બસ મન થયું બીજું અજમાવવાનું . મારી ફોટોગ્રાફી સાથે મારું પસંદગી નું સંગીત અને વિચારો ને સાંકળવાનો પ્રયાસ.
https://youtube.com/@taylorpriety3144?si=xU-AUSyVvzhjOeZz
Kindly subscribe and share if you like it .
બસ મન થયું બીજું અજમાવવાનું . મારી ફોટોગ્રાફી સાથે મારું પસંદગી નું સંગીત અને વિચારો ને સાંકળવાનો પ્રયાસ.
https://youtube.com/@taylorpriety3144?si=xU-AUSyVvzhjOeZz
Kindly subscribe and share if you like it .
15 અને 16/03/2025.
કોચી ભારતનું એક મોટું બંદર છે. તેના પર નાન્ગરેલી વિશાળ સ્ટીમરોના લીધે સમૂહ બંદર ની વિશાળતા એરપોર્ટ અને રેલવે સ્ટેશન કરતાં ક્યાંય મોટી દેખાય. કિનારે આવેલા વહાણો ખડકાયેલા હોય. કારગો મોટા મોટા ત્યાં મુકેલા હોય આ દ્રશ્ય આપણને જોવા જલ્દી ના મળે. બહુ બહુ તો નાની મોટી બોટ જોયેલી બસ.
સવારે ઊઠીને અમે શહેર જોવા નીકળ્યા. ઉપર જણાવેલા દ્રશ્યો જોતા જોતા સૌ પહેલા એક ખાનગી સંગ્રહાલય જોવા પહોંચ્યા. એ સંગ્રહાલય ખાનગી માલિકીનું છે. પણ જે મકાનમાં એ છે એ મકાન પણ એક કલાકૃતિ છે. અંદર લાકડાના, પથ્થરના પૂતળા, દેવોની પ્રતિમાઓ, ખુરશીઓ બધું ખીચોખીચ છે. મને અને ગીતાબેન ને જોવાની બહુ ઈચ્છા હતી એટલે રૂપિયા 200ની પ્રવેશ ટીકીટ હોવા છતાં અમે ગયા. ફોટા પાડ્યા. થોડું હસ્યા, બહાર આવ્યા. એટલે બધાએ હવે ફોર્ટ કોચી જોવા જવાનું હતું.
ડ્રાઇવર અમને એક સરસ રીતે બાંધેલા કિનારા વાળા દરિયા કિનારે લઈ આવ્યા. ત્યાંથી અમે આમ તેમ આંટા માર્યા. એકાદ લોકલ ને પૂછ્યું,” ફોર્ટ કોચી ક્યાં?” તો જવાબ મળ્યો : આ એરીયાને ફોર્ટ કોચી કહે છે. અહીંયા કોઈ કિલ્લો નથી. પછી ત્યાં ચાઈનીઝ નેટ ને જોવાલાયક સ્થળમાં ગણાય છે. નાયલોનની માછલી પકડવાની નેટો બંધાયેલી છે જેમાં એ લોકો કિનારેથી નાની બોટમાં માછલી પકડવા જાય છે. પેલો કિનારો બહુ સુંદર દેખાતો હતો. દરિયાનાં મોજા કિનારે આવીને અથડાય.
અમે આ કિનારે પુલ પર થઈને આવેલા. સામેના કિનારે વિશાળ બિલ્ડીંગો અને એક સુંદર શહેરની ઝલક આપતું શહેર કંઈક અલગ એટીટ્યુડમાં જ દ્રશ્યમાન થતું હતું. આ વચ્ચે વાસ્કોડી ગામાં અહીં ઉતરેલો એટલે એની યાદમાં બંધાયેલું ચર્ચ પણ જોયું. અહીં મકાન, રસ્તા, મકાનના રંગો ઓછી ભીડ બધું પોર્ટુગીઝ પણું વ્યક્ત કરતા હતાં.
હવે અમારે વોટર વે માં બેસીને સામે બહાર જવાનું હતું. બસ આમ રીક્ષા મેટ્રોની જેવું એક સરસ મજાનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનું સુગમ સાધન વોટર ફેરી છે. 50 રૂપિયાની ટિકિટ લઈને દરિયાના મોજા પર ઉછળતા ઉછળતા સામે પાર જવાનું. એમાં એક ગુજરાતી બહેન મળી ગયા. એમણે મસાલા માટેનું બજાર સામે બાજુ જ હોવાનું જણાવ્યું. ઉતરીને અમે ચાલતા ચાલતા મસાલા બજારમાં ગયા. ગીતાબેને બે ત્રણ વસ્તુઓ લીધી. આપણા શહેરો જેવું જ દેખાતું બજાર.
હવે જમવા માટેની શોધખોળ ચાલુ કરી તો પાસે જ પેલી ચેન રેસ્ટોરન્ટનુ એક આઉટલેટ હતું. અમને અહીંના લોકો ઘણીવાર ની એલિયનની જેમ જોતા હતા. જમીને પહેલા કારવાળા ભાઈને બોલાવ્યા. એમણે અમારા સૌની રજા લીધી. તેમના મસાલાના બગીચા- ઘર બધું અમારી યાદોમાં મુકાઈ ગયું છે.
હવે અમારે બધું જાતે ફરવાનું હતું. ત્યાં 150 રૂપિયામાં વ્યક્તિદીઠ સમુદ્રમાં દૂર સુધી વોટરબોટમાં સહેલ કરાવવામાં આવે છે. એક ટાપુ જેવી જગ્યા પર એક ફાઇવસ્ટાર હોટલ પણ છે. એક બાજુ સવારે જોયું એ કોચી અને બીજી બાજુ મોર્ડન કહેવાતું એર્નાકુલમ… મોર્ડન કોચી અને વચ્ચે મોટરબોટ અને એની નીચે વિશાળ દરિયો. અહીં બહુ તગડી હરીફાઈ બોટવાળાઓ વચ્ચે ચાલતી હતી. અહીંની શટલ રીક્ષાની જેમ બોટ ભરાય ત્યારે ઉપડે. અમે ત્યાં સુધી સમુદ્રના હૈયા પર બેસીને ડોલ્યા કરતા હતા. અને ડોલતી હવા ખાધા કરતા હતા. સામે મોટી મોટી સ્ટીમરોનુ આવાગમન થતું હતું. અમારી બોટ ઉપડી એટલે અમે ગળાને 180° છે ફેરવતા ફેરવતા નજારો જોઈ રહ્યા હતા. કોઈ ગુજરાતી નહોતું એટલે બધા પોતપોતાની ભાષામાં ગબડાવતા હતા. સૂર્યાસ્ત થતા સુધી બોટ વાળો સીધો વડોદરા લઈ જવાનો હોય એમ ચલાવતો રહ્યો. પછી એને વળાંક લીધો અને બંદર ની જેટી કારગો મોટી મોટી મશીનરી અમને નજીકથી જોવા મળી. આવું બધું જોતા સારું લાગ્યું. કૈંક નવું હતું.આપણે અભણ જ છીએ એમ બસ જોયા જ કરીએ બીજું શું..? એની પણ વાત કરવા જ્ઞાન તો મળે જ નહીં. ધીરે ધીરે કિનારે આવ્યા. નીચે ઉતર્યા. દરવાજા સુધી બહાર પણ આવી ગયા. સાબરમતી પર રિવરફ્રન્ટ છે એવો અહીં પણ છે ઓશન ફ્રન્ટ.તેના પર ચાલતા ચાલતા મુખ્ય રસ્તા પર આવ્યા બે રીક્ષાઓ કરીને હોટલ પર આવી ગયા.
કોચીદર્શન પૂરું થયું. આ શહેરને પૂરું જોવું હોય ને તો એક દિવસ લોકલ રિક્ષામાં બેસી ગલી ગલી રસ્તે રસ્તે ફરવું જોઈએ. આ શહેરના રેલ્વે સ્ટેશન પણ બે છે. ત્યારે બપોરે અમારી ટ્રેન એર્નાકુલમ સાઉથ થી પકડવાની હતી. મારા કમરનો દુખાવો મને ક્યારેક ક્યારેક બહુ પજવતો. અમે પેન કિલર લઈને હું એને શાંત કરતી. રાત્રીનું જમણ સાથે લાવેલા નાસ્તાથી પતાવી લીધું અને સૌ શાંતિથી સૂઈ ગયા. કાલે બપોરે એક વાગ્યા સુધી સમય પસાર કરવાનો હતો.
મને નજીકના મેટ્રો સ્ટેશનથી છેલ્લા સ્ટેશન સુધી ફરવાનું મન હતું. મેટ્રો ટ્રેન ખાસી ઉંચાઈ પર દોડતી હતી. અમે ટિકિટ લઈને અલવા સ્ટેશન સુધી ગયા. બેઉ બાજુ શહેરના નજારા નું વિહંગાવલોકન થયું. ખેર કદાચ આમાં કોઈને મજા ન પણ આવે. પાછા સાઉથ સ્ટેશનને ઉતરીને અમે ખોરાકની શોધ ચલાવી. પાણી હોટલમાં હતું તે લેવા માટે ગયા. અમે સડક પર રાહ જોઈ. હિતેશે એક પંજાબી ફૂડ વાળી પ્યોર વેજ રેસ્ટોરન્ટ નજીકમાં શોધી બધાને ત્યાં બોલાવ્યા.
આ પ્રવાસ જુદા જુદા સ્થળો, જુદા જુદા લોકો ,આબોહવા, રસ્તા ઉપરાંત આપણા સાથીઓના વ્યક્તિત્વ સાથેનો પણ હોય છે. કોઈ વ્યક્તિ એવી હોય જેને કાંઈ પણ ચાલે, કોઈ વ્યક્તિને માત્ર પોતાની પસંદગી જ ઉત્તમ લાગે. પ્રવાસ એટલે થોડી અગવડ અને થોડી સગવડ ભોગવીને આનંદ કરવાની વસ્તુ. માત્ર પોતાની સગવડ જોતા અને સાચવતા વ્યક્તિ સાથે લાંબા ગાળે એવું લાગે કે ચાલો હવે ઘરે જ બેસવા જેવું છે.
શરૂ શરૂમાં તો હું બધું ચલાવતી. કોઈને ખોટું ન લાગે, કોઈને ખરાબ ન લાગે એનો ખ્યાલ કરતી પણ આમાં મારે ભાગે અગવડો અને ભૂખ્યા રહેવાનો વારો વધારે આવવા માંડ્યો. એ પછી હું મારી સગવડ કરી લેતી. મને મન થાય ત્યારે બધાને પૂછવા કરતા જાતે જ ખરીદીને આઈસ્ક્રીમ પણ ખાઈ લેતી અને પોતાનું સ્ટેન્ડ પણ લેતી થઈ. સ્પષ્ટ ના પાડતા શીખી ગઈ. સ્પષ્ટ વાત કહેતા શીખી. એમ ઘણું બધું પરિવર્તન મારામાં આવ્યું. આ વખતનો પ્રવાસ આરંભ કર્યો ત્યારે જ મારા પતિદેવ સાથે સ્પષ્ટતા કરી લીધેલી કે ભલે બે વર્ષે એક પ્રવાસ થાય પણ રૂમ તો જુદી જ લેવાની. વહેલા સૂઈને વહેલા ઉઠીએ તો વાંધો ન આવે. થોડું પોતાની રીતે ફ્રી થઈને રિલેક્સ થવાય.
બીજા દિવસે બે વાગ્યે એર્નાકુલમ સ્ટેશન પર ટ્રેન આવી પહોંચી. અમે ગોઠવાયા્ બીજે દિવસે સાંજે અમે વડોદરા સ્ટેશને પરત આવી ગયા. ગોવા બેઉ વખતે અડધી રાતે જ આવ્યું. વળતા એક કુટુંબ મડગાવથી ચડ્યું. થોડું વાતાવરણ બદલાયું. આ પ્રવાસમાં ઘણું ફર્યા છીએ પણ તોય લાગે કંઈક છૂટી તો જાય જ છે. આપણું જીવન પણ એક પ્રવાસ જ છે ને ચલો તો મળીએ…




13 અને 14/03/2025.
બીજી સવારે વહેલા વહેલા અમે થેક્કડી માટે નીકળ્યા. એકદમ તાજી તાજી સવારની ઠંડા ઠંડા સૂર્યપ્રકાશથી અમને અનોખી ઉષ્મા સભર ભેટ આપી રહી હતી. વાદળો અને પહાડો ની ટોચ અને રસ્તો ત્રણેય ઘણી જગ્યાએ સમાંતર ચાલતા હતા. એક રોડ સાઈટ ટપરી પર અમે ચા નાસ્તો કર્યો ત્યારે તરત ચાના બગીચાના ઢોળાવો હતા. એ બધું હું હજી લખતી વખતે જોઈ શકું છું પણ શબ્દોનો કેમેરા એક ક્લિક નથી કરી શકતો. ધીરે ધીરે આસપાસનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું. હવે નીલગીરીના ઝાડ આવવા માંડ્યા. હવે શરૂ થયું અસલી મસાલેદાર હવાનું રમખાણ જેના માટે દક્ષિણ ભારત પ્રખ્યાત છે.અને ખાસ કરીને કેરળ ના મસાલાના જંગલો શરૂ થયા. થેક્કડીમાં અમે ઈલાયચી, મરી,તજ, ચક્રફુલ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, લવિંગની ખેતી થયેલી જોઈ. ઈલાયચી તો સડકના કિનારે છોડ પર મહેકતી હતી. આ સિવાયના કેટલાય મસાલા ની અહીં ખેતી અને માવજત થાય છે. થેક્કડીની પહાડીઓની ચડાઈ સીધી હોય છે એટલે ચડવું થકવી દે એવું હોય છે. અમારા ર ડ્રાઇવરની પોતાની ખેતી હતી એટલે એને અમને રસ્તામાં એમનું ઘર આવે છે ત્યાં લઈ જશે એમ કહ્યું. એ જ અમને વિવિધ મસાલાઓ વિશે સમજ આપતા હતા.
અમે હવે પેરિયારના ફોરેસ્ટ રિઝર્વ પર પહોંચ્યા. ત્યાં એક બસમાં અમને અંદર લઈ જવામાં આવ્યા. એનો ટીકીટ ચાર્જ ત્યાંથી ઘણા બધા ફોટાઓમાં આપણે જોયું હશે એ ટાઇગર રિઝર્વ નું બોર્ડ આવ્યું. ત્યાંથી આપણે લગભગ પોણો કલાક બોટમાં લઈ જઈ જંગલની સહેલ કરાવે છે. નસીબ હોય તો હાથી, વાઘ આપણને હેલો કરવા આવી પણ જાય હો… પણ અમે એ બોટમાં ના ગયા. બસ ત્યાંથી સરસ બેસવાની જગ્યા હતી તો બેઠા. મેં અને ગીતાબેને ફોટા પાડ્યા અને પડાવ્યા. લગભગ એક જંગલમાં ગાળી અમે બીજી બસમાં બેઠા. બેસી જંગલના રસ્તે ફાંફા મારતા બહાર આવ્યા ત્યારે અમને આશા ના છેલ્લા કિરણ સમું એક હરણ જોવા મળ્યું ખરું.
બહાર આવીને અમે ફરી મસાલા વનમાં પ્રવેશ કર્યો. આ મસાલાઓની સુગંધ અને ગુણધર્મ હવામાં રહેલા હશે એટલે જ તબિયતમાં પણ એની તાજગી વરતાતી હતી.
અમે અમારા કાર ચાલકના ભાઈને ઘરે ગયા. બાપ રે સીધી ચડાઈ એટલે થોડુંક ચડતા જ હાંફી જવાય. એમના ભાઈના ઘર પાસે ઢોળાવ પર કાર પાર્ક કરી બાકીનું ચડીને ગયા. એમના પ્રેમથી એમના માં, પત્ની અને બાળકોને મળ્યા. આવા છુટા છવાયા પહાડી ઘરો માંથી એમના બાળકોએ શાળાએ પણ જતા તે પણ ચાલીને. અમને ત્યાં થેક્કડી સિવાય વસાહત, ગામ કશું જોવા ન મળ્યું હતું. એ લોકો ચાલતા જાય એટલે વગર જીમમાં ગયે કેટલા મજબૂત હશે અહીંના લોકો !!! અમે બધાએ ભાઈ પાસેથી મરી તેજપત્તા વગેરે ખરીદ્યા. જ્યારે આ બધા તેજાના ફેક્ટરીમાં જાય છે તેનો એનો અર્ક અને તેલ કાઢી લેવામાં આવે છે એટલે આપણને જે મળે છે એ આ તેલ કાઢેલું હોય છે. અમે આ બધાના મસાલાના પાર્ક પણ જોયેલા. અહીં અમે જાયફળના ફૂલને છોડ પર જુલતું જોયું. ફળ તૈયાર થાય એટલે ઉપરનું કવચ છૂટું પડી જાય. એ જાવંત્રી તરીકે વેચાય. મને આ બધામાં કુદરતની લીલાઓનો એક જાદુનો શો હતો હોય એમ દેખાતું હતું. ઝાડ પર લીલા મરીની એક આખી ડાળખી અમે લઈ આવેલા. એ સમય જતા સુકાઈને કાળા મરી થઈ ગયા. એ મરીનો ડબ્બો હજુ ઘરમાં ખોલીએ ત્યારે હવામાન ફેલાઈ જાય છે. એનું કારણ છે જે મેં તમને પહેલા જણાવ્યું કે મશીનથી તેલ કાઢી લેવાય છે જે અહીં કાઢવામાં નહોતું આવ્યું.
અહીં કલાક એક વિતાવ્યા પછી અમે એર્નાકુલમ સીટી જવા આગળ વધ્યા વચ્ચે શબરીમાલા જવાનો રસ્તો આવ્યો જે મંદિર મહિલા પ્રવેશ માટે વિવાદિત રહેલું છે. અમે આગળ વધતા પહેલા એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા. અહીં વેજ અને નોનવેજ બેઉ આઈટમ રાખતી રેસ્ટોરન્ટની સંખ્યા વધારે હતી પણ પ્યોર વેજ વાળી બહુ જ ઓછી છે. અહીં ત્રણ નામવાળી રેસ્ટોરન્ટની દરેક શહેરમાં ચેન મળતી હતી એટલે એ નામ આવે એમાં અમે જઈને જમી લઈએ.
એર્નાકુલમ નજીક આવતા હોટલ માટે ડ્રાઇવરને પૂછ્યું. એને સાથે આવેલા ભાઈને જે મંદિરનું ખબર હતું એ ૧૦ થી ૧૨ કિલોમીટર સ્ટેશનથી દૂર હતું એવું જણાવ્યું. એટલે બહુમતીથી સ્ટેશનની નજીક સારી હોટલ બતાવવા કહ્યું.
આગળ જે બગીચા વાળા આલિશાન બંગલાઓની મેં વાત કરેલી એવી જ એક સોસાયટીમાં એક હોટલમાં મેં ઉતર્યા. રૂમો સારી હતી અમારી રોડ પાસે હતી. થોડે દૂર ચાલતા જતા મેટ્રોનું સ્ટેશન આવી જતું અને મુખ્ય બજાર પણ નજીક જ હતી. સાંજે ફ્રેશ થઈને અમે જમવા ગયા પાસે એક રેસ્ટોરન્ટમાં. ડ્રાઇવર લઈ ગયા. એની સાથે નક્કી હતું કે કોચી પણ એણે જ ફેરવવાનું છે.



11 અને 12/03/2025.
બીજી સવારે તૈયાર થઈને બહાર નીકળ્યા. કેબ આવી ગયેલી એટલે એમાં ગોઠવાયા. રસ્તામાં એક જગ્યાએ ચા નાસ્તો કર્યો. હવે અમારે જવાનું હતું અલઝુહા અને કોવલમ બીચ.
એ પહેલા અમે ત્રિવેન્દ્રમના પ્રખ્યાત ગણપતિ મંદિરે દર્શન કરવા ગયા. અહીંયા દર્શન માટે રેલિંગો એટલે ભૂલ ભૂલામણી. જો એક રેલિંગને બદલે બીજામાં જાવ તો ત્રીજા દરવાજે નીકળો. વચ્ચે પાછા એકબીજાને મળીએ તો પૂછીએ તો તમે ક્યાંથી નીકળશો? મજાનું…
ફરીથી ગાડીમાં બેસી વચ્ચે આવતા એક પરશુરામ મંદિરમાં ગયા. પુરુષોને નો શર્ટ. દર્શન કરીને જવા જવાનું હતું એના પછી આવ્યો એક એવું મંદિર જેના વિશે કોઈ જાણકારી નહોતી મને. અલઝુહા બીચ પરનું શિવ મંદિર. સાચું કહું તો ત્રિવેન્દ્રમ શહેર ને બારીમાંથી જોતાં જોતાં એના પ્રેમમાં પડી જવાયું. અને રસ્તા તો લાગે જ નહીં કશે પૂરા થતા હશે. આજુબાજુ જોતા લાગે રસ્તા તો આવા જ હોવા જોઈએ..્ એવું બે મિનિટ લાગે પણ નહીં કે આપણે ભારત દેશમાં જ ફરીએ છે. ઊંચા નીચા ટેકરા વચ્ચે નાળિયેરીની લીલોતરી વચ્ચે માખણ ની જેમ કાર રોડ પર લપસતી હોય. મારા મોબાઈલમાં ફક્ત ચાર જીબી સ્પેસ હતી એટલે પાછલા ફોટો ડીલીટ કરી કરીને જગ્યા કરીને વિડીયો કાઢવામાં પડી ગઈ.
હવે અમે જઈ રહ્યા હતા જે શિવ મંદિર એ સમુદ્ર કિનારે એક ઉંચી જગ્યાએ 58 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા ખુલ્લામાં પ્રસ્થાપિત થઈ છે. અહીં વાદળો ઘેરાયેલા અને વરસાદની બુંદાબાદી શરૂ થઈ.. બેઠા ઘાટનું નમણું નાજુક મંદિર અને બાજુમાં કેશ ઉડાડતા હોય એવી છટા વાળી શિવજીની મૂર્તિ… દરિયો તોફાને ચડેલો ઊંચા ઊંચા મોજાં પછાડતો ત્રાડ પાડતા ઉછળે. ખૂબ નીચે દેખાતાં આ દરિયા લાલ ની લીલા ના થોડા ફોટા દીધા અને ત્યાંથી નીચે ઉતરી બીચ પર ગયા.
આનું વર્ણન તો શબ્દોમાં શક્ય જ નથી લીલાશ પડતો સમુદ્ર સફેદ રણનું ફીણ રેલાવતો હોય ને ક્યાંય સુધી એ જ દ્રશ્ય નજર પડે. ઉપર ઉપર ડુંગરો નાળિયેરીના વૃક્ષોનું પરિધાન કરીને ઉભેલા હતા. એકદમ ડિયર જિંદગી મુવી યાદ આવી ગઈ તો દરિયા સાથે કબડ્ડી રમી નાખી. બાકીના બધા ઉપર જતા રહેલા હું એકલી નીચે હતી આ બીચ પર બિલકુલ ભીડ નહોતી. એક અમારા જેવું રિટાયર્ડ કપલ સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મેં એમને ઉભા રાખીને ફોટા પાડી આપ્યા. પછી છૂટી પડવાની હોઉં એમ દરિયાને કહ્યું: જાઉં છું… મિસ કરીશ તને😍… બાય….. અને હું પાછળ ફરીને ચાલવા માંડી. ત્યાં તો એક બહુ જ વિશાળ મોજું એ ગલી જેવા રસ્તામાં ઘૂસીને મારા પગ નીચેની રેતી ને ખેંચવા માંડ્યું. જાણે દરિયો પણ કિનારો છોડી મને કહી રહ્યો હતો: આઈ મિસ યુ ટુ પ્રીતિ …ઉપર આવીને બીજી બે બાજુ નાળિયેરીની છત્રીઓ લઈને ઉભેલા રસ્તાઓ પર અમે થોડા આગળ કોવલમ બીચ તરફ વળ્યા.
જ્યારે 1985 માં પપ્પા સાથે આવેલી ત્યારે જે રીતે હતો એવો જ એ આજે પણ દેખાતો હતો. ફરક એટલો જ હતો કે એ વખતે મને ખબર નહોતી કે આ બીચ ભારતનો સૌથી સુંદર બીચો માનો એક છે.
અહીં પણ વરસાદી વાતાવરણ અને તોફાની દરિયો તો હતા જ. નજીક ન જવા માટે દોરડા બાંધીને હદ બનાવેલી. અમે ત્યાં આંટો મારતા દેશી અને વિદેશી લોકોને જોઈ રહ્યા હતા. હું મોબાઈલના ઈયર ફોન પર ગીત વગાડીને દરિયા નો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી.
હવે પાછા ગાડીમાં બેસી જમવા માટે નીકળ્યા. ડ્રાઇવરે એક શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ પાસે ગાડી ઉભી રાખી. એ વાતાવરણ જ એટલું સરસ હતું. ધીમો વરસાદ.. અનેક અલગ બાંધણીની રેસ્ટોરન્ટ.. ત્યાંથી અમે સીધા હોટલ પર આવ્યા. થોડીવાર આરામ કરીને પગપાળા ચાલતા ત્રિવેન્દ્રમની સડકો પર નીકળી પડ્યા. થોડી દૂર એક મંદિરે ગયા. એક દુકાનમાં સાઉથ કોટન શર્ટ અને સાડી ₹100 માં સેલના ભાવે હતા. ત્યાં થોડી ખરીદી કરી.
હવે અમારે રાતની નવ વાગ્યાની આસપાસની ટ્રેનમાં એર્નાકુલમ કોચી અમારા પ્રવાસના અંતિમ સ્થળે પહોંચવાનું હતું. રાત્રે બે અઢી સ્ટેશન આવવાનું હતું. પણ આ વખતે થર્ડ ઇકોનોમી એસી નો ડબ્બો પર્પલ રંગના ઇન્ટિરિયર વાળો અને ખુબ સરસ હતો. અહીં એસીના વેન્ટ પ્રત્યેક બર્થ પર બંધ કે ખોલી શકાય એમ હતા. ભાડું પણ થોડું ઓછું અને ફીચર્સ સારા.
અમે દોઢેક વાગ્યાના સુમારે એર્નાકુલમ ઉતર્યા. અમે ત્રણેય લેડીઝ વેઇટિંગ રૂમમાં સામાન સાથે બેઠા્ અને જેન્ટ્સ મુન્નાર જવા માટે ટેક્સી નક્કી કરવા ગયા. ઘણીવાર પછી એ લોકો એક તવેરા બુક કરાવીને આવ્યા. મુન્નાર ઠેકડી ત્રણ દિવસ ફરીને છેલ્લે અહીં આવવાનું રૂપિયા 12000 માં ડીલ સારી હતી. અમે તેમાં ગોઠવાયા. કારમાં બેસતી વખતે મારી પીઠનો દુખાવો વધી જતો હતો એટલે મારે ટટ્ટાર બેસવું પડે તેમ હતું. હવે એર્નાકુલમ ને કોચી જ કહીશ. કોચીની ગલી અને રસ્તા પરથી ધીરે ધીરે અમારી કાર મુન્નારના પહાડી રસ્તાઓ પર જવા માંડી. એ પહેલા અમે ખુલ્લી ચાની ટપરી પર ચા પીધી. એ પહાડી રસ્તાઓ વાંકાચૂકાને પેટમાં મરોડ આવે. ઉપરથી ગરમ ચા પીધેલી. મારે તત્કાળ જ બે નંબરની ઇમરજન્સી ઊભી થઈ ગઈ. અને રસ્તા પર રોડ સાઈડ પર કાર ઊભી રાખવી પડી. મોદીજીના મંત્રની અવહેલના કરવી પડી કારણ કે ત્યાં આસપાસ જ કોઈ વ્યવસ્થા જેવું નહોતું. બધાએ મજાક પણ ઉડાવી પણ હોતા હૈ યાર….
ધીરે ધીરે ક્યાંક ક્યાંક કોઈક વળાંક પર અજવાળું ડોકાવા માંડ્યું હતું. થોડીવાર કોઈ રહસ્યમય અંધારામાંથી અચાનક પ્રગટ થતા હોય એમ મુન્નારના ચાના બગીચા ઓઢીને બેઠેલી ખીણો અને પહાડો આંખો સામે આવવા માંડ્યા. એક જ રાતમાં જાણે નાળિયેરીએ ચા ના છોડવાઓને ખો આપી દીધેલો.
હવે મિશન ટુ હોટલ શોધો ચાલુ કર્યું. પછી એક હોટલમાં ત્રણ રૂમ લીધા. ફ્રેશ થયા અને પછી ચારાની…. સોરી જમવાની શોધમાં નીકળી પડ્યા. ડ્રાઇવર અમને મેન બજારમાં એક રાજસ્થાની શાકાહારી રેસ્ટોરન્ટમાં લઈ ગયો. અમે પેટ ભરીને મસ્ત જમ્યા અને પછી ત્યાંથી મુન્નાર જોવા નીકળી પડ્યા.ચા ની ફેક્ટરી જોઈ. થોડીવારમાં ધોધમાર વરસાદ પડ્યો તો હોટલના રૂમમાં ભરાઈ ગયા. મારી સાથે સવારે થયેલી દુર્ઘટના પછી મેં એ સાંજે થોડું લાઈટ ખાવાનું શરૂ કર્યું. બધા જમવા ગયા પણ પાછો વરસાદ… મેં કહેલું મારા માટે બ્રેડ સાથે બટર કે કેચપ લઈ આવજો. એની જગ્યાએ બધા એક મોટી બ્રેડ અને કેચપ લઈ આવ્યા અને એ જ ખાઈ લીધું. બીજી સવારે આકાશે વરસાદની રમત સંકેલી લીધેલી અને આકાશ પાછું ડાહ્યું ડમરું થઈને, ચોખ્ખું થઈને બેસી ગયેલું એટલે સવારે અમે મુન્નાર જોવા નીકળ્.યા ત્યાં બોટનિકલ ગાર્ડન હાથી સવારી માટે જગ્યાઓ જ છે. હાથી પર બેસવાનો કોઈ મૂડ નહોતો. ત્યાં એક નદી પર વોટર બંધ હતો એ જગ્યાએ ગયા. અહીં ચારે તરફ હલકા ઢોળાવો પર ફેલાયેલ ચા ના બગીચા જ તેની સુંદરતા છે. અહીં હિમાલય જેવા ઉંચા ઉંચા પહાડો નથી પણ તોય દક્ષિણમાં એક સુંદર હિલ સ્ટેશનનું બિરુદ મળ્યું છે એ સાચું છે. શાંતિથી રહેવા અને ફરવા માટેનું સ્થળ કહી શકાય. લોકલ કલાત્મક વસ્તુઓના નાના બજારો જોવા મળે. એક જગ્યાએ ઇકો પોઈન્ટ હતો ને થોડું થોડું યાદ અપાવે. મેં દાર્જિલિંગ ના વિશાળ આકાશને અડતા હિમાલય પર ચા ના બગીચા જોયા છે અને સિક્કિમ અને દાર્જિલિંગ નો હિમાલય જોયેલું છે એટલે અહીં વધારે પ્રભાવિત ન થઈ શકી. ત્યાંના પહાડો માં ફરતાં ફરતાં સાંજે ફરી હોટલ પર આવી ગયા. સાંજે ફરી રાજસ્થાની હોટલમાં જમવા ગયા. ત્યાંની બજારમાં આમ તેમ આંટા માર્યા અને પછી હોટલ પર ગયા.



10/03/2025.
મારી ઊંઘ સવારે વહેલી પૂરી થઈ ગઈ એટલે હું પરવારીને ત્યાં ચા પી આવી. બીજા બધાએ બાજુની દુકાનેથી ભજીયા વગેરે નાસ્તો કર્યો. મેં પટેલ ભાઈ અને ગીતાબેન ને કચોરી ટેસ્ટ કરાવેલી. એમને બહુ ભાવેલી પણ બીજી સવારે સામાન રિક્ષામાં ગોઠવવાની ઉતાવળમાં એ કચોરી ભૂલી જવાઈ. બહુ બધા શહેર ફર્યા બાદ એક વસ્તુ તો મહેસૂસ કરી કે શહેરનો હાર્દ સમો વિસ્તાર સાંકડો હોય છે પણ ત્યાં બધું જ મળી જાય છે. ત્યાં ભીડ હોય છે અને શહેરની સુગંધ પણ. ક્યારેક તો લાગે કે આપણે આપણા શહેરના પેલા એરિયામાં જ છીએ.
સ્ટેશન ખૂબ નજીક હતું. 9:00 વાગ્યાની ગાડી અમને બે-ત્રણ વાગ્યા સુધીમાં ત્રિવેન્દ્રમ પહોંચાડવાની હતી. માત્ર બેઠક વાળી ગાડી આવી અને અમે સામાન સાથે ગોઠવાયા. બીજા થોડા પેસેન્જર પણ હતા. ગાડી ખાલી હતી.
હવે દક્ષિણના અને ભારતના સુંદરતમ રાજ્ય કેરળમાં પ્રવેશ કરવાનો હતો. નાળિયેરીના ઝાડ સ્વાગત માં ઉભેલા જોવા મળતા હતા. અહીં ગુજરાતમાં જે બંગલાઓને જોઈને આપણે હરખાતા હોઈએ છે એ સિમેન્ટના જંગલોનો આભાસ આપવા માંડ્યા છે. બંગલાઓની વ્યાખ્યા અહીં કેરળના ઘરોમાં જોવા મળે છે. ચારે બાજુ વિશાળ બગીચા.. બગીચામાં કેળ અને નાળિયેરીના ઝાડ.. છત પર પતરાના શેડ.. કારણ કે ત્યાં વરસાદ વધારે છે. ક્યાંક ક્યાંક નળિયાના ઢાળવાળી છત. બગીચામાં કેળ નાળિયેરની જુગલબંધી નાના કમ્પાઉન્ડમાં સરગમ વગાડતી હોય. આપણે ત્યાં તો ચાર એકટીવા કમ્પાઉન્ડમાં અને સડક પર બે કાર પડી હોય પણ ત્યાં આટલા વિશાળ ઘરોમાં પણ એક કાર અને વધુમાં વધુ બે સ્કૂટી. પ્રદુષણ શૂન્ય. આ વાત આખા કેરળ રાજ્યની છે. ટ્રાફિક સેન્સ શિસ્તની પરિભાષા . અમે અહીંની એક નર્સ ટ્રેનમાં મળી ગઈ. એની સાથે થોડું હિન્દી અંગ્રેજીમાં વાત થઈ.
નિર્ધારિત સ્થળ ત્રિવેન્દ્રમ આવ્યું. સ્ટેશન બહાર આવી બે રીક્ષાઓ લીધી. અમે રિક્ષા કરીએ ત્યારે એ નક્કી કરીએ કે અમને અમારા બજેટની હોટલમાં રૂમ બતાવો અને અમને જ્યારે રૂમ મળે ત્યારે જ અમે સામાન ઉતારીશુ. પદ્મનાભ ભગવાનનું મંદિર પણ વચ્ચે આવ્યું.ત્રણ ચાર હોટલમાં રૂમ જોયા પછી છેલ્લે એક “રોયલ હેરિટેજ” હોટલમાં મેળ પડ્યો. કોઈ રાજવંશ નું હોલીડે હોમ જેવું લાગ્યું. પણ ટીપીકલ કેરલ ટાઈપની બાંધણી સરસ હતી. લાલ લાદીની ફ્લોરિંગ હતી. અંદર વિશાળ દીવાનખાનું. બધા રૂમો બંધ હતા. કોઈ ખાવા પીવાની સગવડ નહીં. પણ રૂમ સરસ. અમને ટ્રીપલ બેડ વાળો એક રૂમ મળેલો. એવું થાય કે બસ એ રૂમમાં જ રહી જઈએ. હોટલના કેરટેકરની પરમિશન લઈ થોડા ફોટા ક્લિક કર્યા. બહાર ગણપતિ ભગવાનની દેરી. આંબાના ઝાડે બાંધેલ હિંચકો..
જલ્દી જલ્દી નાહી પરવારી ને પદ્મનાભ ભગવાનના મંદિરે જવા નીકળવાનું હતું. બીજી બેઉ બહેનો સાડી લાવેલી. હું નહોતી લાવી એટલે મેં લોન્ગ સ્કર્ટ અને ટોપ પર સાડીની સ્ટાઈલમાં ઓઢણી પહેરી લીધી. પ્રોબ્લેમ સોલ્વ. અહીં પુરુષોએ ફરજિયાત લુંગી અને સ્ત્રીઓએ સાડી પહેરવાની હોય છે. નહીં તો મંદિર બહારથી ભાડેથી લઈ લો. મંદિરમાં શ્રીનાથજી ના મંદિરની જેમ દર્શનનો સમય નિર્ધારિત છે. ખુલે બંધ થાય..હા, મંદિરની બાંધણી ખૂબ અલગ છે. લાકડાનો પણ પ્રયોગ થયેલ છે .લાંબી લાંબી કતારોમાં ચાલતા ચાલતા શરૂઆતમાં તો ખબર જ ન પડે કે ક્યારે ગર્ભગ્રહ આવશે?? નીચે જોઈને ચાલવું પડે. જે ફર્શ હોય તે પથ્થરની હોય અને ક્યાંક પગથિયાં અચાનક આપણા પગ નીચે આવીને સૂઈ જાય.
અહીં શ્રી વિષ્ણુ ભગવાન ની શયન મુદ્રામાં પ્રતિમા છે. દીવાના આછા અજવાળે હજી તો આંખ સ્થિર થાય ત્યાં તો આગળ વધો ની હાંક આવે છે. શરીર છે, માથાનો ભાગ છે, એમ ખ્યાલ આવ્યો. એમાં જોડે ની બહેનો વીડિયો જોઈને આવી હશે તો એમને નાભીમાં કમળ અને ચક્ર અને શંખ બધું દેખાઈ રહ્યું હતું એમ કહી રહી હતી.
ત્યાંથી પાછા મા લક્ષ્મીના દર્શન કરીને બહાર નીકળવાનો રસ્તો શોધતા નીકળ્યા.
ફરીવાર બહાર આવ્યા. નવી વેશભૂષામાં ફોટા પણ પડાવ્યા. પુરુષોને માત્ર ધોતી કે લૂંગી પહેરવાના હોય છે ના હોય તો ભાડે લો. વળી પાછું બે બહેનોને ફરી દર્શન કરવાનું મન થયું. તો પાછા દર્શન કરવા ગયા. બહુ જ વિશાળ વિસ્તારમાં કોઈપણ માળ વગરનું મંદિર છે આ સૌથી શ્રીમંત મંદિર છે એમ કહેવાય છે. એમાં ખજાનાઓ છુપાયેલા છે. અહીં રાજવંશ પણ છે.
અમે ફરી બહાર આવી ગયા. રિક્ષાઓને બોલાવી અને પ્યોર વેજ રેસ્ટોરન્ટમાં જમવા લઈ જવાનું કહ્યું. અહીં તમે જાવ એટલે આછા લાલ રંગનું કોઈ વનસ્પતિ જડીબુટ્ટી નું હુંફાળું પાણી પીરસે. સાહેબ એનો સ્વાદ તો મોળો હોય પણ નવીનતા તરીકે પી લીધું. દોસ્ત઼.. ઢોસા ખાધા અને હોટલ પર પાછા આવી ગયા.
બીજા દિવસે રિક્ષાવાળા ભાઈઓના એક ઓળખીતા ભાઈની કાર લઈને ત્રિવેન્દ્રમ દર્શન માટે જવાનું નક્કી થઈ ગયું. રાત્રે થોડીવાર બધા ભેગા થઈને આગળના પ્રોગ્રામ માટે વિચાર્યું. હવે એર્નાકુલમ, મુન્નાર અને થેક્કડી, એલેપ્પી બાકી હતા. એલેપ્પી એના બેક વોટર માટે જાણીતું છે. ત્યાં બોટ હાઉસ અને રાત્રે કિનારે બંધીયાર પાણીમાં રાખે અને વેજ જમવાનું ન મળે. બેક વોટરની સહેલ તો અમે કન્યાકુમારીમાં કરેલી એટલે એલેપ્પી ના નામ પર ચોકડી કરી. મુન્નાર જવા હવે એર્નાકુલમ જવું પડે અને તેના માટે ત્યાં ચાલતી ટ્રેનોમાં એક મેંગલોર એક્સપ્રેસમાં થર્ડ એસીમાં કન્ફર્મ બુકિંગ મળી ગયું. બીજી રાત્રે ત્યાં જવા નીકળવાનું હતું .



09/03/2025.
બીજા દિવસે સવારે બહાર પેલી દુકાન પર ચા નાસ્તો કરીને બસની રાહ જોઈ. દિનેશભાઈ અને ગીતાબેન ને પ્યાજ કચોરી ચખાડી . કાલે ટ્રેનમાં ખાવા લઈ જવાશે એમ નક્કી થયું.
અને ભાઈ 😜😜 ખટારા જેવી દેખાતી નાની મીની બસ આવીને ઊભી રહી. હવે આને પણ પ્રવાસનો એક ભાગ ગણીને યાદ કરવા માટે હસતાં હસતાં એમાં ગોઠવાયા.
આ જગ્યા અમારા પ્રવાસના કાર્યક્રમમાં ક્યાંય નહોતી પણ ક્યાં તો મદુરાઈના બીજા લોકલ મંદિરો અને જગ્યાઓ સામે એક ઓપ્શન હતું.
ત્યાંથી લગભગ બે કલાકે અમે કોડાઈકેનાલના પહાડોમાં હતા. આમ તો પહાડી જગ્યાઓ ઠંડક માટે જાણીતી હોય છે. એ રીતે આ હિલ સ્ટેશન છે. ત્યાં બોટિંગ કરી શકાય એટલું મોટું તળાવ છે. વ્હાઈટ ચોકલેટ બહુ મળે. નીલગીરીના જંગલો હોવાથી નીલગીરીનું તેલ અને બીજી જડીબુટ્ટીઓ પણ મળે. સૌથી ઊંચી જગ્યાએથી આખા શહેરનો નજારો જોવા મળે. કોડાઈ કેનાલમાં પ્રવેશ કરતા પહેલાં એક ધોધ આવે છે જ્યાં ચોમાસામાં ભરપૂર પાણી હોય છે. આ જગ્યાએ ચોમાસામાં કેટલાય નાના મોટા સિઝનલ ઝરણા ધોધ જોવા મળતા હશે… અહીં પાનખર ની મોસમમાં વૃક્ષોએ પાંદડાના કપડા કાઢી નાખેલા અને ઠુંઠા થઈને ઉભેલા. એમાં એક જગ્યાએ મેં ખાલી ક્લિક જ કરેલી પણ જ્યારે ત્યાંની તસવીર જોઈ એ કોઈ પેઇન્ટિંગ થી કમ નહોતી. મળી ગયેલ એક અનમોલ મોતી. એ જગ્યાએ મેં અને મારા પતિદેવે એક એક ફોટો પડાવી દીધો. તળાવને કાંઠે ફરતા ફરતા વેજીટેરિયન રેસ્ટોરન્ટ ની શોધ ચાલી. એક મળી પણ ખરી. અમે બેઉ એમાં ગોઠવાયા. શાક રોટલી મંગાવ્યા. અહીં દરેક જગ્યાએ દહીં અને ખાંડ મંગાવતી એટલે શાક ન ભાવે તો પેટ ભરી તો લેવાય. રેસ્ટોરન્ટ વાળા ભાઈ સારા હતા. બીજું કપલ પણ ત્યાં જ આવ્યું. બપોરે 2:00 વાગ્યા પછી એ જ ખખડધજ બસમાં અમે પરત આવવા નીકળ્યા.
આવી જગ્યાઓ સ્ટ્રેસફૂલ જીવનમાંથી માત્ર થોડો સમય એક જ જગ્યાએ આરામ કરવા માટે આદર્શ કહી શકાય. દરેક પહાડો માં એક સનરાઈઝ પોઇન્ટ હોય, બીજો સન સેટ પોઇન્ટ હોય, થોડી બીજી લોકલ જગ્યાઓ અને મંદિર વગેરે હોય અને થોડા વ્યૂઝ વાળા પોઇન્ટ્સ હોય. આ એક કોમન સમીકરણ બની ગયું છે.
સાંજે પાછા મદુરાઈ આવી ગયા. થોડીવાર રોકાઈને રાતના જમવાની શોધ શરૂ થઈ. પાસે એક પંજાબી રેસ્ટોરન્ટમાં જમ્યા અને સૂઈ ગયા. પેલી રાજસ્થાની દુકાનમાં બે દિવસથી એમને હું પ્યાજ કચોરી માટે કહેતી હતી એમણે કહેલું કાલે સવારે ચોક્કસ મળશે.



08/03/2025.
સવારે બધા વહેલા ઉઠી ગયા. અમારા છ જણ વચ્ચે એક જ બાથરૂમ હતું. મને પીઠમાં સખત દુખાવો થઈ રહ્યો હતો એટલે મેં જવા માટે ના પાડી અને ફરી ઊંઘી ગઈ. બાકીના પાંચે વ્યક્તિ દર્શન કરીને સાડા પાંચે પાછા આવી ગયા.
આગલી સાંજે અહીંથી મદુરાઈ જવા રાજ્યની એસટી બસ મુખ્ય બસ સ્ટેશનથી મળશે એવી જાણકારી મળેલી. એટલે હવે અમે ચા નાસ્તો કરી એસટી સ્ટેન્ડે પહોંચી ગયા. ત્યાંનું એસટી સ્ટેન્ડ આપણા ગુજરાત જેવું બસો અને મુસાફરોથી ઉભરાતું નહોતું. પાંચેક બસ ઉભેલી હતી. અમે એક બસની ટિકિટ લઈ સામાન એમાં મુક્યો. ત્યાં બનતા ઢોસા જોતા બેસી રહ્યા. એમાં ઈંડાની મેળવણી પણ થતી હતી. એ જ તવા પર આમલેટ, હાફ ફ્રાય અને ઢોસા બનતા એટલે શુદ્ધ શાકાહારી અમને એ ન ખપે.
સાડા નવ થતાં હવે બસ ઉપડી મદુરાઈ માટે. વચ્ચે પંબન બ્રિજ આવ્યો પણ બસ ન ઊભી રહી. સીટ પરથી ઉભા થઈ દિવસના સમયે સમુદ્ર પરથી પસાર થવાનો અનુભવ અહીં થયો. બારીની બહારના દ્રશ્યો સમુદ્રનો તટ પ્રદેશ હોવાની સાક્ષી પૂરતા હતા. અગણિત મોટર બોટ અહીંના રહીશોના મચ્છીમારીના વ્યવસાયનો પુરાવો હતી. શાંત દેખાતા દરિયાની ઊંડાઈના કલ્પના તો કરી જ ન શકાય અને દરિયા કાંઠે બેસી ખારી ખારી હવા ખાતા ડોલતા પાના વાળા નાળિયેરીના વૃક્ષો કતાર બંધ જોવા મળે.
બપોર થતા ચાર કલાક બાદ અમે મદુરાઈ બસ સ્ટેન્ડે પહોંચ્યા. આ બસ સ્ટેન્ડ ભરચક હતું. ત્યાં બેસીને બે છકડા વાળા શોધ્યા અને એમની સાથે બે રાત્રિ માટે રહેવા માટે એક હોટલ શોધી હોટલ અશોક પેલેસ. મંદિર થી સાવ નજીક અને મુખ્ય બજારમાં. સ્ટેશનથી પણ સાવ નજીક જ હતી. નાહી ધોઈ પરવારીને ત્યાં ગલીના નાકા પર આવેલી ચાની ટપરી પર ચા અને સમોસાનો નાસ્તો કર્યો. એ દુકાન એક રાજસ્થાની ભાઈની હતી અને ગુજરાતી સ્પષ્ટ બોલે એટલે દક્ષિણ ભારતીય ભાષાઓના મેળામાં માતૃભાષાનો ટહુકો મીઠો પણ લાગે. એની સાથે ચા પીવાનું ફાવી ગયું.
ત્યાંથી ચાલતા ચાલતા મદુરાઈના વિશ્વપ્રસિદ્ધ મીનાક્ષી મંદિર પહોંચી ગયા. અહીં દરવાજાનું રીનોવેશનનું કામ ચાલતું હતું એટલે વિશાળ પડદાઓથી એના અત્યંત સુંદર મૂર્તિકળાથી સુશોભિત શિલ્પોથી મઢેલા ગોપુરમ ન જોવાયા. ત્યાંથી ચાલતા ચાલતા મંદિર સુધી જવાનું હતું. અમે અહીં પણ ત્વરિત દર્શનની પચાસ રૂપિયા ની ટિકિટ લીધી પણ વગર ટિકિટ દર્શનની કતાર સાવ નાની નીકળી અને ટિકિટ વાળી ખૂબ લાંબી. એકાદ કલાક સુધી આજુબાજુ રીતસરના ફાંફા મારતા ઉભા રહ્યા. અહીં બે પ્રકારની ટિકિટ હોય છે એક અમ્મન દર્શન ની એટલે કે માતાજીના દર્શનની અને બીજી માતાજી અને શિવજી બેઉના દર્શન. માતાના દર્શનની 50 રૂપિયા અને શિવજી અને માતાજી દેવના દર્શનની સો રૂપિયા. અમને ખબર નહીં એટલે અમે 50 રૂપિયા વાળી ટિકિટ લીધી.
અહીં વિદેશી પ્રવાસીઓ અને વિધર્મીઓને ગર્ભગૃહ પાસે જવા દેવામાં આવતા નથી. અમે ધીરે ધીરે આગળ વધતા ગર્ભગૃહ સુધી પહોંચી ગયા. માતાજીના અંધારીયા ગર્ભગૃહમાં અસંખ્ય દિપક વચ્ચે એમની સૌમ્ય મૂર્તિના મનોરમ દર્શન જોવા મળી રહ્યા હતા. શ્રદ્ધાથી નમન કર્યું. અહીં ભસ્મ કંકુ પાન એવું બધું પ્રસાદમાં મળે.
અહીંથી બહાર નીકળ્યા કાળમિન્ઢ પથ્થરોથી બનેલા લાંબા લાંબા ગલિયારામાં ચાલ્યા જ કરો. અમે ઘડીક પોરો ખાઈને બેઠા તો ત્યાં ઉભેલા પ્રસાદ વાળા ભાઈએ કહ્યું જલ્દી શિવજીના દર્શન કરી આવો નહીં તો દર્શન બંધ થઈ જશે. અમે બે અને બીજું કપલ ત્યાં દોડીને ગયા. ટિકિટ માંગી એ તો અમે લીધી નહોતી. ગુસ્સે થઈને અમને કોમન લાઈનમાં આવવાનું જણાવ્યું. અમે ઝડપથી ચાલતા મંદિરને પ્રદક્ષિણા કરતા પથ પર ચાલીને કોમન લાઇનમાં પહોંચ્યા જે બિલકુલ વધારે નહોતી. શિવજીના દર્શન થઈ શક્યા એ જ અનુભૂતિ સુંદર હતી. અમારા માનું ત્રીજું કપલ થોડા આરામ માટે બેસી ગયેલું તે હવે ક્યાંય દેખાતું નહોતું. મંદિર ભૂલભલામણી જેવું એટલે ક્યાં શોધો? આજુબાજુ હરતા ફરતા શોધતા બહાર નીકળવાના રસ્તે આવ્યા. ત્યાં પ્રસાદમાં લોકો જમવા બેસતા જણાયા.
જેમ કે ભારતના મોટા ભાગમાં મંદિરમાં મોબાઈલ ચંપલ બધું બહાર જમા કરાવી દેવું પડે છે એમ અમે છ જણે મોબાઈલ જમા કરાવી દીધેલા. ટિકિટ પહેલા ખોવાયેલા ભાઈ અને એમની પત્ની પાસે હતી. ઉઘાડા પગે ત્યાં મોબાઇલ કાઉન્ટરની સામે ફૂટપાથ પર બેસી ગયા અમે ચારેય. એમાંય એક ભાઈને તો શનિવાર હતો.
મંદિર 9:00 વાગે બંધ થશે એમ ખબર પડી એટલે છેલ્લે નવ વાગે તો મળશે જ એ આશાએ ત્યાં બેસી રહ્યા. મંદિરના દરવાજે પોલીસ ઇન્સ્પેક્ટર ઉભેલા એમને જઈને અંગ્રેજીમાં પ્રોબ્લેમ કહ્યો. તેમણે કહ્યું : તમે ચોથા નંબરના દરવાજા પાસે સેવકને જઈને કહેજો તો માઈક પર એનાઉન્સમેન્ટ કરાવશે. મેં આવીને બાકીના લોકોને કહ્યું. ફોન પાસે હતા નહીં અને ટોકન વગર મળે નહીં. ત્યાં ખૂબ મોડેથી બે જણા દૂરથી આવતા દેખાયા. એમને બાલીશ બહાનું બતાવ્યું કે એ લોકો અંદર રાહ જોતા હતા.
ત્યાં થોડીવારમાં મંદિરમાંથી માતાજીની ભવ્ય સવારી નગરચર્યા માટે નીકળી. અમે આ અનુપમ દર્શન કર્યા. સાથે જ એક વિચાર આવ્યો કે કદાચ આ દર્શન કરી શકીએ એ માટે તો ભગવાને આ નાટક નહીં રચ્યું હોય ને??!! ત્યાંથી પાછા વળતા ભૂખ કકડીને લાગી હતી. અમારા ઉપવાસી ભાઈ તો રૂમની ચાવી લઈને હોટલ પર પહોંચી ગયા. ત્યાં વચ્ચે એક સરસ જ્યુસની દુકાને આવેલી. થોડા પગથિયાં ચઢીને ઉપર ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતી. ભૂખ હતી, સુગંધ હતી. મેં પતિદેવને કહ્યું: જમવાના સમયે જ્યુસ નહીં હું ઈડલી ખાઈશ પહેલા. મોડા પડેલા ભાઈ મનોમન છંછેડાયા. હું અને પતિદેવ બિન્દાસ ત્યાં જઈને બેઠા ઈડલી આવી. એની સાથે પાંચ જાતની ચટણીઓ અને ગરમાગરમ સાંભરની સુગંધ તો એટલી સરસ કે મારા પતિદેવે પણ તરત ઓર્ડર આપી દીધો. અને અમે પેટ પૂજા કરીને પછી જ્યુસ પીધો. સાચું કહું આમાં મને ખૂબ આનંદ આવ્યો. આમ તો સાથે જઈએ ત્યારે બધાએ સમૂહમાં રહેવું જોઈએ એ જાણું છું પણ એનો અર્થ એ તો ક્યારેય નથી કે આપણે આપણી તબિયતને અસર કરીને પણ સાથ આપો. પ્રવાસમાં સ્વાસ્થ્ય પહેલું સાચવવું પડે લોકોને ગમા અણગમા પસંદ નાપસંદ નહીં. ત્યાંથી એક ઉદ્ઘાટન થયેલા મોલની મુલાકાત લીધી. મને જોવામાં રસ ન હતો એટલે બહાર એક બેંચ પર બેસી રહી. પેલા ભાઈ એમના પત્ની બીજા બેન હોટલ સામે વેચાતી ઈડલી ખાવા ગયા. બીજા બેનને સૂગ ચડી. પહેલા દંપત્તિએ ખૂબ વખાણ કરીને ખાધું. અમે ફરી હોટલમાં આવીને સૂવાનું કર્યું. કાલનો આખો દિવસ હતો. અહીં મીનાક્ષી મંદિર જ મુખ્ય હતું. હોટલવાળાને પૂછ્યું તો કહે અહીંથી કોડાઈ કેનાલ નજીક જ છે. તમે ચાહો તો સવારે જઈને સાંજે પાછા આવી શકો. એના માટે ટેક્સી કરવી કે બસમાં જવું. બસમાં જવાનું નક્કી થયું અને પુરુષો બસનું નક્કી કરીને પાછા આવ્યા. અમે બધા નિદ્રાધીન થયા.



તા. 07/03/2025.
સવારે ચાર વાગે મંડપમ સ્ટેશનને ઉતરવાનું હતું. નવો પમ્બન બ્રિજ હજુ ચાલુ થયો ન હતો એટલે ટેક્સી કરીને રામેશ્વર પહોંચવાનું હતું. સવારે વહેલી ઊંઘ ઊડી. ટ્રેન મંડપમ પહોંચી ગયેલી અને અમે ઉતરીને નીચે આવ્યા. એક ટેક્સી કરીને સૌ એમાં બેઠા. વચ્ચે રોડ વાળો બ્રિજ આવ્યો. ત્યાં ઊતરીને અમે સામે જુનો અને નવો બેઉ પમ્બન બ્રિજ જોયા. સમુદ્ર પર કોઈ ઉપર બાંધણી વગર માત્ર પાટા અને પિલ્લર પર ઉભેલા બ્રિજ.
ત્યાંથી રામેશ્વર આવ્યા. ચાર ચાર જગ્યાએ ફર્યા બાદ એક હોટલમાં છ જણ વચ્ચે એક રૂમ મળ્યો. અહીં વારાફરતી નાહી ધોઈને અમે દર્શન માટે રવાના થયા. ભગવાન રામે પ્રસ્થાપિત કરેલું આ જ્યોતિર્લિંગ દક્ષિણનું કાશી કહી શકાય. ત્યાં સમુદ્રમાં અગ્નિતીર્થમથી સ્નાનનો પ્રારંભ થાય છે. જેને અગ્નિ તીર્થ કહે છે ત્યાં 1984 માં ગયેલા ત્યારે ભીડતો નહોતી પણ સમુદ્રમાં નાહીને મૂકેલા કપડામાંથી માછલીની અસહ્ય દુર્ગંધ ઘણા દિવસ સુધી આવેલી એવું યાદ આવે છે. આ વખતે એવું નહોતું. સમુદ્રમાં બેસીને સ્નાન કર્યું. ચંપલ બધી જગ્યાએ મૂકવા ન પડે એટલે ઉઘાડા પગે કરેલી પદયાત્રા થોડી આકરી બનવાની હતી.
ત્યાંથી 22 કુંડના પાણીથી સ્નાન કરવા એક દરવાજેથી પ્રવેશ કર્યો. રૂપિયા 25 પ્રત્યેક વ્યક્તિ દીઠ ફી હતી. દરેક કુવામાંથી ત્યાં ઉભેલ વ્યક્તિ પાણી કાઢીને એક સાથે ત્રણ ચાર વ્યક્તિ ઉપર નાખે. દરેક કુંડમાં ભારતની નદીઓના નામ સાંભળીને એવું લાગે કે કહેવાય તો 22 ડોલ પણ એક એક ગ્લાસ જેટલું પાણી પડતું હોય. લાઈનમાં ચાલ્યા કરવાનું. થોડીવારમાં પુરા પલળી જવાય. હવે એવો ક્રમ હોય કે સાથે લાવેલ કપડાં બદલીને રામેશ્વર ભગવાનના દર્શન કરવા જવાનું હોય પણ અમારી હોટલ થોડી નજીક હતી એટલે ગરમીમાં પગપાળા ત્યાં જઈને સ્નાન કરી કપડા બદલીને દર્શન માટે પરત આવ્યા.
અહીં જલ્દી દર્શન માટે રૂપિયા 100 નો પાસ લીધો હતો. તિરૂપતિના અનુભવ પછી આ અમે મુનાસીબ માન્યું પણ …..ફક્ત 15 મિનિટમાં અમે શાંતિથી શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી બહાર નીકળી ગયા. પેટપૂજા માટે એક મારવાડી લોજમાં બપોરનું ભોજન લીધું અને પરત આવ્યા.
અહીં ઈકો ગાડીને ટેમ્પામાં બદલીને છકડાની જગ્યાએ ચલાવવામાં આવે છે. અમે એક એવી ગાડી કરીને રામેશ્વર દર્શન માટે નીકળ્યા.
ત્યાંથી સીધા ધનુષકોડી ગયા. 60 ના દાયકામાં આવેલ ભૂકંપ અને સુનામીને કારણે એક આખું શહેર સર્વનાશ પામ્યું. હવે એના ત્યાં ખાલી અવશેષો છે. પ્રસિદ્ધ રામસેતુ અહીં ધનુષકોડી પાસે હોવાનું કહેવાય છે. ત્યાં જતા પહેલા વિભીષણ મંદિરે ગયા. અહીંની મૂર્તિઓ સાવ અલગ પ્રકારની અને અલગ આકારની અને મંદિરની બાંધણી પણ સાવ અલગ હતી. અહીં એક લાંબી પટ્ટી જેવો થોડાક ફૂટ પહોળો જમીનનો ભાગ છે. એક બાજુ બંગાળનો ઉપસાગર અને બીજી બાજુ હિંદ મહાસાગર આવેલો છે. આ જમીનનો અંત આવે ત્યાં આ બે સાગર નો સંગમ છે ત્યાં ભારત દેશનું રાજચિન્હ મૂકવામાં આવ્યું છે. આજુબાજુ ગોળાકારે પાળી બાંધવામાં આવી છે. ચોતરફ અફાટ પાણી. અહીંથી 17 કે 18 km દૂર શ્રીલંકા દેશ છે.
મારે એ સમુદ્રમાં પગ બોળવા હતા એટલે હું ત્યાં મૂકેલી રેતીની થેલીઓની આડસને ઓળંગીને કિનારે ગઈ. સમુદ્રમાં પગ બોળ્યા. ભારતનો દક્ષિણ પૂર્વ છેડો. અહીં સમુદ્રનું પાણી સાવ અલગ. પાછા વળતા જોયું તો રોડ કરતાં પણ રેતીના ઢુવા ઊંચા જણાતા હતા. સમુદ્ર જોડે જોડે ચાલ્યા કરે. ત્યાંથી અમે ફરી રામેશ્વર આવી ગયા.
અહીં આપણા ભૂતપૂર્વ જીનીયસ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ અબ્દુલ કલામ સાહેબનું ઘર છે. હવે એને રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવી નાખવામાં આવ્યું છે. ત્યાં એમની કેટલીક વસ્તુઓ સ્મૃતિચિન્હ તરીકે મુકાઈ છે. હવે અહીંથી અમારે એક કૃષ્ણ મંદિર અને હનુમાન મંદિર જવાનું હતું. કૃષ્ણ મંદિરમાં ભાગવત સપ્તાહ ચાલતી હતી એટલે ભક્તોની ભીડ હતી. એમાં ઘણા ખરા ગુજરાતી હતા. કાચ થી મઢેલું સુંદર મંદિર હતું. દર્શન અને આરતી કર્યા. સામે હનુમાનજીનું મંદિર હતું પણ તે પાંચ વાગ્યે બંધ થઈ જતું. અહીં આર્ટિફિશિયલ સિલ્ક સાડી 150 રૂપિયામાં મળતી હતી. રામેશ્વર શહેર પ્રમાણમાં ઘણું નાનું પણ વ્યવસ્થિત હતું.
અહીં લક્ષ્મણજીના અને રામજીના મંદિર પણ છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલા છે. નાના પણ સરસ. અહીં ત્રણેક પ્રકારના કેળા મળે. એક લાલ અને જાડા મોટા હોય, બીજા પીળા અને નાના હોય અને ત્રીજા પીળા મોટા હોય. અમારામાંથી એક ભાઈને લાલ કેળા માટે કૂતુહલ થયું એટલે એ ભાઈ લઈ આવ્યા.
હવે રાત્રી ભોજન પતાવીને હોટલ પર જવું હતું. ચાલતા ચાલતા મંદિરના દરવાજા પાસે એક રેસ્ટોરન્ટ મળી ગઈ મસાલા ઢોસા ખાધા. અહીં મંદિરના દ્વારના સ્તંભો પેઇન્ટિંગ કરેલા હતા. આ મંદિર ના ચાર ગોપુરમ ચાર દિશામાં આવેલા છે. અંદર એક સરખી બાંધણી છે એટલે ક્યાંથી ક્યાં જઈએ એ ખબર જ ન પડે. અમે બહારથી જોઈને પાછા હોટલ પર ગયા. સવારે ચાર થી છ માં મણિ દર્શન માટે નાહી ધોઈને જવાનું હતું. એમાં જ્યોતિર્લિંગ સાથે એક મણી મૂકવામાં આવે છે જે ફક્ત સવારે જોવા મળે. એના દર્શન ની ફી પ્રત્યેક ભક્ત પાસે રૂપિયા 50 લેવામાં આવે છે. અમે બધા કાલે સવારે વહેલા ઊઠવા માટે સુઈ ગયા.



06/03/2025.
આજે લોકલ કન્યાકુમારી ફરવાનું હતું એટલે બધા શાંતિથી ઊઠવાના હતા. પણ હિતેશ અને મારે નીચે બીચ પર જઈને સૂર્યોદય જોવો હતો એટલે અમે સાડા પાંચે ત્યાંની સાંકડી ગલિયો માંથી બીચ વાળા રસ્તા પર પહોંચી ગયા. સવારના એ વાતાવરણનું વર્ણન કરવા માટે શબ્દો જ નથી. એ સમયે એ અહેસાસ જ અદભુત હતો !!! સામે અર્ધવર્તુળાકાર માં જમીનની સમાપ્ત થતી હદ અને એને વ્હાલ કરતા ત્રણ સાગરોના સંગમ ના શરૂઆતના સીમાડા !! અહીં મોટા મોટા ખડકોને ગોઠવીને સમુદ્રમાં થોડે અંદર સુધી જઈ શકાય એવા પાંચ છ ફૂટ ઊંચા રસ્તાઓ બનાવ્યા છે. કાલે વિવિધ કિરણો વચ્ચેથી નીકળતા સૂર્યને જોયા બાદ આજે તો આકાશ કંઈક અંશે રંગવિહીન અને સુનમુન ભાસતું હતું અને અચાનક ક્ષિતિજને કિનારેથી ધીરે ધીરે લાલઘુમ સૂર્ય હવે ઉપર આવવા માંડ્યો.. ખોવાઈ ગઈ એ પળોમાં.. આકાશની સાદગી માંથી શણગારેલો સૂર્ય ધીરે ધીરે સમુદ્ર પર તરવાનો પ્રયત્ન કરતા કરતા પતંગની જેમ ઉપર ઉડવા લાગ્યો સીધી લીટી માં નિર્ધારિત માર્ગ પર તરફ…
એક તરફ સુંદર ચર્ચ બીજી તરફ ખડક પર ઉભેલા વિવેકાનંદ સ્મારક અને એની સામેના ખડક પર સંત યલુવલ્લુવરજીની વિશાળકાય મૂર્તિ.. રાત્રે રંગબેરંગી લાઈટોથી શોભાયમાન થતો એક મજાનો પુલ પણ બેઉ સ્મારકો વચ્ચે સેતુ બનેલો હતો. પાછા ફર્યા ત્યારે અમારા સાથેના મિત્રો ફરવા આવી ગયેલા. અમે પણ તેમની સાથે બહાર આવેલી ચાની ટપરી પર ચા નાસ્તો કરવા ગયા.
ત્યાંથી અમે રિક્ષામાં વિવેકાનંદ સ્મારક જવા માટે બોટીંગ ના ટિકિટ ઘર પાસે આવ્યા. અજાણ્યા હતા એટલે સો રૂપિયા લીધા. બાકી ચાલતા 10 મિનિટમાં પહોંચી જવાય એટલું જ દૂર હતું. ત્યાંથી ટિકિટો લઈને બોટની રાહ જોતા બેઠા. બોટમાં ફરજિયાત લાઈફ જેકેટ પહેરીને બેસાડવામાં આવ્યા. દસેક મિનિટમાં અમે દરિયાના ત્રિવેણી સંગમ સ્થળે પાણીને પખાળતી બોટમાં બેસી વિવેકાનંદ સ્મારક પહોંચ્યા. જેકેટ કાઢીને અમે ટિકિટ કાઉન્ટર પાસે ગયા. હવે ચંપલ નીચે મૂકીને ઉપર સ્મારક સુધી જવાનું હતું.
અહીંથી ઊભા રહીને જમણી તરફ બંગાળનો ઉપસાગર જમણા કિનારેથી છેક કોલકાતા લઈ જતો હશે. દક્ષિણે આખો ક્ષિતિજ દેખાય ત્યાં સુધી અફાટ હિંદ મહાસાગર સમાધિ મગ્ન હિલોળા લીધા કરે છે.. જમણે જુઓ તો સ્વભાવે જરાક તોફાની અરબી સાગર..્ એવું દ્રશ્ય જ્યાં કલ્પના બુલેટ ગતિએ દોડે અને નજર ઠરી જાય..
1984 માં આવેલી ત્યારે ફક્ત વિવેકાનંદ રોક પર ધ્યાન સમાધિ સ્થળ જ હતું અને પ્રમાણ માં નાની બોટ હતી એટલે મોજા ઉપર થોડો ડર લાગે એમ ઉછળતી હતી. પગથિયાં ચડી અમે સમાધિ જોવા ગયા. એ મંદિર ખૂબ શાંતિથી જોઈને બહાર આવ્યા. અહીં 🕉️ લખેલો ધ્યાનખંડ મંદિરની નીચેના ભાગમાં આવેલો છે. એ ખંડમાં પ્રવેશ કરીને ઘણા લોકો ત્યાં થોડીવાર બેસે છે. હું પણ ત્યાં બેસી ગઈ અને ત્યાં ચિત્તને સ્થિર કરીને શાંતિથી વાતાવરણને શ્વાસમાં લેતી રહી. ત્યાં કોઈ પણ પ્રયત્ન વગર ધ્યાન લાગી જાય છે. આપણે સ્થળ, શરીર બધું ભૂલીને પરમશક્તિ સાથે જોડાણ અનુભવીએ છીએ. હું અમારા ગ્રુપથી જુદી પડી ગયેલી. મને અહીં સમયનો ખ્યાલ ના રહ્યો. મારા પતિદેવે મારા વિશે પૂછપરછ કરી ગ્રુપને. એક બેને કહ્યું કે છેલ્લે મને ધ્યાનખંડમાં જોયેલી મારા પતિદેવ મને બોલાવવા આવ્યા અને હું એમને દ્વાર પર મળી. પછી ત્યારે રેલિંગ પાસે ઊભા રહીને ક્યાંય સુધી અનંત સમુદ્ર સંગમને જોયા કર્યો. થોડીવાર બેઠા. ત્યાંથી અમે સંત તિરુવલ્લુવરજી ની મૂર્તિ જોવા ઊભા થયા. અહીં જે પુલ બનાવ્યો છે તે ગ્લાસ ફાઇબરનો પારદર્શક પુલ છે. આપણે ચાલતા હોઈએ અને પગ નીચે સમુદ્રના તોફાની મોજા ઉછળતા દેખાયા કરે. ત્યાંથી પ્રતિમા પાસે દાદર ચડીને ઉપર ગયા. કેમેરાના લેન્સમાં આખી પ્રતિમા આવે એમ નહોતી. ત્યાંથી પુલને પેલે પાર દેખાતા દ્રશ્યો ને શક્ય એટલા કેમેરાના લેન્સમાં સમાવવાની કોશિશ કરી. બહુ અજબ આધ્યાત્મિક શાંતિ આ જગ્યાએ લાગે છે. અહીં બીજી વાર હોવું એ એ જ સદભાગ્ય.
પાછા બોટમાં બેસીને પરત આવ્યા. બપોરનું જમવાનું પતાવ્યું. પછી મેં આઈસ્ક્રીમ લઈને ખાધો. આ પ્રવાસમાં મારો ખોરાક કંઈક જુદો બની ગયેલો. હું દહીં ખાંડ મંગાવી સાથે રોટલી ખાઈ લેતી. ક્યારેક ઢોસા વડા ઈડલી પણ ખરા. જમીને અમે બજારના તેજાના મસાલા માટે ફર્યા. એલચી અને જાયફળ દીકરીએ મંગાવેલા એ ખરીદ્યા. ખુબ સસ્તા અને સરસ ક્વોલિટી. આપણે જો મસાલા ખરીદવાનું વિચારીએ તો કેરાલામાં ખરીદવા એમ નક્કી કરી કરીએ છીએ. પ્રવાસનું આ પહેલું સ્થળ એટલે પછી લેવાશે એમ વિચારીએ પણ અહીં જ સારા અને સસ્તા મસાલા વ્યાજબી ભાવે મળી જાય છે. પછી કેરાલામાં આવા મસાલાનાં દર જોવા ન મળ્યા.
આ પછી અમે હોટલ પર પરત આવ્યા રાત્રે 10:00 વાગ્યાની ટ્રેનમાં કન્યાકુમારી કેપ સ્ટેશનથી રામેશ્વર માટે નીકળવાનું હતું. સવારે ચાર વાગ્યે મંડપમ સ્ટેશને પહોંચવાનું હતું.
હોટેલ આવ્યા પછી થોડો આરામ કરી પેકિંગ કરી બહાર બેઠા. અહીં લોકલ બે ચાર સ્થળો માટે ટેક્સી કરવાની હતી. ગ્રુપના એક ભાઈ સાથે થોડો વિવાદ થયો. એના લીધે મારો મૂડ સાવ ખરાબ થઈ ગયો. હું રડતી રહી અને ગ્રુપ થી થોડી અલગ ચાલતી રહી. ટેક્સી કરીને અમે ભારતમાતાનું ભવ્ય મંદિર જોયું.થોડા ફોટા લીધા. ત્યાં શિવજીનો ત્યાં કહેવા પ્રમાણે 1000 વર્ષ જૂનું મંદિર હતું. સાવ શાંત સાવ ખાલી. બાલાજીનું એક વિશાળ મંદિર સાગર કિનારે હતું. દર્શન બંધ હતા પણ કુદરત તો અફાટ સૌંદર્ય વેરતી ચારે બાજુ ફેલાયેલી હતી. દરેક કિનારે દરિયાના રૂપ રંગ મોજા ના તરંગો જુદા જુદા તરી આવતા હતા. એક ગોલ્ડન સમય બે દિવસ માટે….
હા સાંજે ચાલતા ચાલતા કન્યાકુમારી માતાના મંદિરની બાજુના રસ્તે થી સહિત સનસેટ પોઇન્ટ તરફ જતા નીકળ્યા. વિવિધ વસ્તુઓનું બજાર હતું જોડે અમારી ખરીદી શરૂ હતી. આજે ત્યાં બજારમાં જમીને ચાલીને હોટલ પર પાછા આવ્યા. ત્યાં પેકિંગ થઈ ગયેલું એટલે ટેક્સીમાં કેપ કન્યાકુમારી ભારત ખંડનું છેલ્લું સ્ટેશન હતું ત્યાં આવી પહોંચ્યા. અહીં ટ્રેન મુકાઈ ગયેલી. ઇલેક્ટ્રીક રિક્ષામાં અમારા ડબ્બા સુધી પહોંચ્યા. સામાન ગોઠવી સુવાની તૈયારી કરી. આ વખતે સ્લીપર ક્લાસ નો કોચ હતો એટલે બારી ખુલ્લી રહેવાની હતી. થોડા સાવચેત રહેવાનું હતું. આસપાસ માત્ર દક્ષિણ ભારતીય ભાષા સંભળાતી હતી. ટ્રેન ઉપડી અને અમે સૌ નિદ્રાધીન થાય.





05/03/2025.
સવારે 05:30 એ ઉઠી હોટલની અગાસીમાં ગયા. સામે લહેરાતો ત્રણ મહાસાગરો નો ત્રિવેણી સંગમ માથે થોડા વાદળોની ઓઢણી ઓઢીને સૂર્ય અજવાળા સાથે સંતાકૂકડી રમે. વિવિધ સ્વરૂપો જોયા. થોડા ફોટા લીધા. ત્યાં સમુદ્રમાં થોડી સુધી જઈ શકાય એ માટે મોટા મોટા પથરા રામસેતુની જેમ રસ્તો બનાવેલો છે. અહીં ચર્ચ પણ બહોળી સંખ્યામાં જોવા મળતા હતા અને એ પણ એક એક થી સુંદર ઇમારતો હતી. સામે વિવેકાનંદ રોક અને મહાત્મા તિરુવલ્લુવરની વિશાળ પ્રતિમા પણ એકબીજા રોક પર શોભતી હતી. અને હવે એના પર બની ગયો હતો ગ્લાસ બ્રિજ જે પારદર્શક છે. નીચે સમુદ્ર જોતા જોતા પ્રતિમા સુધી જઈ શકાય છે. એના પર રાતની રોશની ગજબ નાક સુંદર લાગતી હતી. અદભુત દ્રશ્ય હતું. એનો અનુભવ પણ અદ્વિતીય!! અહીંના વાતાવરણમાં જ એક અનોખો અહેસાસ શાંતિનો અનુભવ હતો. અમે નીચે આવી નહાઈ ધોઈને તૈયાર થયા અને હોટલની બહાર આવેલી એક કિટલી પર ચા કોફી સાથે ગરમ વડા નો નાસ્તો કરવા બેઠા. અહીં ઇડલી નહોતી પણ ગળ્યા અને તીખા જાત જાતના વડા હતા. સુગંધ સરસ આવતી હતી. અમે અહીંથી કન્યાકુમારીની આજુબાજુ ફરવા માટે ભાવતાલ કરી એક ટેક્સી નક્કી કરી.
સૌ પહેલા અમારે કન્યાકુમારી માતાના મંદિરે દર્શન કરવા જવાનું હતું. અહીંના મંદિરોમાં પુરુષોએ કમર ઉપરનું પહેરાત ટીશર્ટ ઝભ્ભો બધું કાઢીને દર્શન કરવા જવાનું હોય છે. મંદિરમાં પાછળ અનંત સુધી સંગમિત દરિયો દેખાઈ રહ્યો હતો. અહીં મંદિરો પ્રમાણમાં ખૂબ જ મોટા હોય છે અને એના ઘણા બધા દેવોની મૂર્તિઓ હોય છે. ત્યાં થોડીવાર મંદિરમાં બેસી અમે ચાલતા ચાલતા જ્યાં કાર ઊભેલી ત્યાં પહોંચ્યા. અહીંથી અમે સચિનમ મંદિરે ગયા. ખૂબ ખૂબ વિશાળ કાળા પથ્થરમાં બનેલું મંદિર હતું. લગભગ 15 થી 20 ફૂટ ઊંચી હનુમાનજીની વિશાળ કાળી મૂર્તિ. અહીં બ્રહ્મા સિવાય બીજા બધા દેવોના દર્શન અચૂક થઈ જાય અને ખૂબ ઝીણી કોતરણી વાળી તો નહીં પણ દક્ષિણી સ્થાપત્યના નમુના જેવી વાસ્તુકલાવાળા મંદિરો. બહાર ચોરસ એક સરોવરની આજુબાજુ સુંદર રંગેલી પાળીઓ. સરસ વાતાવરણ લાગતું હતું .થોડા ફોટા પાડી અમે ટેક્સીમાં બેઠા. એ પહેલા રસ્તામાં આવતા સાંઈબાબા નું સુંદર સ્વચ્છ અને મોટું મંદિર પણ જોયું.
હવે અમારે પુવાર ક્ષેત્રમાં જવાનું હતું. આમાં છે કેરળ રાજ્યની હદમાં આવેલ બેકવોટરમાં બોટિંગ કરવાની હતી. ઝાઝો ખ્યાલ નહોતો એટલે એક જગ્યાએ જઈને સિટીંગ વાળી બોટમાં અમે બે કલાક માટે છ જણ બોટિંગ માટે ગોઠવાઈ ગયા. થોડું અંગ્રેજી જેમ્સ બોન્ડ ફિલ્મ એનાકોન્ડાનું શૂટિંગ અહીં થયેલું. નદી જેવું વહેતું નહીં પણ બેઉ બાજુ નીચા ઝાડો નું જંગલ. અહીં નીત નવા પક્ષીઓ જોવા મળે. ક્યાંક ભૂલથી પણ માનવ વસ્તી નહીં .ક્યાંય નદીનું પાણી!ક્યાં ડાળી છે ને ક્યાં મૂળ છે ખબર જ ના પડે !! ધીરે ધીરે અમે પુવાર નદીમાં આવ્યા. પાણીનો પહોળો પટ. ઉપર હાઇવે .અહીં ઘણી બધી મોટો દેખાઈ રહી હતી. ચારે બાજુ નાળિયેરના વૃક્ષોના જંગલ વચ્ચે અમે ધીરે ધીરે સમુદ્ર કિનારા તરફ જઈ રહ્યા હતા. હવે પાણીમાં કરંટ મહેસુસ થતો હતો. થોડીવારમાં એક રેતાળ બીચ પર પહોંચી ગયા. એક બાજુ નદીને બીજી બાજુ અરબસાગર હતો. એના મોજા અવાજ કરનાર અને તોફાની જ હોય. દોરીથી બાંધીને આગળ ન જવા દેવા ચેતવણી હતી. હવે પાછા વળતા ફોટા પાડ્યા. ચા પીધી. નાવમાં બેસી જે જગ્યાએ સાગર અને નદી નો સંગમ થાય છે ત્યાં ગયા. એક એલિફન્ટ રોક અને મધર મેરી ના પૂતળા પાસે પણ ગયા. જેની ચારે તરફ પાણી જ હતું પેલી બાજુ પર સુંદર કોટેજ બનાવેલા. કોઈને રહેવાની ઈચ્છા હોય તો આ જગ્યા પર કેરળ અને તામિલનાડુ રાજ્યની હદમાં વહેંચાયેલી હતી. ત્યાંથી ફક્ત પાંચ જ મિનિટમાં અમે જ્યાં અમારી કાર પાર્ક હતી ત્યાં પહોંચી ગયા. એક અલગ જ અનુભવ રહ્યો!! કેરળ સાચે જ બહુ સુંદર છે. અહીંથી અમારે સીધા એક ધોધ જોવા જવાનું હતું જે ખાસ્સો દૂર હતો. ડ્રાઇવર એ પૂર ઝડપે ગાડી દોડાવી પણ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ગેટ બંધ કરી દીધો હતો. ત્યાંના સિક્યોરિટી એ જોયું કે અહીં બહુ દૂરથી લોકો આવ્યા છે ત્યારે એણે ફક્ત 10 મિનિટ માટે ગેટ ખોલી નાખ્યો. અમે સૌ બહુ નજીકથી ધોધના દર્શન કર્યા. પછી ચા પીધી.
અમે પદ્મનાભ મહેલ અને સંગ્રહસ્થાન જોવા આ પહેલા ગયા હતા. લાકડા થી બનેલ આ મહેલની શૈલી ખૂબ જ નાવીન્ય પૂર્ણ છે. અંદર ખૂબ ઠંડક. ફર્નિચર નથી પણ લાંબા મોટા ઓરડાઓ અને લાંબી લાંબી ગેલેરીઓ. ફરવામાં પણ ખાસી વાર લાગી. પેલા કિલ્લા અને મહેલોથી તદ્દન જુદુ હોવાથી બહુ ગમ્યું. અહીં ફોટા પણ પાડ્યા પણ અહીં રાજા વાળી ફીલિંગ ના આવે. ધોધ જોયા બાદ અમે કન્યાકુમારી પાછા આવ્યાં . ત્યાં એક વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં જમ્યા. રૂમ પર પરત આવ્યા. કાલે લોકલ સાઈટ સીન કરીને રાત્રે 10:00 વાગ્યાની ટ્રેનમાં કેપ કન્યાકુમારી થી રામેશ્વર જવા માટે નીકળવાનું હતું.



‘દુનિયાના ભલા માટે નહિ, મજા પડે એ માટે લખો. લેખન એ કોઈ સિરિયસ પ્રોસેસ નથી. ઇટ્સ જોય એન્ડ સેલિબ્રેશન’ – રે બ્રેડબરી
जननी, जन्मभूमि ने जन्मभाषा, नमुं तने !!
વાંચન દ્વારા સર્જન -બેઠક
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
gujarati column writer-author and poet
An Inspiration for myself
Gujarati Stories
High quality ads for WordPress