Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

બહુ નથી

એમના રસ્તામાં ઠોકર બહુ નથી,

જેમની દુનિયામાં ઇશ્વર બહુ નથી.

ખુશ થવાના તેથી અવસર બહુ નથી,

સૌને પગ છે, તોય પગભર બહુ નથી.

એને ઉકેલ્યા નહીં બસ એટલે,

પ્રશ્ન ઝાઝા છે ને ઉત્તર બહુ નથી.

મેઘ વરસે તે છતાં દુષ્કાળ છે,

ખેડવા માટેના ખેતર બહુ નથી.

તુંય ડગ એકાદ ભર ને જો પછી,

આપણી વચ્ચેનું અંતર બહુ નથી.

કિરણસિંહ ચૌહાણ

સહજ લાગે

તું લબ ખોલે, ષડ્જ લાગે,

ઘણી મીઠી તરજ લાગે.

મેં જોયું વાંસળી દ્વારા,

જગત આખુંય વ્રજ લાગે.

જરા બાળકની નજરે જો,

બધું કેવું સહજ લાગે !

હે ઇશ્વર ! તું કૃપા ના કર,

મને એ પણ કરજ લાગે.

તમારી ઓઢણી ફરકે,

અને સૌંદર્યધ્વજ લાગે.

કિરણસિંહ ચૌહાણ

વાયર જોજે

મિત્રો,

ગત તા. ૨૦મીએ સાહિત્યસંગમ ખાતે જનકભાઇના સુપુત્ર ચિંતનના લગ્નપ્રસંગે એક પ્રણય કવિસંમેલનનું આયોજન થયું હતું. ત્યાં માઇકનો વાયર સહેજ લાંબો હોવાથી એમાં કોઇ ગંભીર કવિ ભેરવાઇને હાસ્યકવિ સાબિત ન થાય કે હાસ્યકવિ ભેરવાઇને ગંભીર ન થાય એ માટે કવિશ્રી નયન દેસાઇ દરેક કવિને ચેતવતા કે  ‘ભાઇ વાયર જોજે.’  બસ.. આ શબ્દો મનમાં રમ્યા કરતા હતા અને મોજ ખાતર એક  હળવી રચના કરી. જે તમારી સામે રજૂ કરું છું. અને એક ખાસ વાત જણાવી દઉં કે આ હઝલમાં મેં જે કવિની વાત કરી છે એ ત્યાં કાર્યક્રમમાં રજૂ થયેલા કવિમિત્રોમાંથી કોઇ નથી.

ગઝલ તેં સુંદર કહી, હવે તું વાયર જોજે,

શ્રોતાઓને નહીં, હવે તું વાયર જોજે.

આમ નશીલી દાદની વચ્ચે ગૂમ ન થા,

ભાનમાં થોડો રહી, હવે તું વાયર જોજે.

સાંઠ વરસ પહેલાની પીડા યાદ ન કર,

એનું શું છે અહીં ?  હવે તું વાયર જોજે.

અંગત વાતો કહેવાઇ ગઇ તો ચિંતા છોડ,

આબરૂ ગઇ કે રહી! હવે તું વાયર જોજે.

દસ દસ કાવ્યો કહી પૂછે કે ‘બીજાં કહું?’

સૌ ચિલ્લાયા ‘નહીં….’ હવે તું વાયર જોજે.

કિરણસિંહ ચૌહાણ

સાધના કરવી પડે

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,

નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,

એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,

યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,

અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,

સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

કિરણસિંહ ચૌહાણ

કરગરી રહ્યાં

પૂછી જુઓ આ જાતને કે ક્યાં જઈ રહ્યાં,

કોના ઇશારે આપણે આગળ વધી રહ્યાં?

જન્મોજનમના કોલ તને દઇને શું કરું?

જયાં એક ભવના વાયદા ખોટો પડી રહ્યા.

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,

રોઈ શકાય એટલાં આંસુ નથી રહ્યાં.

પામ્યાં જબાન તોય કશું બોલતાં નથી,

ખુદના જ શબ્દ જેમને કાયમ નડી રહ્યા.

ભૂલી ગયાં કે બ્રહ્મ તણા અંશ છો તમે !

ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યાં !

કિરણસિંહ ચૌહાણ

દીવો

મિત્રો,

દિવાળીની અઢળક શુભકામનાઓ સાથે આજે જ રચાયેલું એક તાજજું ગીત ખાસ આપના માટે.

ટમટમતો એક દીવો,

કહે કે મારા સાંનિધ્યમાં જિવાય એટલું જીવો.

બેસી રહેવાથી પણ અહિયાં વપરાશે બહુ તેલ,

જીવનમાં કૈં રમ્ય પળોની કરીએ રેલમછેલ.

સદાય ભીતર ફરતો રાખો મન નામે મરજીવો.

કેટકેટલા સમયના ટુકડા રહી ગયા છે કોરા,

મારી દિવેટમાંથી લઇ લો જોઇએ એટલા દોરા.

કાળઘસરકે ફાટી ગયેલી ઘટનાઓને સીવો.

કિરણસિંહ ચૌહાણ

મારો જન્મ

 

જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,

મહેક પંક્તિમાં પરોવીને દઇશ.

હું કિરણ છું એટલે જયાં જયાં જઇશ,

શબ્દથી થોડું તો અજવાળું કરીશ.

રીત ખોટી છે

અહીંથી રોજ ઝઘડીને જવાની રીત ખોટી છે,

તું બોલે રીતનું પણ બોલવાની રીત ખોટી છે.

નથી કહેતો કે રાતે જાગવાની રીત ખોટી છે,

ઊઠીને આ ગમે ત્યાં ચાલવાની રીત ખોટી છે.

ઉડાડી મૂકી આખા માંડવામાં ધૂળ, સખ્ખત ધૂળ,

ઘણાં કહે છે કે ‘તારી નાચવાની રીત ખોટી છે.’

તમે જાણો છો, કે હું કેમ અટક્યો, કેમ ઝડપાયો ?

મને રસ્તે થયું કે ‘ભાગવાની રીત ખોટી છે.’

મને એકાંતમાં લઇ જા અને લાતે ને ઢીંકે માર,

બધાંની વચ્ચે આ ફટકારવાની રીત ખોટી છે.

કિરણસિંહ ચૌહાણ

જલસો કરીએ

બે વાતોનો ખર્ચો કરીએ,

કોઇ પણ રીતે જલસો કરીએ.

નથી જવું તો ચિંતા છોડો,

જવું જ છે તો રસ્તો કરીએ.

ગફલત થઇ ને લપસ્યો એ તો,

આવો, એને બેઠો કરીએ.

વૃક્ષોને એમ જ સાચવીએ,

જેમ દીકરાને મોટો કરીએ.

ખૂબ મઝાનો વિચાર આવ્યો,

આવ્યો છે તો વહેતો કરીએ.

કિરણસિંહ ચૌહાણ

તિરંગા

બડી શાન સે, બડે ફક્ર સે લહરાતા હૈ આજ તિરંગા,

અપની સાંસે, અપની ધડકન ઔર અપની આવાઝ તિરંગા.

સબ કે દિલ પર,  હર મંઝિલ પર કરતા હૈ અબ રાજ તિરંગા,

કભી ન કરના ઐસા કામ કી હો જાએ નારાજ તિરંગા.

કિરણસિંહ ચૌહાણ

Design a site like this with WordPress.com
શરૂ કરો