જેની અયોગ્યતાની પાકી ખાતરી માત્ર વકીલો કે ન્યાયતંત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને જ નહીં પણ ઓછુ ભણેલા કે, નહીં ભણેલા સહીત આખા સમાજને હતી, તેવી ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે પછાત વર્ગો માટેની ૧૦%(EBC)અનામતની જોગવાઇ ( કે જેને જાહેર થતાં જ નામ.હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી) હાઇકોર્ટની એરણ ઉપર આખરી તબક્કે આવતાં નામ.ગુજરાત હાઇકોર્ટે EBC ની ૧૦ % જોગવાઇને ગેરબંધારણીય ઠરાવીને તા.૪-૦૮-૧૬ ના રોજ રદબાતલ ઠરાવી છે.
હાલમાં જ્યારે SC માટે ૭%, ST માટે ૧૫% અને SEBC માટે ૨૭% અનામતની જોગવાઇ અમલમાં છે જેની કુલ ટકાવારી ૪૯% તો છે જ. સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંતો મુજબ કોઇ પણ સંજોગોમાં અનામત ૫૦% થી વધવી જોઇએ નહીં.
બંધારણના અનુચ્છેદ ૩૬ થી ૫૧ માં નિશ્ચિત થયેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો (Directive Principles of State Policy) મુજબ રાજ્યએ તેમની નીતિ ભારતના સંવિધાનને અનુરૂપ ઘડવાની ફરજ છે. તે પૈકી અનુચ્છેદ ૩૭ મુજબ અલબત્ત મુજબ કોઇ ન્યાયાલયથી આ ભાગમાંની જોગવાઇઓનો અમલ ફરજીયાતપણે કરાવી શકાતો નથી. છતાં તેમાં દર્શાવેલા સિધ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભુત છે અને કાયદા બનાવતી વખતે આ સિધ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની બંધારણીય ફરજ રહે એવી જોગવાઇ પણ અનુચ્છેદ ૩૬ માં છે.
સંવિધાનની આવી સ્પષ્ટ જોગવાઇઓ અમલમાં હોવા છતાં, એક રાજ્ય સરકાર કુલ અનામત ૫૦% કરતાં વધી જાય એ રીતે ૧૦% EBC ની જોગવાઇ કેવી રીતે કરી શકે?
ગુજરાતના મંત્રીમંડળને આ તો શું,
વટહુકમ પસાર કરીને કોઇ પણ જોગવાઇ અમલમાં લાવવા માટે અલબત્ત કાયદાકીય સત્તા છે. પરંતુ સર્વે કાયદાઓના મૂળ એવા સીધા જ ભારતના બંધારણને અસરકર્તા હોય તેવી ગંભીર બાબતો, અને તે પણ બંધારણે અનુચ્છેદ ૧૪,૧૫ અને ૧૬ થી આપેલા સમાનતાના મૂળભુત અધિકારની બાબતો આકર્ષાતી હોય તેના માટે વિધાનસભામાં ખરડો રજૂ કરીને રીતસરનો કાયદો બનાવીને, પર્યાપ્ત અને સંગીન વિચારણા કરવાને બદલે વટહુકમનો માર્ગ પસંદ કરવા માટે ખરેખર અ-સાધારણ અનિવાર્યતા હતી કે કેમ; અને તે પણ જ્યારે કુલ અનામત ૫૦ ટકા કરતાં વધી જવા પામતી હોય ત્યારે?
હવે ગુજરાતની હાઇકોર્ટે વટહુકમથી કરેલી ૧૦% EBC ની જોગવાઇઓ ગેરબંધારણીય ઠરાવીને ફગાવી દીધી છે ત્યારે, સમાજના એકે એક જ્ઞાતિ-જાતિ-ધર્મના લોકોને નોંધપાત્ર રીતે અસર કરે એવી રોજી-રોટી અને સરકારી નોકરીઓ તથા શિક્ષણ અંગેની જોગવાઇ કરવા માટે સરકારે ખરેખર તો પૂરતી વિચારણા કરવી જોઇતી હતી. Everything should have been recorded in writing, જે કોઇ નિર્ણય કરવામાં આવે તે માટેના કારણોની લેખિત નોંધ કરીને નિર્ણયો કરવી જોઇએ જેથી પારદર્શિતા અને ન્યાયપૂર્ણતા પ્રસ્થાપિત થઇ શકે – તેવા પાયાના અને અગત્યના સિદ્ધાંતની જાળવણી કરવા માટે ચૂંટાયેલી પાંખે સમસ્ત વર્ગોના હિતોને ધ્યાનમાં લઇને વિધાનસભામાં બીલ (ખરડો) દાખલ કરી, બધા રાજકીય પક્ષો દ્વારા વિષદ ચર્ચા કરવામાં આવ્યા બાદ, પ્રજાના બધા પ્રતિનિધિઓની સર્વ સંમતિ સાધીને ૧૦% EBC ની જોગવાઇ કરવાને બદલે સીધા જ વટહુકમ દ્વારા આવી જોગવાઇ દાખલ કરવાની બાબતની યથાર્થતા અનેક પ્રશ્નાર્થો સર્જે છે.
(૧) કહેવાય છે કે, ‘હાથમાં તાકાત હોય એટલે ભીંતમાં ગુંબા ના મરાય.’ વટહુકમ બહાર પાડવાની કાયદાકીય સત્તા સરકારને છે, પરંતુ જે કોઇ સત્તા હોય તે સત્તા વાપરતા પહેલાં સંપૂર્ણ રીતે (exhaustively) બધા પાસાઓની વિચારણા કરવી જોઇતી હતી, જે ખરેખર થયું છે કે કેમ ?
(૨) ચોક્કસ EBC માટેની જ માંગણી કોઇએ કરેલી છે કે કેમ; અને ભારતના સંવિધાનની સમાનતાના અનુચ્છેદ ૧૪-૧૫-૧૬ મુજબ આર્થિક ધોરણે અમુક વર્ગને વિશિષ્ઠ વર્ગ તરીકે ગણીને વિશેષ લાભ આપી શકાય નહીં તે બાબત દ્વિધારહીત સ્પષ્ટ હોવા છતાં, એક રાજ્ય આવી જોગવાઇ કરવા કયા કારણોસર પ્રેરાયુ ?
(૩) બીજા રાજ્યોએ કરેલી અનામતની જોગવાઇઓ ન્યાયતંત્રની એરણે ચઢતાં ગેરબંધારણીય ઠરેલી હોવાના અન્ય હાઇકોર્ટોના પૂર્વદૃષ્ટાંતો ઉપલબ્ધ હોય ત્યારે, એવી જોગવાઇ કરવામાં કોઇ શાણપણ હતુ કે કેમ; અને તે પણ વટહુકમ દ્વારા ?
(૪) પટેલો દ્વારા ચલાવવામાં આવતા આંદોલનની આગને ઠારવા ૧૦% EBC અનામતનું પગલું ભરવામાં આવ્યું હોય તો પણ કરવામાં આવેલો ઉપાય મૂળ માંગણી કે પ્રશ્નને અનુરૂપ છે કે કેમ? આ ઉપાયને પટેલો દ્વારા ‘લોલીપોપ’ ગણાવવામાં આવ્યો ત્યારે જ સવાલવાળી EBC ની ૧૦ % ની જોગવાઇ બાબતે શા માટે તૂર્તજ પુનઃવિચારણા કરવામાં ન આવી?
(૬) એક દાયકા કરતાં વધુ સમયથી શાસન કરનાર સરકાર કે જેણે ભારતના બંધારણ પ્રત્યે વફાદારીના સોગંદ લીધેલા હોય, તે મજબૂત સરકારે, શા માટે સંવૈધાનિક જોગવાઇઓની એક ને એક બે જેવી વાસ્તવિક સ્થિતી છતી કરીને માત્ર એકાદ જ્ઞાતિના આંદલોનથી અરાજકતા પ્રસરવા દીધી? અપેક્ષિત તત્પરતા દાખવવામા થયેલા વિલંબ બાબતે શા માટે સરકારે પર્યાપ્ત સંવેદનશીલતા ન દાખવી?
(૭) વહેલુ કે મોંડુ, અંશતઃ કે પૂર્ણતયા એમ થયું કે ન થયું; એ બાજુએ રાખવામાં આવે તો પણ દેખીતા કોઇ કારણ વગર લાંબા સમય માટે આંદોલન ચાલ્યા કરે તો, અનુશાસનને પ્રાથમિકતા આપી સરકાર પાસેના વહીવટી તંત્રનો સરકારે સમયસર અને કાર્યક્ષમ ઉપયોગ કર્યો કે કેમ?
(૮) સમગ્ર પ્રજામાંથી માત્ર પટેલની એક જ્ઞાતિ દ્વારા સંગઠન રચીને થયેલા આંદોલનોને પરીણામે જાહેર પ્રજાની સંપત્તિરૂપ પરીવહનના બસોનો આગ દ્વારા નાશ અને તોડફોડ થઇ, કેટલાક નાગરિકોએ મહામૂલી જિંદગીઓ ગુમાવી, અને રાજકીય પક્ષોએ આકરી ટીકાઓ કરી. આટલી હદે બાબત વકરી ગઇ તો, સરકાર આ મુદ્દા સિવાય કયા અગત્યના કાર્યમાં રોકાયેલી હતી?
(૯) EBC ની ૧૦ % જોગવાઇ અંગે સરકાર દ્વારા જાહેરનામુ બહાર પડતા જ રાજ્ય સરકારે તે માટે ઠરાવો બહાર પાડીને જોગવાઇ કરી કે, SEBC માટે નોન ક્રીમીલેયરનું (ઉન્નતત વર્ગમાં સમાવિષ્ઠ થતા ન હોવા બાબતનું) પ્રમાણપત્ર મેળવવાની જે કાર્યવાહી અમલમાં છે તે જ કાર્યવાહી EBC અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે કરવાની રહેશે. આંદોલનની હોંકારા-દેકારા-પડકારાની પરિભાષાને કારણે પ્રતિ હોંકારા-પ્રતિ દેકારા-પ્રતિ પડકારોનું વાતાવરણ સર્જાયેલું હતું. સમાજમાં બધી જ્ઞાતિઓ-જાતિઓ પોતે જ પોતાના હિતોનું રક્ષણ કરી શકશે એવું કલૂષિત વાતાવરણ ઉભુ થઇ ગયું હતું. પટેલ ઉપરાંત વણિક, લોહાણા બ્રાહ્મણો સહીત અનેક જ્ઞાતિઓએ પોત-પોતાની માંગણીઓ પણ આગળ કરી હતી. એ સ્થિતિમાં EBC ની ૧૦ % અનામતની જાહેરાત થતાં જ મળેલો લાભ હસ્તગત કરી લેવા સમાજનો અસરકર્તા સમગ્ર વર્ગ અસાધારણ રીતે પ્રવૃત્ત બની ગયો. અને સીનારીયો બદલાયો.
EBC ની ૧૦ % અનામતનો લાભ મેળવવા માટે તલાટીઓની કચેરીઓ અને મામલતદારોની કચેરીઓ અરજદારોથી કીડીયારાની જેમ ઉભરાવા માંડી. યોગાનુયોગે છેલ્લા બે-ત્રણ માસના સમયગાળામાં ભરતી માટેની જાહેરાતો પણ ઘણી આવી. અગાઉ આવી ચૂકેલી ભરતીની જાહેરાતો કે જે અધવચ્ચના તબક્કે હતી, તે બધામાં EBC ની ૧૦ % જોગવાઇ મુજબનો લાભ અરજી કરેલી હોય તે ઉમેદવારોને મળશે તેવી મતલબની સુધારા જાહેરાતો પણ આવી. તેને અનુલક્ષીને ભરતીમાં EBC ની અનામતનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ અસાધારણ જાગૃતિ દાખવી.
EBC ની ૧૦ % ના લાભ બાબતે વાર્ષિક ૬ લાખની આવક મર્યાદાને કારણે માસિક રૂપિયા ૫૦,૦૦૦ થી ઓછી આવકવાળા સમાજના મોટાભાગના કુટુંબો આ લાભથી પ્રભાવિત થયા. જે બધા આ લાભ હસ્તગત કરી લેવા ક્યાં, ક્યારે, કોને કેવી અરજી કરવાની, શી પ્રક્રીયા છે, વગેરે અંગે અસાધારણ પ્રવૃત્ત થઇ ગયા. તલાટીની કચેરીમાંથી કોરા અરજીફોર્મ મેળવવા, પછી તે ફોર્મ ભરીને એફીડેવીટો અને સાક્ષીઓની સહી સાથે, સાક્ષીને રૂબરૂ તલાટીની રૂબરૂ લઇ જવા, તલાટીની ચકાસણી અને મંજૂરીની મ્હોર વાગે પછી, સંબંધિત મામલતદાર કચેરીની ચકાસણી બાદ પ્રમાણપત્ર મળે. આમ, તલાટીની અને મામલતદારોની કચેરીઓમાં અસાધારણ ભીડ અને લાઇનો લાગી ગઇ. જેને સમજણ પડી ગઇ હોય તે બધા લાઇનોમાં ઉભા હોય અને બીજા નવા આગંતુકો શાની લાઇન છે, શી વિધી/પ્રક્રીયા છે, તમારે અમુક કામ પતી ગયું કે કેમ, કેવી રીતે પત્યું, વગેરે અંગે અનેક શંકા-કુશંકાઓનું ઉત્તેજનાપૂર્ણ સામ્રાજ્ય ! આવું જ શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશ બાબતે પણ થયું. સમાજે પ્રમાણપત્રો મેળવવા આ બધી કડાકૂટ કર્યા પછી હવે, તા.૪.૦૮.૧૬ ના રોજ નામ. હાઇકોર્ટે આ જોગવાઇ જ ગેરબંધારણીય ઠરાવી દીધી. આથી, આ અંગેના સર્ટીફીકેટો મેળવવા જે કોઇ શ્રમ કરવામાં આવ્યો હોય તે બધો જ બેકાર થઇ ગયો! કેટલા બધા માણસો કેટલી બધી દોડધામ કરી ચૂક્યા હોય ? કેટલીક બાબતો કલ્પનાની નહીં, પણ અનુભૂતિની જ હોય છે. જેઓ આ માટેની સરકારી પ્રક્રિયામાંથી પસાર થયા હોય તેમને જ સાચો ખ્યાલ આવે. સરકારી તંત્રએ પણ અલબત્ત બાબતે વહીવટી શ્રમ કરવો જ પડ્યો હોય. આ બધા પાછળ વપરાયેલા સમય, શ્રમ, અને નાંણા અંગે કોની જવાબદારી ? સરકારી તંત્રની અગ્રતા બદલાવાથી ખોરવાયેલા રૂટીન કામોનું શું?
(૧૦) વિવાદાસ્પદ જોગવાઇ કરતી વખતે સરકાર પાસેના કાયદાવિદોની ફોજ પાસેથી લેખિતમાં અભિપ્રાયો મેળવ્યા હતા કે કેમ, તે અભિપ્રાય કેવા હતા. એક બે પાનાનો વટહુકમ સરકાર બહાર પાડી દે તેનાથી લાખો અને કરોડો લોકોને કેટલી દોડધામ અને કેટલો બધો ખર્ચ? બદલાયેલી પરિસ્થિતીમાં સરકારી તંત્રએ હજુ કેટલો શ્રમ લેવો પડશે અને પ્રજાની હાલાકીનું શું? સરકારી તંત્ર નિવારી શકાય એવા કામોમાં વ્યસ્ત થઇ જાય તો, સાચા અર્થમાં પ્રજા કલ્યાણના કાર્યો ક્યારે કરવામાં આવશે ? સરકારી તંત્ર આવી પરીપકવ વિચારણા કરવામાંથી નિષ્ફળ જાય તો, સમાજમાં કેવી ઘેરી અસરો પડે, તે માટે કોઇની જવાબદારી ખરી કે નહીં ?
(૧૧) ચૂંટાયેલી પાંખ કે કારોબારીને IAS અને સીનીયર અધિકારીઓ સરકારને બંધારણીય જોગવાઇઓ બાબતે કશી સલાહ આપે છે કે કેમ, અથવા તો શું નોકરશાહી ખાડે ગઇ છે; આવા ઘણાં પ્રશ્નાર્થો સર્જાય છે.
(૧૨) પક્ષા-પક્ષી અને રાજકારણ એટલી હદે કે, સત્તાધારી મુખ્ય મંત્રીના બદલે વટહુકમથી આપવાના લાભની સરકારી નીતિની જાહેરાત ભાજપ પક્ષે કરી હતી. મુખ્ય મંત્રીઓ બદલાય અને જાહેર નાણાંનો વ્યય કેટલો? સત્તાની સાંઠમારીમાં પ્રજાનું શું?
(૧૩) ભાજપના સત્તાવાર પ્રવક્તા અને નાયબમુખ્યમંત્રી બનેલા નીતિનભાઇ પટેલે આ બાબતને કોંગ્રેસ દ્વારા રમાતું રાજકારણ ગણીને આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો સરકારનો નિર્ણય મીડીયામાં જાહેર કરેલો છે. ત્યારે, શિક્ષણ અને બેરોજગારી જેવા આખા સમાજના એક એક નાગરિકને સ્પર્શતી હોય તેવી ગંભીર બાબતો સરકારી ફાઇલોમાં વિધીસરની લેખિત કારણોની નોંધો કરીને પાર પાડવાની પ્રથાને બદલે માત્ર નિવેદનોથી હલ કરવામાં આવશે?
(૧૪) આ ન્યાયિક જંગમાં સરકારી અને જાહેર પ્રજાના નાણાંના વ્યયને માત્ર એ રીતે મૂલવીને સંતોષજનક ઓડકારો ખાવા જોઇશે કે, આ તો સરકારી પ્રક્રીયાનો એક ભાગ છે. સરકારના ઘણાં નિર્ણયોને ઘણી વખત પડકારવામાં આવે. એ તો ન્યાયતંત્ર છેવટે નિર્ણય કરશે. આ એક સ્વાભાવિક ઘટનાક્રમ (incident) છે.
(૧૫) લોકશાહીના મૂળભુત આધાર સ્તંભો પૈકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ન્યાયતંત્ર કે પ્રેસ શું કરશે ? લોકશાહીમાં પ્રજા પ્રત્યેની જવાબદારીના મૂળભુત ખ્યાલનું શું ? પ્રજા જ સર્વોપરી હોય તો સર્વોપરી પ્રજા આજના રાજકારણ વિષે શું વિચારશે, કયા વિકલ્પો અને ઉપાયો છે? આ અને આના જેવા બીજા પ્રશ્નોના શા જવાબો છે ?
પી. યુ. ઠક્કર
નિવૃત્ત નાયબ સચિવ,
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પ્રતિસાદ આપો