ધોવાયેલા વાસણો ગોઠવવાની સૌથી કાર્યક્ષમ રીત

તમે શીર્ષક વાંચ્યા પછી આગળ વાંચવાનું ચાલુ રાખ્યું છે તો હું ધારી લાઉ છું કે, કાં તો તમે તમારા ઘરમાં ધોવાયેલા વાસણો ગોઠવવા માટે જવાબદાર વ્યક્તિ છો અથવા/અને આ વિષય તમારા માટે રસપ્રદ છે. જે પણ હોય, હું તમારી લાગણી સમજુ છું!

ધોવાયેલા વાસણો ગોઠવવાની રીતના 4 પ્રકાર છે:
1. વ્યવસ્થિત અને કાર્યક્ષમ (Organized and Efficient)
(દા.ત. – કબાટની અંદર(વયવસ્થિત) આજુ બાજુમાં ગોઠવાયેલા ખાંડ અને ચાના ડબ્બા (કાર્યક્ષમ))
2. વ્યવસ્થિત અને અકાર્યક્ષમ
( દા.ત. – પગના* મોજાના ખાનામાં મુકેલો ચીપિયો – ખાનામાં છે એટલે વ્યવસ્થિત છે પણ રસોડામાં નથી એટલે કાર્યક્ષમ નથી)
* હાથના મોજાની સાથે કાર્યક્ષમ કહી શકાય – જો કાર્ય ઠંડીમાં હાથ મોજા પહેરીને રોટલી બનાવવાનું હોય તો
3. અવ્યવસ્થિત અને અકાર્યક્ષમ (દા.ત. – બેડરૂમના બેડ પર પડેલ ધોયેલો વાસણોનો ઢગલો**)
** #2 ની જેમ કોઈ આને પણ કાર્યક્ષમ કહી શકે કોઈક કાર્ય માટે – પણ આ લેખ રસોડામાં થતા કાર્યો સુધી સીમિત છે
4. અવ્યવસ્થિત અને કાર્યક્ષમ (દા.ત. – પ્લેટફોર્મ પર પાથરીને ફેલાવેલા વાસણો (નીચેની image મુજબ))


વચ્ચે ની બે રીતો(#2 અને #3) સ્પષ્ટ રીતે અકાર્યક્ષમ છે. તો બાકીની બે રીતોમાં(#1 અને #4) કઈ રીત વધારે કાર્યક્ષમ છે, એ થોડા સાધારણ ગણિતની મદદથી માપીએ.


ઉદાહરણ: પ્યાલો, ઢાંકણું અને સ્ટ્રો

મારી 3 વર્ષની દીકરી આવા કપમાં દૂધ પીવે છે. હવે જો આપણે આ ત્રણ વાસણો ધોયા પછી ગોઠવવા અને જરૂર પડે ત્યારે લેવા માટે #1 અને #4 માટે કાર્યક્ષમતાની સરખામણી કરીએ, તો ગણતરી કઈંક આ રીતે કરી શકાય:

ધારો કે , કબાટ કે ડ્રોઅર(હવે પછી હું “કબાટ” કહીશ) ને ખોલવા કે બંદ કરવા નું કાર્ય 1 જુલ(કાર્ય કરવાનો એકમ) છે … અને કડ્રો સુધી જવા માટે – 1 જુલ, અને વાસણ લેવા કે મુકવા માટે 1 જુલ…

#1 (વ્યવસ્થિત અને કાર્યક્ષમ):

  • પ્યાલો મૂકવા: 1 (કબાટ પાસે જાઓ) + 1 (કબાટ ખોલો) + 1 (પ્યાલો મુકો) + 1 (કબાટ બંધ કરો) = 4 જુલ
  • ઢાંકણું: 4 જુલ
  • સ્ટ્રો: 4 જુલ
  • કુલ = 12 જુલ
  • લેવા માટે પણ 12 જુલ → ટોટલ કાર્ય = 24 જુલ

#4 (અવ્યવસ્થિત અને કાર્યક્ષમ):

  • પ્યાલો મૂકવા = 1 (પ્લેટફોર્મ પાસે જાઓ) + 1 (પ્યાલો મુકો) = 2 જુલ
  • ઢાંકણું = 1 જુલ (ઢાંકણું મુકો)
  • સ્ટ્રો = 1 જુલ (સ્ટ્રો મુકો)
  • કુલ = 5 જુલ
  • લેવા માટે પણ 5 જુલ → ટોટલ કાર્ય = 10 જુલ

→ એટલે #4 પ્રકાર #1 કરતા 2.4 ગણું વધારે કાર્યક્ષમ (10*2.4=24) છે!

આ જ ગણતરી ઊંધિયું અને જલેબી બનાવવાના કાર્ય માટે કરીએ તો તમે કલ્પના કરી શકો કે #4 રીત કેટલી કાર્યક્ષમ બની શકે છે.

જો તમે ઇચ્છો તો આ ગણતરી વડે તમે પણ તમારા પત્ની/મમ્મી/પપ્પા/પતિ ને સમજાવીને ધોવાયેલા વાસણો ગોઠવવાની આ સૌથી કાર્યક્ષમ રીત અપનાવી શકો છો. 😉


તા.ક. – ગઝલ પ્રોજેક્ટ કોરોનામાં લોકડાઉન થઇ ગયા પછી બ્લોગ પણ અત્યાર સુધી લોકડાઉનમાં હતો. 5.5 વર્ષ પછી શટર ખોલવાનો આનંદ થયો.