હસતો રહ્યો – જમિયત પંડયા ‘જિગર’
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો.
ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઈના ઇકરાર ને ઇન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેનેય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું ’ધાર પર હસતો રહ્યો.
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણજાર પર હસતો રહ્યો.
– જમિયત પંડયા ‘જિગર’
પચાસ વર્ષ પહેલાં ૧૯૭૬માં ‘ગઝલનું છંદશાસ્ત્ર’ પુસ્તક લખીને પાયાનું કામ કરનાર આ પરંપરાના શાયરની ગઝલમાં ગઝલવાંછિત મિજાજ તંતોતંત છતો થાય છે. જિંદગીનો હાથ ટૂંકો હોય કે આપણી અપેક્ષા વધારે હોય –જે હોય તે પણ મનગમતું ને જોઈતું કોઈને કદી મળી રહેતું નથી. ‘सब का ख़ुशी से फ़ासला एक क़दम है, हर घर में बस एक ही कमरा कम है।‘ (જાવેદ અખ્તર) અસંતુષ્ટિની આગ જ મનુષ્યને દોડતો રાખે છે, પણ દાદ દેવી પડે એવી જિંદાદિલી એને જ કહેવાય જે ડગલેને પગલે સાંપડતી વિષમતાઓ અને અપૂર્તિઓ પર પણ હસતો રહે. આખી ગઝલ આ જ બેફિકરીના પાયા પર ચણાયેલી છે. પહેલા બે શેર તો યાદગાર મુક્તક બની ગયા છે.


viral vyas said,
September 4, 2026 @ 10:33 AM
તકિયો બની ગઝલ …વાહ
Harihar Shukla said,
September 4, 2026 @ 12:08 PM
સરસ ગઝલ. વડોદરામાં એક મુશાયરામાં સાંભળ્યા હોવાનું યાદ આવે છે.
ધીરૂ said,
September 4, 2026 @ 12:10 PM
ગઝલમાં માત્ર ધાર, આધાર, પગથાર, દાતાર, પ્યાર, મઝધાર, વણજાર જેવા વિપુલ કાફિયા મેળવી લેવાથી ગઝલ સાર્થક નથી થતી.
કવિએ ‘હસતો રહ્યો’ જેવી આકર્ષક રદીફ પસંદ કરી ખરી, પણ એ રદીફની પાછળ જે ‘અણધારી ચોટ’ (Impact) કે ‘આંતરિક વેદના’ હોવી જોઈએ, તેનો આખી ગઝલમાં સંપૂર્ણ અભાવ છે. જો પ્રાસ કાઢી લેવામાં આવે તો આ માત્ર પોતાના વખાણ કરતા કે ખુમારીનો દાવો કરતા સાધારણ વાક્યો જ બચે છે. ઉદાહરણ ..
“ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.”
તલવારની ધાર પર હસવું એ કાવ્યાત્મક આત્મવિશ્વાસ કે ખુમારીનું પ્રતીક બનવું જોઈએ. પણ શેરમાં એ ધાર વાગવાથી જે પીડા થાય, જે લોહી નીકળે કે જે વેદના જન્મે—તેની કોઈ સ્પષ્ટ કાવ્યાત્મક અનુભૂતિ ઊભી જ થતી નથી. જખમ કે પીડાના સંદર્ભ વગર માત્ર “ધાર પર હસતો રહ્યો” કહેવું એ આડંબરયુક્ત વિધાન લાગે છે, કવિતા નહીં.
Nirja parekh said,
September 4, 2026 @ 1:41 PM
ગઝલનો મિજાજ તો જુઓ… શાયરની ખુમારી તો જુઓ…વાહ.. ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો …જીગરભાઈને સલામ….
Kishor Ahya said,
September 4, 2026 @ 9:42 PM
કવિશ્રી જમિયત પંડયા ‘જિગર’ ની ગઝલ ‘હસતો રહ્યો’ગઝલના પરિપેક્ષમાં જોઈએ ,’હસતો રહ્યો ‘શબ્દોની અંદર ખૂબ પીડા છુપાયેલી છે! એમાંય છેલ્લો શેર..
“ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણજાર પર હસતો રહ્યો.”
“ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,” આ પંક્તિમાં ભોમિયો શબ્દ ક્યાં અર્થમાં મૂક્યો છે તે સ્પષ્ટ થતું નથી એક અર્થ જરા વધારે કલ્પનાશીલ લાગે છે, ભોમિયો શબ્દ નાયક દ્વારા પોતાના કોઈ પ્રિયજન માટે વપરાયો હોય એમ બની શકે. પ્રિય ભોમિયા જેવા છતાં હવે બીજા કોઇના આધારે ચાલી રહ્યા છે! (નાયકથી દુરી બનાવી) આ જોતા ગઝલનો નાયક ત્યાંથી દૂર ખસી જાય છે ને આ દ્રશ્ય દુઃખ સાથે જોતા એને ‘પાંગળી વણજાર ‘( દુઃખી અથવા પાંગળા માણશો) કહે છે .અહીં ભોમિયો પણ કોઈનો આધાર લઈ રહ્યો છે! એવા કટાક્ષ માટે પણ શેર મુક્યો હોય.
“જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.” વાહ!
“નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું ’ધાર પર હસતો રહ્યો”. વાહ!
બધાજ શેર સરસ અને ચોટદાર થયા છે.
શ્રી વિવેકભાઈએ સરસ ગઝલ પસંદ કરી સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
tanu patel said,
September 5, 2026 @ 5:48 AM
વાહ, સરસ…
યોગેશ ગઢવી said,
September 6, 2026 @ 11:26 AM
અદ્ભુત ખુમારી સાથેની ખૂબ સુંદર ગઝલ
અંતિમ શેર…
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણજાર પર હસતો રહ્યો.
મનમાં ઉઠતા થોડાક પ્રશ્નો,
ભોમિયો તો જાણકાર હોય તેને આધાર લેવાની શા માટે જરૂર પડી ?
તેનાથી વધારે જાણકાર હોય તો શક્ય છે કે તે આધાર લે,
બીજી કઈ વિવશતા હશે કે તેને આધાર લેવો પડ્યો ?
હવે જો આધાર જ લેવો પડે તો સામે વાળો વ્યક્તિ કે વણજાર પાંગળી કઈ રીતે હોઈ શકે?
હવે પાંગળી વણજારનો જ જો આધાર લીધો હોય તો નાયકે કોના પર હસવું જોઈએ ?
આ તો કેવળ તર્ક છે પરંતુ કોઈ વિદ્વાન આ કાવ્યાત્મકતાને ખોલી આપે તો આનંદ…
વિવેક said,
September 6, 2026 @ 1:32 PM
@ યોગેશ ગઢવી:
વણજારાઓ વણદીઠેલી ભોમ ખેડવા નીકળી પડે છે ત્યારે ભોમિયાનો સહારો લે છે. પણ બની બેઠેલ ભોમિયો સાચો ભોમિયો હોય એ જરૂરી નથી. ઓછી આવડત અને અપૂરતી લાયકાતને અવગણીને ભોમિયાવટું કરવા નીકળેલ માણસને માર્ગ શોધવા માટે બીજાનો આશરો લેવો પડે છે. આ કારણે કવિ વણજારને પાંગળી કહે છે, કે જેનો માર્ગદર્શક જ માર્ગથી અનભિજ્ઞ છે, એ વણજાર મંઝિલે શી રીતે પહોંચી શકશે? ગઝલપુરુષ ભોમિયાને પારખી ગયા હોવાથી વણજારથી દૂર ચાલી જઈ વણજારના ભાગ્ય પર હસી રહ્યો છે.
આશા છે કે વાત હવે સ્પષ્ટ થઈ હશે.
Devendra Shah said,
September 8, 2026 @ 11:14 AM
🙏🙏 પ્રભુ સરસ આભાર, પ્રણામ જોશ જગાડે તેવો પ્રસાદ, આભાર, પ્રણામ.🙏🙏
Suresh Parmar said,
September 8, 2026 @ 11:25 AM
સરસ ગઝલ 🌹👍
શૈલેષ પંડયા નિશેષ said,
September 8, 2026 @ 11:28 AM
“ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.”
અદ્ભૂત.. અદ્ભુત….
Preeti Pujara said,
September 8, 2026 @ 10:43 PM
અદ્ભૂત ગઝલ મત્લા જ ગઝલને સરસ ઉઘાડ આપે છે ..રદીફ પણ ખૂબ સરસ પસંદ કર્યો છે
આ ગઝલનો કેન્દ્રીય ભાવ જિંદગીની દરેક પરિસ્થિતિને હસતાં મોઢે સ્વીકારી લેવાની જિંદાદિલી છે. કવિ જીત અને હાર, સુખ અને દુઃખ, સ્વીકાર અને અસ્વીકાર – બધાને સમભાવથી જુએ છે. જીવનમાં મળેલા અંગારા, તલવારની ધાર, પથ્થર અને વિશ્વાસઘાત જેવી કઠિનતાઓ પણ તેના સ્મિતને ઝાંખું કરી શકતી નથી.
સાચી જીત બહારની સફળતામાં નહીં, પરંતુ દરેક સ્થિતિમાં મનની પ્રસન્નતા અને આત્મગૌરવ જાળવી રાખવામાં છે. જયમિત પંડ્યા ની આ ગઝલ બેફિકર મિજાજ, ખુમારી અને જીવનદર્શનનું સુંદર ઉદાહરણ છે.
Preeti Pujara said,
September 8, 2026 @ 10:44 PM
અદ્ભૂત ગઝલ મત્લા જ ગઝલને સરસ ઉઘાડ આપે છે ..રદીફ પણ ખૂબ સરસ પસંદ કર્યો છે
આ ગઝલનો કેન્દ્રીય ભાવ જિંદગીની દરેક પરિસ્થિતિને હસતાં મોઢે સ્વીકારી લેવાની જિંદાદિલી છે. કવિ જીત અને હાર, સુખ અને દુઃખ, સ્વીકાર અને અસ્વીકાર – બધાને સમભાવથી જુએ છે. જીવનમાં મળેલા અંગારા, તલવારની ધાર, પથ્થર અને વિશ્વાસઘાત જેવી કઠિનતાઓ પણ તેના સ્મિતને ઝાંખું કરી શકતી નથી.
યોગેશ ગઢવી said,
September 8, 2026 @ 11:48 PM
આપે સુંદર રીતે કાવ્યાત્મકતાનો ઉઘાડ કરી આપ્યો સાહેબ.., આભાર 🙏🏼
વિવેક said,
September 9, 2026 @ 10:58 AM
સમયપટ પરના બે અલગ અલગ બિંદુને એક જ માપપટ્ટીથી માપવા બેસીએ એ અંધેરી નગરીના ગંડુરાજાના ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવો ન્યાય ગણાય…
પરંપરાના શાયરોએ જે બુનિયાદ રચી એની ઉપર જ આપણો આજનો ગઝલમહેલ ચણાયો છે. એટલે આ રચનાઓમાં ખામીઓ શોધવા કરતાં એના ઐતિહાસિક મૂલ્યને આદર આપવો જોઈએ એમ મારું માનવું છે…
તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર
ramesh maru said,
September 9, 2026 @ 11:53 AM
વાહ 👌🏻👌🏻🙏🏻
Jyoti Patel said,
September 10, 2026 @ 9:00 PM
Beautiful ghazal… the perfect reminder to smile through all of life’s ups and downs…👌
Vivek, using that Javed Akhtar quote, you have beautifully reminded that perfection is an illusion. Wisdom is about celebrating what we have, and acknowledging the missing room as befikri grace rather than sadness. Loved this નજરિયો.
મનીષા આર. દુધાત "મનમંદિર" said,
September 11, 2026 @ 9:15 AM
ખુમારીની શ્યાહી પૂરી કલમમાં જીગર પરિસ્થિતિઓને હરાવી હસતો રહ્યો….. મોટા ભાગના શેર નિર્વિવાદ ઝળહળી રહ્યાં છે… ખૂબ ખૂબ અભિનંદન…
રાજેન્દ્ર ભટ્ટ said,
September 14, 2026 @ 5:36 PM
ખુમારી ખુદ્દારી અને ખાનદાની ની ગઝલ ખૂબ ખૂબ અભિનંદન🎉🎊