માણસથી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ.
રમેશ પારેખ

(વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ) – હેમંત ધોરડા

વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.

સુક્કા અધર પરે ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.

પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે
બસ વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.

અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ

ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને તો ન મળે કોઈ ઘાવ પણ.

– હેમંત ધોરડા

રાતની વાત છે, પણ રાત શેની છે એ વાત કવિએ અધ્યાહાર રાખી છે. ગઝલનો મિજાજ આપણને કહે છે કે આ રાત વિયોગની-વેદનાની રાત છે. અને એટલે જ આ રાત અકાટ્ય બની રહી છે. ઘડી તો દૂરની વાત છે, ક્ષણ પણ અટકી પડી છે. નથી સ્વયંનું અસ્તિત્ત્વ ખતમ થતું, નથી રાત ખતમ થતી. રાત માટેનું ‘કઠણ’ વિશેષણ સમયના જડત્વ-સ્થૈર્યની પરાકાષ્ઠા નિર્દેશે છે. લકવાગ્રસ્ત સંવેદના સૂકાયેલ હોઠેથી તો નથી જ ટહુકતી, ખુલ્લી આંખોથીય વ્યક્ત થવાને સક્ષમ નથી રહી. પથ્થર જેવા બધિર થઈ ગયેલ ટેરવાં સ્પર્શની ભીનાશ અનુભવી શકે એમ નથી. સતત વિસ્તરતા જતાં રણ જેવી ઉદાસીએ અસ્તિત્ત્વ પર કબ્જો કરી લીધો છે. રુવાંથી રુવાંના અંતરવાળો શેર પ્રથમ નજરે સહેજ દુર્બોધ લાગે. પીડાના ‘मुश्किलें मुझ पर पडी इतनी’ના ન્યાયે કોઠે પડી જવાની આ વાત છે. હવે કોઈ વેદના બૉમ્બની જેમ અસ્તિત્ત્વના લીરેલીરાં ઊડાવી શકતી નથી એ વાત બે રુંવાડા વચ્ચેનું અંતર ‘તૂટતું’ ન હોવાના રૂપકની મદદથી કવિએ કહી છે. વેદનાના અવિર્ભાવનો અભાવ અંતિમ શેરમાં સ્ફુટ થયો છે. વેદના ક્યાં તો આંખોથી વહી નીકળે, ક્યાં તો જાતિય આવેગ થઈને સ્ફોટ પામે. પણ થીજી ગયેલા લોહીને વહેતું કરી શકે એવો કોઈ ઘા અવગતિએ ગયેલા જન્મારાને નસીબ થતો નથી. આંખથી રુધિરના ન ટપકવાની વાતે મિર્ઝા ગાલિબ અવશ્ય યાદ આવે:

रगों में दौड़ते फिरने के हम नहीं क़ाइल,
जब आँख ही से न टपका तो फिर लहू क्या है।

19 Comments »

  1. Kishor Ahya said,

    August 22, 2026 @ 1:29 PM

    એ વાત કવિએ અધ્યાહાર રાખી છે કે એક ક્ષણ થી ક્ષણ વીતતી નથી એવી એક કઠણ રાત શા માટે છે? અહીં બે ત્રણ અંદાજ મૂકી શકાય.
    કવિએ પાંચે શેરમાં જે વર્ણન મૂક્યું છે તે આ બધા અંદાજો ને લાગુ પડે એવું છે.

    નાયકની પોતાની આ વાત હોય.

    નાઇકા, નાયક પ્રત્યે લાગણીશૂન્ય થઇ ગઈ હોય ત્યારે આવી કોઈ વાત હોય શકે.

    “કઠણ રાત અને વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
    હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ” આ શબ્દો જોતા કોઈ
    અંગતજનનું મુત્યુ થયું હોય અને રાત્રી સામે બેસીને વિતાવવાની આવે!
    અધ્યાહાર જે પણ કઈ હોય પણ ગઝલના શબ્દો અને ભાવનું વર્ણન ખૂબ દર્દ ભરેલું છે. કવિની આ પહેલા બ્લોગ પર પ્રસ્તુત થયેલી ગઝલો વાંચતા નાયક નાઈકા વચ્ચેના પ્રેમ સંઘર્ષ ની ગઝલો છે એ જોતા નાઇકા નાયક પ્રત્યે લાગણીશૂન્ય થઇ ગઈ હોય એ વાત પણ હોય શકે.

    “તમે પણ ન છોડી હોડી” જાન્યુઆરી 2022 માં બ્લોગ પર મુકાયેલ કવિ શ્રી હેમંત ધોરડાની એક રચના..

    “ન અમેય નમતું જોખ્યું, ન તમેય જીદ છોડી,અમે પણ ન નાવ વાળી, તમે પણ ન છોડી હોડી.

    હવે પર્વતોના રસ્તા સમી વાત આપણી છે,અમે મૌન વાંકું વાળ્યું, તમે ચુપકીદી મરોડી.

    એ સુવાસ આપણી ક્યાં હવે કંઈ બચી કે કૂચી,જે અમે પવનમાં બાંધી, જે તમે હવામાં ખોડી.

    હતી આપણી પળો પણ જે સમય વીત્યો, હા, એમાંઅમે પણ ઉઠાવી ઓછી, તમે પણ વીણી એ થોડી.

    હતી હઠ લખેલી મુખ ૫૨ કદી આપણે ન વાંચી,અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી.”

    પણ કઠણ રાત ની વાત તો મૃતશરીર સામે બેસી રહેવું અથવા તો અંગતજન ના છેલ્લા સમયમા રાત્રે તેની સામે બેસી રહેવું ,એ રાત્રીની જ હોય શકે

    અહીં નાયકની પોતાની વાત હોય એવું એટલા માટે નથી લાગતું કે પોતાની આંગળીના ટેરવાએ સ્પર્શ ગુમાવ્યો છે એ પોતાથી જાણી શકાતું નથી! પણ જે
    વાત કવિએ અધ્યાહાર રાખી છે તેને અધ્યાહાર જ રાખી ગઝલની વાત કરીએ તો એક એક શબ્દ વીણી વીણીને મૂક્યો છે!

    “સુક્કા અધર ઉપર ન કોઈ શબ્દ કલરવેઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.”

    “પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહેને વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.”

    “ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
    અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ”

    કવિ ગઝલનો ભાવ અને ઊંડાણ દર્શાવવામાં સંપૂર્ણ સફળ થયા છે એવુ ચોક્કસ કહી શકાય.

    “વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ”કવિ શ્રી હેમંત ધોરડાની આ રચનામાં આત્મા વિનાની પથ્થર જેવી લાગણી શૂન્ય સ્ત્રીની વાત અથવા તો ખરેખર જ આત્મા ચાલ્યો ગયો છે એવા શરીરની વાત કરતી શસકત ગઝલ છે.

    શ્રી વિવેકભાઈ એ સરસ ગઝલ પસંદ કરી ખૂબ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  2. Nirja parekh said,

    August 22, 2026 @ 1:29 PM

    Waah ane waah

  3. Vrajlal Savaliya said,

    August 22, 2026 @ 1:47 PM

    ખુબ સરસ કવિતા

  4. Harihar Shukla said,

    August 22, 2026 @ 4:02 PM

    બહુ સરસ ગઝલ અને બહુ જ સરસ આસ્વાદ શ્રી વિવેકભાઈ અને શ્રી કિશોરભાઈના.

  5. Kishor Ahya said,

    August 22, 2026 @ 4:27 PM

    “હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.”
    આ પંક્તિ વાંચતા તે પછીની પંક્તિઓ પણ નાયકે પોતાના માટે લખી હોય તેમ ન માનવાને પણ કારણ રહેતું નથી! આવુ લાગણી શૂન્ય થવાનું કારણ ઉપરની બીજી બાબતો પણ હોય શકે.
    🌹🌹🌹🌹

  6. Varij Luhar said,

    August 24, 2026 @ 11:06 AM

    સરસ ગઝલ અને આસ્વાદ

  7. પૂજ્ય બાપુ said,

    August 24, 2026 @ 11:23 AM

    વાહ

  8. ramesh maru said,

    August 24, 2026 @ 11:33 AM

    વાહ 👌🏻

  9. Devendra Shah said,

    August 24, 2026 @ 11:50 AM

    🙏🙏 પ્રભુ, સરસ, આભાર, પ્રણામ.🙏🙏

  10. kamlesh shukla said,

    August 24, 2026 @ 11:54 AM

    ઉમદા ગઝલ અને એનો એટલો જ સરસ આસ્વાદ.

  11. જિજ્ઞા વોરા said,

    August 24, 2026 @ 12:58 PM

    અદભૂત રચના. ખૂબ જ ગમી. 💐👏

  12. Beena said,

    August 24, 2026 @ 5:53 PM

    આહા,
    ખૂબ ખૂબ સરસ.💐

  13. Sandhya Vijay Bhatt said,

    August 24, 2026 @ 7:31 PM

    વાહ સરસ રચના

  14. વિવેક said,

    August 25, 2026 @ 10:36 AM

    તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…

    @ કિશોર આહ્યા:

    કવિતા દરેક ભાવક પાસે અલગ અલગ વાધાં સજીને આવે… આપને જે સમજાય એ આપની ઉપલબ્ધિ અને મને જે પ્રતીત થાય એ મારી કમાણી…

    મને મરણપ્પ્રસંગ કે મરણશય્યા વધુ પડતું extrapolation લાગે છે, પણ અંતે તો આપની અનુભૂતિ એ આપની અનુભૂતિ છે… સ્વાગત

  15. jyoti Patel said,

    August 25, 2026 @ 11:59 AM

    A deeply moving ghazal for anyone who has ever felt the heavy silence of pain.

    Vivekbhai has beautifully revealed the deep meaning of the night
    as a night of painful separation, where the worst pain is not that
    makes us cry or tears us apart but the one we cannot release.

    Ending with Ghalib’s philosophy is the perfect touch.

  16. Kishor Ahya said,

    August 25, 2026 @ 12:38 PM

    અધ્યાહાર રાખવાથી કેટલીક વાર કાવ્ય ગઝલની મહતા વધતી હોય છે, જાણે ઘૂંઘટમાં છુપાયેલો ચહેરો! એને દેખવાની લાલસા કરતા મન પાસે થોડા અનુમાનો અને અનુમાનો!
    આપની વાત ગમી. આભાર, વિવેકભાઈ.
    🌹🌹🌹🌹

  17. વિવેક said,

    August 25, 2026 @ 1:45 PM

    @ kishor Ahya:

    thanks a lot

    🙂

  18. વિવેક said,

    August 25, 2026 @ 1:46 PM

    @ Jyoti Patel:

    Once again, heartfelt thanks for your stunning comprehension of the essence of the Ghazal.. Thanks for the appreciation as well.

  19. Vrajesh Mistri said,

    August 25, 2026 @ 7:09 PM

    વાહ… મોજ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment