હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

જો! – દાન વાઘેલા

જોવું જ હોય તો, તું હવાની જ ગંધ જો!
અફવાની લાશ લઈ જતા ફૂલોના સ્કંધ જો!

દૃશ્યોની લૂંટમાર કરે છે પતંગિયાં;
શંકા ઓઢીને ઊગતા આ સૂર્ય અંધ જો!

એ વાત છે અલગ કે હૃદય બંધ થાય છે;
આઘાત – લાગણીનો પરસ્પર સબંધ જો!

લે પાણી, પૈસો, પાન પણ તુલસીનું ને આ ધૂળ;
છે જીવની તૃષાનો આ છેલ્લો પ્રબંધ… જો!

– દાન વાઘેલા

સૌંદર્યબોધ આ ગઝલના મત્લાનું મધ્યબિંદુ છે, પણ કવિ ભાવક પાસે ઇન્દ્રિયવ્યુત્ક્રમની અપેક્ષા પણ રાખે છે. દુનિયામાં જોવા જેવું તો ઘણું બધું છે, પણ કવિ આહ્વાન કરે છે કે જોવું જ હોય તો હવાની ગંધ જો. નાકથી કરવાનું કામ આંખથી કર. સુગંધને વહેતી કરનાર ફૂલોના સુકોમળ સ્કંધ અફવાની લાશનું પણ વહન કરે છે એ વાત સહેજ સંદિગ્ધ રહી જાય છે. બીજો શેર સાધારણ છે અને ‘ઓઢીને’માં છંદ પણ તૂટે છે. પણ ગઝલની ખરી મજા ત્રીજા-ચોથા શેરમાં છે. પ્રિયજને આઘાત આપ્યો, એના પ્રત્યાઘાતમાં કથકનું હૃદય બંધ થઈ રહ્યું છે, એ સામાન્ય બનાવને આઘાત-લાગણીના પરસ્પર સંબંધ સાથે જોડીને કવિએ કેવો મજાનો શેર કહી દીધો! અંતિમ શેરમાં ચિત્રણ તો મૃત્યુનું છે, પણ મૃત્યુસમયના રિવાજોને જીવની તરસના છેલ્લા પ્રબંધ તરીકે ઓળખાવીને કવિએ શેરને ચિરસ્મરણીય બનાવી દીધો. કેમકે અંતિમ શ્વાસ સુધી મનુષ્યની તૃષા-લાલસાઓનો અંત આવતો નથી.

16 Comments »

  1. Kishor Ahya said,

    September 8, 2026 @ 4:11 PM

    ‘જો ‘કવિ શ્રી દાન વાઘેલાની ખુબજ મજાની રચના છે. ગઝલમાં ઊંડાણ છે ગઝલના ભાવ માણવા જેવા બન્યા છે. પ્રથમ શેર જોઈએ.

    “જોવું જ હોય તો, તું હવાની જ ગંધ જો!
    અફવાની લાશ લઈ જતા ફૂલોના સ્કંધ જો”
    “અફવાની લાશ લઈ જતા ફૂલોના સ્કંધ જો” કોઈ અફવા ઉડી હોય જેને કારણે કોઈએ જીવ ગુમાવવો પડ્યો હોય, એ માટે કવિએ અફવાની લાસ શબ્દ પ્રયોજ્યો હોય. લાસ ફૂલોથી ખંભા સુધી ઢંકાયેલી છે. ફૂલોની સુગંધ હવામાં છે .અહીં કટાક્ષ છે ,હવામાં ગંધ છે પણ અંદર અફવાની લાશ છે!

    “દૃશ્યોની લૂંટમાર કરે છે પતંગિયાં;
    શંકા ઓઢીને ઊગતા આ સૂર્ય અંધ જો!”
    પતંગિયા કેવા મજાના એક ફૂલ પરથી બીજા ફુલ પર બેસી ઊડ્યા કરે છે! પતંગિયા પ્રકૃતિના સૌદર્યને માણે છે, તેથી કવિ પતંગિયાને લૂંટ કરનારા(લૂંટમાંર) કહે છે! જ્યારે બીજી બાજુ મનુષ્ય! કવિ મનુષ્યને સૂર્યની ઉપમા આપે છે ,પણ સૂર્ય જેવો આ મહાન મનુષ્ય શંકા અને વ્હેમોને કારણે સત્ય જોઈ શકતો નથી ,જેથી કવિએ આ સૂર્યને અંધ કહ્યો છે.

    “એ વાત છે અલગ કે હૃદય બંધ થાય છે;
    આઘાત – લાગણીનો પરસ્પર સબંધ જો!”
    માનવી માનવી વચ્ચેના પ્રેમ લાગણીના સંબંધોની કવિ વાત કરે છે. સ્થતિપજ્ઞ અવસ્થામાં સુખ દુઃખ હોતાનથી પણ હજારો, લાખોમાં કોઈ એક બે મનુષ્ય એ અવસ્થાએ હોય છે. લાગણીને કારણે મનુષ્યને ઘેરી વળતા દુઃખો આઘાત જન્માવે છે જે હદયબંધ થવા સુધી આઘાત આપી દે છે! લાગણી આઘાત પરસ્પર કેવા જોડાયેલ છે એ દર્શાવતો શેર છે.

    “લે પાણી, પૈસો, પાન પણ તુલસીનું ને આ ધૂળ;
    છે જીવની તૃષાનો આ છેલ્લો પ્રબંધ… જો!”
    મનુષ્યની જિંદગીનો છેલ્લો તબક્કો, અથવા છેલ્લા શ્વાસના દૃશ્યની વાત કવિ એ “જીવની તૃષાનો આ છેલ્લો પ્રબંધ… જો!” કહીને કહી છે. પોતાની આખી ઝીંદગી મનુષ્ય સારું જીવન જીવવા માટેના પ્રબંધો કરી કરી ગુજારી દે છે! કવિએ અહીં એ સંદર્ભમાં છેલ્લો પ્રબંધ શબ્દ પ્રયોજ્યો છે. (કવિનો ગૂઢ અર્થ, કોઈ પ્રબંધો કામ આવતા નથી! મુત્યુ નિશ્ચિત છે )કવિ કહે છે આ છેલ્લો પ્રબંધ જો ! મનુષ્યની અધૂરી રહી ગયેલી જીવવાની તૃષા, તૃષ્ણાને સંતોષવાનો એક પ્રયત્ન, આ છેલ્લો પ્રબંધ છે.

    બધાજ શેર ખૂબ ગમ્યા. શ્રી વિવેકભાઈએ સરસ ગઝલ પસંદ કરી ખૂબ જ સરસ આસ્વાદ આપેલ છે.

    🌹🌹🌹🌹

  2. Harihar Shukla said,

    September 8, 2026 @ 4:24 PM

    સરસ ગઝલ, સરસ આસ્વાદ વિવેકભાઈ અને કિશોરભાઈના. બંને એકબીજાના પૂરક.

  3. Dr Sejal Bhvesh Desai said,

    September 8, 2026 @ 4:49 PM

    વાહ..ઉમદા ગઝલ

  4. ધીરૂ said,

    September 8, 2026 @ 5:10 PM

    સમકાલીન કવિતામાં ઘણીવાર ‘અસ્પષ્ટતા અને ગૂંચવાડા’ને ‘ઊંડી ગૂઢતા’ કે ‘પ્રાયોગિકતા’ ગણાવી દેવાની એક ફેશન ચાલી નીકળી છે. પરંતુ:
    ૧. સાચી ગૂઢતા કે સંકેત વાચકને વિચારતો કરે છે, પણ આ ગઝલ વાચકને માત્ર ગૂંચવે છે.
    ૨. છંદ અને કાફિયા-રદીફ પૂરવા માટે કલ્પનોનો એવો બળજબરીપૂર્વક ખડકલો કરાયો છે કે રચનાનો કાવ્યાત્મક આત્મા સાવ હણાઈ ગયો છે.
    આ ગઝલમાં કવિએ પ્રતીકો અને અમૂર્ત કલ્પનોની એવી ભુલભુલામણી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે, જેનાથી કાવ્યમાં કોઈ આંતરિક સંવેદના કે ચોટ પ્રગટ થવાને બદલે માત્ર ‘અર્થહીન ગૂંચવાડો’ જ બચે છે.

    “જોવું જ હોય તો, તું હવાની જ ગંધ જો!

    અફવાની લાશ લઈ જતા ફૂલોના સ્કંધ જો!”

    હવાને ‘જોવી’, એ પણ એની ‘ગંધ’ને જોવી—આ એક સાથે અનેક અમૂર્ત ઇન્દ્રિયવ્યત્યય ભેગા કરવાનો અસફળ પ્રયાસ છે. સાની મિસરામાં ‘અફવાની લાશ’ અને એને ઊંચકી જતા ‘ફૂલોના ખભા (સ્કંધ)’—આ રૂપકો એટલા બધા ઉપજાવી કાઢેલા અને ગૂંચવાયેલા છે કે વાચકના ચિત્ત પર કોઈ જ કાવ્યાત્મક આઘાત કે ભાવ ઊભો થતો નથી. આ કેવળ શબ્દ-આડંબર છે..એ જ રીતે આગળના શેર પણ એવા જ છે..
    અંતિમ શેર ..
    ​”લે પાણી, પૈસો, પાન પણ તુલસીનું ને આ ધૂળ;

    છે જીવની તૃષાનો આ છેલ્લો પ્રબંધ… જો!”

    મરણ પથારીએ મોં માં મૂકાતા તુલસીપત્ર, ગંગાજળ, પૈસો અને ધૂળની વાત કરીને કવિએ મરણની ક્ષણ દર્શાવી છે ખરી. આખી ગઝલમાં કદાચ આ એક જ શેર છે જેની પાછળ કોઈ સ્પષ્ટ ચિત્ર છે, પણ એની રજૂઆત પણ એટલી સાધારણ અને વિધાનાત્મક છે કે એમાં ગઝલની અણધારી ચોટ કે સંવેદનાની ઘનતા નિષ્પન્ન થતી નથી

  5. મહેશ સોની said,

    September 9, 2026 @ 8:25 AM

    ક્ષમા સાથે જણાવું છું. ગંધ જોવાય નહીં એને સુંઘાય.

  6. VRAJESHKUMAR JAYANTILAL MISTRI said,

    September 9, 2026 @ 12:28 PM

    wah…patangiya

  7. લતા હિરાણી said,

    September 10, 2026 @ 9:25 AM

    ગઝલ ગમી. આસ્વાદ પણ
    લતા હિરાણી

  8. વિવેક said,

    September 10, 2026 @ 6:10 PM

    પ્રતિભાવ આપનાર દોસ્તોનો સહૃદય આભાર…

    @મહેશ સોની: લયસ્તરો પર મંતવ્ય આપવા માટે ક્ષમા માંગવાની હોય જ નહીં… પણ આપે જે વાત કહી છે એના વિશે ગઝલ સાથેની પાદટીપમાં મેં વાત કરી છે એ જોઈ લેશો જી.

  9. જિજ્ઞાસા યુ જોષી 'શુક' said,

    September 13, 2026 @ 3:14 PM

    રચનામાં ભાવ સરસ છે પરંતુ થોડી મારવાની જરૂર છે અને બીજા શેરમાં ઊગતા આ સુર્ય અંધ જો એમાં ઊગતો કરી શકાય કારણ સુર્ય એક જ હોય તો બહુવચન ના લઈ શકાય. મારી સમજમાં ભૂલ હોય તો ક્ષમા માંગુ.👍👌🙏🙏✍️✍️

  10. Kajal shah said,

    September 13, 2026 @ 3:26 PM

    સરસ 👌👌👌

  11. વિવેક said,

    September 14, 2026 @ 11:53 AM

    @ જિજ્ઞાસા યુ જોષી ‘શુક’

    કવિ ઊગતા લખે કે ઊગતો લખે- છંદને કોઈ હાનિ પહોંચતી નથી, એ જાણવા છતાં કવિએ ઊગતા સૂર્ય – એમ બહુવચનમાં લખ્યું છે… સૂર્ય એક જ હોય છે એ વાત શું કવિને ખબર નહીં હોય? બીજું, જો સૂરજ એક જ હોવાથી એકવચનમાં લખવું આવશ્યક હોય તો સૂર્યને અંધ પણ કઈ રીતે કહી શકાય? કવિએ સૂર્યને બહુવચનમાં તો આલેખ્યો જ છે, અંધ પણ કહ્યું છે… સંસારનું સત્ય અને કવિતાનો ભાવપ્રદેશ દર વખતે સમાંતરે જ ચાલે એ આવશ્યક નથી હોતું…

    મારી સમજણ મુજબ આપના સવાલનો જવાબ આપવાની કોશિશ કરી છે…

    સવાલ ઊઠાવ્યો એ ખૂબ ગમ્યું… આભાર !

  12. jyoti Patel said,

    September 14, 2026 @ 2:20 PM

    An exceptional ghazal! It beautifully connects funeral traditions
    to the endless desires of human beings, how we see the world, and death.

  13. ramesh maru said,

    September 14, 2026 @ 4:55 PM

    👌🏻👌🏻

  14. રાજેન્દ્ર ભટ્ટ said,

    September 14, 2026 @ 5:39 PM

    વાહ કવિ દાન વાહ ખૂબ ખૂબ અભિનંદન🎉🎊

  15. મયુરસિંહ ચુડાસમા 'મૃત' 𝕄𝕁 said,

    September 14, 2026 @ 8:26 PM

    3જો અને 4થો શેર બંને કશુંક કહી જવામાં અને ચોટ ઉત્પ્પ્ન્ન કરવામાં સફળ રહ્યા હોય તેવું જરૂરથી દેખાઈ આવે છે.
    ભાવકને પ્રથમ દ્રષ્ટિએ જ પહોંચે તેવા શેર છે. વડીલ-માર્ગદર્શક કવિ શ્રી દાન સાહેબને વંદન સહ શુભેચ્છાઓ. 💐🙏🏻🌹

  16. વિવેક said,

    September 15, 2026 @ 11:38 AM

    પુનઃ સૌ મિત્રોનો આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment