સમાન્તરે – પંથી પાલનપુરી
ઝરણું સમાન્તરે, કદી મૃગજળ સમાન્તરે,
તૃષ્ણાનું બીડ, તૃપ્તિનું ઝાકળ સમાન્તરે.
ચાલ્યા કરે સમાન્તરે ચહેરોય સૂર્યનો,
કાસાર ક્યાંક, ક્યાંક કમળદળ સમાન્તરે.
તડકો ને છાંયડેો રહ્યા સાથે પ્રવાસમાં,
સ્મરણો, સપન ઉભય રહ્યાં સમથળ સમાન્તરે.
શબ્દો સમાન ઘર અહીં ઊભાં છે હારબંધ,
ખુલ્લાં જ દ્વાર ક્યાંક ને સાંકળ સમાન્તરે.
પડછાયો થાય છે કદી આગળ, કદી પછીત,
અણજાણ આવકારતાં કૈં સ્થળ સમાન્તરે.
‘પંથી’ ખભેથી સાંજ ઉતારી સરાઈમાં,
કર યાદ કોણ એ હતું પળપળ સમાન્તરે ?
– પંથી પાલનપુરી
ગઝલની વિચ્છૃંખલતાને બારીક તો બારીક પણ એકસૂત્રે બાંધી રાખવાની જવાબદારી રદીફના ભાગે ગણાય. રદીફ જેટલી વિશિષ્ટ એટલી આ જવાબદારી તો વધે જ, એને નિભાવવુંય મુશ્કેલ બને. પ્રસ્તુત ગઝલમાં કવિ ઉભય કસોટીએ પાર ઉતર્યા છે. મત્લા જુઓ. પહેલી નજરે સાધારણ લાગે, પણ સહેજ વિચારતાં જ રોમાંચ થઈ જાય. ક્યારેક ઝરણું તો ક્યારેક મૃગજળ જીવનની સમાંતરે રહે છે. ઝરણું ખળખળ થતી વાસ્તવિક્તા છે, જ્યારે મૃગજળ નકરો આભાસ. ઝરણું લાગણીઓની આર્દ્રતા અને વહન બંને સૂચવે છે, જ્યારે મૃગજળ ઉજ્જડતા અને સુક્કાશ. આ જ રીતે એક તરફ તૃષ્ણાનું બીડ છે અને બીજી તરફ એને જ સમાંતરે તૃપ્તિનું ઝાકળ છે. ઇચ્છાઓ કદી ખતમ થતી નથી અને તૃપ્તિ કદી લાંબુ ટકતી નથી, માટે જ ઇચ્છાઓનું જંગલ અને સંતુષ્ટિનું પળમાં ઊડી જનાર ઝાકળ. હવે ફરીથી ઉલા મિસરો વાંચો. આવી મજા? બધા જ શેર સરસ થયા છે, પણ મત્લા-મક્તાની જોડી સર્વોપરી છે.


Nirja parekh said,
August 27, 2026 @ 12:04 PM
Waah, અદ્ભુત રદિફ, અદ્ભુત શબ્દપ્રયોગો..અદ્ભુત ગઝલ
Kishor Ahya said,
August 27, 2026 @ 3:06 PM
આપણે જ્યારે એક બીજાની સરખામણી કરીશું ત્યારે દેખી શકાય છે કે દરેક મનુષ્યનું જીવન પોતાની રીતે અલગ અલગ છે, કેટલીકવાર વિરોધાભાસથી ભરેલું દેખાઇ છે, એતો થઈ દૂર ની વાત, પણ મનુષ્યનું પોતાનું જીવન પણ એક ઊંડા વિરોધાભાસથી ભરેલું છે, મનુષ્ય પ્રેમ કરે છે- ઘૃણા કરે છે, શાંત છે- અશાંત છે, મનુષ્યના જીવનમા પ્રવતતી વિરોધાભાષી શબ્દોની યાદી બહુ મોટી છે. બહુ ઊંડાણમાં જોઈએ તો આ વિરોધાભાસ અસલમાં નથી પણ એ મનુષ્યના સાપેક્ષ દર્શનથી બને છે દાખલા તરીકે પ્રકાશ છે, અંધકાર છે પણ હકીકતે પ્રકાશ પણ નથી કે અંધકાર પણ નથી!બંને એક બીજાના પરિપેક્ષથી બને છે. મનુષ્યને પ્રકાશનો અનુભવ છે એટલે જ અંધકારનો અનુભવ કરી શકે છે. ઉર્જા ક્ષેત્રમાં પ્લસ માંઇનેસ જરૂરી હોયંછે તેમ જીવનના દરેક ક્ષેત્રમાં સમાન અને આસમાન એકી સાથે જરૂરી હોય છે જેમકે સુખ અને દુઃખ. મનુષ્યે જીવનમાં આ વિરોધાભાસનો સમન્વય કરીને જીવવાનું હોય છે. કવિ શ્રી પંથી પાલનપુરીની ગઝલ ‘સમાન્તરે’ સરળ શબ્દોમાં છે પણ ગહન દ્રષ્ટિ વાળી છે. બીજો શેર
“ચાલ્યા કરે સમાન્તરે ચહેરોય સૂર્યનો,
કાસાર ક્યાંક, ક્યાંક કમળદળ સમાન્તરે.”
“ચાલ્યા કરે સમાન્તરે ચહેરોય સૂર્યનો,”
સુર્ય તેના નિયત સમયે (સમાંતર);અવિરત ચાલ્યા કરે છે ,ચાલ્યા કરે સમાન્તરે ચહેરોય સૂર્યનો,’કાસાર ક્યાંક’ એટલે સરોવર અને કમળદળ સમાંતરે ચાલ્યા કરે. જ્યા સરોવર હોય ત્યાં કમળના ઝૂમખાં હોવાના. કવિ અહીં સૂર્યની વાત કરે છે પણ જોવા જઈએ તો આ આખું ગતિશીલ બ્રહ્માંડ, બ્રહ્માંડમાંના બધાં સૂર્યો, ગ્રહો અને આકાશપિંડો એકસમાન દૂરી રાખી સમાંતર ચાલ્યા કરે છે!કેટલાક વિદ્વાનનો મત છે કે ક્યાંક વતું ઓછું હોય ત્યાં અસ્તિત્વ એની મેળે એને સમાંતર કરી લે છે ,ઉદાહરણ તરીકે સ્ત્રીઓ પાસે સુંદરતા વધુ છે ત્યાં કુરૂપતા પણ પ્રમાણમાં વધુ છે! અતિ બુદ્ધિશાળી મનુષ્યો યૃથ્વી પર પેદા થશે તેજ પ્રમાણમાં મંદબુદ્ધિ પણ પેદા થશે!
“પંથી’ ખભેથી સાંજ ઉતારી સરાઈમાં,
કર યાદ કોણ એ હતું પળપળ સમાન્તરે ?”
મક્તાનો આ શેર બહુ સરસ છે. કવિ કહે છે “ખભેથી સાંજ ઉતારી સરાઈમાં” કવિ અહીં સરાઈ શબ્દનો ઉપયોગ કર્યો છે સરાઈ એટલે ઊતારો કરવાની જગ્યા કે ધર્મશાળા જ્યાં વ્યક્તિ ઉતારા માટે થોડો સમય રહેં છે. અભિ ગર્ભીત અર્થ છે, જીવન પણ સરાઈ જેવું છે આજે છે કાલે ચાલી જશે! મનુષ્ય ઘરને સરાઈ સમજીને રહે તો મોહ માયા દૂર કરી શકે અને એક આધ્યાત્મિક ઊંચાઈનો અનુભવ કરી શકે. “કર યાદ કોણ એ હતું પળપળ સમાન્તરે ?” કવિ અહીં મનમાં ચાલતા વિચારો વિશે કહે છે. કવિ કહે છે વિચારો સાથે જરા જરા વારે સમાન્તરે ચાલતું એ કોણ હતું? યાદ કર..વાહ!
ખૂબ મજાની રચના, મજાની રદિફ અને શ્રી વિવેકભાઈની મજાની ગઝલ પસંદગી અને એટલોજ સરસ આસ્વાદ.
🌹🌹🌹🌹
Harihar Shukla said,
August 27, 2026 @ 4:23 PM
સરસ ગઝલ પણ રદીફ મને છેતરી જતો હોય એવો લાગ્યો. ઝરણું સમાંતરે, કદી મૃગજળ સમાંતરે ….
અહીં ઝરણું અને મૃગજળ કોની સમાંતરે છે એ અધ્યાહાર છે. બંને એકબીજાની સમાંતરે છે એમ કવિ કહેતા હોય એવું પ્રતિપાદિત થતું નથી. આસ્વાદમાં બતાવ્યું છે એમ બંને જીવનની સમાંતરે હોય એવું ભાવકે માનવું પડે.
Lalit Trivedi said,
August 27, 2026 @ 4:36 PM
બહુ સરસ ગઝલ
Bharat Trivedi said,
August 27, 2026 @ 4:56 PM
કેટલીક ગઝલ મોઢામાં મૂકોને ઓગળવા લાગે તેવી તો કેટલીક વાગોળવી પડે તેવી હોય છે . આ ગઝલને પામવા તમારે તેને વાગોળવી પડે . રચનાકાર અને તેને શોધી લાવનાર બન્નેને સલામ .
Devendra Shah said,
August 31, 2026 @ 11:25 AM
🙏🙏 પ્રભુ એ સમયાંતરે મથાળું પસંદ કર્યું છે અને તે જ અન્વયે તેમનો આખો પ્રસાદ બહુ સરસ રીતે ઉતર્યો છે, આભાર, પ્રણામ.🙏🙏
મનીષા આર. દુધાત " મનમંદિર" said,
August 31, 2026 @ 11:32 AM
રદીફની વિશેષ પસંદગી, ગઝલને ખૂબ અસરકારક બનાવે છે, શેરીયતમા કઈ ન ઘટે… વાહ ખૂબ હૃદય સ્પર્શી ગઝલ..
રાજેન્દ્ર ભટ્ટ said,
August 31, 2026 @ 4:19 PM
મજા પડી નવા રદીફ ની મજા જ કંઈ ઓર છે. અભિનંદન
વિવેક said,
September 1, 2026 @ 6:40 PM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું…
ramesh maru said,
September 2, 2026 @ 1:12 PM
વાહ 👌🏻👌🏻💐
jyoti Patel said,
September 3, 2026 @ 3:08 PM
Very fascinating ghazal capturing life’s dualities using the word ‘સમાન્તરે’ ,shows wonderfully that these dualities coexist, running right next to each other rather than happening one after the other.
Vivek, your wonderful aaswad explains the depth of the opening part, making it even more interesting and easy to enjoy.