(એકબીજાને કદી સમજી ગયા) – જય કાંટવાલા
એકબીજાને કદી સમજી ગયા
સમજી લો કે જિંદગી સમજી ગયા.
જ્યાં જવાને મન કદી માન્યું નહીં
ત્યાં અમે સૌની ખુશી સમજી, ગયા.
ધાકધમકીથી ન સમજાઈ જે વાત
એ તમારા મૌનથી સમજી ગયા.
એક અમસ્તું સ્મિત આપ્યું કોઈએ
લોકો એને લાગણી સમજી ગયા.
જે અદાથી આપે ‘ના’ પાડી હતી
આપની પરવાનગી સમજી ગયા.
સૌને સમજાવીને થાક્યાં આપણે,
આપણે પણ એ પછી સમજી ગયા.
– જય કાંટવાલા
સરળ ભાષામાં લવ એટ ફર્સ્ટ સાઇટ જેવી જોતાવેંત ગમી જાય એવી ગઝલ. એકેય ભારીખમ શબ્દો, રૂપકો કે અલંકારોના આડંબર વિના જ કવિએ ગઝલિયત પ્રાપ્ત કરી બતાવી છે. જિંદગીનો દાખલો સમજવાની બહુ ઉમદા પણ બહુ જ અઘરી રીતે કવિએ મત્લામાં સમજાવી છે. બીજા શેરમાં લોકલાજનો પ્રભાવ કેવો કળાત્મક્તાથી રજૂ કરાયો છે! પછીના ત્રણેય શેર સામી વ્યક્તિના મનને એની વાણીથી નહીં, વલણથી વાંચવાની હિમાકત કરે છે. એક જ વિષય કેન્દ્રમાં હોવા છતાં ત્રણેય શેર અલગ અને આસ્વાદ્ય થયા છે. આખરી શેર પણ અર્થસભર. કુલ મળીને મજાની રચના.


Lata Hirani said,
September 10, 2026 @ 9:21 AM
સરળ શબ્દોમાં ઊંચી સમજણભરી ગઝલ.
લતા હિરાણી
R.B RATHOD said,
September 10, 2026 @ 11:35 AM
વાહ 💐❣️
બહુ સરસ ગઝલ
વિપુલ માંગરોલિયા-વેદાંત said,
September 10, 2026 @ 12:37 PM
સરળ બાનીમાં ખૂબ સરસ રચના
Dr Sejal Bhvesh Desai said,
September 10, 2026 @ 2:01 PM
સરસ ગઝલ..મત્લા અને બીજો શેર ખૂબ સરસ
અભિનંદન કવિ જય કાંટવાલા💐
Aasifkhan Pathan said,
September 10, 2026 @ 3:54 PM
વાહ વાહ સુંદર ગઝલ
વાહ
DILIPKUMAR CHAVDA said,
September 10, 2026 @ 4:59 PM
વાહ જયભાઈ જોરદાર તમારી ગઝલની ક્ષમતા અમે પણ સમજી ગયા..
Kishor Ahya said,
September 10, 2026 @ 5:18 PM
વાહ! બધા જ શેર જમીની હકીકત!સરળ ભાષા ને મજાની વાતો .
“એક અમસ્તું સ્મિત આપ્યું કોઈએ
લોકો એને લાગણી સમજી ગયા”
મનુષ્યનું મન! કોઈનું આકસ્મિક સ્મિત અને મનમાં હિસાબો શરૂ ! ક્યારેક લોકો સ્મિતને પોતા પ્રત્યેની લાગણી સમજી બેસે છે, મન જ્યાં ત્યાંથી અહંકારની સંતુષ્ટિ કરતું જ રહે છે!
બધાજ શેર સરસ થયાં છે. વાહ!
‘એકબીજાને કદી સમજી ગયા’ કવિ શ્રી જય કાંટવાલાની સરસ રચના. શ્રી વિવેકભાઈની સરસ ગઝલ પસંદગી અને સરસ આસ્વાદ.
🌹🌹🌹🌹
Jigisha Desai said,
September 10, 2026 @ 5:42 PM
Vahh…ખૂબસરસ,સરળ ગઝલ
tanu patel said,
September 10, 2026 @ 6:12 PM
સરસ….
Harihar Shukla said,
September 10, 2026 @ 6:40 PM
મોજ
હરનિશ એ. દેસાઈ said,
September 10, 2026 @ 6:50 PM
સરળ અને સુંદર ગઝલ. પોતાના પ્રિય પાત્રને માટે અને તેની સાથે ના પોતાના સબંધો એવા છે કે તેનો એકબીજાના મનોભાવો , ચહેરાના ભાવથી પણ સમજી લે છે.
મિત્ર રાઠોડ said,
September 10, 2026 @ 8:37 PM
વાહ, જય ખૂબ સરસ
અભિનંદન
મિત્ર રાઠોડ said,
September 10, 2026 @ 8:38 PM
વાહ, જય ખૂબ સરસ
અભિનંદન 💐💐💐
જય કાંટવાલા said,
September 11, 2026 @ 8:54 AM
વિવેકભાઈ અને તમામ ભાવકોને આભાર….
મયૂર હિંમતભાઈ કોલડિયા said,
September 12, 2026 @ 1:16 PM
વાહ… ગમતી ગઝલ… અભિનંદન
Preeti Pujara said,
September 13, 2026 @ 4:12 PM
આ ગઝલમાં પ્રેમની સૂક્ષ્મ અનુભૂતિ અને પરસ્પર સમજણનો કોમળ ભાવ સુંદર રીતે વ્યક્ત થયો છે. પ્રિયજનના મૌન, સ્મિત, અદા અને નકારમાં પણ છુપાયેલા પ્રેમને પામી લેવાની સંવેદનશીલતા દરેક શેરમાં દેખાય છે. “ધાકધમકીથી ન સમજાઈ જે વાત, એ તમારા મૌનથી સમજી ગયા” પ્રેમમાં શબ્દો કરતાં મૌનની ભાષા વધુ અસરકારક બને છે તે દર્શાવે છે. “એક અમસ્તું સ્મિત”ને લાગણી સમજી લેવું અને “ના”માં પણ પરવાનગીનો અર્થ પામી લેવો એ પ્રેમની અંતરંગ સમજણનાં સુંદર ઉદાહરણો છે. સહજ ભાષામાં પ્રણયની આ નિઃશબ્દ સમજને કવિએ ખૂબ જ હૃદયસ્પર્શી રીતે આલેખી છે.
વિવેક said,
September 14, 2026 @ 12:22 PM
તમામ પ્રતિભાવકોનો ફરી એકવાર આભાર… વિસ્તૃત ટિપ્પણી કરવા બદલ શ્રી કિશોર આહ્યા તેમજ સુશ્રી પ્રીતિ પૂજારાનો ખાસ આભાર
ramesh maru said,
September 14, 2026 @ 5:00 PM
સરસ રચના 👌🏻👍🏻
Shailesh Gadhavi said,
September 19, 2026 @ 1:02 PM
બહુ સરસ ગઝલ