પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં.
વિવેક ટેલર

(આવકારો આ ઝરણ પામી ગયાં) – રાવજી પટેલ

આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.

લો, ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંઝિલ ધારશે- થાકી ગયાં.

રણ, તને કેવી મળી છે પ્રેયસી?
ઉમ્રભરની જે તરસ આપી ગયાં.

આવતાં’તાં હર વખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.

આવનારા કોઈ નવતર માફ કર,
આવનારાં જે હતાં આવી ગયાં.

– રાવજી પટેલ

રાવજી પટેલે એના ટૂંકા આયખામાં ચાર જ ગઝલ કહી છે, એટલે સમજી શકાય કે ગઝલ એમના માટે ડાબા હાથે કવિતા લખવા માટેના અખતરાથી વિશેષ નહીં હોય. આનંદ એ વાતનો છે કે ગઝલના મિજાજને ક્ષતિ પહોંચાડ્યા વિના આ કામ થયું છે. પહાડોની ભીતર સૂતેલાં ઝરણા અચાનક જાગી જાય એ સ્વયંસ્ફુર્ય ઘટનામાં આવકારો તો કવિ જ પામી શકે. બીજો શેર બહુ સરસ થયો છે. થાકી ગયેલાં ચરણોને કવિએ એક જ પંક્તિમાં લો-ચલો-ઊઠો-ઓ એમ ચતુર્વિધ આહ્વાન આપીને વાતને યથોચિતપણે અધોરેખિત કરી બતાવી છે. ચરણ અભાગી પણ છે અને થાકી પણ ગયાં છે. પણ હામી ગુમાવી બેઠેલ ચરણોને શબ્દોના ચાબુકથી દોડાવવાની નવતર કળ કવિને હાથ લાગી છે. ચાલો ભાઈ ચાલો… ક્યાંક મંઝિલ એવું ન ધારી લે કે તમે થાકી ગયાં છો… રણની સુક્કાશ પાછળનું કારણ પણ કવિએ મજાનું શોધી કાઢ્યું છે. ‘આવતાં’તાં હર વખત તોફાન લઈ’ –મતલબ, આવતાં તો હતાં, પણ કદી કાયમ માટે રહી જવા માટે નહીં… આવી આવીને ચાલ્યા જવા માટે જ. જે વ્યક્તિ કાયમ તોફાન લઈને-થઈને આવતી, એના ચાલી ગયાં પછી હવે અહીં કેવળ ખામોશી બચી છે. હવે આ જીવનમાં કશા નવતરને કોઈ અવકાશ નથી. જેમણે આવવું જોઈતું હતું એ તો આવી ગયાં…

28 Comments »

  1. Vinod Manek said,

    August 28, 2026 @ 11:14 AM

    ખૂબ સરસ ભાવવાહી તરલ ગઝલ
    .

  2. દાન વાઘેલા. ભાવનગર said,

    August 28, 2026 @ 11:25 AM

    ખૂબ ઉત્તમ અને ભાવોર્મિથી સભર ગઝલનો એવો જ સરસ સંક્ષિપ્ત, લાઘવમય આસ્વાદ પણ ગમ્યો. આનંદ સાથે ધન્યવાદ.

  3. Varij Luhar said,

    August 28, 2026 @ 11:37 AM

    વાહ સરસ ગઝલ અને આસ્વાદ

  4. dhiru said,

    August 28, 2026 @ 11:41 AM

    રાવજી પટેલની આ ગઝલમાં બીજો શેર જ એવો છે જે ગઝલની ખરી તાકાત અને ચમત્કૃતિ દર્શાવે છે.

    લો, ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
    ક્યાંક મંઝિલ ધારશે- થાકી ગયાં.
    સામાન્ય રીતે માણસ થાકી જાય ત્યારે મંજિલ દૂર થાય છે અથવા પ્રવાસ અટકે છે. પણ અહીં શાયરે ‘થાકી ગયાં’ ક્રિયાપદનો એવો અદભુત ઉપયોગ કર્યો છે કે પગ થાકીને અટકી જશે, તો એવું લાગશે કે મંજિલ આવી ગઈ!
    આ શેર હતાશા, સતત રઝળપાટ અને મંજિલ ન મળવાના વિષાદને અત્યંત ગંભીરતાથી પકડે છે. ‘અભાગી ઓ ચરણ’ કહીને ચરણ સાથેનો સંવાદ શેરને ઊંચા ગજાનો બનાવે છે.
    બાકીના શેર માત્ર કાફિયા-રદીફ (નિભાવવા માટે) ગોઠવ્યા હોય તેવા સાધારણ લાગે છે:
    પ્રથમ શેર (મત્લા): “આવકારો આ ઝરણ પામી ગયાં / પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં” – આ શેરમાં ઝરણાંનું પહાડમાંથી વહેવું એ સાવ સાધારણ અને કુદરતી પ્રક્રિયા છે. તેમાં કવિતા તરીકે કોઈ નવો વિચાર કે ચોટ નથી.
    ત્રીજો શેર (રણ અને પ્રેયસી): “રણ, તને કેવી મળી છે પ્રેયસી? / ઉમ્રભરની જે તરસ આપી ગયાં” – . આમાં કોઈ નવીનતા (Freshness) નથી, માત્ર પિષ્ટપેષણ છે.
    ચોથો શેર (તોફાન અને ખામોશી): “આવતાં’તાં હર વખત તોફાન લઈ / સાવ ખામોશી અહીં રાખી ગયાં” – આ શેર સારો છે પણ ગઝલની દુનિયામાં આ પ્રકારના વિરોધાભાષી શેર ખૂબ સામાન્ય બની ગયા છે.
    આખરી શેર (મક્તા/આવનારા): “આવનારા કોઈ નવતર માફ કર / આવનારાં જે હતાં આવી ગયાં” – આ શેરમાં જે સંતોષ કે નિરાશાનો ભાવ છે તે ભાવાત્મક રીતે ગૂંચવાયેલો છે. ‘આવનારાં જે હતાં આવી ગયાં’ એમાં કોઈ કાવ્યાત્મક ચમત્કાર સર્જાતો નથી.
    ઘણીવાર આખી ગઝલમાં કવિને એકાદ જ શેર ઉત્તમ મળે છે, અને બાકીના શેર માત્ર ગઝલ પૂરી માટે લખાતા હોય છે.
    આ ગઝલમાં પણ એ જ થયું છે—બીજો શેર જ ગઝલનો પ્રાણ છે.

  5. Jugalkishor said,

    August 28, 2026 @ 11:56 AM

    રાવજીનું જીવન અને કવન એકબીજામાં કેવું ઓતપ્રોત છે તે અહીં અનુભવાય છે.

  6. દિનેશ ડોંગરે નાદાન said,

    August 28, 2026 @ 12:26 PM

    વિવેકભાઈ રાવજી પટેલે ભલે ચાર જ ગઝલો લખી હોય પણ ચારેચાર કાવ્યતત્વથી સભર અને ‌નવોન્મેષ પ્રકટાવે છે. તમે આ ગઝલને ખૂબ સુંદર રીતે ઉઘાડી આપી છે.‌ અભિનંદન મિત્ર.

  7. Lalit Trivedi said,

    August 28, 2026 @ 12:29 PM

    વંદન

  8. Mita GM said,

    August 28, 2026 @ 12:39 PM

    ખૂબ સરસ

  9. Yogesh Samani said,

    August 28, 2026 @ 2:14 PM

    ઉમદા ગઝલ.

  10. ગીતા પંડ્યા said,

    August 28, 2026 @ 3:40 PM

    વાહ, ખૂબ સરસ ઉમદા ગઝલ

  11. ગીતા પંડ્યા said,

    August 28, 2026 @ 3:43 PM

    રાવજી પટેલને વંદન

  12. Harihar Shukla said,

    August 28, 2026 @ 4:17 PM

    સરસ ગઝલ

  13. Kishor Ahya said,

    August 28, 2026 @ 6:20 PM

    “આવકારો આ ઝરણ પામી ગયાં,
    પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં. ”
    પ્હાડમાંથી ઝરણું ટપકે છે ત્યારે જે અવાજ આવે છે આમ ઝરણ જાગી
    ગયા! મને લાગે છે આ શેરનો અર્થ બહુ અંગત હશે જો કે કવિ શ્રી રાવજી પટેલ ની પૂરી ગઝલ જ નાયકના પ્રેમભાવ સાથે સંબંધિત હોય તેવુ દેખાય છે જે પછીના શેરથી સ્પષ્ટ બને છે.

    “લો, ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
    ક્યાંક મંઝિલ ધારશે- થાકી ગયાં.”
    આ શેરનો અર્થ અધ્યાહર છે. મંઝિલ ધારશે ! કવિએ મંઝીલને માનવીય સંવેદના આપી છે, નક્કી કવિ માટે આ મંઝિલ ખૂબ મહત્વની હોય શકે !આ મંઝિલ કઠણ હશે, અને માનસિક તાણા વાણા વાળી હશે ,અને નાયક પ્રયાસ કરતા પાછા પડ્યા હોય જેથી કદાચ નાયકે ચરણ માટે અભાગી શબ્દ પ્રયોજ્યો હોય!

    છેલ્લા ત્રણે શેર નાયકના પ્રેમના અનુસંધાને હોય તેવું દેખાય છે .
    “રણ, તને કેવી મળી છે પ્રેયસી? જેઉમ્રભરની તરસ આપી ગયા. ”
    રણમાં પણ તરસ હોય છે! પ્રેમમાં પણ તરસ હોય છે! પ્રેમની તરસને નાયક ઉમ્રભરની તરસ કહે છે. નાયક પોતાને જ સવાલ કરે છે પણ પ્રતિકાત્મક રણ છે!

    “આવતાં’તાં હર વખત તોફાન લઈ,સાવ ખામોશી અહીં રાખી ગયા'”
    નાયક માટે પ્રેમથી ભરેલી અથવા ચંચળ પ્રકૃતિ ધરાવનાર નાઇકા જેને માટે નાયકે “આવતાં’તાં હર વખત તોફાન લઈ” શબ્દ પ્રયોજ્યો છે ,નાઈકા ચાલી જતા જે ખામોશી સર્જાય છે તે વિશે નાયક કહે છે. “ખામોશી અહીં રાખી ગયા'”

    “આવનારા કોઈ નવતર માફ કર,
    આવનારાં જે હતાં આવી ગયાં.”
    નાયકને કોઈ નવા પ્રેમની હવે તલાશ નથી રહી! નાયક કહે છે, જીવનમાં જે આવવાના હતા તે આવી ગયા! હવે નવતર મને માફ કરે ! જરૂર ખૂબ દુઃખી હૃદયે કવિએ આ શેર રચ્યો હશે.

    આ ત્રણે શેર વાંચ્યા પછી પ્રથમ બે શેર થોડા સમજાય છે. નાયકે પ્રેમ માટેનો નાઈકાનો કોઈ આવકારો દૂરથી જાણ્યો કે સાંભળ્યો હોય! અને નાઇકા પાસે જવું એટલે મંજિલ!

    “આવકારો આ ઝરણ પામી ગયાં” કવિ શ્રી રાવજી પટેલની ગહન અર્થવાળી સરસ ગઝલ છે.

    શ્રી વિવેકભાઈએ બહુ સરસ ગઝલ પસંદ કરી ખૂબ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  14. Suresh Parmar said,

    August 28, 2026 @ 6:49 PM

    ખૂબ સરસ 🌹👍🙏

  15. viral vyas said,

    August 31, 2026 @ 9:41 AM

    રણ તને કેવી મળી છે પ્ર્રેયસી ….વાહ

  16. Devendra Shah said,

    August 31, 2026 @ 11:27 AM

    🙏🙏 પ્રભુ, સરસ, આભાર, પ્રણામ.🙏🙏

  17. જિજ્ઞા વોરા said,

    August 31, 2026 @ 1:14 PM

    ખૂબ સરસ ગઝલ

  18. Raksha Shukla said,

    August 31, 2026 @ 1:50 PM

    રાવજી ઘણા ગમે…તમો જે પીરસો છો એ ઉત્તમ…સુંદર…👍🏻👌🏻🌹

  19. Rajendra Mehra said,

    August 31, 2026 @ 2:01 PM

    રાવજી પટેલે ફક્ત ગઝલ જ લખી હોત તો આપણને એક સક્ષમ ગઝલકાર પણ મળત.

  20. Amin Kanchan said,

    August 31, 2026 @ 2:23 PM

    ખૂબ સરસ અભિવ્યક્તિ–

  21. Meena Parekh said,

    August 31, 2026 @ 4:00 PM

    વાહ ખૂબ સરસ.

  22. વિવેક said,

    September 1, 2026 @ 6:43 PM

    સમય ફાળવીને કમેન્ટ કરનાર બધા જ સહૃદય ભાવકોનો આભારી છું

  23. ramesh maru said,

    September 2, 2026 @ 1:17 PM

    રાવજી પટેલની ચેતનાને વંદન…🙏🏻

  24. Bhagirath Pandya said,

    September 2, 2026 @ 3:05 PM

    ફૂલ ખીલ્યું ના ખીલ્યું ને ખરી પડ્યું. ફૂલ નહીં આ રાવજીનું જીવન હતું. “મારી આંખે કંકુના સૂરજ” આપીને રાવજી અમર થઇ ગયા. એમણે બીજું કંઈ ના લખ્યું હોત તો પણ ચાલતે. બીજો શૅર દમદાર થયો છે. થાકવાની મનાઈ છે. ચરણોએ તો થાકવું નહીં જ. “લો ચલો ઉઠો” કવિ ચરણને ઉઠવાનું કહે છે. સુંદર શીખ. વિવેકભાઈ, આસ્વાદ સ્વાદિષ્ટ. આનંદ. કાશ! રાવજી, તમે હોત તો કવિતા ક્યાં પહોંચી ગઇ હોત! 🙏

  25. jyoti Patel said,

    September 5, 2026 @ 7:25 AM

    This is an amazing ghazal, and knowing the poet wrote only four in his lifetime makes it special.
    Thanks vivek,for sharing such wonderful literary work and explaining the hidden feelings behind every line.It proves that just a few lines are enough to capture all human sadness and strength and leave a lasting impact.

  26. વિવેક said,

    September 5, 2026 @ 10:49 AM

    ફરી એકવાર બધા જ પ્રતિભાવકોનો દિલથી આભાર માનું છું…

    સવિસ્તર ટિપ્પણી કરવા બદલ શ્રી ધીરૂ, કિશોર આહ્યા, ભગીરથ પંડ્યા તથા જ્યોતિનો સવિશેષ આભારી છું.

  27. Preeti Pujara said,

    September 8, 2026 @ 10:55 PM

    આ ગઝલમાં રાવજી પટેલે ઝરણાં, પર્વત, રણ, તરસ અને તોફાન જેવા પ્રતીકો દ્વારા જીવનની ગતિ, અધૂરપ અને અનુભવોને વ્યક્ત કર્યા છે. પર્વતમાંથી જાગેલું ઝરણું જાણે નવી આશાનું પ્રતીક છે, જ્યારે “અભાગી ચરણ” થાક અને સતત મંઝિલની શોધ દર્શાવે છે. “રણને મળેલી પ્રેયસી” તરીકે તરસનું રૂપક અત્યંત અર્થસભર છે—રણની ઓળખ જ જાણે તરસ બની ગઈ છે.

    છેલ્લા શેરોમાં આવનારા તોફાનોની જગ્યાએ છવાયેલી ખામોશી અને “આવનારાં જે હતાં આવી ગયાં”માં સમયના પૂર્ણ થઈ ગયેલા ચક્રનો સંકેત મળે છે. સરળ શબ્દોમાં ગહન જીવનાનુભૂતિ, પ્રતીકાત્મકતા અને કરુણ સૌંદર્ય આ ગઝલને રાવજી પટેલની આગવી કાવ્યસંવેદનાથી સમૃદ્ધ બનાવે છે.

  28. Shyam Thakor said,

    October 4, 2026 @ 11:17 PM

    સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment