝેસની સમકક્ષ મુકી દેશે.
(બક્ષીસાહેબને આ મારી સ્મરણાંજલિ છે. તેમના કોઇ પુસ્તક વિષે કે મુદ્દા સાથે હું આવતો રહીશ.)

Read Full Post »

સૈકાઓથી આપણે આંગળીના વેઢે દુનિયાની સાત અજાયબી ગણ્યા કરીએ છીએ, ’તાજ મહાલ’ને આંખ બંઘ કરીને ગણાવતા, પણ હવે દિવસો બદલાઇ ગયા છે. થોડા મહિનાઓ પહેલા ’ સેવન વંડર્સ ’ માટે પબ્લિક સર્વે કરવામાં આવ્યું. સદનસીબે ’તાજ મહાલ’ની ગણત્રી થઇ ગઇ, પણ જરા અજુક્તું લાગ્યું. ટી.વી સેટ ઉપર આપણે તાકીને બેઠા હતાં. ટી.વી. ઉપરથી જાહેર થયું કે ’તાજ મહાલ’ની ગણના સાત અજાયબીઓમાં થઇ ગઇ, અને આપણે ફટાકડા ફોડ્યા. જેમ ભારતની ક્રિકેટ ટીમ જીતીજાય છે અને ફટાકડા ફુટે છે તેમ, શું દર વખતે આપણે ’તાજ મહાલ’ માટે લાઇન લગાવીને ઉભું રહેવાનું ? જ્યારે નવી અજાયબીઓ બનતી જાય છે, તો અજાયબીઓની સંખ્યાની ગણત્રી દશ ન કરી શકાય ? ખેર એ બધું આપણાં હાથમાં નથી, પણ ’તાજ મહાલ’ની ગરિમા આપણાં માટે તો એટલી જ છે, જેટલી પૂ. ગાંધીજી માટે છે, જેટલી કવિવર ટાગોર કે શહીદ ભગત સિંહ માટે છે.  

 “તાજ મહાલ” વિષે થોડીક માહિતી 

ચાર કરોડ, અગીયાર લાખ, અડતાળીશ હજાર, આઠસો છત્રીસ રૂપિયા, સાત આના અને છ પાઇ જેટલો ખર્ચો “ તાજ મહાલ “ બનાવવામાં થયો હતો. આવું  ’અમ્લ- ઇ -સાલીહ’ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. દુનિયાભરનાં કારીગરો આવ્યા હતાં. સમરકંદથી મુહમ્મ્દ શરીફ, લાહોરથી કઝીમ ખાન, જેણે તાજ મહાલની સૌથી ઉંચી ટોચ બનાવી હતી. દિલ્હીના એક પીરા નામના માણસે ઘુમ્મટની આસપાસ માચડો બાંધ્યો હતો અને ઘુમ્મટનું મધ્યબિંદુ ગોઠવવામાં મુખ્ય કામ કર્યું હતું. શિરાઝથી અમાનત ખાન, બગદાદથી કાદર ઝમાન અને મુહમ્મદ ખાન.શામથી રૌશન ખાન આવ્યો હતો. જેણે આરસામાં આયાતો કોતરી હતી. અંદરનું બધું કામ કનોજના ચિરંજીલાલે કર્યું હતું. તેની સાથે ત્રણ મુખ્ય કારીગરો હતાં. છોટીલાલ, મન્નુલાલ, અને મનોહર સિંઘ. અંદર ફુલો કોતરનારા બોખારાથી આવ્યાં હતાં. અતા મુહમ્મદ અને શકર મુહમ્મદ. ત્રણ દિલ્હીના હતાં. બનુહાર, શાહમલ અને ઝારાવર. બહારની બાગ બગીચાની યોજના રામલાલ કાશ્મીરી નામનાં માણસે કરી હતી. બધાનો ઉપરી હતો ઇશા નામનો માણસ. 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

Design a site like this with WordPress.com
શરૂ કરો