ચાલો દક્ષિણ ભારત

ઉત્તર દક્ષિણ પૂર્વ મહારાષ્ટ્ર કચ્છ બધે ફર્યા પછી રાબેતા મુજબ 22 ફેબ્રુઆરી 2025 મીએ દક્ષિણ ભારત રામેશ્વર યાત્રાનું પ્લાનિંગ થઈ ગયું. 5- 6 ટ્રેનના કન્ફર્મ બુકિંગ હાથમાં આવી ગયા. ધીરે ધીરે તૈયારીઓ શરૂ થવામાં હતી. અમારા પુણે વાળા ભાઈ વડોદરા આવવા તૈયારી કરી ચૂક્યા હતા.

ન જાણ્યું જાનકીનાથ એ સવારે શું થવાનું છે? એ વાતને ચરિતાર્થ કરતી ઘટના બની. પુણે વાળા ભાઈના સૌથી મોટા બહેનનું અઠવાડિયા અગાઉ જ અવસાન થયું. અમે છ જણ નું ગ્રુપ જવાનું હતું. બધા મૂંઝાયા બે જણને મૂકીને તો ન જવાય. મારે દાંત ની ટ્રીટમેન્ટ કરાવી હતી એટલે હું તો પહેલેથી જ ના પાડતી હતી. પતિદેવને કહેતી હતી કે તમે એકલા જઈ આવો.

1984 માં મમ્મી પપ્પા સાથે આખા દક્ષિણ ભારતનો પેકેજ ટૂરમાં બસમાં પ્રવાસ કરેલો જ હતો એટલે અફસોસ ન હતો. ટિકિટની તારીખ ચેન્જ કરાવવા ગયા. તો થાય એમ હતી પણ મેં ના પાડી દીધી. છેવટે બધી ટિકિટ કેન્સલ કરાવી. સેકન્ડ એસી થર્ડ એસી વાળી ટિકિટનું કેન્સલેશન પણ ખાસ્સું મોંઘું પડી રહ્યું હતું.

પુણેવાળા મુકેશભાઈ ગમે તે ભોગે જવા માંગતા જ હતા. એમને ત્રણ માર્ચે સીધું નાગરકોઈલ કન્યાકુમારી જવાનું અને 16મી માર્ચે એર્નાકુલમ થી વડોદરા નું કન્ફર્મ રિઝર્વેશન શોધી નાખ્યું એમના દીકરા દ્વારા. પહેલા કરતા રિવર્સ પ્રોગ્રામ નક્કી થવાનો હતો. પહેલીવાર અમે પહેલા એર્નાકુલમ જઈને રામેશ્વર થી રિટર્ન થવાના હતા તે હવે કન્યાકુમારી જઈ એર્નાકુલમથી રિટર્ન થવાના હતા. જ્યારે પ્રવાસ કેન્સલ થયો ત્યારે એક સ્વજને સહજભાવે કહ્યું એ તો ભગવાનની ઈચ્છા હોય ને તો જવાય. મને થોડું લાગી આવ્યું. છેવટે મેં જો હોગા દેખા જાયેગા ના ન્યાયે પ્રવાસમાં જોડાવા હા કહી.દસ દિવસમાં જ કન્ફર્મ ટિકિટ કદાચ ભગવાનની આ જ ઈચ્છા હશે એમ સમજી લીધું.

બરાબર એક અઠવાડિયા પહેલાં હું ઘરમાં જ જોશભેર લપસી પડી અને કમરમાં સખત માર વાગ્યો. એક વાર તો ઉભા જ ન થવાયું. મને થયું આ શું થયું? પરિણામો હું સમજી શકતી હતી. પતિદેવની મદદથી ઊભી થઈને ધીરે ધીરે ડ્રોઈંગ રૂમ સુધી આવી તાત્કાલિક ડોક્ટરને મળવા લઈ જવા કહ્યું કારણ કે કોઈ જોખમ લેવા નહોતી માંગતી. માંડ માંડ ચાલીને રિક્ષામાં ડોક્ટર પાસે ગયા. વર્ષો જૂના ફેમિલી ડોક્ટરે તપાસીને કહ્યું કે તમે ચાલતા આવ્યા એનો અર્થ એ છે કે કોઈ સિરિયસ ઇન્જરી નથી. બસ પેનકિલર લો. બે ત્રણ દિવસ આરામ કરો ઠીક થઈ જશે. એક દિવસના આરામ પછી મેં સોલર કુકરમાં પહોંચવા મમરા શેકી થોડો નાસ્તો તૈયાર કર્યો. ખૂબ પીડા થતી તો થોડીવાર સૂઈ જતી, ફરી ઉઠીને કામ કરતી. એમ કરતાં એકાદ બે નાસ્તા બનાવ્યા. થોડું તૈયાર મંગાવી લીધું. ટ્રેનમાં ખાવા માટે થેપલા પુરી બનાવી જોડે સોસ લઈ લીધો.

ત્રણ તારીખની સવારે છેવટે ટ્રેનમાં બેસી ગયા 36 કલાક પછી ચોથી માર્ચની રાત્રે અમે તામિલનાડુ રાજ્યના નાગરકોઈલ જંકશન પર ઉતર્યા. એક ત્યાંના લોકલ વ્યક્તિએ કહેલું કે અહીં ભાવતાલ કરીને વાહન કરજો. ત્યાંથી કન્યાકુમારી 21 કિલોમીટર દૂર. ઘડિયાળ રાતના 9:30 નો ટાઈમ બતાવતી હતી. રૂપિયા 1100 માં ટેક્સી કરી સામાન સાથે મિશન બે.. હોટલ શોધો ચાલુ કર્યું. ચાર પાંચ હોટલ ફર્યા પછી રાત્રે પોણા અગિયારે રૂમ બુક કરાવ્યા. આ વખતે અમે ત્રણેય ફેમિલી એ સ્વતંત્ર રૂમ લીધેલા એટલે બધી વાતે થોડું કમ્ફર્ટેબલ લાગતું હતું. ટેક્સી વાળા પ્રમાણે આ રૂમ બીચની બહુ પાસે હતો અને હોટલની અગાસી પરથી સૂર્યોદય જોઈ શકાય એમ હતું. રાત્રિમાં ગોવા સાઈડની કોકણપટ્ટી ઊંઘમાં પસાર થઈ ગયેલી પણ સવારે કેરળ રાજ્ય ચાલુ થઈ ગયેલું. નાળિયેરીના વન અને કેળના ઝાડ વચ્ચે ખૂબ જ ભવ્ય ઘરોની હરમાળા જોતા અમે અભિભૂત થઈ ગયા હતા.

આગાઝ કહેતા હૈ કી ખુબસુરતી કી ઇબ્તદા હૈ ,

તો ઇંતેહા કા આલમ ક્યાં હોગા?

સૂર્યોદય 6:00 વાગે થતો હતો એટલે અમે ફ્રેશ થઈને પથારીમાં ઝંપલાવ્યું.

ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા 2025

પહેલી પરિક્રમા રામપુરા થી..

ઉત્તર વાહિની પંચકોષી પરિક્રમા…
દર વર્ષે ઉત્તરોત્તર લોકો  હજારોની સંખ્યામાં જોડાતા જાય છે અને પરિક્રમા નો ક્રેઝ વધતો જાય છે. શનિ રવિ તો ત્યાં જગ્યા જ નથી હોતી. આખો પરિક્રમાનો રસ્તો પરિક્રમા કરતા લોકોથી ભરેલો હોય છે. પણ કેટલાક સવાલ એ પણ આપણી જાતને પૂછીને પરિક્રમા કરવા જવું જોઈએ.

*શું આ પરિક્રમાનું માહાત્મ્ય તમે જાણો છો?
*આ પરિક્રમા તમે કેમ કરી રહ્યા છો એનો ઉદ્દેશ્ય શું છે?
*શું એમાં માતા નર્મદા અને સનાતન ધર્મ માટે આસ્થા સમાયેલી છે કે ખાલી બધા જાય છે એટલે બતાવવા માટે જ તમે જાવ છો અથવા બસ ખાલી મોજ મજા માટે જાવ છો?
* શું તમે પરિક્રમામાં શું શું કરવું જોઈએ એનાથી જ્ઞાત છો?
આવા ઘણા સવાલ પોતાની જાતને પૂછીને પછી નીકળવું જોઈએ.
મને આટલા બધા ટોળા જોઈને એવું લાગ્યું કે સાચી રીતે સમજીને પરિક્રમા કરનારા કદાચ પચાસ ટકા લોકો જ હશે.
મેં 9 તારીખે રાત્રે પરિક્રમામાં જવાનું નક્કી કરેલું.ટ્રાવેલ બસમાં  એક બહેનપણી સાથે ગયેલી. રાત્રે 11:30 ઉતર્યા. 12:00 વાગે પરિક્રમા ચાલુ થઈ અને ચાર વાગ્યે પૂરી થઈ. માર્ગમાં વચ્ચે આવતા છ કે સાત મંદિરોમાં દર્શન કરવા જોઈએ પણ શું આ સમયે મને કોઈ મંદિર ખુલ્લું મળે ખરું?? મંદિરોમાં દર્શન કર્યા વગર બહારથી નમન કરીને ચાલ્યા કરવાનું. રસ્તામાં ખાવા પીવા પાણીની બધી જ સગવડો હોય. લોકો ચાલ્યા કરે પણ જ્યારે આપણે કોઈ આધ્યાત્મિક યાત્રા માટે નીકળ્યા હોઈએ ત્યારે ભગવાનના દર્શન પણ વચ્ચે આવતા હોય તો એવા સમયે ના નીકળવું જોઈએ? એ સવાલ મને વારંવાર થતો હતો. શું અડધી રાત્રે આપણે એટલે જઈએ છે કે ચૈત્ર મહિનાના દિવસના તાપથી બચી શકાય અને રાતની ઠંડકમાં પરિક્રમા કરી નાખવાની. પરિક્રમા એ તો પરિક્રમા જ હોય છે અને એનું પુણ્ય ફળ પણ મળે છે પણ એમાં આપણે આપણી જાતને જરા પણ કષ્ટ આપવાની તૈયારી રાખતા નથી. શું આવી રીતે આખી રાત ચાલવાથી ભગવાન તો આપણને પાપ કરીએ કે  પુણ્ય આપણને સાચવતા હોય છે. પણ આપણું કર્તવ્ય અધૂરું રહી જાય ને એ ભાવના મને સતત પીડ્યા કરે છે. મહારાષ્ટ્ર રાજ્ય. ત્યાંથી આવનારા લોકો ભર તડકામાં પરિક્રમા કરતા હોય છે. હાથમાં લાકડીને માટે માથે ટોપી. કદાચ આ પરિક્રમની સાચી રીત પણ હશે. તો હવે શરીરને ચૈત્ર ના તાપ નું થોડું કષ્ટ પણ આપીને પરિક્રમા કરવી છે. લોકો પોતાના અનુકૂળ સમયે પરિક્રમા પૂરી કરી લે છે. અમુક મંદિરો અમુક સમયે ખુલ્લા પણ મળે છે અને અમુક બંધ પણ મળે છે. પણ આવી બારથી ચાર ની પરિક્રમા મને હજુ અધુરી લાગે છે.
તમારું શું કહેવું છે???

બીજી પરિક્રમા  તિલકવાડા થી થોડા દિવસ પછી ..

મારી 11 એપ્રિલની પોસ્ટમાં સવાલો હતા મારી 9 એપ્રિલ ની પરિક્રમા વિશે . એ અવઢવ કે શંકા બીજાઓ માટે કરતાં સ્વયં તરફ વધારે હતી . જવાબ શોધવો હતો .
23 એપ્રિલે અચાનક બપોરે 3 વાગ્યે અમે પતિ પત્નીએ પરિક્રમા પર જવાનું નક્કી કર્યું. 42° તાપમાન હતું પણ નિર્ણય ઓગળ્યો નહીં . સોમા તળાવ વિસ્તારમાંથી અર્ધા કલાકે એસ.ટી. બસમાં બેસી તિલકવાડા પહોંચી ગયા . વાસુદેવ કુટીર માં મહાદેવજી અને હનુમાનજી ના આશીર્વાદ લઈ પરિક્રમા ચાલુ કરી . ગૌતમેશ્વર અને તિલકેશ્વર મહાદેવ સાથે નર્મદા માતાના દર્શન કરી શક્તિ બની સાથે રહેવા પ્રાર્થના કરી અને દરેક મંદિરમાં દર્શન કરતાં આરામથી વાતાવરણને માણતાં આગળ વધતા રહ્યા. કપિલેશ્વર મહાદેવ પર સંધ્યા થઈ ચૂકી હતી . સંતોષ હતો ભગવાનના દર્શન થવાનો . ફરી રાત્રિ ના અંધકારમાં અને લાઇટોના અજવાળે ચાલતી રહી .  પતિદેવ ની સ્પીડ વધારે હોય છે તેથી એમને આગળના મુકામે રાહ જોવાનું કહી હું શાંતિથી ચાલતી રહી .બસ ૫ ફૂટને અંતરે માં નર્મદા. રસ્તામાં બે બહેનો વાત કરે : એકલા ચાલીએ તો સમય ન જાય ને થાક લાગે . વાત સાચી હતી . હું પણ એકલી જ ચાલતી હતી . મેં કહ્યું: એકલા ક્યાં છીએ?? જુઓ સાથે નર્મદા માં છે ને ?  હસીને એમણે હા કહી . હું આગળ ગઈ. મારા પતિદેવ નાવમાં બેસવા મારી રાહ જોતા હતા. થોડા શિવલિંગ સાથે ફોટા પડાવ્યા . આ સમયે નાવમાં બેસવા જરાય ભીડ નહોતી . સામે પાર જઈ .દરેક સ્થાને અર્ધો એક કલાક રોકાયા બાદ રાત્રે ૨ વાગ્યે તિલકવાડા પહોંચી ગયા . ત્યાં રણછોડજી મંદિરમાં સુંદર દર્શન કર્યા. ત્યાં જમવાનું ચાલતું હતું. અમે પણ થાળી લઈને ભોજન કર્યું. પછી આરામથી ત્યાં એક ઝાડ નીચે બાંધેલા ઓટલા પર થોડીવાર આડે પડખે થયા.

ત્યાંના ભીડ અને માહોલને માણ્યો. કલાકેક પછી પાછા આગળ વધ્યા . ત્યાં સીતારામ આશ્રમમાં ફરી થોડી વાર બેઠા . સેવમમરા ખાધા . પછીનો રસ્તો ફરી નર્મદા કિનારે હતો . પહોળા કરેલા રસ્તા અને લાઇટોના ઝગમગાટ વચ્ચે અમે તિલકવાડા વાળો પુલ પાર કર્યો .

ત્યાં તિલકવાડા તરફ ફંટાતા રસ્તે આગળ વધ્યા . હવે ઊંચે જવાના પગથિયાં કસોટી જેવા લાગે જ્યારે તમે ૨૨ કિ.મી. જેવું ચાલીને આવો . પણ યુવાનો હાથ પકડીને મદદ કરવા પરિક્રમા ના દરેક રસ્તા પર તત્પર જોવા મળે . લાવો હાથ પકડી લો માસી કે બા કહીને કહે ત્યારે એક આશિષ મનોમન આવી જાય. આશ્રમના આંગણા ના મંડપમાં અજાણ્યા લોકો વચ્ચે બે ખાલી ગાદલાં મળી ગયા .
અહીં મહારાષ્ટ્ર રાજ્યમાંથી દસેક
વ્યક્તિઓનું ગૃપ હતું . બ્રહ્મ મૂહુર્ત પહેલાં ઉઠી નિત્યક્રમ સ્નાનાદિથી પરવારીને અર્ધો કલાક શંખનાદ સાથે નર્મદા જળ સહિત પાંચેક ભગવાની સ્તુતિ આરતી કરી પછી પરિક્રમા માટે નીકળ્યા . તમે રામપુરા થી પરિક્રમા ચાલુ કરો ત્યારે તિલકવાડા પર મણિનાગેશ જવા એક રસ્તો ફંટાય છે અને બીજો તિલકવાડા ગામ બાજુ જાય છે . આ યાત્રાનું મહારાષ્ટ્રના લોકોમાં બહુ મહત્વ છે . જાણકારો ના કહેવા પ્રમાણે તિલકવાડા ગામમાં આવેલ મહાદેવ મંદિર અને નર્મદા માતાના મંદિર માં પણ દર્શન કરવા જ જોઈએ.
આ પૂજન અર્ચનની અનાયાસે સાક્ષી બનવાનું સદભાગ્ય મળ્યું . પછી અમે ત્યાં શાંતિ થી બે  કલાકની ઊંઘ લઈ સવારે પાંચ વાગ્યે વડોદરાની વાટ પકડી .

કચ્છ ભુજ : દિવસ 4

01/12/2024.

વર્ષનો છેલ્લો મહિનો શરૂ થયો. એ છેલ્લા મહિનાનો પહેલો દિવસ. આંખ ખુલી ટેન્ટ સિટીમાં .આરામથી સૌ પરવાર્યા. ચા નાસ્તો તૈયાર થતો હતો. પહેલા બાળકોના હીચકામાં જઈને બધા વારા ફરતી ઝૂલ્યા. બધા ફ્રી હતા તો હવે નવા બનેલા ગ્રુપ સાથે ફોટા પડાવતા હતા. નવી પેઢી બહુ સ્માર્ટ છે .

જોઈને દિલ ખુશ થાય છે. ચા નાસ્તો કરીને સામાન બસમાં મુક્યો. હવે કચ્છ જિલ્લાની રાજધાની ભુજ તરફ પ્રયાણ કર્યું. નજીક જ હતું. 11:00 વાગ્યાના સોમવારે ભુજ પહોંચી ગયા. ત્યાં સ્વામિનારાયણ મંદિર બાર વાગ્યે બંધ થઈ ગયેલ. અહીં બસના બધા પેસેન્જરને જુદા જુદા છકડામાં બેસાડી સીટી દર્શન માટે રવાના કરેલા અને બસ થોડી બહારની જગ્યાએ પાર્ક કરીને ત્યાં રસોઈ બનાવવાનું શરૂ કરેલું.

ત્યાં માતાજીના મંદિર પછી ભુજ નો પ્રખ્યાત આઈના મહેલ અને પ્રાગ મહેલ જોવા ગયા. બેઉ જગ્યાએ પ્રવેશ ટીકીટ હતી. પહેલા આઈના મહેલ જોયો નામ પ્રમાણે દરેક જગ્યાએ વિવિધ જાતના દર્પણ લગાવેલા. પણ 2001ના ભૂકંપે આ સુંદર ધરોહરને લગભગ ખંડેર જેવી હાલતમાં ફેરવી દીધેલી. એની હાલત દયનીય હતી પણ કુદરતની તાકાત કાળચક્ર ની નિશાનીઓ બતાવી રહી. આવી કોઈ જગ્યા આપણને યાદ દેવડાવે છે કે માનવીની પ્રગતિ કુદરત સામે વામણી છે. એ મહેલ જોવાનો સમય હવે પૂરો થઈ ગયો હતો અને અમે બાજુમાં આવેલ પ્રાગ મહેલમાં ગયા. એન્ટ્રી ફી ભરી. આ મહેલ ખરેખર  સુંદર જાજરમાન મહેલ હતો. અહીંના ટાવરની ઘડિયાળ ભૂકંપ વખત તૂટી ગયેલી. એ જ હાલતમાં એને રાખી છે.

ખૂબ ફોટા પાડ્યા. આવી જગ્યાએ જ્યારે હું ફરું છું ત્યારે હું બધા સાથે હોવા છતાંય સાવ એકલી હોઉં છું. મારું મનોજગત આનંદમાં વિહરતું હોય છે અને હું બસ ખોવાઈ જાઉં છું એ વર્તમાનમાં.. મારા માટે આ જ છે પ્રવાસનું હાર્દ .. રીક્ષા વાળા ચાચા અમને સેલ્ફી પોઇન્ટ પાસે લઈ ગયા. અમે થોડુંક અલગ સમજ્યા. પણ એ ભુજની એ જગ્યા હતી જેને છત્તરડી તરીકે ઓળખાય છે એ હતી અને “હમ દિલ દે ચૂકે સનમ”માં સલમાન ઐશ્વર્યાના ફેરાના અર્થ સમજાવતી ઘટનાનું શૂટિંગ અહીંયા થયેલું હતું. અમે ત્યાંથી વિશાળ પહોળી વૃક્ષોથી ઘેરાયેલી ફૂટપાથ પાસે આવ્યા જ્યાં જમવાનું બની રહ્યું હતું. પછી બીજી રીક્ષામાં યુવાનો આવ્યા. એમણે છત્તરડી ના ફોટા દેખાડ્યા. મિસ કર્યું. બહુ મોટો પોઈન્ટ મિસ કર્યો. પણ ઓકે. એ પહેલા અમને બજારમાં જવા ઊતરેલા. રવિવારને લીધે અડધી દુકાનો બંધ હતી. અમે ભુજના અડદિયાની દુકાનમાં ગયા. ગુલાબ પાક ચાખ્યો પણ ટેસ્ટ થોડો બરફી જેવો લાગ્યો. ત્યાંનું વસાણાથી ભરપૂર અડદિયું મને બહુ ભાવ્યું. ટેસ્ટ માટે 90 રૂપિયામાં  માત્ર બે ટુકડા લીધેલા. પણ લિજ્જત પડી ગઈ. બધા આવ્યા એટલે જમીને અમે અંજાર તરફ રવાના થયા. 2001  ભૂકંપ પિડીતો ની યાદ માં બનાવેલું સ્મારક અને બીજી એક બે જગ્યા ન જોઈ શક્યા. કાળા ડુંગરની મેગ્નેટિક હીલ અને રોડ ટુ હેવન  એ અમારા કાર્યક્રમમાં ન હતા. 

થોડીવારમાં અમે અંજાર આવી પહોંચ્યા. ત્યાંની મોજડીયો અને કચ્છી બાંધણીઓ ખૂબ વખણાય. પણ સૌથી વધુ જાણીતું છે જેસલ તોરલની સમાધિ માટેનું મંદિર. ડાકુ જેસલ જાડેજા અને સતી તોરલની વાર્તા જાણીતી છે. એ ડાકુને સન્માર્ગે વાળતી સતી તોરલ જેસલ જાડેજા સાથે જ સમાધિ લે છે. કહે છે કે બેઉ સમાધિ દર વર્ષે એકબીજાની નજીક ખસી રહી છે. જે દિવસે મળી જશે એ દિવસે પ્રલય આવશે. આ તો લોકોક્તિ છે બસ. ત્યાંથી અમે ત્યાંની લોકલ બજારમાં ખરીદી માટે ગયા. ભાણેજ માટે મોજડી અને દીકરી માટે ડ્રેસનું કાપડ લીધું. ખરીદી ક્યારેય મારા રસનો વિષય નથી રહ્યો એટલે બસ આટલું જ લીધું. થોડા આગળ જતા હાઇવે પર હોટલ નજીક બસ રોકીને જમવાનું બનાવવાનું શરૂ કર્યું. અમે બધા આમતેમ આંટા મારતા હતા. જમ્યા બાદ રસોડાનો સામાન ભરતા હતા ત્યારે બસના બધા સભ્યો જ્યાં જ્યાં ગ્રુપમાં બેઠેલા ત્યાં જઈને બધાનો વિડીયો ઉતાર્યો એક મજાની ટૂરના સંભારણા તરીકે. આખી રાત બસ ચાલતી રહી અને સવારે પોણા છ વાગે અમે અમારા શહેર- વિસ્તારમાં ઘરની નજીક પહોંચી ગયેલા.

હજી ફોટા અને વિડિયો મને એ સમયમાં પાછા લઈ જાય છે અને પ્રફુલિત કરી દે છે. આ ચાર દિવસનો પ્રવાસ અવિસ્મરણીય બની ગયો…

કચ્છ ભુજ : દિવસ 3

30/11/2024.

આજનું પ્રભાત ખરેખર સુપ્રભાત બની જવાનું હતું. સાચું કહું આપણે દિવસ પાસેથી, વર્ષ પાસેથી કે જિંદગી પાસેથી કોઈ ઝાઝી અપેક્ષા ન રાખી હોય અને ત્યારે જ મળે એ બધું ખૂબ અદભુત હોય છે. સવારે ચા સાથે ભરપેટ નાસ્તો કરીને આજે જવાનું હતું સફેદ રણમાં….યુહુ …

ચેક આઉટ કરીને સામાન બસમાં મૂકી દીધો. સહપ્રવાસીઓ બહુ વ્યવસ્થિત હતા. અત્યાર સુધી કોઈને લીધે ક્યાંય વધારે પડતું રોકાવું પડ્યું કે રાહ જોવી પડી એવું બન્યું નહોતું. આજનું મુકામ હતો એક રાત્રી ટેન્ટ સિટીમાં અને સફેદ રણમાં. “ખુશ્બુ ગુજરાત કી” માં જે વર્ષોથી સાંભળ્યું છે “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” નો હાર્દ સમું સ્થળ એટલે સફેદ રણ. દરિયો ભરતીમાં ટન બંધ ખારું પાણી ઠાલવી જાય અને અને પછી એ પાણી સુકાતાં બની જાય આ સફેદ મીઠાનું રણ.

હવે બસમાંથી બહાર જોતા રેતી આવતી ભુંગાઓ આવતા, રિસોર્ટ આવતા હતા. હવે પહેલી તારીખે બે મહિના માટે રણોત્સવનો પ્રારંભ થવાનો હતો એટલે ત્યાં વિશાળ ટેન્ટ સીટીમાં તડામાર તૈયારીઓ થતી જોઈ. અમારી બસ  દસેક વાગ્યા પછી ‘કચ્છ યાત્રા ટેન્ટ રિસોર્ટ’ માં પહોંચી. અહીં 40 થી 50 ટેન્ટ ગોળાકારમાં હાર બંધ બનાવ્યા હતાં .ચાર વ્યક્તિ વચ્ચે એ.સી. ટેન્ટ !!વેસ્ટર્ન સ્ટાઇલ ટોયલેટની સુવિધા. સુંદર એટાયર. ચારે તરફ પગ થોડા રેતીમાં ખૂંપે એટલી રેતી અને રણનો અનુભવ. ટેન્ટ અંદરથી કાર્પેટેડ હતા. હજી ટેન્ટ બનતા હતા. આ જગ્યા ધોરડો તરીકે ઓળખાય છે. વિશાળ ટેન્ટમાં સફેદ બાસ્તા જેવી ચાદર, ડબલ બેડ રજાઈ અને ઓશીકા.. નેટની જાળીઓ બહાર.. ખુરશીઓ.. ‘ઓ માય ગોડ’ મારો પહેલો ડાયલોગ હતો: “ફીલિંગ લાઈક નીતા અંબાણી”. અહીં આધારકાર્ડને આધારે રૂમ એલોટ થયેલા. એકદમ નવી નવાઈ નો અનુભવ લાગે!! બાપુ મજા પડી ગ્યો ..વચ્ચે હીંચકા, લસર પટ્ટી, એક સ્ટેજ પણ હતું. રોજ રાત્રે ત્યાં શાળાની છોકરીઓનું વૃંદ લોક નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવવા આવે. મેં તો જઈને હીંચકા ખાવા માંડ્યા.એ તો સારું છે કે રેતીનું ઘર બનાવવાનું યાદ ના આવ્યું !! પણ અહીં ન બને… બધા પોતપોતાના ટેન્ટમાં અને હું આઝાદ મુક્ત વિશાળ ગગન નીચે. મને કશું યાદ નથી રહેતું જ્યારે અંદરથી બાળક બહાર આવી જાય છે ત્યારે. પછી બધા થોડી વારે ધીરે ધીરે બહાર નીકળવા માંડ્યા. તડકો ગરમ નહોતો લાગતો એટલે મજા આવતી હતી. નવેમ્બર ડિસેમ્બર હતો પણ ઠંડીનો પ્રકોપ શરૂ નહોતો થયો.

બપોરે જમ્યા પછી અમારે સફેદ રણ જવાનો હતું. હું શું શું જમતી હતી એ તો યાદ નહોતું રહેતું પણ ગરમ ગુજરાતી ભોજનથી પેટ ભરી લઉં એટલે ઉર્જા આવી જાય. બપોરે બસમાં બેસીને સફેદ રણના પ્રવેશ દ્વારા પહોંચ્યા. ત્યાંથી ટિકિટ લઈને ગુજરાતની એસટીમાં અંદર જવાનું રણની પ્રવેશી ₹100 વ્યક્તિદીઠ જમા કરાવી દીધેલી. ત્યાં પાછું એક જગ્યાએ ઉતરી પાછી બસ બદલી સફેદ રણની વચમાં જવાનું. આ આખો રસ્તો શણગારેલી ઊંટગાડીયો થી ભરેલો હતો. અહીં ઊંટ ગાડીમાં જવું હોય તો લોકો એમાં બેસી જતા હતા. હવે રસ્તાની બેઉ બાજુ સફેદ સફેદ સફેદ રંગનું સામ્રાજ્ય હતું. મીઠું…જ… મીઠું…. ખરેખર તો દિવાળી પછી તરત જ અમે આવેલા એટલે મીઠું તો સફેદ મળ્યું પણ રિસોર્ટના ટેન્ટ પણ એકદમ સ્વચ્છ મળ્યા. હજી બહુ ભીડ નહોતી. અમે બસમાંથી ઉતર્યા અને ત્યાં પગથિયા ઉતરીને મીઠાના રણમાં પગ મૂક્યો. હેલારો ફિલ્મનો ગરબો પગમાં અને મનમાં જાગૃત થયો. ત્યાં કચ્છી ભરતના ચણિયાચોળી અને દુપટ્ટા ની પાઘડી 50 અને 20 રૂપિયામાં ભાડે મળે. પેલી સર્કલમાં સેલ્ફી લેવાના સ્ટેન્ડ પર ત્યાં ઉભા રહી ત્યાં વાગતા સંગીત પર ગરબા નૃત્ય કરી શકો. જુઓ હસતા નહીં મારા સંગીતના તાલે થીરકતા પગ જોઈ મારા પતિદેવે મને ભાડે ચણિયાચોળી લેવાનું કહ્યું. માથે સાફો બાંધ્યો. ગીતાબેને પણ ચણિયાચોળી પહેર્યા. અમે આજુબાજુ મ્યુઝિક સિસ્ટમ પણ વાગતાં “વાગ્યો રે ઢોલ” ગરબા પર મન મૂકીને ગરબા કર્યા. થોડું હેલ્લારો સ્ટાઇલમાં કરવાની કોશિશ કરી. ખરેખર જે ખુશી અને આનંદ શું હોય છે એનો અદભુત અહેસાસ હતો. ગોળ ફરતા સ્ટેન્ડ પર પાસે પાસે ઊભા રહીને ગીત પર ડાન્સ પણ કર્યો. આ બધી નૌટંકી પૂરી કરીને અસ્તાચળે  ઉભા રહેલા ધીરે ધીરે નીચે તરફ સરકતા સૂરજ પર મારું ધ્યાન ક્યારેય નહોતું હટ્યુ .અહીં કલાક બે કલાક મીઠા પર ચાલવાનું હતું તેથી ટ્રાવેલ વાળા ભાઈએ બુકિંગ વખતે કહેલું કે આખો પગ ઢંકાઈ જાય તેવા કેનવાસના શુઝ પહેરજો. ચંપલ બગડી જશે અને ચામડી પર પણ અસર થશે. નીચે તરફ મોબાઈલ રાખીને એક એક કદમ મુકતા સફેદ રણમાં કેટવોક કરતા વિડીયો ઉતાર્યો. માત્ર પગ નો જ. બસ વાળા ગ્રુપના ભાઈઓના સમૂહ ફોટા લીધા. સૂર્યાસ્ત થવાના પુષ્કળ ફોટા પાડ્યા. કુછ હટકે દિવસનો આનંદ દરેકના ચહેરા પર છલકાતો રહ્યો. રણમાં દૂર સુધી ગયા પછી સૂર્યાસ્ત વખતે સૂરજને ઘડાની જેમ માથે મૂકીને પોઝ આપીને ફોટા પાડ્યા. પછી કિનારે પાછા આવ્યા એક એવી જગ્યાએ બેઠા જ્યાં દૂર સુધી કોઈ વ્યક્તિ નહીં પણ માત્ર મીઠાનું રણ દરિયા જેવું ભાસે. ધીરે ધીરે ત્યાં આવતી બસોમાં બેસી બહાર આવ્યા. રાત્રિનો પાલવ લહેરાવવા માંડ્યો હતો અને લાઈટોના તોરણ જગમગવા માંડ્યા હતા. ઊંટ ગાડીઓ પણ લાઇટોથી સુશોભિત કરેલી હતી. રાતના અંધારામાં સફેદ રણને જોતા લાગતું હતું જાણે ચાંદ જમીન પર આવી ગયો હોય. પણ વેરાઈ ગયો હોય!!! પહેલા ગેટ પર પાછા આવ્યા. પ્રવાસીઓની ભીડ અત્યારે પાછા વળવા માટે વધારે હતી. ત્રીજી ચોથી બસમાં નંબર લાગ્યો. મુખ્ય દરવાજે પહોંચી ત્યાંથી અમારી બસમાં રિસોર્ટ પર પરત આવી ગયા. ગરમા ગરમ રસોઈ અમારી રાહ જોઈને બેઠી હતી. ખાવાનું તો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ મળ્યું હતું. આ પ્રવાસમાં અમને કહેવામાં આવ્યું કે રાત્રે સંસ્કૃતિ પ્રોગ્રામ માટે સ્ટેજ પાસે ભેગા થવાનું છે. અમે ટેન્ટમાં જઈ ને હાથ પગ ધોઈ ફ્રેશ થયા અને પછી શીતળ શીતળ વાયરામાં આકાશની નીચે જમવા માટે બેસી ગયા. જમીને સૌ સ્ટેજ પાસે ગોઠવાયેલી ખુરશીઓ પર બેસવા માંડ્યા .હવે થોડા પરિચિત પણ થયેલા એકબીજાથી. શાળાની સંચાલિકા દીકરીઓને લઈને કચ્છની પારંપારિક વેશભૂષામાં ત્યાંના લોક નૃત્યનો કાર્યક્રમ આપવા આવ્યા. તેમણે કચ્છી ભાષા ના લોકગીતો પર નૃત્ય કર્યું .પછી અમે સૌને એમને રોકડ રકમની ભેટ આપીને એમની સાથે ફોટા પણ પડાવ્યા.

ત્યાંની રેસ્ટોરન્ટમાં કામ કરતા યુવાને બે ત્રણ ફિલ્મી ગીતો અમને સંભળાવ્યા. પછી વારો કાઢ્યો અંતાક્ષરી વાળા ગ્રુપે. એના ભાઈઓએ બે ચાર સરસ ગીતો કરાઓકે પર સંભળાવ્યા .પછી એક ભાઈએ સંગીતના શોખીન હતા એ અમારામાં શોધવા લાગ્યા. પેલા આંટી ક્યાં છે? નામ તો ખબર નહોતું. આખરે એક સાઈડ પર ખૂણામાં બેઠેલી મને તેમણે શોધી કાઢી અને ગીત ગાવા રિક્વેસ્ટ કરી. મેં ના પાડી. એમણે પૂછ્યું: કરાઓકે કે ડાયરેક્ટ? મેં કહ્યું:ડાયરેક્ટ. મારા પ્રિય ચાર ગીતોના મુખડા અને એક એક અંતરા ગાયા. એમાં મારા પતિદેવ માટે હું એકલી એકલી ગણગણું છું એ ગીત “રજનીગંધા ફુલ તુમ્હારે” પણ સામેલ હતું. કદાચ પહેલીવાર આજના જમાનામાં પ્રપોઝ કર્યું એમ કહેવાય. એ રીતે ગીત ગાતા  પહેલા મેં સૌ સામે અને મારા પતિદેવને ડેડીકેટ કર્યું .બધાએ ચીયર્સ કરી અને વધાવી લીધું. મારા ગીત પહેલા એ ભાઈએ કહ્યું કે આ આન્ટી આ ઉંમરે જિંદગી જીવવાનો ઉત્સાહ રાખે છે  એ  બધા માટે પ્રેરણા રૂપ છે. જરાય થાક્યા વગર મન ભરીને હું પ્રવાસ માણી રહી છું. મને શાળાના દિવસો પછી પહેલીવાર આ રીતે જાહેરમાં ગાવાનું બહુ ગમ્યું. ઠંડી વધવા લાગી હતી એટલે અમે બધા ધીરે ધીરે તંબુમાં જઈને છફેદ છફેદ રજાઈમાં ઢબુરાઈને પોચા પોચા ગાદલા વાળા પલંગ પર હાલી હાલી કરી ગયા. એ રજાઈ ખૂબ ગરમ હતી. અડધી રાતે ઊંઘ ઉડી તો દૂર દૂર શિયાળવાની લાળીઓ સંભળાતી હતી. કૂતરાઓના ભસવાના આવા જ આવતા હતા. થોડી થોડી જીરીક જીરીક બીક બી લાગી જાય પણ પાછી ઊંઘ આવી જાય. ચાલો તો ગુડ નાઈટ…

કચ્છ ભુજ  :દિવસ 2

તા.29/11/2024.

પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલું કોટેશ્વર ધામ. હિંગળાજ માતાનું મંદિર છે. ત્રણે તરફ લહેરાતો અરબી સમુદ્ર. એ અહીં તોફાની નથી.

મહાદેવના દર્શન પછી વિન્ધ્યવાસિનીમાતા અને હિંગલાજ માતાના દર્શન કર્યા. અહીં દરેક સ્થળ ત્રણ થી ચાર કલાક ની મુસાફરી પછી આવતા હતા. હવે મારામા નો એક નિરીક્ષક બરાબર ચેતન થયેલો હતો. અહીંના ઘર ચોરસ ચોરસ ચોસલા જેવા બાંધેલા હતા. જેના પર અગાસી નહીં. છુટા છવાયા પણ અને ભેગા પણ. અહીંની પ્રજાનો પહેરવેશ અને મુખાકૃતિ જોઈએ તો મહેસુસ જરૂર થાય કે આ સરહદ પરનું ગામ છે. ભલે બે દેશો વચ્ચે સરહદ હોય પણ રહેણીકરણી, ખાન પાન, પહેરવેશ લગભગ એકબીજામાં પ્રતિબિંબ થતું હોય એવું લાગે અને એમાં સરહદની રેખા ન દેખાય. અમુક ગામના નામ પણ હિન્દુ છે કે મુસ્લિમ સમજ ન પડે. કચ્છી બોલી સાંભળવાનો મોકો ના મળ્યો.

અહીં કોટેશ્વર જતાં સૌ બસમાં અંતકડી રમતા હતા્ યુવાનો મધ્યમ વયના, અમારા જેવા નિવૃત્ત બધી જ વયના મુસાફરો હતા. મારો જીવ અંતાક્ષરી સાંભળી સળવળ કરે એટલે હું સ્લીપરની કેબિનમાં આગળ બેસી ગઈ. પછી જુવાનિયાઓને ના આવડે ત્યાં મારી જુના ગીતોની પોટલી ખૂલે. શાળામાં ગીત સંગીતની સ્પર્ધાઓમાં ભાગ લેતી એટલે રાગ તાલ લય પણ જાળવતી. બધાને મજા પડી જતી એટલે એ ગીતનું પાછુ સમૂહ ગાન થતું. આ બધી વાતોથી આ વખતે મારા પ્રવાસી જીવને મોજ પડી ગઈ હતી. હસી મજાક ઠઠ્ઠા મશ્કરી વચ્ચે કોટેશ્વરના મંદિર પર બધા જવાનો મને “આંટી બહુ સરસ ગાવ છો” એમ કહી ગયા.

કોટેશ્વરના મંદિરની આભા ખુબ અલગ છે અને કલ્પના ની પાંખે જુઓ તો થોડા કિલોમીટર દૂર બીજો દેશ હોય. મંદિરની બાંધણી સરસ છે પણ અહીં ગામ વસેલું નથી. પાછા ફરતા નજીકના દરિયા કાંઠે થોડીવાર ઊભી રહી. પુરીનો દરિયા કાંઠો, દીવનો દરિયા કાંઠો, મુંબઈનો દરિયા કાંઠો આ બધા દરિયાઓના કિનારાઓની કલ્પના મનોમન કરતી રહી.

હવે બસમાં  નારાયણ ધામ જવા માટે બેઠા. બસ થોડીક મિનિટોમાં જ ત્યાં. એક વિશાળ સરોવર કાંઠે આવેલું ભગવાન વિષ્ણુનું પ્રાચીન મંદિર છે ત્યાં બસ ઉભી રહી. તેના કાંઠે કેટલાક લોકો પિતૃ તર્પણ કરતાં પણ જોવા મળ્યા. કિલ્લા જેવી બાંધેલી રાન્ગો પર કોટે કોટે ચાલવાની મજા  આવે એવી હતી પણ અહીં ઓછું રોકાણ હતું. પાસે ગૌશાળા  હતી. સામે પણ મંદિર હતા. બધે દર્શન કર્યા.

અહીં ગુજરાતી ભાષા હોય એટલે સમજાય કે ક્યાં છીએ. બાકી તિરુપતિ યાત્રા વખતે તો જોયું ઘણું બધું પણ સ્થળ ??? આની પણ એક મજા હોય છે.. પશુ જેવી ફીલિંગ આવે થોડીવાર.

હવે જવાનું હતું માં આશાપુરા નો મઢ. આજે સવારે રસોઈયાઓનુ ગ્રુપ સામાન સાથે બસમાં હતું અને કોટેશ્વર જતાં પહેલાં એમને અહીં આશાપુરા ગામમાં એક સરકારી અતિથિ ગૃહ જેવા સ્થળે સામાન સાથે ઉતારી દેવાયેલા. અમે સીધા ભોજન માટે ગયા. ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન સાથે મોળી મોળી છાશનો જલસો પડી ગયો. આ યાત્રામાં  સમયસર તાજો બનેલો ગરમ નાસ્તો- જમણ શરીરને સ્વસ્થ રાખતા હતા. અને ઉર્જા આપતા હતા. કશે થાક  નહોતો વર્તાતો.

અહીંથી સામેની ગલીમાં જ વિખ્યાત આશાપુરા માતાનો મઢ હતો. મંદિર સાડા ત્રણ વાગે બપોરે ખોલવાનું હતું. આસપાસના બજારમાં આમતેમ થોડા ફાંફા મારી લીધા. કશું ખરીદવા જેવું ના લાગ્યું. અંદર દર્શન ખુલતા માતાજીના ભવ્ય સ્વરૂપના દર્શન કર્યા. મન ભરાતું નહોતું એટલે થોડું ત્યાં બેઠા. પછી બહાર આવ્યા. ત્યાંથી કચ્છ ની વાનગી પકવાન લીધી. ગીતાબેને દાબેલી નો મસાલો લીધો. એક સ્થળે મેં ચા પીધી. આ વખતે ચા પીનાર હું એકલી હતી પણ સમય થાય ત્યારે એકલી પણ ચા પી લેતી. હવે ધીરે ધીરે કચ્છના રણ અને અદાણી કંપનીએ વાવેલા પવનચક્કીઓના આધુનિક ઉર્જા સ્તોત્રના વન જોતા જોતા પાછા ભુજ તરફ રવાના થયા. આવતા આવતા સાંજ પડી ગઈ. રસોઈયા ગ્રુપ અમારી જોડે હતું પણ મેનેજરની અગમ ચેતી અને સરસ મેનેજમેન્ટને કારણે ત્યાં જતા પાણીપુરી, દહીં પૂરી, સેવપુરી, ભેળ ઉપરાંત દાળ ફ્રાય અને ભાતનું ભોજન માત્ર થોડી વારમાં જ પીરસી દેવાયું . બધાને ચટાકો પડી ગયો.

પાસે આવો કાનમાં કહું છું… હું ઘરમાં કે બહાર ક્યાંય ક્યારેય પાણીપુરી ખાતી નથી.. ફાવતી નથી… હા પેલું મોં  પહોળું કરી એમાં મુકવાનું… ના..ના… મેં દાલ ફ્રાય ખાધી.

ફરી કાલની જેમ બહાર રોડ પર ફરવા નીકળ્યા. હું ગીતાબેન સાથે બહાર એટલે બેસી રહી. ઊંઘ આવતા રૂમ પર પાછા ગયા. કાલે સવારે ચેક આઉટ કરીને સફેદ રણ જવાનું હતું અને ટેન્ટમાં એક રાત્રી રહેવાનું હતું. કંઈ વધારે વિચારો કે કલ્પનાઓ નહોતી કરેલી એટલે કદાચ કાલનો સૂરજ કંઈક અલગ જ ઉગવાનો હતો…

કચ્છ ભુજ: દિવસ 1

27 , નવેમ્બર . 2024.

મારી મનગમતી ટુર માંની મોજીલી ટુર. પાંચ દિવસની મોજ મસ્તી અને જ્ઞાનગમ્મત.. બધું જ હતું કારણ કે આ ટુ મેં ટુ બાય ટુ સ્લીપર બસ એસી માં કરેલી. ટ્રાવેલ્સમાં જઈએ એટલે ફરવા પર ફોકસ થઈ જાય. ક્યાં રેહશું? શું ખાશું ?કઈ રીતે જઈશું? એવું કોઈ જ ટેન્શન નહીં!! ગણતરીના છ-આઠ લોકો નહીં પણ 40 ભાતીગળ લોકો સાથે ભમવાની મજા પણ અનોખી હોય છે. બાળક તો માત્ર એક હતું, પણ યુવાનો, મધ્ય વયના અને વૃદ્ધોનો અનેક અનોખો મેળો..!!

અમે અમારા ગ્રુપના દિનેશભાઈ અને ગીતાબેન સાથે એમાં જોડાયા. ટ્રાવેલ્સનો એક અઠવાડિયામાં જ પ્લાન થઈ ગયો. દર વખતની જેમ ટ્રેન બુકિંગ કે નાસ્તાની પણ ઝંઝટ નહોતી. તોય આદત થી મજબૂર કંઈ લઇ તો લીધું જ.

27મી નવેમ્બરે રાત્રે 9:00 વાગે અમારો સ્લીપર કોચ વાયા અમદાવાદ સાણંદ થઈ પરોઢે ચાર વાગ્યે ભુજની ભાગોળે પહોંચી ગયેલો. કચ્છ: ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો પણ એનું નામ રણ તરીકે જાણેલું. કંડલા બંદર નું નામ ભૂગોળમાં ભણતા. 2001 ના ભુકંપમાં કચ્છના બીજા ગામના નામ પણ જાણેલા. કોઈ ખાસ સગું નહીં. ત્યાં એટલે વધારે પરિચય પણ નહીં.

28/11/2024.

અમને એક સરસ હોટલમાં ચાર જણ વચ્ચે એક રૂમ આપી દેવાયો. રાત્રે સ્લીપર બસમાં ઊંઘ પૂરી થઈ ગઈ હતી એટલે નાઈ ધોઈને તૈયાર થયા. ગરમ નાસ્તો અને ચા માટે કોલ આવ્યો. મેથીના ગોટા સાથે ચા. આનાથી રૂડું શું હોઈ શકે શિયાળામાં?? આજે અમારે ભીડિયારા થઈ માંડવી જવાનું હતું. પહેલીવાર રણપ્રદેશમાં આવવાનું થયેલું.

ભીડિયારા માં કાવી કંબોઈ માં મળે છે એવા હલવાની દુકાનો છે બસ.

પહેલા ધોરણથી ભૂગોળમાં ભણેલ વિસ્તાર જંગલી બાવળના ઝાડથી ભરેલો હતો અને ઊંચા નીચા રસ્તા વાળો હતો. હવે પવનચક્કી થી ઊર્જા મેળવવાના પંખાઓ દેખાવા માંડ્યા હતા. અમે જમીને તરત નીકળેલા એટલે મન અને તન સ્ફૂર્તિમય હતા. એક અજબ પૃષ્ઠભૂ જોતી હતી બસની બારીમાંથી.

પછી માંડવી શહેર આવ્યું. ત્યાંથી માંડવીના વિજય વિલાસ પેલેસ તરફ બસ આગળ વધી રહી હતી. કહે છે કે સંજય લીલા ભણસાલીના પ્રખ્યાત મુવી “હમ દિલ દે ચૂકે સનમ” નું શૂટિંગ અહીં થયેલું. તેનું ફિલ્માંકન એટલું તાજુ હતું, હજી સ્મરણમાં હતું એટલે અપેક્ષાઓ વધી ગઈ હતી. ત્યાં એન્ટ્રી ફી ભરી ટિકિટ લીધી. રણમાં લીલીછમ વનરાજી અને મોટા મોટા વૃક્ષો વચ્ચે બનેલા રસ્તા પર થઈ જ્યારે અમે મહેલ પર પહોંચ્યા ત્યારે અપેક્ષાથી વિરુદ્ધ બિલ્ડીંગ ખૂબ નાનું લાગ્યું. પગરખાં  કાઢી મહેલમાં ફરવાનું શરૂ કર્યું તો ફિલ્મ કરતાં ઓરડાઓ નાના લાગતા હતા. કેમેરાની કરામતો!! ડાઇનિંગ ટેબલ વાળો રૂમ દિવાન ખંડ જોવામાં નીચેનો માળતો પૂરો થઈ ગયો. હવે ઉપર જવા ગોળાકાર પગથિયા હતા. તે ચડતા સુંદર જાળીદાર અને બાંધકામવાળી અગાસીમાં અમે પ્રવેશ કર્યો. રે ભૈયા અહીંથી ચારે બાજુ હરિયાળી દેખાતી હતી. નીચે બગીચો અને ફુવારો હતા. ત્યાં ખૂબ બધા ફોટો લઈ નીચે આવ્યા. મહેલના બેકગ્રાઉન્ડ માં ફોટા લીધા. ધીરે ધીરે બહાર આવ્યા અને બસમાં બેઠા.

અહીં ગોધરા કચ્છમાં અંબે ધામ નામનું એક સુંદર વિશાળ મંદિર છે. ખૂબ મોટા વિસ્તારમાં બનેલું છે. અહીં સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી છે. આવા મંદિરમાં પ્રવાસે ન હોઈએ તો સાંજના ત્રણ ચાર કલાક આરામથી પસાર થઈ જાય. વળી ભોજન વ્યવસ્થા પણ હતી.

હવે પ્રવાસના પહેલા બીચ સમુદ્ર કિનારા ને મળવા જવું હતું. બધા બસમાં ગોઠવાયા એટલે બસ માંડવી બીચ ના પાર્કિંગમાં થોડીવારે પહોંચી ગઈ. અમે સૌ નીચે ઉતર્યા. મેં ચા પીધી. રેતીમાં ચાલતા ચાર પૈડાના સ્કૂટર વાળા અમને ઘેરી વળ્યા . સો રૂપિયા સવારીમાં આખા બીચ પર ફેરવે. ઊંટ સવારીનો પણ ક્રેઝ જોવા મળ્યો. શણગારેલા ઊંટ . લોકો સહેલની મજા લેતા હતા. દરિયામાં પાણી ખાસુ અંદર હતું એટલે મોજા તો આવતા નહોતા. ભીની રેતીમાં પગ ખૂંપી જવાનો ડર પણ લાગે. અમે દરિયાકિનારે છાયામાં બેસી ગયા. અલબત્ત મેં અને ગીતાબેન ઊંટ 🐫 સવારી ની મજા પણ કરી. એ મૂંગા જાનવર પર બેસતા મારો જીવ સતત કપાતો હતો પણ એ ગરીબને રોજી મળે અને એમાંથી ઊંટ નો ચારો પણ આવશે બસ એ જ વિચાર્યું. ધીરે ધીરે સૂરજ અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો. પાણી સોનેરી લાલ કલરનું લાગતું હતું. થોડા પાણી પછી જમીન, પાછું પાણી, ઓહો ત્રણ તો સૂર્યના પ્રતિબિંબ માં આવી ગયેલા. પાછા વળ્યા. દૂરથી દીવાદાંડી નો ફોટો પણ લીધો. બસમાં બેસતી વખતે એક જગ્યાએથી કચ્છની પ્રખ્યાત દાબેલી મેનેજર એ કોન્ટ્રીબ્યુશન ઉઘરાવીને ખવડાવી. ઓ બાપ રે કેટલુ પોચું બન અને સ્વાદિષ્ટ મસાલો!!! ખાઈને કચ્છ મોં અને મન બેઉને મજા કરાવી દીધી.

રાત્રે સૌ જૈન મંદિર છે એ જગ્યાએ ગયા. અંધારું થઈ ગયેલું. દર્શન પણ કર્યા. સાંજ હોત તો વધારે મજા આવી હોત એવું લાગ્યું. પણ હવે સીધા હોટલ પર આવી ગયા. જમવાનું તૈયાર હતું અને હોટલ અને વાહન શોધવાની માથાકૂટ અહીં નહોતી. સામાન ફેરવવાની માથાકૂટ પણ નહોતી એટલે મુક્ત મને જમીને હાઇવે પર થોડી વાર લટાર મારવા નીકળી પડ્યા. દસેક વાગ્યે આવીને સૂઈ ગયા. આવતીકાલે કોટેશ્વર ધામ જવાનું હતું.

તિરુપતિ બાલાજી : 2 ન ભૂલાશે કદી…

મારા ગ્રુપના બીજા સભ્યો ગઈ રાતે પાંચ વાગે ઉઠવાનું નક્કી કરીને સૂઈ ગયા. હકીકતમાં એમનો સમય બીજે દિવસે રાત્રે 8:00 વાગે ટિકિટમાં લખેલો હતો. એ લોકો સવારે વહેલા ઉઠી, નાહી ધોઈ પરવારીને પાંચ વાગ્યે નીકળી ગયા. અમે લોકો ફરી સુઈ ગયા અને આરામથી ઉઠ્યા. આજનો દિવસ અમારા બેઉ માટેનો જ હતો. એકલા અહીંયા નીચે રહેવાનું નક્કી કરેલું .એમણે કહ્યું હતું કે 11:30 પછી જો તમે ઉપર આવો તો જીપ કરીને બધા ફરી લઈશું. પણ અમે કશું નિર્ણય લીધા વગર આરામથી ઉઠ્યા . થોડો નાસ્તો કર્યો. નાહી ધોઈને પરવારી ને ચાલતા ચાલતા મુખ્ય રસ્તા પર આવ્યા. બહાર એક નાની ટપરી પર ચા પીધી. રીક્ષા ના ભાવતાલ કરીને પદ્માવતી મંદિર ફરી દર્શન માટે ગયા. સામેની દુકાનોમાં માત્ર મહિલાઓ ઢોસા સેન્ટર ચલાવતી હતી.

ત્યાં જઈને મસાલા ઢોસા ખાધા. તેમની કાર્યશૈલી જોઈ. એ લોકો છોલે ભટુરે પણ વેચતા હતા. તે લોકોને પૂછીને એમનો ફોટો પણ લીધો. પછી મંદિરમાં મોબાઈલ જમા કરાવીને દર્શનની લાંબી લાઈનમાં ઊભા રહ્યા. અહીં પણ રૂપિયા 50માં સ્પેશિયલ દર્શનની સુવિધા હતી પણ અમારે આજે આખો દિવસ કશું કામ નહોતું એટલે આરામથી જનરલ લાઈનમાં ઊભા રહ્યા. લગભગ પોણો એક કલાકે નંબર આવ્યો. ખૂબ મોટું મંદિર હતું.એનું શિખર પણ સોનેથી મઢેલું હતું. અમે મંદિરમાં દર્શન કર્યા અને અહીં પણ તિરુપતિ બાલાજી ના મંદિર નો અનુભવ ફરી થયો. પૂજારીએ મને દર્શન કર્યા બાદ પાછી બોલાવી અને પુનઃ શાંતિથી દર્શન કરવાનું કહ્યું. હું અભિભૂત થઈને ભાવુક થઈ ગઈ. આંખ સહેજ પલળી ગઈ. અમે બહાર આવ્યા મોબાઇલ લીધા અને પછી લોકલ બસમાં બેસીને હોટલ પર આવ્યા.

કાલે બસ સ્ટેન્ડ નું નામ જાણી હોટલ પર જવાનો રસ્તો યાદ રાખી લીધેલો. અમે રૂટ પર જતી લોકલ બસમાં બેઠા. ખરેખર તો મને આવી રીતે ફરવું બહુ રોમાંચક લાગે. લોકલ સાધનો, સ્થાનિક પ્રજાને જોવી, શહેરમાં બસ ફરે એટલે ત્યાંની ગતિવિધિઓ જોવી, લોકલ આઈટમ ચાખવી. અમે નિયત બસ સ્ટેન્ડે ઉતર્યા અને ચાલતા ચાલતા હોટલ પર પાછા આવ્યા. સાથે લાવેલો નાસ્તો કરી લીધો.

થોડીવાર આરામ કરીને ફરી ફરવા નીકળ્યા ત્યાં બાલાજી ભગવાનને ગોપાલા  કહે છે. પૂછતાં જાણવા મળ્યું કે અહીં ચાલતા જવાય એટલું દૂર એક ગોપાલા મંદિર છે. અને એનું માહાત્મ્ય પણ બહુ છે. એટલે અમે ત્યાંથી બસ વાળા ચાર રસ્તા પર ચાલતા ગયા. ત્યાં ચા પીધી અને ત્યાંથી ચાલતા ચાલતા ગોપાલા મંદિર તરફ ગયા. ગુજરાતની બહાર નીકળીએ એટલે ટ્રાફિક તો બહુ જ ઓછો લાગે અને આડેધડ ડ્રાઇવિંગ કે પાર્કિંગ કશે જોવા ના મળે. અમે ગોપાલા મંદિરની નજીક ગયા. ત્યાં મોટું બજાર હતું અને એક સુકાયેલું તળાવ હતું. સાંજ ઢળી રહી હતી એ દ્રશ્ય ખૂબ સુંદર લાગતું હતું. ત્યાં ખૂણા પર ગણપતિ મંદિર દેખાયું. આજે મંગળવાર હતો. ચાલતા ગણપતિ મંદિર જવાનો ક્રમ કેટલો અદભુત રીતે સચવાઈ ગયો!!! ગણપતિ ને વિવિધ સ્વરૂપ મંદિરમાં જોયા. ત્યાં લોકો નવા વેહિકલ લે એટલે પ્રથમ પૂજા કરવા અહીં આવતા. હું ભગવાનની આ લીલા આગળ નથી નતમસ્તક થઈ ગઈ.

આગળ મને ગોપાલા મંદિરે ગયા તો દર્શન બંધ હતા અને જલ્દી ખુલવાના નહોતા એટલે અમે આસપાસનું બજાર જોતા જોતા પાછા ચાર રસ્તે આવ્યા. કકડીને ભૂખ લાગી હતી. બે બહેનો ફૂટપાથ પર ઢોસા સેન્ટર ચલાવતી હતી. ત્યાં બેસી ત્યાંના લોકલ મસાલા ઢોસાનો આનંદ લીધો. આપણે સાંભર બનાવીએ છીએ એવો સાંભર નહીં. જાડી દાળ હોય, થોડા મસાલા અને શાક પણ ના હોય. દહીં કોપરાની ચટણી હોય. પાછા વળતા અમે ફરી આઈસ્ક્રીમ ખાધો. બપોરે ચા પીવા ગયેલા ત્યારે પણ ખાધેલો. એમાં આઇસક્રીમના કપમાં નીચે મધની લેયર હતી અને આઇસ્ક્રીમનો સ્વાદ પણ નવો હતો. ખાવાની બહુ મજા આવી. ચાલતા ચાલતા પાછા હોટલ પર પાછા આવતા હતા ત્યારે ગ્રુપમાંથી ફોન આવ્યો કે અમે ક્યાં છીએ? એ બેઉ રૂમની ચાવી અમારી પાસે હતી. અમે હોટલની સામે જ હતા. ચાવી આપી દીધી અને રૂમમાં પહોંચ્યા.

એ લોકો અહીંથી પાંચ વાગ્યે નીકળીને પહોંચી તો ગયા પણ સ્પેશિયલ દર્શન ની લાઈન 12:00 વાગે ચાલુ થતી હતી એટલે એમને બહુ રાહ જોવી પડી. ૧૨ વાગે લાઈન ચાલુ થતાં અઢી વાગે એમના દર્શન થઈ ગયેલા. એમણે જમી લીધું હતું. એમણે ત્યારે અમને ફોન કરેલો ત્યાં તિરુમાલા આવવા કહેલું એટલે. પણ અમને આરામ કરવો હતો એટલે નહોતા ગયા. અમારી હોટલની કમ્પાઉન્ડને અડીને રેલવે લાઈન હતી એટલે આવતી જતી છુકછુક ગાડી જોવાની મજા આવતી હતી. અમે તો જમીને આવેલા બે સભ્યોનો ઉપવાસ હતો એટલે બાકીના સભ્યોએ બેગમાંનો નાસ્તો કર્યો. સવારે સૌએ ગોપાલા  મંદિરે જવાનું નક્કી કર્યું.

સવારે ચાર રસ્તા પર ચા પીને સાથે લાવેલા થોડા નાસ્તા કરીને બધા પગપાળા ગોપાલા મંદિરે ગયા. અહીં સુતેલા વિષ્ણુ પણ છે. અહીં લાઈનમાં અંદર ગયા પછી જોયું બહુ જ વિચાર સાદા કાળા પથ્થરોથી બનેલું મંદિર છે. શૃંગાર પણ નહીં. મુખ્ય મંદિર તરફ આવતા પેસેજ આવે એની બેઉ બાજુ મંદિરો વારાફરતી એમાં દર્શન કરતા જવાનું. ત્યાં મૂર્તિઓ કઈ છે ખબર ના પડે પણ પરમાત્માના નમન કરીને આગળ વધતા ગયા.બહાર જઈને પાણી પીધું થોડુંક બેઠા પછી મંદિરની બહાર આવ્યા.

બજારોમાં દુકાનો ખુલી ગયેલી. એક દુકાને મારી ભાણેજ માટે સાઉથ સિલ્કના ચણીયા ટોપ નો ભાવ પૂછ્યો. ભાવતાલની શક્યતા લાગી પછી તો બધાએ ત્યાં સાડી અને બીજી વસ્તુઓ લીધી. અમે ત્યાંથી ચાલતા ચાલતા બહાર આવ્યા. રીક્ષા કરી રસ્તામાં બિસલેરી બોટલ લીધી. હોટલ પર આવ્યા ત્યારે પેકિંગ થઈ ગયેલું. હોટલવાળાએ થોડી રકજક કરી કાઉન્ટર પાસે અમારું લગેજ  રીસેપ્શન પર મૂકવાના રૂપિયા 200 લીધા.

આજે સાંજે 6:15 વાગે રેણીન્ગુટા સ્ટેશનથી અમારી વડોદરા પરત આવવા માટેની ટ્રેન પકડવાની હતી પણ સવારે હજુ 11:00 વાગેલા. તિરુપતિ થી 40 કિલોમીટર દૂર એક કાલ હસ્તી મંદિર છે જે રાહુ અને કેતુને સમર્પિત છે એમ કહેવાય છે.  આ મંદિર ગ્રહણ સમયે પણ ખુલ્લું જ હોય છે . એ એની વિશેષતા છે. રાહુ અને કેતુ ગ્રહની શાંતિ માટે લોકો અહીં આવતા હોય છે એમ કહેવાય છે. આમ તો શિવજીનું મંદિર છે. તેના વિશાળ ગેટ પાસે ઊતરી થોડું આગળ ચાલતા મોબાઇલ માટે કાઉન્ટર આવે છે. ત્યાંથી પાઇપોની રેલિંગમાં ચાલતા શિવ મંદિર સુધી જવાય છે. મંદિર ખૂબ ખૂબ વિશાળ છે. લગભગ 2000 વર્ષોથી એને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. મંદિરની ત્રણ તરફ વિશાળ ગોપુરમ છે અને અંદર 100 સ્તંભો વાળો મંડપ છે. છ  ફૂટ ઊંચા સળંગ ઓટલા મંદિરની ચોતરફ ચોરસ આકારમાં બનાવવામાં આવેલ છે. ત્યાં સુંદર લાઇટિંગ પણ છે. અમને આ મંદિર વિશે કોઈ જ માહિતી નહોતી પણ તોય જ્યારે જાણ્યું અને જોયું ત્યારે કુદરતની લીલા આગળ નતમસ્તક થઈ જવાયું.

અહીં  અન્નક્ષેત્ર પણ ચાલે છે. સૌ જમવા માટે લાંબી લાઈનમાં ઊભા રહ્યા. લગભગ દોઢેક કલાકે અમારો નંબર આવ્યો. અહીં જમવામાં રોટલી સિવાય બધું જ મળે. જમીને બહાર આવ્યા.

અહીં અમે સૌ છકડામાં આવેલા્ અહીંથી

રેણીન્ગુટા સ્ટેશન પર અમને લેડીઝ ને મૂકી ત્રણ પુરુષો હોટલથી સામાન લઈ અહીં પાછા આવી જશે એવું નક્કી થયેલું. છકડા વાળા ભાઈને બોલાવ્યા. તિરુપતિ શહેરથી 12 કિલોમીટર દૂર રેણીન્ગુટા સ્ટેશન પર અમે સૌ લેડીઝ સાથે મારા પતિદેવ પણ ઉતરી ગયા. છકડામાં ત્રણ ભાઈઓ સામાન પાછા લઈને આવ્યા. અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર જ આવવાની હોવાથી ત્યાં બેંચ પર બેઠા. થોડીવાર પછી દાળ કાંદા ના પકોડા લાવવામાં આવ્યા. પછી ચા પણ પીવાઈ ગઈ. ત્યાં માળાઓ બહુ સરસ મળે. અમે સૌએ બધાને આપવા માટે માળાઓ લીધી.

ટ્રેનના આવવાના નિયત સમયના દસ મિનિટ પહેલા એનાઉન્સમેન્ટ થયું કે ટ્રેન એકને બદલે પાંચ નંબરના પ્લેટફોર્મ પર આવશે. અમે 14 નંગ નાની મોટી બેગ્સ સાથે આઠ જણા લગભગ દોડતા  પાંચ નંબરના પ્લેટફોર્મ પર પુલ ઓળંગીને પહોંચ્યા. ટ્રેન આવી. સૌ ચઢીને સીટ પાસે સામાન ગોઠવી બેઠા. ત્યાં મારા પતિદેવે પૂછ્યું મારું ક્રોસ ક્યાં? અમે આજુબાજુ બધે શોધ્યું પણ ન મળ્યું. ટ્રેન શરૂ થવામાં એકાદ બે મિનિટ બાકી હતી. હું એક વાર બોલી પણ ખરી કે ચેન પુલિંગ કરીએ અને એક નંબર પર જોઈ આવીએ. પણ મગજ શૂન્ય થઈ ગયેલું. એ બેગમાં મારા પતિદેવના બેંક કાર્ડ, મોબાઇલ ફોન,આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બચેલી કેશ બધું જ હતું. બધા પ્લેટફોર્મ પર એટલા બધા પેસેન્જર હતા કે હવે બેગ માટે કોઈ શક્યતા જણાતી નહોતી. અમે બે જણે મોબાઈલ પર રિંગ આપી તો ચાલુ હતી. પણ પછી જો રિંગ થી કોઈનું ધ્યાન જાય તો બેગ જતી રહે એટલે ફોન કરવાનું બંધ કર્યું. મારા પતિદેવ ગ્રુપના ભાઈઓ સાથે ટીસીને મળ્યા અને હકીકત જણાવી. ચેન પુલિંગ થયું ત્યારે ટ્રેન પ્લેટફોર્મની બહાર 500 મીટર જઈ ચૂકી હતી. મારા પતિ શ્રી દિનેશભાઈ પટેલ સાથે અંધારામાં પાટા પર દોડતા એક નંબરના પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે અમે જે બેંચ પર બેઠેલા ત્યાં એ જ પોઝિશનમાં ટોપી સાથે એ બેગ ટિંગાડેલી પડી હતી. આસપાસ કેટલા બધા ફેરીયાઓ, માળાઓ વેચતી બહેનો, માણસોથી ઉભરાતું પ્લેટફોર્મ પરથી એ લોકો દોડતા પરત આવ્યા ત્યારે ટ્રેન સાવ ધીમી ગતિએ ચાલુ થઈ ગયેલી. બેઉ જણ છેલ્લા ડબ્બામાં ચડી ગયેલા. આ બાજુ અમારા સહપ્રવાસી ભાઈએ અમને 139 પર રેલવે પોલીસને ફોન કરવા સલાહ આપી અને ફોન લગાડી બ્રીફ માં જણાવી મને આગળ વાત કરવા ફોન આપ્યો. હું તમામ વિગતો બેગ નું વર્ણન વગેરે જણાવી રહી હતી ત્યાં જ અમારા ગ્રુપના ભાઈ આવ્યા અને એમણે જણાવ્યું કે બેગ મળી ગઈ છે. અને હિતેશભાઈ છેલ્લા ડબ્બામાં ચડી ગયા છે. મેં પોલીસમેનનો આભાર માની બેગ મળી ગઈ છે એમ જણાવ્યું.

આ સમગ્ર ઘટનાક્રમ સાંજે 6:35 થી 7:05 વાગ્યાનો  હતો. મારી આંખોમાં હજી આંસુ ઉભરાય છે. એ વખાતે હું ધૃસ્કેને ધુસકે ખૂબ રડવા માંડી. મને ત્યાં પરમશક્તિની હાજરીનો અહેસાસ થયો. મારા ગણપતિદાદા કે બાલાજી નો જીવતો જાગતો ચમત્કાર જ હતો. પ્રભુની પરીક્ષા અઘરી તો હોય છે પણ એમાં એ જ તારણહાર પણ હોય છે. અમે સૌ બે દિવસની મુસાફરી કરી ઘેર પરત ફર્યા. વળતાં મુસાફરી દરમ્યાન હું શૂન્યમનસ્ક રહી. વિચારમાળા તો ચાલતી જ રહી. સવારે વડોદરાના સ્ટેશને પગ મુકતા જ ફરી સંસારનો ઘટનાક્રમ ચાલુ થઈ ગયો.

તિરુપતિ બાલાજી :1

તિરૂપતિ પહેલા રેનીન્ગુટા સ્ટેશન આવે. બધા ભર ઉંઘમા હતા. મેં સાડા ત્રણનું એલાર્મ મૂકેલું પણ એ પહેલા ઉઠી ગઈ. નિત્ય કર્મ માટે જઈ આવી. રેનીંગુટા સ્ટેશનથી માત્ર દસ મિનિટ દૂર તિરુપતિ સ્ટેશન હતું. બધાને ઉઠાડ્યાં. ત્યાં તિરુપતિ સ્ટેશન આવી ગયેલું.

આ લખી રહી છું ત્યારે મહાકુંભ 2025 તેના અંતિમ ચરણમાં છે. એમાં જે લોકોના ટોળા જતા દેખાય છે તેવા જ ટોળા અમને રેલવે સ્ટેશન પર ઉતરતા જોવા મળેલા. બાપ રે!!!! કેવી રીતે દર્શન થશે ? આવા કેટલાય સવાલો મને મૂંઝવતા હતા. મને આમ પણ આટલી બધી ભીડમાં બીક લાગે. જેમતેમ પ્લેટફોર્મની બહાર આવ્યા ત્યાં વિષ્ણુ પ્રસાદમ બિલ્ડીંગમાં ઉપર તિરુમાલા ઉતારાની રૂમ માટે પૂછ્યું તો કહે છ વાગે ખુલશે. ત્રણ જેન્ટસ એક જીપ નક્કી કરી આવ્યા. સામાન સાથે અમે ગોઠાવાયા. 1984 માં પણ હું તિરુપતિ આવેલી એટલે મને ખ્યાલ હતો. મેં ઘણીવાર ગ્રુપમાં કહ્યું કે આપણે અહીં નીચે હોટલ રૂમ લઈ રહીએ અને પછી ફ્રેશ થઈ ઉપર જતા રહીશું. સામાન પણ અહીં રહી જશે. પણ પુરુષોને હંમેશા સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ જ લાગે એટલે બધા અમે ઉપર પહાડી પર તિરુમાલા ગયા. નીચે તિરુપતિ શહેરની લાઇટો જમીન પર ઉતરેલા તારાઓ જેવી લાગતી હતી. ઉપર પહોંચીને સી.આર.ઓ. ઓફિસમાં રૂમ માટે તપાસ કરી તો કહે સાડા ચાર કલાક પછીનો સમય છે. અમે ત્યાં એક જીપમાં બેસી જ્યાં બધા મઠ હતા ત્યાં ગયા. આજના દિવસમાં રુમ મળે એવી કોઈ શક્યતા ન હતી. ઓનલાઇન જોયું તો એક ગેસ્ટ હાઉસ હતું જેમાં આધાર કાર્ડ માંગ્યું. રૂમ બુકિંગ નું એમાઉન્ટ પણ માંગ્યું.હવે અમારે રૂમમાં જ જવું છે સમજીને પેમેન્ટ કર્યું. તો એ લોકોએ બીજા 6000 રૂપિયા ડિપોઝીટ માંગી એટલે ખ્યાલ આવ્યો કે આ લોકો ફ્રોડ છે. એમનો એક પણ ફોન રિસીવ કર્યા વગર અમે લોકલ બસમાં એવા ભળતા નામ વાળા ઉતારે ગયા તો ખબર પડી કે વેબસાઈટ ફેક હતી. એ પછી અમે ફોન રિસીવ કર્યો અને કહ્યું કે અમે પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ. એણે whatsapp પર ની બધી ચેટનો ડેટા ડીલીટ કરી દીધો. અમે 1930 નંબર પર ફોન કરી કેસ રજીસ્ટર કરાવ્યો. માથાદીઠ હજાર રૂપિયાનો ચાંદલો થઈ ગયેલો. અમારું શ્રીશૈલમ ગેસ્ટ હાઉસ બહુ સરસ હતું .ત્યાં ખાવાનું પણ ફ્રીમાં હતું પણ એમણે રૂમ માટે બીજા દિવસે થોડા પરેશાન કરેલા એટલે અમારા ગ્રુપના બીજા સભ્યોએ અન્નદાન માટે પૈસા આપવાની ના પાડી. એ લોકો લુચ્ચા છે એમને કશું નથી આપવું. મને એ વખતે ખૂબ ખરાબ લાગ્યું .કારણ કે જાત્રા પર ક્યાંય મફત ન ખવાય પણ કદાચ અમારી સાથે કુદરતે બરાબર હિસાબ કરી લીધો હતો એટલે મને કોઈ દુઃખ ન થયું. ડિપોઝિટ ની રકમ જેટલા પૈસા અમે બચાવી લીધા હતા.

ખરી પરીક્ષા તો હવે હતી. મારો અને મારા પતિ નો ત્રણ મહિના પહેલા કરાવેલ બુકિંગ નો સમય આજના દિવસે જ હતો અને બે વાગ્યે સ્પેશિયલ દર્શન માટે જવાનું હતું પણ 09:00 વાગે હજુ અમે તિરુમાલા ની સડકો પર બેઠેલા હતા. ત્યાંથી હવે એ ભાઈએ નીચે તિરુપતિ જવાનું નક્કી કર્યું. હવે અમારા પતિ પત્ની માટે એક એક મિનિટ કીમતી બની ગઈ હતી. જીપના ડ્રાઇવર ઉડિયા જાણતો હતો એટલે એણે કરેલા ભાષાંતર થકી 1930 સાયબર સેલની ફરિયાદ શક્ય બની. એ ડ્રાઇવર અમને તિરુપતિ શહેરની પૂજિથા નામની હોટલ પર લઈ ગયો. જ્યાં અમે બે રૂમ રાખી લીધી. ત્યારે ઘડિયાળમાં પોણા દસ થઈ ચૂકેલા. તિરુપતિ શહેરમાં આવેલ પદ્માવતી માતાના મંદિરમાં દર્શન કરી તિરુપતિ બાલાજી ના દર્શન કરવાનું માહાત્મ્ય છે. અમે બરાબર 10:30 અમે બેઉ પતિપત્ની નાહી ધોઈને તૈયાર થઈને નાસ્તા માંથી ખાલી એક એક લાડુ ખાઈને નીકળી પડ્યા. બાકીના ચાર સભ્યોનું દર્શન બુકિંગ બીજા દિવસે હતું.

અજાણ શહેરમાં પહેલા તો ઓટોરિક્ષા કરી પદ્માવતી મંદિરે પહોંચ્યા. ત્યારે સવારે ઘડિયાળમાં 11 થઈ ગયેલા. ત્યાંના મંદિરમાં લાઈન જોઈ તો ખૂબ લાંબી. મંદિરમાં શિખર ધ્વજાના દર્શન કરી બે લાડુનો પ્રસાદ લઈ નીકળી પડ્યા. પાસે એસ.ટી. ડેપોમાં પહોંચી ગયા. ત્યાંથી તિરુમાલા જવા એસી બસ મળે. એનું ભાડું રૂપિયા 120 હોય. અમે એમાં બેઠા ત્યારે સવા બાર થઈ ચૂકેલા. અહીં તિરુમાલાના પહાડી પ્રદેશમાં પ્રવેશ કર્યા પછી થોડે આગળ જઈને એક ચેક પોઇન્ટ આવે છે જ્યાં પ્રવેશ કરનાર તમામ વાહનના તમામ પેસેન્જરના તમામ લગેજનું ચેકિંગ અને સ્કેનિંગ થાય છે. પ્લાસ્ટિકનો તમામ પાણીની બોટલો ફેંકી દેવાય છે. આમાં લગભગ 20 એક મિનિટ થઈ જાય. ધીરે ધીરે બસ તિરુમાલા બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે પ્રવેશ દ્વાર ત્રણ નંબર જે ટિકિટમાં લખેલું હતું ત્યાં જવાનો રસ્તો અમને ખબર નહોતો.

અમે બસ સ્ટેન્ડ પર ઉભા હતા અને ઘડિયાળ 1:00 વાગીને દસ મિનિટનો સમય બતાવતી હતી. મેં ભગવાન બાલાજીને પ્રાર્થના કરીને કહ્યું કે હવે તમારા હાથમાં સોંપું છું. તમારે દર્શન આપવા છે કે નહીં જેવી આપની ઈચ્છા. ત્યાં એક ટેક્સી પેસેન્જર સાથે આવી અને ઉભી રહી. તેણે વીસ વીસ રૂપિયામાં અમને પ્રવેશ દ્વાર ત્રણ પાસે છોડ્યા. આ બધી જગ્યાઓ ભૂલામણી જેવી હતી. મેં ત્યાં બહાર આવેલા કાઉન્ટર પરથી ફ્લેવર મિલ્કની એક બોટલ પી લીધી આ લંચ હતું. ત્યાંથી ઝડપભેર અમે લાઈનમાં પ્રવેશ કર્યો ત્યારે દોઢ વાગી ગયેલો. ઝીકઝેક સંપૂર્ણ કવર સાથે લોખંડની પાઇપો અને જાળીઓ સાથે આખો માર્ગ તૈયાર કરેલો હતો. પછી ચાલ્યા જ કરું છું …ચાલ્યા જ કરું છું …ના ભાવ સાથે ચાલવાનું શરૂ થયું. અહીં જુદી જુદી કેટેગરીમાં બુકિંગ થાય છે. બુકિંગ વગરની જનરલ લાઈનમાં 24 થી 48 કલાકનો સમય દર્શન માટે લાગતો હોય છે. તેમાં શૌચાલય, પાણી, ખાવાનો પ્રબંધ બધો મંદિર તરફથી હોય છે. રાત્રે તમે જ્યાં હોવ ત્યાં દરવાજા બંધ કરીને વહેલી સવારે દર્શન માટે મોકલવાનું શરૂ કરવામાં આવે છે. અમે સ્પેશિયલ દર્શન ની ટિકિટ લીધેલી એમાં ત્રણથી ચાર કલાક થશે એવો અંદાજ આપવામાં આવેલો. વચ્ચે લાઈનો રોકાઈ જતી ત્યાં જમીન કે નાની પાળી પર બેસી જતા. પરબ પર પાણી પી લેતા. સ્વચ્છતા ખૂબ હતી. ચાલતા ચાલતા અમે એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં મોટી મોટી બેરેકો બનાવેલી હતી. જેની ચારે બાજુ સ્ટીલ ના પાઈપોથી મોટા  હોલ બનાવેલા હતા. વારાફરતી શ્રદ્ધાળુઓને તેમાં બેસાડાતા અને ત્યાં આરામથી પગથિયા ઉપર બેસી કે સૂઈ પણ શકાય એવી સગવડ હતી. સામે સ્ક્રીન પર બાલાજી ભગવાનના દર્શન થતા હતા. ત્યાં મહારાષ્ટ્ર થી આવેલા બે યુવાનો સાથે ઓળખાણ થઈ. વાતચીત કરતા ખબર પડી કે જો આ બેરેકમાં દોઢ કલાકનું રોકાણ થાય તો મંદિર તરફથી ભાતનો પ્રસાદ બધાને આપવામાં આવે છે. અમે ત્યાં બેઠી સવા બે કલાક સમય વીતાવ્યો. દોઢેક કલાક પછી મોટા તપેલાઓ અને ટ્રોલીઓ સાથે પડિયાઓમાં ભક્તોને વઘારેલી ખીચડી આપવામાં આવતી હતી. ત્યાંના જવા આવવાના માર્ગ પરથી પડિયા અપાતા અમે બે જણાએ ખીચડીનો પ્રસાદ ગ્રહણ કર્યો. પેટ ભરાઈ ગયું સાથે લાવેલું પાણી પીને બીજું પાણી ભરી લીધું. થોડીવારે બાજુની બેરેક ખાલી થઈ એ પછી અમારો વારો આવ્યો. જાણે કેદમાંથી જાનવર છૂટ્યા પણ ધક્કા મૂકી નહોતી થતી. લોકો ખૂબ ઝડપથી ચાલવા માંડ્યા. છેલ્લે પાઈપ અને લાઈન થોડીવાર માટે નહોતી. તે લોકો દોડીને મંદિર પાસેના પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા. અહીં લાઈન ખૂબ ધીરે ધીરે સરકતી હતી. અમે ગર્ભ ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા.

અહીં ભગવાન તિરુપતિ બાલાજીના મંદિરમાં ફક્ત ઘીના દીવાનો અજવાળું કરાય છે એટલે પ્રકાશમાંથી સીધા જોતા પહેલા ખ્યાલ નથી આવતો. ધીરે ધીરે નજીક જતા વિશાળ મૂર્તિના દર્શન થાય છે. માંડ પાંચ દસ સેકન્ડ માટે મૂર્તિની સન્મુખ ઊભા રહેવા દેવાય છે. ખૂબ શ્રદ્ધાથી દર્શન કર્યા ત્યારે છ વાગી ગયેલા અને જીવનમાં આ તક બદલ ભગવાનનો ખૂબ આભાર માન્યો. બહાર નીકળવા બે કદમ આગળ વધાર્યા ત્યારે ત્યાં ઉભેલા સેવકે મને કહ્યું માતાજી વાપસ આઓ, આરામ સે દર્શન કરો. મારી આંખો ભીની થઈ ગઈ. હું નિઃશબ્દ હતી, છું અને રહીશ. અમે બહાર નીકળ્યા. હૂંડીમાં દક્ષિણા મૂકી. થોડીવાર બેઠા અને આગળ વધ્યા ત્યારે મંદિરમાં આરતી શરૂ થઈ એટલે બધા લોકો ઉભા રહી ગયા તો સહેજ ક્યાંય જરા પણ સરકીને નીકળાય નહીં. આરતી પૂરી થતાં અમે પણ બહાર નીકળ્યા ત્યારે ઘડિયાળ સાંજના સાત નો સમય બતાવતી હતી. અમે પ્રસાદ લેવા લાડુના કાઉન્ટર પર ગયા. બે ટિકિટ પર બે લાડુ ફ્રી હતા અને અમે એક લાડુ ખરીદી લીધો. ત્યાંથી હવે ચંપલ ત્રણ નંબરના ગેટ પાસે ઉતારેલી એ ક્યાંય નહોતું દેખાતું. અમે પુષ્કરણી નદીના દર્શન કર્યા અને પછી વારાહ મંદિરના દર્શનની લાઈનમાં ઊભા રહ્યા. આજના આખા દિવસમાં ન ભૂખ લાગી, ન તરસ અને કોઈ શારીરિક દુખાવાની ફરિયાદ પણ નહીં. કોઈ દૈવી તત્વ આપણી સાથે ચોક્કસ હોય જ છે. ત્યાંથી અમે સામે આવેલા પ્રસાદમમાં ગયા. ત્યાં તમામ શ્રદ્ધાળુઓને નિશુલ્ક પ્રસાદમ ભોજન અપાય છે. ત્યાં કેળાના પાના પર પ્રસાદ ગ્રહણ કર્યો. હવે અમારી ચંપલ શોધ યાત્રા શરૂ થઈ. એક રીક્ષામાં શેરિંગમાં બેઠા. ત્રણ નંબર ગેટ પર ફરી ઉતર્યા. જઈને ચંપલ પહેરી લીધા. ત્યાંથી બસ સ્ટેન્ડ નો રસ્તો પૂછતા સીધા બહાર જવાનું કહ્યું. વચ્ચે મુંડન કરવાનું કેન્દ્ર પણ આવ્યું. જ્યાં શ્રદ્ધાળુઓ વાળ સમર્પિત કરે છે. ત્યાંથી આગળ સામાન અને મોબાઈલ જમા કરાવવાના કેન્દ્ર હતા. એની બહાર નીકળતા બજાર આવી અને થોડે દૂર બસ સ્ટેન્ડ જે જગ્યાએ ચાલતા માત્ર 10 મિનિટમાં પહોંચી જવાય ત્યાં જવા સવારે અમે ખૂબ સંઘર્ષ કરેલો. અમે તિરુપતિ જતી બસમાં બેસી ગયા. અમારી પાસે હોટલનું કાર્ડ હતું. એ કહેવા કે અમારે ક્યાં જવાનું છે. અમે બસના ડ્રાઇવરને પૂછ્યું તો કહે ઓકે. રાત્રે 10:00 વાગે બસમાં બેસીને અમે એક ભાઈ પાસેથી ફોન લઈને અમારા ગ્રુપને ફોન કર્યો કે અમે હવે નીચે આવીએ છીએ. અમે પદ્માવતીમાંથી  ખરીદેલા લાડુ થી પેટ ભર્યું હતું. પેલી બસના ડ્રાઇવરે નિયત છેલ્લા સ્ટેન્ડ થી આગળ લઈ જઈ એક સર્કલ પાસે બસ ઊભી રાખી અને અમને કહ્યું કે અહીંથી તમારી હોટલ સાવ નજીક છે. અમે એક રીક્ષા કરી જેણે પેસેન્જર દીઠ ૨૦ રૂપિયામાં અમને હોટલ પર પહોંચાડી દીધા ત્યારે રાતના સાડા દસ વાગી ચૂકેલા. બધાએ વિગત પૂછી તો કહ્યું જે તારીખ હોય એના સમય પહેલાં પણ દર્શન ની લાઈનમાં જઈ શકો છો. અમારો અનુભવ શેર કર્યો અને સુઈ ગયા. બીજી સવારે એ લોકો સવારે પાંચ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું.

શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

શ્રી શૈલમ માં આવેલું બાર જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ એટલે મલ્લિકાર્જુન. જ્યોતિલિંગ કે પહાડી પર આવેલી જંગલોથી ઘેરાયેલી જગ્યા છે. અહીં જંગલી જનાવરો ડિસ્ટર્બ ના થાય એટલે જ્યાં જંગલ શરૂ થાય ત્યાં બધા વાહનોને રાત્રે  બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ફરજિયાત ઊભા રાખવામાં આવે છે. અહીંથી આગળ છ વાગે રસ્તો ખુલે છે. ત્યાં સુધી બંધ પડેલી બસમાં જાગતા સુતા સમય પસાર કરતા રહ્યા. છ વાગ્યે રસ્તો ખુલતા. બસ આગળ ચાલી. રસ્તામાં પાતાળ ગંગા ડેમ પ્રોજેક્ટ આવ્યો. જે કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલો છે. એ નદીને પણ અહીં પાતાળ ગંગા તરીકે ઓળખે છે. એ નદીને કિનારે ડેમ સાઈટની આજુબાજુ બસ ફરતી ફરતી ચાલી રહી છે. સાત દિવસ પછીનું ગણેશ વિસર્જન ચાલુ હતું. નાની અને મોટી કેટલીય મૂર્તિઓને કાર કે ટેમ્પામાં બાંધી અહીં પાતાળ ગંગા નદી સુધી લાવવામાં આવતી હતી. અને પુલ પરથી નીચે પધરાવવામાં આવતી હતી. એ દ્રશ્યો પણ જોવા મળ્યા.

જ્યાં શ્રી શૈલમ ટાઉન ચાલુ થયું એ પહેલા સાક્ષી ગણેશનું સુંદર મંદિર આવ્યું.બસમાંથી દર્શન કરી આગળ વધ્યા. નાની પહાડીઓમાં આમતેમ વળાંક પર રસ્તા પર ગોળ ગોળ ફરતી બસ આખરે સ્ટેન્ડ પર પહોંચી ગઈ ખરી!!

અહીં પહોંચી રિક્ષા માટે પૂછ્યું તો બધા પૂછે કઈ હોટલ? તો કહ્યું બુકિંગ નથી. તો કહે અહીં તો ઓનલાઇન બુકિંગ જ થાય છે. એક બે જગ્યાએ ગયા તો ઓનલાઇન બુકિંગ હોય તો જ રૂમ મળે એ જવાબ મળ્યો. પછી એક ફૂટપાથ પર બધાનો સામાન કાઢીને નિરાશ્રિતોની જેમ બેસી ગયા. જમ્યા તો નહોતા પણ સામે ચાની ટપરી દેખાઈ. પાસે પોલીસો પણ ઉભેલા. પોલીસને પૂછ્યું તો કહે સી.આર.ઓ. ઓફિસમાં જજો એટલે વ્યવસ્થિત રહેવાનો બંદોબસ્ત થઈ જશે. પેલા છકડા વાળા સાથે ત્રણ જેન્ટસ ગયેલા. હું એકલી ચા પીવા ગઈ. ત્યાં એક જગ્યાએ રહેવાની રૂમો મળી. અમે ફરી છકડામાં સામાન સાથે ગોઠવાયા. પછી રૂમોમાં ગોઠવાયા. બાથરૂમમાં ફ્રેશ થવા ગોઠવાયા અને પછી જમવા માટે ડાઇનિંગ રૂમમાં ગોઠવાયા. અહીં જમવાની સુવિધા ફ્રી છે. પહેલીવાર તો કેળ ના પાન પર ટીપીકલ દક્ષિણ ભારતીય રસોઈની વાનગીઓ પીરસાઈ. ભૂખને જુએ સુકો ભાત જમી લીધું. હવે શ્રીમલ્લિકાર્જુન મંદિરમાં જ્યોતિર્લિંગના દર્શન માટે નીકળ્યા. રીક્ષા કરી ગયા પણ જોયું તો સાવ નજીકમાં ચાલીને જઈ શકાય એટલું નજીક હતું. અમે લાંબી લાંબી જાળીઓ અને આડશોની ઝીકઝેક લાઈનમાં આમતેમ ફરતા છેક મંદિર પાસે પહોંચી ગયા. ત્યાં વિશાળકાય નંદી હતા. મંદિર ખૂબ જ પુરાણી શૈલીમાં બંધાયેલું હતું. મંદિરનું શિખર સોનેરી પતરા થી મળેલું હતું. મંદિરમાં મહાદેવજીના દર્શન કરી કૃતાર્થ થઈ ગયા.

ત્યાંથી અસંખ્ય નાની-નાની દેરીઓમાં મૂર્તિઓને નમન કરતાં બહાર આવ્યા. ત્યાંથી પાછળ દેવીમાંના દર્શન કરીને બહાર આવ્યા. રહેવાનું પાસે હતું એટલે ચાલતા પાછા ફરીને જમવા માટે ગયા. મને ચેન્નઈ એક્સપ્રેસ ની મુવી જેવી પબ્લિક આજુબાજુમાં ફરતી જોવા મળી.

પછી સાંજે ફરી એકવાર દર્શન માટે ગયા. રાત્રીમાં  મંદિર વધારે મનમોહક લાગ્યું. દર્શન કરી ફર્યા. એક પ્રાંગણમાં બેઠા. શિખર સુવર્ણનું હતું. રાત્રે ખૂબ ભવ્ય લાગ્યું. પાછા ફરતા ચાલતા જ ઉતારા પર ગયા અને ત્યાં ભોજન કર્યું. આ ઉતારો પણ ખરેખર ભવ્ય હતો. આ વિસ્તાર પહાડી છે અને ચોમાસા બાદ ચોફેર હરિયાળી વ્યાપ્ત હતી એટલે દ્રશ્યો મનમોહક લાગતા હતા. ઉતારા નું નામ હતું કરી કલા. સાચું કહું તો અહીં જે જગ્યા ઉપર ગયા ત્યાં ઉડિયા ભાષામાં લખેલું હતું એટલે કોઈ સ્થાનના નામ નથી ખબર પડ્યા.

બીજે દિવસે પરવારીને  છકડામાં બેસી ફરવા જવાનું હતું. સાક્ષી ગણેશના પહેલા દર્શન કર્યા પણ પહેલા પાતાળ ગંગા પ્રોજેક્ટ જોવા ગયા. અહીં કૃષ્ણ નદી પર ડેમ છે અને રોપ વેમાં બેસી નીચે જવાનું હતું. ત્યાં બધા સ્નાન પૂજા વગેરે કરતા હતા. અમે ત્યાંથી પાછા ફર્યા. અહીંથી  ત્રણ મંદિરે ગયા. અહીંથી અમે જે ત્રણ મંદિરે ગયા ત્યાં વિવિધ ભગવાનની મૂર્તિઓના દર્શન કર્યા. નામ લખેલા પણ વાંચતા નહોતું આવડતું. ધીરે ધીરે ધોધનો અવાજ સંભળાયો. નીચે જઈને જોયું તો પર્વતના ખડકમાં મૂર્તિ કોતરેલી હતી. તેના પર પાણી પડતું હતું. દર્શન કરીને આગળ એક ઝરણું ધોધ સ્વરૂપે પડતું હતું .તે જોવા ગઈ અને ફોટા પણ લીધા. ત્યાંથી ઉપર આવીને એક એવા મંદિરમાં જવાનું હતું. જ્યાં શિવલિંગ નીચે હતું .અને પગથિયા ઉપર ચઢીને જવાના હતા. ત્યાં નંદીની પ્રતિમા હતી. તેના બે કાન વચ્ચે એક હાથે બે આંગળીઓનો એંગલ બનાવીને દૂર દેખાતા મલ્લિકાર્જુન મંદિરના શિખર પરની ધ્વજા જોવાનો પ્રયત્ન કરવાનો હતો. ત્યાંથી અમે ઉતારા પરત આવ્યા. ત્યાં કુપન લઈને ભોજન કર્યું. થોડીવાર આરામ કરીને બાકીની જગ્યા જોવા નીકળવાનું હતું. ત્યાં નજીકના લોકલ બજારમાં જડીબુટ્ટીઓની ખૂબ દુકાનો. આસપાસ નો વિસ્તાર સંપૂર્ણ જંગલ જ છે એટલે એમાંથી મળતી જડીબુટ્ટીઓ આ બજારમાં મળતી. પાછા રિક્ષામાં બેસી સાક્ષી ગણેશ મંદિરે ગયા. અહીં ગણપતિના દિવસોમાં રોજ દર્શન કરવા મળ્યા એક નવા રાજ્યમાં નવી જગ્યાઓમાં. ત્યાંથી બીજે બેઠા ઘાટ વાળા એક મંદિર ગયા. નામ નથી ખબર. ત્યાંથી એક લક્ષ્મી માતાના દેવી મંદિરે દર્શન કરી એક સંગ્રહસ્થાનમાં આવ્યા. અહીં આદિવાસી લોક કલાનું સુંદર પ્રદર્શન એક બગીચામાં કરેલું હતું. વિવિધ પૂતળાઓ દ્વારા સ્થાનિક કલાઓને દર્શાવવામાં આવી હતી. નાનકડું પણ સરસ મ્યુઝિયમ. જો તમને સ્થાનિક આદિવાસીઓના જીવન જોવા માં રસ હોય તો.

હવે એક સુંદર ભવ્ય ઈમારત જે છત્રપતિ શિવાજી મહારાજની યાદમાં બનાવેલી છે એ જોવા ગયા. ત્યાં મરાઠાઓના ઇતિહાસનું તસવીરોની નીચે વર્ણન કરવામાં આવ્યું છે. બિલ્ડીંગ ભવ્ય હતું. સંધ્યાકાળ થતા લાઈટો ચાલુ કરી પછી સુંદર ઇમારત દેખાતી હતી. ત્યાંથી ત્યાંના એક તળાવ પાસે ગયા.

અહીંથી મંદિર નજીક હતું તેથી મારા સિવાયની ત્રણેય બહેનો ફરી મંદિરમાં દર્શન કરવા ગઈ. હું અને પતિદેવ ત્યાંની લોકલ રેસ્ટોરેન્ટમાં શાક રોટલી ખાવા માટે ગયા. બાકીના ઉતારે ગયા. અહીં શનિ-રવિમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે. આજુબાજુના શહેરોમાંથી માનવ મહેરામણ આવે છે અને ચારે તરફ પાર્કિંગ ફુલ થઈ જાય છે. અમે જ્યાં ઊતરેલા એ જગ્યા પર બહારના લોકોને રૂમ આપવા નથી આવતી એમ જણાવ્યું. બીજા દિવસે રૂમના પૈસા બપોરે આપીશું એમ વિચારી અમે બહાર જતા રહ્યા તો અમારી બેઉ રૂમ બીજી વ્યક્તિઓને આપી દેવામાં આવી હતી. ખૂબ વિનવણીઓ કર્યા બાદ અમને બધા વચ્ચે એક નાનકડી રૂમ આપવામાં આવી અને રાત્રે 10:30 એ તમને બીજી રૂમ આપવામાં આવી. અહીં પ્રવાસીઓ માટે આતિથ્યભાવનો અભાવ હોય એમ જણાયું. આજે અમે લગભગ પગે ચાલીને જ ફર્યા. બહુ નાનકડી જગ્યા લાગી હતી પહેલા પણ હવે ઠીક ઠીક મોટું ગામ પણ જોયું. બહુ  સુવ્યવસ્થિત રસ્તાઓ હતા. બજાર પણ ઠીક ઠાક હતું. એક જગ્યાએ મોલ નું બોર્ડ હતું. એ વિશે પૂછતા એક શોપિંગ સેન્ટરનો રસ્તો બતાવેલો. હું હજી સુધી એ નહોતી સમજી શકેલી કે જગ્યાનું નામ શ્રી શૈલમ છે કે મંદિરનું?? પછી ખ્યાલ આવ્યો કે આ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન છે અને જે શ્રીશૈલમ છે એ ટાઉનમાં આવેલું છે. સાંજે અમારા ગ્રુપની ત્રણ મહિલાઓ ત્રીજીવાર દર્શન માટે ગયેલી ભાઈ ખૂબ ભેજને કારણે ત્યાં પણ ક્રાઉડ મેનેજમેન્ટ માટે થોડા થોડા અંતરે દરવાજા બંધ કરવામાં આવતા હતા. આગળ ભીડ ઓછી થાય એટલે શ્રદ્ધાળુઓને જવા દેતા. એમને આવતા ખૂબ મોડું થઈ ગયેલું. એમના પતિદેવ ચિંતાજનક વાતો તો કરે પણ કોઈ ત્યાંથી આગળ મંદિર પાસે જવાનું નામ ન લે. આખરે ખૂબ મોડા એ બહેનો પાછા આવી ગયા. નીચે જમ્યા અને પછી ખૂબ ભીડમાં સુંદર દર્શન ની વાત કરી. એ દિવસે બપોરે અમે અહીં મરકાપુર કસ્બામાં જવા માટે બસ નું રિઝર્વેશન કરાવી લીધેલું. અહીંથી આખો ટેકરી વિસ્તાર ફરી ઉતરીને મરકાપુર રેલવે સ્ટેશનથી તિરુપતિ જતી ટ્રેન પકડવાની હતી. બપોરે જમીને અમે ઉતારે થી બહાર છકડો મંગાવીને બસ સ્ટેન્ડ પર પહોંચ્યા. નિયત સમયે બસ આવતા અમે બહારના દ્રશ્યો જોતા જોતા મરકાપુર ત્રણ ચાર વાગ્યાની પછી પહોંચ્યા. અમારી ટ્રેન 6:00 વાગ્યા આસપાસ હતી. બાકીનો સમય પ્લેટફોર્મ પર વેઇટિંગ રૂમમાં અને આમતેમ ફરતા કાઢ્યો. અહીં ટ્રેન રોકાવાનો સમય ત્રણ મિનિટ હતો અને બીજા બધા સ્ટેશનોની જેમ કયો ડબ્બો ક્યાં ઉભો છે એના ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે નહોતા. એટલે ચા વાળાને પૂછીને આશરે ઉભા રહ્યા. નિયત સમયે ટ્રેન આવી અને અમારો ડબ્બો ખાસ્સો આગળ ઉભો રહેતા સામાન માટે સાથે ડોટ મૂકવી પડી. અમે ડબ્બામાં ગોઠવાયા બાદ ઓનલાઇન જમવાનું મંગાવવાનું નક્કી કર્યું. નજીકના સ્ટેશનથી ઓનલાઇન રેલ ફૂડ પરથી ઓર્ડર કર્યો. પહેલી જ વાર આ રીતે જમવાનું મંગાવ્યું. આવડતું નહોતું એટલે રાહ જોવાતી હતી. નિયત સ્ટેશને જમવાનું આવ્યું. કેશ ચૂકવીને જમવાનું લીધું. ચાર કપલ વચ્ચે ચાર થાળીમાં પૂરતું જમવાનું થઈ રહ્યું. પછી બધા પોતપોતાની બર્થ પર જઈને સૂઈ ગયા. તિરુપતિ સવારે ચાર વાગ્યે આવવાનું હતું.

હૈદરાબાદ ગોલકોંડા નો કિલ્લો

આજે છેલ્લો દિવસ હતો. સવારે ઊઠી હોટલવાળાએ ગાઈડ કર્યા પ્રમાણે અમે નાસ્તો કરીને કિલ્લો જોવા પહોંચ્યા. સિકંદરાબાદ સાંકડું અને પ્રાચીનતાની ઓળખ આપતું શહેર છે્.

રિક્ષાવાળા સાથે રકઝક કરી ભાવતાલ નક્કી કરી ગોલકોન્ડાના કિલ્લામાં પહોંચ્યા. ભારતના પ્રાચીનતમ કિલ્લાઓમાં મજબૂત અને અગ્ર ક્રમાંકે આવે છે. આ કિલ્લો અહીંની વિશેષતા એ છે કે જોવા જેવું બધું જ નીચે જ આવેલું છે. અહીં રાત્રે લાઇટ અને સાઉન્ડ શો પણ થાય છે. ઉપર હનુમાનજીનું મંદિર અને ઉપર એક ઇમારતને જોવા બહુ ઊંચે જવું પડે છે. અને જો ઇતિહાસ યાદ હોય તો કોહીનુર હીરો આ કિલ્લામાંથી મળી આવેલો. ત્યાં ચોકીદારને પૂછ્યું તો કહે : એક તરફથી ચડીને બીજી તરફથી ઉતરજો તો આખો કિલ્લો જોવા મળશે. અમારામાંથી અમુક વ્યક્તિઓને કિલ્લો જોવામાં રસ નહોતો લાગતો ખંડેરોમાં શું જોવાનું હોય? પણ અમે બધા સાથે ચડવા લાગ્યા. આ રસ્તે પૂરેપૂરો કિલ્લો જોવાય છે. બધા પ્રવાસીઓ જ્યાંથી ચડે ત્યાંથી જ ઉતરી જતા હોય છે. વચ્ચે હનુમાનજીનું મંદિર આવ્યું. ત્યાં દર્શન કર્યા. હવે ચડવાનું થોડું અઘરું લાગતું હતું. પણ તોય ત્યાં આવેલા મંદિર સુધી પહોંચી જ ગયા. બેઉ મંદિરમાં દર્શન કરી આગળ એક બે ઇમારતમાં ઉપર ગયા ઉપર ચડીને જોયું તો આખા કિલ્લાની સુંદરતા એક સાથે જોઈ શકાતી હતી. વિહંગમ દ્રશ્ય એના વિવિધ એંગલથી ફોટાઓ પાડ્યા અને બીજા રસ્તે થી પાછા ઉતરતા નીચે આવ્યા. કિલ્લાની બધી વિવિધ ઇમારતો જોવા મળી પણ ગાઈડ સાથે નહોતો એટલે ઇમારતો શાની હતી એ ખબર ન પડી. પણ એ વખતના આર્કિટેક્ટ અને બિલ્ડરોની દૂરંદેશીને સલામ કરવાનું જરૂર મન થઈ જાય છે. ખૂબસૂરત છે આ જગ્યા. અને લાઈટ શો પણ થાય છે પણ હવે તો રાતની બસમાં શ્રી શૈલમ જવાનું હતું. ત્યાંની સરકારી બસમાં બેસી પાછા હોટલ પર આવ્યા ત્યારે આખું શહેર વિન્ડો સીટ પર બેસીને જોયું. નવું શહેર અને જૂનું શહેર સાવ અલગ છે. જુના શહેર બધા એક સરખા જ હોય એવું લાગ્યું. ફરી ફરીને પાછા હોટલ આવી ગયા. હવે કશે જવું નહોતું. વ્યવસ્થિત પેકિંગ કરી રાત્રે 10:30 ની બસમાં શ્રી શૈલમ જવાનું હતું. સાંજે હૈદરાબાદી વેજ બિરયાની ફરી મંગાવી. રાત્રે 8:30 ના સુમારે ફરી રીક્ષાઓ બોલાવી. સામાન ગોઠવી બસ સ્ટેન્ડ તરફ વિદાય થયા.

ખબર નહીં પણ હૈદરાબાદ મને ખૂબ ગમ્યું. અહીં ફરવા આવ્યા હોઈએ એવી અનુભૂતિ થઈ. નહીં તો મંદિરે યાત્રા દર્શન જેવું જ કંઈક લાગતું. બધા બસ ડેપો પર બેસી રાહ જોવા માંડ્યા. રાત્રે 10:00 વાગે બસ આવી સરસ પુશબેક સાથેની આરામદાયક બેઠક અને મોટી મોટી બેગો પણ સમાઈ જાય એવા ઉપર સામાન ના રેકમાં બધો સામાન ગોઠવાઈ ગયો. કાનમાં ઈયરફોન નાખીને ગીતો સાંભળતા સાંભળતા શ્રી સેલમ તરફ બસની સફર ચાલુ થઈ. એ મોટા સુવ્યવસ્થિત સરસ મજાના હેપ્પી હૈદરાબાદ તને આવજો કહું છું.