આખરે – ભાવના સોનૈયા ‘પ્રિયજન’
પીડા બધી પારસમણી થઈને ફળી છે આખરે,
ઓળખ મને એના થકી સાચી મળી છે આખરે.
લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે,
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે.
હું ખુશ છું તો આપને આશ્ચર્ય શાને થાય છે?
મમળાવવા ગમતી પળોને મેં રળી છે આખરે.
હો દોસ્ત, બે કપ ચા ને અઢળક હો ખજાનો વાતનો,
લ્યો આજ એવી સાંજ ગમતીલી ઢળી છે આખરે.
પાછા વળી જોયું જરા મીઠી નજરથી એમણે,
બોલ્યા નહીં એ વાતને મેં સાંભળી છે આખરે.
– ભાવના સોનૈયા ‘પ્રિયજન’
સરળ ભાષામાં સહજસાધ્ય ગઝલ. બીજો શેર જોઈએ. સફર લાંબી હોય તો થાક તો લાગે જ ને ક્યારેક ધારી મંઝિલ પ્રાપ્ત ન થાય તો સફર અડધેથી છોડી દેવાનું મન પણ થાય. (સુન્દરમનું ગીત યાદ આવે: બાઈ રે જરીજ જ જો તું વેઠે) કશે પહોંચી ન શકાવાનો થાક લાગે ત્યારે મુસાફરી અડધેથી પડતી મૂકવાનું મન થાય એ પરિસ્થિતિ તો આપણે સહુએ જીવનમાં અલગ અલગ સ્વરૂપ અને સંદર્ભોમાં અનુભવી જ છે, પણ અહીં ખરી મજા સફર આગળ તરફ ચાલુ રાખવાના બદલે કથક સ્વયં તરફ પાછાં વળે છે એ વાતમાં છે. દુનિયાની ભાગદોડમાં અને આ મેળવી લઉં, પેલું મેળવી લઉં એવી લ્હાયમાં આપણે જાત સામે જોવાનું, જાતને મળવાનું, જાતમાં ઉતરવાનું અને જાતને ઓળખવાનું જ ભૂલી ગયાં છીએ. જો કે હકીકત પણ એ છે કે બહારની સફરથી થાકી-હારી ન જઈએ ત્યાં સુધી સ્વયંનો સાક્ષાત્કાર કરવાનું ભાગ્યે જ કોઈને સૂઝતું હોય છે…


Jigisha Desai said,
July 25, 2026 @ 12:20 PM
Mast
Nirja parekh said,
July 25, 2026 @ 12:23 PM
Waah..
Bhavna sonaiya said,
July 25, 2026 @ 12:31 PM
Thank you so much Vivek Sir🙏
Bhavna sonaiya said,
July 25, 2026 @ 12:31 PM
Thank you so much Vivek Sir🙏
tanu patel said,
July 25, 2026 @ 7:14 PM
વાહ,સરસ…
Premal Shah said,
July 25, 2026 @ 11:52 PM
વાહ ! મસ્ત ગઝલ ! બીજો શેર આહ 👌🏻
viral vyas said,
July 26, 2026 @ 9:29 AM
treejo sher sundar
Kishor Ahya said,
July 26, 2026 @ 1:21 PM
પોતાની સફરમાં નિકળેલા માનવીઓની સફર ખુબજ આનંદદાયક હોય છે, બધેથી દોડીદોડી જ્યારે થાકીએ ત્યારેજ આ સફરમાં નીકળાતું હોય છે અને ત્યારેજ એનો આનંદ અને મહત્વ સમજાતું હોય છે. બહુજ અર્થસભર બધાજ શેર સરસ છે. દરેક મનુષ્યની ઇચ્છા મિત્રો સાથે આવી મનગમતી સાંજ માણવાની હોય છે, પણ એમજ બધું મળી જતું નથી! ખૂબ ખૂબ સંઘર્ષ પછી સોનેરી દિવસો આવે છે ને મુખ પર મંદ મંદ ફરકતું હાસ્ય ફરકે છે. છેલ્લો શેર ખૂબ મજાનો છે.
પાછા વળી જોયું જરા મીઠી નજરથી એમણે, બોલ્યા નહીં એ વાતને મેં સાંભળી છે આખરે.
કહેવત છે ને જેનો અંત સારો એનું બધું સારું. આવા સરસ મજાના આખર તરફ ઈશારો કરતી ગઝલમાં રદિફ ખીલી ઊઠી છે.
કવિયત્રી સુ શ્રી ભાવના સોનૈયા ‘પ્રિયજન’ ને સરસ રચના આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
શ્રી વિવેકભાઈએ ગઝલની ખૂબ સરસ પસંદગી કરી છે તેમજ મજાનો આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Dr Sejal Bhvesh Desai said,
July 31, 2026 @ 12:14 PM
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે….કયા બાત !
સુંદર ગઝલ
dhruv kumar said,
September 11, 2026 @ 11:50 AM
.મત્લા
“પીડા બધી પારસમણી થઈને ફળી છે આખરે,
ઓળખ મને એના થકી સાચી મળી છે આખરે.”
‘પારસમણી’ એ રૂપાંતર અને શુદ્ધિકરણનું પ્રતીક છે. પીડા માણસને પરિપક્વ બનાવી શકે, પણ એને ‘પારસમણી’ કહેવી એ અયોગ્ય રૂપક છે. પારસમણી તો બીજાને સોનું બનાવે, પીડા પોતે પારસમણી બનીને કવયિત્રીને સોનું (સાચી ઓળખ) કેવી રીતે બનાવે? પીડા અને પારસમણી શબ્દ શોભા ,પ્રાસ પૂરવા માટે જ આ અતાર્કિક કલ્પન-યોજના ઊભી કરાઈ છે.
2. –
“લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે,
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે.”
‘મારા તરફ વળવું’ એ અત્યંત જ્ઞાનાત્મક અને સમજદારીની પ્રક્રિયા છે. કવયિત્રીએ એને પરાણે ‘કદમના થાક’ અને ‘કશે ન પહોંચવા’ની હતાશા સાથે સાંકળી લીધું છે. આ શેરમાં વિરોધાભાસ છે: જો સફર નિષ્ફળ ગઈ હોય (‘ન પહોંચાયું કશે’), તો ‘મારા તરફ વળવું’ એ કોઈ સિદ્ધિ નથી, પણ મજબૂરી લાગે છે. અહીં કાવ્યાત્મક તર્કનો ભંગ થયો છે.
3..
“હું ખુશ છું તો આપને આશ્ચર્ય શાને થાય છે?
મમળાવવા ગમતી પળોને મેં રળી છે આખરે.”
આ શેરમાં કવિતાનો એક અંશ પણ નથી. આ માત્ર સામાન્ય બોલચાલનું એક વાક્ય છે. ‘ખુશી’ અને ‘આશ્ચર્ય’ વચ્ચે કોઈ કાવ્યાત્મક ચમત્કૃતિ કે ચોટ ઊભી થઈ શકી નથી. સાની મિસરામાં ‘ગમતી પળોને મમળાવવાની’ વાત અત્યંત સપાટ છે.
4.
“હો દોસ્ત, બે કપ ચા ને અઢળક હો ખજાનો વાતનો,
લ્યો આજ એવી સાંજ ગમતીલી ઢળી છે આખરે.”
આ વિચાર ગુજરાતી ગઝલ-સાહિત્યમાં અને સુગમ સંગીતમાં એટલો બધો વપરાઈ ગયો છે કે એમાં કોઈ જ નૂતનતા કે ભાવાત્મક ઘનતા નથી. આ માત્ર પ્રાસ ‘ઢળી’ અને નામ ‘દોસ્ત’, ‘ચા’ ગોઠવીને ઊભો કરાયેલો સાવ સરેરાશ શેર છે.
5.
“પાછા વળી જોયું જરા મીઠી નજરથી એમણે,
બોલ્યા નહીં એ વાતને મેં સાંભળી છે આખરે.”
જો ‘મીઠી નજરથી જોવું’ એ જ પ્રેમ કે સ્વીકૃતિનો સંકેત છે, તો ‘ન બોલવું’ એ કોઈ વિરોધાભાસ ઊભો કરતું નથી. કવિયત્રીએ ‘સાંભળી’ પ્રાસ મેળવવા માટે જ આ નબળી શબ્દ-ગોઠવણી કરી છે. આમાં કોઈ જ અણધારી ચોટ કે ‘ગઝલિયત’ પ્રગટ થતી નથી.
‘સેલ્ફ વિવેચના’ (Self-Critique) નો અભાવ છે. કવયિત્રીએ રચના લખ્યા પછી તેના ભાષાકીય અને ભાવાત્મક તર્ક પર વિચાર કર્યો જ નથી. પરિણામે, આ ગઝલમાં એક પણ એવો શેર નથી જે વાચકને હચમચાવી મૂકે કે કોઈ અણધારી ચોટ આપે. આ કેવળ સાધારણ વિધાનો અને નબળા રૂપકોનો સમુચ્ચય છે.