સોમથી શુક્ર સુધી લોકો કામ/ધંધા અને સ્કૂલમાં વ્યસ્ત, અને રવિવાર કામ/ધંધા અને સ્કૂલની તૈયારીમાં. એટલે અમેરિકામાં તહેવાર કે ઉત્સવ ગમે ત્યારે આવે, ઉજવાય તો ખાલી શનિવારે જ. જન્મદિવસ સોમવારે હોય કે બુધવારે, કેક તો શનિવારે જ કપાય. લોકો શું, ભગવાને પણ ઉજવણી માટે શનિવારની રાહ જોવી પડે .
અહીંનો નિયમ સાદો છે: કોઈ પ્રસંગ, કોઈ કાર્યક્રમ, કોઈ પૂજા – બધું શનિવારે.
(“સાતે રવિવાર” – ઉમાશંકર જોશી પરથી પ્રેરિત)
બધું શનિવારે,
અમારે,
બધું શનિવારે.
લાલબાગ ના રાજા હો કે પાવા ના પટરાણી;
વિઝા લઈ ને આવો ત્યારે આટલું લેજો જાણી.
એમ અમારી ભક્તિ સાચી, દર વારે તહેવારે…
પણ બધું શનિવારે
અમારે
બધું શનિવારે
ભલે ને છે એક જ દિવસ પણ એમાં કેટલી બધી ક્ષણ,
ઉજવી લઈએ બધું ત્યારે , જન્મ, લગ્ન ને મરણ…
અમને જોવા કોઈ આવે કેમ નહિ! શુભ અને લાભ વિચારે…
બધું શનિવારે,
અમારે,
બધું શનિવારે.
તા.ક. – હવે પછી ની પોસ્ટ, હવે પછીના કોઈક શનિવારે 🙂

