ઝાંઝવાં – આર. જે. નિમાવત
સ્વપ્નમાં રણ વિસ્તરે તારા વગર,
ઝાંઝવાં બસ તરવરે તારા વગર.
વાદળી એકકેય ક્યાં છે આભમાં?
મોભ કિન્તુ નીતરે તારા વગર!
ટોડલે ટાંગેલ તારા ચાકળે–
આભલાં રુદન કરે તારા વગર.
એકલું એકાંત છે, હું પણ નથી,
શ્વાસ કેવળ હરફરે તારા વગર.
પાણિયારે હેલ ખાલી છે પડી-
કોણ આવીને ભરે તારા વગર?
કોણ ખાલી જિંદગીના ચોકમાં-
અવનવા રંગો પૂરે તારા વગર?
– આર. જે. નિમાવત
પ્રારંભથી જ વિયોગ અને વિષાદ ગઝલનાં પ્રભાવી પહેલુ રહ્યાં છે. અહીં તો આખી ગઝલ જ ‘તારા વગર’ રદીફની ધરી પર ઊભી છે. સ્વપનમાં પણ મુલાકાત થઈ ન શકે એવી રણમાં ઝાંઝવા જેવી પરિસ્થિતિ વિયોગની પરાકાષ્ઠા ચાક્ષુષ કરે છે. મનનું આકાશ તો નિરભ્ર છે, પણ આંખોનો મોભ નીતરી રહ્યો છે. ક્યારેક પ્રિયજને દરવાજાના ટોડલે ચાકળો ટાંગ્યો હશે, એમાંના આભલા આજે રડી રહ્યા છે. ‘તારા’ શબ્દમાં શ્લેષ અનુભવી શકાય છે- એક તો બીજાપુરુષ એકવચન તરીકેનું સંબોધન અને બીજું, ચાકળામાં જે તારા અને આભલાનું ભરતકામ કરાયું હોય એ તારાનો સંદર્ભ. એકાંત એ હદે વ્યાપી ગયું છે કે સ્વયંની ઉપસ્થિતિ પણ અનુભવાતી નથી. જીવન કેવળ શ્વાસની હેરફેર થતી હોય એવી નિષ્પ્રાણ લાશ બનીને રહી ગયું છે.


Vrajesh Mistri said,
August 20, 2026 @ 1:35 PM
સરસ રચના
Harihar Shukla said,
August 20, 2026 @ 4:48 PM
વાહ, મોજ
Bhupendra bachkaniwala said,
August 20, 2026 @ 5:15 PM
કોણ ખાલી જિંદગી ના ચોક માં
અવનવા રંગો પુરે તારા વગર?
વાહ તદ્દન સાચી વાત
Kishor Ahya said,
August 20, 2026 @ 7:42 PM
કહેવાય છે ને કે માણસની કિંમત માનસ ન હોય ત્યારેજ સમજાય. પ્રેમમાં પણ એવુજ છે પ્રેમના દિવસો પળવારમાં વીતી ગયા એવું લાગે, પણ વિરહ આવે ત્યારે એક એક દિવસ એક એક મહિના જેવો થઈ જાય! ગઝલમાં નાયક વિરહથી તડપી રહ્યો છે, તારા વિના કેમ જીવાય? ડગલે ને પગલે દરેક વાતમાં તેને નાઇકાની યાદ આવે છે કેવા કેવા શબ્દો? નરી વાસ્તવિકતા..
ટોડલે ટાંગેલ ચાકળના આભલાં રુદન કરે છે !
ફ્કત શ્વાસ હરફરે છે !
બેડા ખાલી પડ્યા છે !
છેલ્લે
“કોણ ખાલી જિંદગીના ચોકમાં-
અવનવા રંગો પૂરે તારા વગર?”
ગ્રામ્ય જીવનનું રંગોથી ભરેલું ચિત્ર આ પંક્તિમાં દેખી શકાય છે.
ઝાંઝવાં –કવિ શ્રી આર. જે. નિમાવતની ઉતમ રચના છે શ્રી વિવેકભાઈએ ઉતમ ગઝલ પસંદ કરી ઉતમ આસ્વાદ આપ્યો છે. ગઝલ ખૂબ ગમી. પુરુષ એકલો અધૂરો છે એવો અદૃશ્ય ઈશારો ગઝલમાં જોઈ શકાય છે.
🌹🌹🌹🌹
ramesh maru said,
August 24, 2026 @ 11:38 AM
વાહ 👌🏻👌🏻
jyoti Patel said,
August 29, 2026 @ 1:36 PM
A beautiful ghazal describing the deep pain of “viyog”. Vivekbhai has helped to truly appreciate why this ghazal feels so heavy and heartbreaking. Pointing out the “shlesh” in the word “tara” was great 👍 -— learnt a new angle to look at ghazals.