ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
આદિલ મન્સૂરી

એક ઈન્દ્રવજ્રા ગઝલ – સોલિડ મહેતા

આકાશ આખ્ખું ચકરાય ત્યારે
ચારે દિશાઓ તરડાય ત્યારે

ફૂંકાય છે લૂ હર એક શ્વાસે
ઇચ્છા વ્રણોમાં ઠલવાય ત્યારે

ડૂબી જશે આ ઘરમાં ઉદાસી
સાતે સમુદ્રો છલકાય ત્યારે

હોવાપણાનો કરશું ખુલાસો
એકાન્ત ભીનું પડઘાય ત્યારે

સદર્ભ સાચો મળશે મને ત્યાં
સંકેતમા કૈં. સમજાય ત્યારે

હું હસ્તરેખા સળને ઉકેલું
ખુલ્લી હથેળી થઈ જાય ત્યારે

ઊઠાડશો ના ભરઊંઘમાંથી
જાગીશ સૂર્યોદય થાય ત્યારે

– સોલિડ મહેતા

ઘણા ગઝલકારોએ પ્રચલિત સંસ્કૃત છંદોને ગઝલમાં અજમાવ્યા છે. વધુ એક કવિની વૃત્ત ગઝલ આજે માણીએ. છંદનું નામ કવિએ શીર્ષકમાં જ જાહેર કરી દીધું છે. ગઝલનો મત્લા ભાવકને કોઈક રીતે પાશમાં જકડી લે તો ભાવક આખી ગઝલમાંથી પસાર થવાની જહેમત કરે. આ ગઝલમાં કમનસીબે એવું થયું નથી. જ્યારે આખું આકાશ ચકરાય છે, ત્યારે ચારે દિશાઓ તરડાય છે એ વિધાન શેર બની શકતું નથી. વળી, બેમાંથી એક મિસરામાં રદીફ બિનજરૂરી લટકણિયું બની રહે છે. વાક્યની રચના જ એવી છે કે જ્યારે-ત્યારેની જોડી તોડી ‘ત્યારે-ત્યારે’ની જોડી બનાવવા જાવ તો વાક્ય બેસી પડે. ઘા પોતે લૂ જેવા દાહક છે, એમાં વળી ઇચ્છા પણ ભળે એટલે દુકાળમાં અધિક માસ ને પડ્યા પર પાટુ. ઉદાસીના અજગરભરડામાંથી ઘર ત્યારે જ બચી શકશે જ્યારે સાતે સમુદ્રો છલકાશે, બધી જ મુરાદો બર આવશે. ભીનું એકાન્ત વિયોગ અને રુદન બંનેને ઈંગિત કરે છે. એકાંત પણ છે અને રુદન પણ છે, પણ બંને મૂંગા છે. અવાજ ઊઠે તો પડઘો પડે ને પડઘો પડે તો સામી વ્યક્તિ સુધી પહંચે. જીવનમાં આવું કશું ઘટવાનું નથી એની ખાતરી હોવા છતાં કવિ ઠાલો સધિયારો આપે છે કે આવું કશું થશે ત્યારે અમે અમારા હોવા વિશે ખુલાસો કરીશું, કારણ હાલમાં તો અમારું હોવું ન હોવા બરાબર જ છે. રહસ્યો છતા થઈ જવાની પળે તકદીરને સમજવાની મથામણ કરવાવાળો શેર સરસ થયો છે, પણ હસ્તરેખા સાથે છંદાનુવર્તી શબ્દ ‘સળ’ ભરતીનો પ્રતીત થાય છે. છેલ્લો શેર પણ ભાવગહન થયો છે.

(છંદવિન્યાસ: ગાગા લગાગા લલગા લગાગા)

9 Comments »

  1. ધીરૂ said,

    August 29, 2026 @ 12:22 PM

    આધુનિકતા કે પ્રયોગશીલતાના નામે લખાતી આવી રચનાઓ પાઠક માટે નિરર્થક અને બોજારૂપ છે..ગુજારતી ગઝલ કચરા જેવી બની ગઈ છે..એક શેર પણ અર્થ પૂર્ણ ન લખી શકતા કવિ શાયરો જ્યારે એક ગઝલ લખવા બધા જ શેર ભરતીના , ઉટપટાંગ લખે અને પછી એને ગઝલનું નામ આપે..એ ગઝલ પર કવિ દ્વારા કરવામાં આવેલો બળાત્કાર છે..
    આ આખી ગઝલ એનું ઉદાહરણ છે…

    ​સંપ્રેશણ (Communication)નો અભાવ: કવિતાનો પ્રાથમિક હેતુ વાચક સાથે સંવેદનાનો સેતુ બાંધવાનો છે. જો કવિતા વાંચીને વાચકના મનમાં સહજ ભાવ જાગવાને બદલે તેને “આમાં કવિ શું કહેવા માગે છે?” એનો કોયડો ઉકેલવા બેસવું પડે, તો ત્યાં કવિતાનો આત્મા હણાઈ જાય છે.

    બૌદ્ધિકતા વિરુદ્ધ સંવેદના: ઘણીવાર આધુનિકતાના મોહમાં કવિઓ હૃદયની આત્મલક્ષી સંવેદનાને બાજુ પર મૂકીને માત્ર બૌદ્ધિક કસરત, અપ્રાકૃતિક કલ્પનો અને અઘરા શબ્દોની ગોઠવણ કરવા લાગે છે. વાચકને લાગે છે કે તેના પર કોઈ અગમ્ય ભાવ કે ફિલસૂફી જબરદસ્તી લાદવામાં આવી રહી છે.

    ​આડંબર અને સચ્ચાઈ: જો કવિતામાં અનુભૂતિની સચ્ચાઈ ન હોય અને માત્ર ચમત્કૃતિ ઊભી કરવા માટે આકાશ, દિશાઓ, શૂન્યતા કે ભયાનકતા જેવા અમૂર્ત શબ્દો ફેંકવામાં આવે, તો એ રચના સાચે જ કૃત્રિમ જ લાગે છે.

  2. Vrajesh Mistri said,

    August 29, 2026 @ 12:24 PM

    Wah

  3. Nirja parekh said,

    August 29, 2026 @ 2:52 PM

    મને આખી ગઝલ સોલિડ ગમી!

  4. Mita GM said,

    August 29, 2026 @ 3:43 PM

    આ રીતે પણ આપણા છંદ સચવાય એ આવકાર્ય

  5. Kishor Ahya said,

    August 29, 2026 @ 4:12 PM

    કવિશ્રી સોલિડ મહેતાની” એક ઈન્દ્રવજ્રા ગઝલ” ગેર-મુસલસલ ગઝલ છે .બધા શેર સ્વતંત્ર થયા છે
    પ્રથમ શેર ગઝલની દૃષ્ટિએ થોડી નબળો જરૂર છે પણ અર્થની દ્રષ્ટિએ સારો છે.
    “આકાશ આખ્ખું ચકરાય ત્યારે
    ચારે દિશાઓ તરડાય ત્યારે”
    લાગે છે, કવિ મનુષ્યના જીવન વિશે વાત કરે છે, મજાથી ચાલતા જીવનમાં જ્યારે ચારે દિશાઓથી મુશ્કેલીઓ આવી પડે ત્યારે જીવન ગોથું મારી જાય છે.

    “ફૂંકાય છે લૂ હર એક શ્વાસે
    ઇચ્છા વ્રણોમાં ઠલવાય ત્યારે”
    રૂઝાય ન શકે એવા ઘા હોય (આઘાત હોય) અને એમાં ઇચ્છાઓ ઠલવાતી હોય ત્યારે શ્વાસમાં જાણે કે લૂ ફુંકાતી હોય એવુ લાગે છે.

    “ડૂબી જશે આ ઘરમાં ઉદાસી
    સાતે સમુદ્રો છલકાય ત્યારે”
    અહીં સાતે સમુદ્રોનો અર્થ જીવનમાં સાત પ્રકારના સુખ આવે.. આવો અર્થ હોય શકે .

    “હોવાપણાનો કરશું ખુલાસો
    એકાન્ત ભીનું પડઘાય ત્યારે”
    જે એકાંત પ્રેમ લાગણીથી ભરેલૂ હોય ત્યાં જ પોતાનું હોવાપણાનો કઈક અર્થ છે.

    “સદર્ભ સાચો મળશે મને ત્યાં
    સંકેતમા કૈં. સમજાય ત્યારે”
    જે સંકેત સમજી શકે,એ ઉત્તમ સંદર્ભ છે. કવિએ અહીં સંદર્ભ બાબતે અધ્યાહાર સેવ્યું છે પણ એ જીવનની કોઇપણ બાબતે હોય શકે.

    “હું હસ્તરેખા સળને ઉકેલું
    ખુલ્લી હથેળી થઈ જાય ત્યારે”
    આ શેર સરસ થયો છે ,કવિ કહે છે હું જીવનન પ્રશ્નોને ઉકેલી શકું, પણ ક્યારે? ખુલ્લી હથેળી એટલેકે હૃદય મન ખુલ્લા કરી વાત થાય ત્યાં.

    “ઊઠાડશો ના ભરઊંઘમાંથી
    જાગીશ સૂર્યોદય થાય ત્યારે”
    આખી ગઝલનો ઉતમ શેર. “જાગીશ સૂર્યોદય થાય ત્યારે” કવિ
    કહે છે, જીવનમાં જાગવું એ પણ સૂતા બરાબર છે એટલે મને ઊંઘમાંથી ઉઠાડશો નહી! મારા જીવનમાં જ્યારે અંતર્દૃષ્ટિ (હોશ) આવશે ત્યારે હું જાગીશ.(સૂર્યોદય થશે)
    ( ત્યારેજ સાચું જાગ્યા )

    ગઝલ ગહન અર્થમાં છે જેથી અર્થોમાં થોડો અર્થફેર હોય શકે છે, પણ જ્યારે કવિ ગઝલ લખે છે ત્યારે એમાં કોઈને કોઈ અર્થ જરૂર હોય છે .

    શ્રી વિવેકભાઈ એ સરસ ગઝલ પસંદ કરી હંમેશની જેમ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  6. Harihar Shukla said,

    August 31, 2026 @ 11:37 AM

    સરસ ગઝલ. ગઝલનો છંદ (ગાગા લગાગા)×૨ પણ આ ગઝલમાં બેસી જાય છે.

  7. વિવેક said,

    September 1, 2026 @ 6:44 PM

    આભાર દોસ્તો…. આભાર

  8. jignasa joshi said,

    September 2, 2026 @ 2:06 PM

    ખૂબ જ સરસ.દરેક શેરનો ભાવ મનને જકડી રાખે છે વાંચન માટે. સર્જકને શુભેચ્છા

  9. jyoti Patel said,

    September 5, 2026 @ 9:22 PM

    Very nice…..how beautiful reminder to quietly sustain the darkness until the sunrise.
    Really enjoyed your aaswad , vivek, sharp and fair👍

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment