તહેવારોની ઉજવણીનો અતિરેક : આનંદ કે આપત્તિ

દેશમાં સતત કોઈ ને કોઈ તહેવારો કે ઉત્સવો ચાલતા જ હોય છે. તહેવારો વિવિધ સમુદાયોને એકસાથે લાવવા, ભાઈચારો અને એકતા વધારવા સાથે આનંદ પણ વધારે છે. ઉજવણીથી ઊર્જા મળે છે તે વાત બરાબર, પરંતુ ધાર્મિકતાનો અતિરેક ઘાતક નીવડી રહ્યો છે, ત્યારે શું આપણે જાગવાની જરૂર નથી?

તહેવારોની ઉજવણીનો અતિરેક :
આનંદ કે આપત્તિ

✍️ ગિરીશ સુંઢિયા

ભારત તહેવારો અને ઉત્સવોનો દેશ છે. માનવસમાજમાં અને જીવનમાં ધર્મનું અનેરું સ્થાન છે. ખરેખર તો માનવી ધર્મ વિના ટકી પણ ન શકે, પણ આજે લોકો ધર્મનો અર્થ અવળો કરી બેઠા છે. ધર્મનો મૂળભૂત હેતુ આજના ભૌતિક યુગમાં હવે ઓછો જોવા મળે છે. દેશમાં સતત કોઈ ને કોઈ તહેવારો કે ઉત્સવો ચાલતા જ હોય છે. તહેવારો વિવિધ સમુદાયોને એકસાથે લાવવા, ભાઈચારો અને એકતા વધારવા સાથે આનંદ પણ વધારે છે. ઉજવણીથી ઊર્જા મળે છે તે વાત બરાબર, પરંતુ ધાર્મિકતાનો અતિરેક ઘાતક નીવડી રહ્યો છે, ત્યારે શું આપણે જાગવાની જરૂર નથી? તહેવારોમાં ઘણા લોકો પુષ્કળ કુદરતી પદાર્થોને પવિત્ર માની તેની પૂજા કરવામાં કે હોમ-હવન કરી અમૂલ્ય પદાર્થો વેડફી નાખે છે અને ગજા બહારના ખર્ચા કરે છે.

દેવ-દેવીઓની મૂર્તિની કે ઈશ્વરની પૂજા-પ્રાર્થના એ વ્યક્તિગત આસ્થાનો વિષય હોઈ, તે માત્ર વ્યક્તિની ઉપાસના ગણાય, તેને ધર્મ કહી શકાય નહીં. ધર્મ એ તો એક મનુષ્યનું બીજા મનુષ્ય સાથેનું આચરણ છે. પરસ્પર પ્રેમ એ જ ધર્મ છે. ધર્મને વ્યક્તિગત ઉપાસના કે ક્રિયાકાંડો સાથે કોઈ જ સંબંધ નથી. આજે જેને ધર્મ કહેવામાં આવે છે તે સંગઠિત કે સંસ્થાકીય ધર્મ છે. જો ધર્મ સનાતન સત્ય હોત તો દુનિયામાં એક જ ધર્મ હોત; જુદી જુદી વિચારસરણીવાળા આટલા ધર્મો અને દરેક ધર્મના આટલા સંપ્રદાયો-પંથો ન હોત. કામ પર રજા પાડીને પગપાળા યાત્રાએ જવું એ માનવશક્તિ અને માનવકલાકોનો બગાડ છે. રસ્તામાં ચાલતાં ચાલતાં પ્લાસ્ટિકનાં પાઉચ, બોટલો, કચરો વગેરે ફેંકતાં જવું એ પર્યાવરણનો અનાદર કહેવાય. આવી યાત્રા તો અંધશ્રદ્ધા છે. સાધુ-સંતો સંસારનો ત્યાગ કર્યા પછીયે સંસારના લોકો સાથે જ રહે છે, સગવડોવાળી જગ્યાએ રહે છે અને સગવડોનો ત્યાગ કરવાને બદલે તેનો ખૂબ જ ઉપયોગ કરે છે. દીક્ષા પછી ડગલે ને પગલે બીજા લોકોની સેવા લેવી પડે છે. પર્વનું મહત્ત્વ જાળવી રાખવા માટે ધનની નહીં, ત્યાગની જરૂર પડે છે.

સાચા શ્રદ્ધાળુઓએ તો જન્માષ્ટમી, ગણેશોત્સવ, ઉત્તરાયણ, હોળી-ધૂળેટી અને નવરાત્રિ જેવા ઉત્સવોમાં પ્રવેશેલા મદિરાપાનને કારણે બદનામ થતા ધર્મને બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ. મંદિરોમાં ઘી-દૂધનો બગાડ થતો હોય, મૂર્તિનાં દર્શન માટે ધક્કામુક્કી વચ્ચે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હોય તો એવી પૂજાને સમયનો બગાડ જ ગણી શકાય.

હોળીનો તહેવાર આજના જમાના સાથે સુસંગત નથી. ગલીએ-ગલીએ હોળી પ્રગટાવી કરોડો રૂપિયાનું લાકડું સળગાવવામાં આવે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવે છે. હોળી-ધૂળેટીના દિવસે સમગ્ર ગુજરાતમાં લોકો કરોડો રૂપિયાનો દારૂ પીએ છે. સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં રંગોત્સવની ઉજવણી માટે કેમિકલવાળા રંગીન પાણીની પિચકારીઓ તેમજ ગુલાલથી એકબીજાને રંગે છે, કપડાં બગાડે છે, આંખ-કાન કે મોંમાં કલર જાય તો નુકસાન પણ થાય છે; ક્યારેક મોટા ઝઘડાઓ અને હત્યાના બનાવો બન્યા છે અને આવું દર વર્ષે થાય છે.

ઉત્તરાયણ ઉજવવાનો કોઈ હેતુ નથી કે પ્રજાને કોઈ લાભ નથી. લોકોના ખિસ્સા ખાલી થાય છે. લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. કરોડો રૂપિયાના પતંગના દોરાથી કેટલાંય પક્ષીઓ મરે છે, તેના માટે કોઈને દિલગીરી નથી.

દિવાળીના તહેવારોમાં વેપારીઓ, પૂજાપાઠ કરતા લોકો અને મંદિરોને અઢળક ફાયદો થાય છે અને સામાન્ય લોકોનાં ખિસ્સા ખાલી થાય છે. કરોડો રૂપિયાનું દારૂખાનું ફોડવાથી હવા અને અવાજનું પ્રદૂષણ ફેલાય છે. નવરાત્રિ, ગણેશોત્સવ અને મોટા ભાગના ધર્મના તહેવારો વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે.

આપણે ત્યાં છાશવારે ટ્રાફિક જામ કરી મૂકતાં ધાર્મિક સરઘસો, જુલૂસો અને વરઘોડાઓ નીકળે છે. રસ્તા ઉપર નાચગાન થાય છે અને કાન ફાડી નાખતાં ફટાકડા ફૂટે છે. લાઉડ સ્પીકરથી અવાજનું પ્રદૂષણ થાય છે. દર વર્ષે આવો ત્રાસ થાય છે અને તેમાં સતત વધારો થતો જ રહે છે.

ભારતમાં કરોડો લોકો દરરોજ ભૂખ્યા સૂઈ જાય છે. કરોડો બાળકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી, ત્યારે ધાર્મિક પ્રસંગોએ હજારો માણસોના જમણવાર થાય છે અને વધેલી રસોઈ ઉકરડામાં ફેંકી દેવામાં આવે છે. મોટા ભાગના ઉત્સવોમાં વધુ ને વધુ અશાંતિ, અરાજકતા અને અસંતોષનું પ્રમાણ નજરે પડે છે.

તહેવારો ટાણે જ ટ્રાફિકની સમસ્યા, વાહનોનો અતિરેક, પાર્કિંગની સમસ્યા અને બજારોમાં આડેધડ વાહન-પાર્કિંગ લોકો માટે માથાનો દુખાવો બને છે. જેના કારણે બાળકો, મહિલાઓ, રાહદારીઓ, અશક્તો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત સામાન્ય વર્ગ માટે જાહેર રસ્તા પરથી પસાર થવું સતત જોખમકારક રહે છે. તહેવારોની સીઝનમાં લોકો અમર્યાદિત માત્રામાં મીઠાઈઓ વગેરે ખાઈ આનંદ લે છે, જેથી સુગર લેવલ વધી જવાની સમસ્યા પણ પેદા થાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ભારતમાં નાસભાગની ઘટનાઓનો ડેટા એકત્ર કરે છે. આવી કેટલીક મુખ્ય ઘટનાઓ:

ક્રમ વર્ષ ઘટનાઓ
૧ ૧૯૫૪

કુંભમેળામાં ધક્કામુક્કીમાં ૮૦૦ લોકોનાં મોત થયાં હતાં.

૨ ૨૦૦૩

નાશિક કુંભમેળામાં ૩૯ લોકોનાં મોત થયાં હતાં.

૩ ૨૦૦૫

મહારાષ્ટ્રના સતારા સ્થિત માંઢરદેવી મંદિરમાં નાસભાગ થતાં ૩૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

૪ ૨૦૦૮

રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં ભાગદોડથી ૨૫૦ લોકોનાં મોત થયાં હતાં.

૫ ૨૦૧૦

ઉત્તર પ્રદેશના રામજાનકી મંદિરમાં ધક્કામુક્કીમાં ૬૩ લોકોનાં મોત થયાં હતાં.

૬ ૨૦૧૧

શબરીમાલા મંદિરમાં ધક્કામુક્કીમાં ૧૦૯ લોકોનાં મોત થયાં હતાં.

૭ ૨૦૧૨

પટનામાં રાવણદહન વખતે ૩૩ લોકોનાં મોત થયાં હતાં.

૮ ૨૦૧૩

પ્રયાગરાજ કુંભમેળા બાદ રેલવે સ્ટેશને ફૂટ ઓવરબ્રિજ તૂટી પડતાં ૪૨ લોકોનાં મોત થયાં હતાં.

૯ ૨૦૨૩

ઈન્દોરમાં રામનવમી પ્રસંગે ભાગદોડમાં ૩૫ લોકોનાં મોત થયાં હતાં.

૧૦ ૨૦૨૫

પ્રયાગરાજ મહાકુંભમાં ભીષણ આગ લાગવાની મોટી ઘટનાઓ બની હતી, જેમાં અનેક તંબુઓ બળીને ખાખ થઈ ગયા હતા. તેમ જ મૌની અમાસના દિવસે બેરિકેડ તૂટતાં થયેલી ધક્કામુક્કી/ભાગદોડમાં ૩૦થી વધુ શ્રદ્ધાળુઓનાં કરુણ મોત થયાં હતાં.

૧૧ ૨૦૨૬

બિહારના નાલંદા જિલ્લાના શીતળા માતા મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ વચ્ચે બેરિકેડ તૂટતાં સર્જાયેલી ભાગદોડમાં ૮ મહિલાઓનાં મોત થયાં હતાં. (સૌજન્ય: ઓપન મેગેઝિન રિપોર્ટ)

ખરી ઉજવણી તો આ છે :

કામદારોને મજૂર કાયદાનું રક્ષણ મળે, પૂરતો પગાર તથા તમામ લાભો મળે તે માટે ‘કામદાર દિવસ’ની ઉજવણી કરવી જોઈએ. સતત વધતી જતી મોંઘવારી, બેકારી, ગરીબી અને ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ ઉઠાવવો જોઈએ. ઉત્તમ શિક્ષણ, આરોગ્યની સગવડો, રહેઠાણ, પાણી, વીજળી, રસ્તા, ગટર તેમ જ જંગલ અને જમીનના પ્રશ્નો; ખેડૂતો, આદિવાસીઓ અને દલિત ખેતમજૂરોના વર્તમાન સમયના સળગતા પ્રશ્નો પર લોકજાગૃતિ લાવવી જોઈએ. બાળલગ્ન, બાળમજૂરી, જાતિગત અસમાનતા, અસ્પૃશ્યતા તથા માનવ અધિકારો, યુવા અને મહિલા અધિકારોનું ઉલ્લંઘન થતું અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ. સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વધારવા માટે સક્રિય પ્રયત્નો થવા જોઈએ.

✍️ ગિરીશ સુંઢિયા

સુરતની ‘સત્યશોધક સભા’ના રૅશનલ માસિક ‘સત્યાન્વેષણ’ના ૪૦૦મા વિશેષાંક (માર્ચ-૨૦૨૫)માં પ્રગટ થયેલ રૅશનાલિસ્ટ ગિરીશ સુંઢિયાના લેખમાંથી; લેખકના અને ‘સત્યાન્વેષણ’ માસિકના સૌજન્યથી સાભાર…

લેખક-સંપર્ક: રૅશનાલિસ્ટ ગિરીશ સુંઢિયા, પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, ૬૯/૨, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈવે, પાલનપુર – ૩૮૫ ૦૦૧, મોબાઈલ : +૯૧ ૯૪૨૬૬ ૬૩૮૨૧

નવી દૃષ્ટિ, નવા વિચાર, નવું ચિન્તન ગમે છે? તેના પરિચયમાં રહેવા નિયમિત મારો રૅશનલ બ્લૉગ http://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર મંગળવારે અને શુક્રવારે સવારે, આમ સપ્તાહમાં બે પોસ્ટ મૂકાય છે. તમારી મહેનત ને આતુરતા નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવિંદ મારુ – ઇ-મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : ૪-૦૯-૨૦૨૬

10 Comments

  1. વાહ ગિરીશ સુંઢિયા સાહેબ વાહ, તમારી વાત સાથે હું 500% સહમત

    Liked by 1 person

  2. हिन्दू ધર્મમાં લોકો હવે દેખાદેખી કરીને નૈતિક મૂલ્યો નેવે મૂકીને રીતસરનું ધર્મના નામે ધતિંગ ચલાવે છે.
    અને એમાં સરકાર પણ લોકોને આવા ઉત્સવો કરવા પ્રેરીત કરે છે. દુખ તો ત્યારે થાય જ્યારે ગામડા કરતાં શહેરોમાં રહેતાં શિક્ષિત લોકો ધર્મના નામે ધતિંગ કરવામાં આગળ હોય છે.
    લેખક શ્રીએ સાચું કહ્યું છે કે કોઈ પણ જાતનાં લાભ વગરનાં ઉત્સવો ઉજવવામાં માત્ર આર્થિક નુકસાન જ નહીં પણ પર્યાવરણને પણ નુકસાન થાય છે.
    હજી ગણેશ ઉત્સવને ઘણી વાર હોવા છતાં મહિના અગાઉથી આગમન તૈયારીના ભાગ રૂપે શહેરમાં ઠેકઠેકાણે રસ્તાઓ ઉપર મોટા DJ અને લાઈટીંગ સિસ્ટમ ગોઠવીને ટ્રાફિક જામ કરે છે. એમાં પોલીસ પણ સાથે હોય છે એટલે કોઈ વિરોધ કરી નથી શકતા. એમાંય વિસર્જન સમયે પણ ઠેરઠેર ટ્રાફિક અને મોટા અવાજે DJ મ્યૂઝિક વાગતાં હોય છે, જે ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને પ્રેગનન્ટ સ્ત્રીઓ માટે ખૂબ નુકસાનકારક છે. આવા ટ્રાફિક સમયે જો કોઇને મેડીકલ ઈમર્જન્સી આવી પડે તો શું થાય?
    દરેક તહેવારોના અંતે કચરો અને પ્રદૂષણ આડપેદાશ તરીકે મળે છે.
    આજની ભણેલી ગણેલી પેઢીના લોકો એમણી મહેનતની કમાણી કેમ ખોટા બિનઉપજાઉ/બિનઉપયોગી તહેવારોમાં ખર્ચી નાખતાં હશે???
    દોષ શિક્ષણનો છે. પ્રાથમિક શાળાઓથી જ વિદ્યાર્થીઓને તહેવારોની ઉજવણી શીખવાળાય છે.
    તહેવારો કોઈપણ જાતનાં અતિરેક વિના ઉજવાય તો જ એનું મહત્વ રહે અને પર્યાવરણ સુરક્ષિત રહે તો સમાજ પણ સુરક્ષિત રહે.

    લોકજાગૃતિ માટેના લેખ બદલ લેખકશ્રી અને શ્રી ગોવિંદભાઈનો ખૂબ આભાર!

    Liked by 1 person

  3. Thanks for sharing the effective & informative artical which to be comply by citizen of Indian, India will became Develop country..

    Liked by 1 person

Leave a comment