સ્પીક ફોર ધ ચિલ્ડ્રન

જે ઉંમરે હાથમાં રમકડાં અને સ્લેટ-પેન હોવાં જોઈએ, તે ઉંમરે ચાની કીટલીઓ, જોખમી કારખાનાં અને હોટેલોમાં વાસણ ઘસતાં કરોડો બાળમજૂરો આપણા કહેવાતા સંસ્કારી અને આધ્યાત્મિક સમાજ સામે એક સણસણતો સવાલ છે. અનાથ બાળકો, ત્યક્ત શિશુઓ અને બાળમજૂરીના કડવા વાસ્તવ પર સમાજનો દંભ ઉઘાડો પાડતો પ્રા. રમણ પાઠક (વાચસ્પતિ)નો આ વિચારપ્રેરક અને ઝણઝણાવી મૂકનારો લેખ સંવેદનશીલ હૃદયને હચમચાવી મૂકશે.

સ્પીક ફોર ધ ચિલ્ડ્રન

✍️પ્રા. રમણ પાઠક (વાચસ્પતિ)

જૂનાગઢની શિશુમંગલ સંસ્થાનું શાંત-સ્વસ્થ વાતાવરણ આમ તો ચિત્તને પ્રસન્નતાકર લાગતું હતું; ખરે જ મંગલમય અને માનવતામય જ કહેવાય; પ્રવર્તમાન પરિસ્થિતિમાં… દાખલા તરીકે, યુદ્ધ એ માનવીની સરાસર બેવકૂફી છે, છતાં યુદ્ધમાં ઘવાયેલાં તથા બરબાદ થયેલાંની સેવા કરવી એ સેવાભાવના કે માનવકરુણાનું મૂલ્ય એથી જરાય ઘટતું નથી, બલ્કે એ અનિવાર્ય છે. આથી એવા માનવતાવાદીઓને આપણા ધન્યવાદ જ ઘટે. એવું જ અનાથાશ્રમોનું છે. શિશુમંગલ સંસ્થા એક સરસ અનાથાશ્રમ ચલાવે છે; જ્યાં મેં જોયું કે, એનાં સંચાલિકા પૂ. મીનાક્ષીબહેન જાની કેવળ કરુણાભાવે, પૂરા પ્રેમ-વાત્સલ્યથી સંસ્થામાં આવતાં અનાથ શિશુઓના યોગક્ષેમની સારસંભાળ લે છે; જે તેઓનું જીવનકાર્ય છે. ચેખોવે ક્યાંક એ મતલબનું કહ્યું છે કે, કેદખાનાં અને પાગલખાનાં એ માનવજાતનું શરમજનક અનિષ્ટ છે; પરંતુ જ્યાં સુધી આ માનવપ્રાણી આવું ને આવું જ હશે, ત્યાં સુધી કેદખાનાં ને પાગલખાનાં અનિવાર્ય જ રહેવાનાં. અનાથાશ્રમોની વાસ્તવિકતા પણ મહદંશે કંઈક આવી જ છે. વધુ દુઃખની હકીકત તો એ છે કે, અહીં ફંગોળાતાં શિશુઓમાંનાં મોટા ભાગનાં અનાથ નહીં, ત્યક્ત હોય છે. ‘અનાથ’ અને ‘ત્યક્ત’ એ બે વિશેષણો વચ્ચેનો ભીષણ ભેદ સંવેદનશીલ ચિત્તને ડંખ્યા વિના ભાગ્યે જ રહે.

યોગાનુયોગે જ, શિશુમંગલ સંસ્થામાં એક ખરેખર મંગલવિધિ આટોપાઈ રહ્યો હતો. એ હતો: એક મજાના અનાથ નરશિશુના દત્તકવિધાનનો પ્રસંગ. નવાં માતાપિતા ખુશહાલ હતાં, જેમને જોતાં મને આવા સરસ બાળકને લાચાર ભાવે ત્યજી દેનાર પેલાં અસલી મા-બાપની બેહાલ વેદના યાદ આવી જતી હતી. પરંતુ મજબૂરીનો ઇલાજ થઈ શકે, મૂર્ખતાની મહામારી મટાડવી દુઃસાધ્ય. આજથી પૂરાં દોઢસો વર્ષ પૂર્વે, અંધારે ખૂણે જન્મતાં ને તત્કાળ ઉકરડે ફંગોળાઈ જતાં બાળકોની અબુધ યાતના સામે આદ્ય સુધારક નર્મદે વેધક આક્રોશ પોકાર્યો હતો અને વિધવાવિવાહની તરફેણમાં પ્રચંડ ઝુંબેશ ઉપાડી હતી. એ ઝુંબેશ લગભગ મરી પરવારી, પરંતુ આપણા સમાજમાંથી હજી વિધવાસંસ્થા મરી નથી! ત્યાં એક નવી જ સમસ્યાએ અનધિકાર જન્મ લીધો છે. આપણે ખરેખર એક અદ્ભુત આત્મપીડક પ્રજા છીએ!

કન્યાઓની લગ્નવય વધી, જોકે સુધારક માનસના વિકાસને પરિણામે અલબત્ત, એમ નથી બન્યું; પરંતુ ઈતર પરિબળો સમક્ષની લાચાર અવસ્થાથી તેવું વધુ બન્યું છે. તેમ છતાંય એને આવકાર્ય ગણીએ. પરંતુ એમાંથી જ એક નવી કરુણ સમસ્યા જન્મી તે કુંવારી માતાઓની- જોકે આમ તો, આ જડસુ સમાજમાં, સંભવતઃ ત્રણ-ચાર હજાર વર્ષથી, કર્ણ-કુંતીના જમાનાથી જ એ ચાલી આવતી હશે; એટલે એ જન્મી નહીં, ફક્ત ઘણી વધુ વ્યાપક, તીવ્રતર બની એમ જ કહેવું ઘટે. નર્મદ એના જમાનામાં તો કલ્પી પણ ન શકે, તે ઝુંબેશ હવે આપણે જોરદાર વેગે ઉપાડવી અનિવાર્ય બની છે અને તે, કુંવારી માતાઓના સામાજિક સ્વીકારની. છતે મા-બાપે શિશુઓ અનાથ બની જઈ, અનાથાશ્રમોની દયા ઉપર, તેને હવાલે થાય છે; એ દુઃખિયારાં અબુધોની દયા આવવા જેટલીય માનવતા જો આ દેશમાં બચી હોય તો, કુંવારી માતાઓ પ્રતિષ્ઠિત ગૌરવભેર સમાજમાં ઉન્નત મસ્તકે હરીફરી શકે એવી આબોહવા સર્જવાની ઝુંબેશ હવે આપણે ઉપાડવી જ રહી. અત્રે નોંધવું ઘટે કે, અનેક દેશોમાં કુંવારી માતાની પ્રતિષ્ઠા પરિણીતા માતા જેટલી જ સામાજિક છે.

આમ તો દેશમાં પદાર્થ-સદ્પદાર્થ માત્રની તંગી જ તંગી છે; પરંતુ એ સર્વ પ્રકારની તંગીઓની વિશાળઉદરા જનેતા છે: માનવતાની તંગી. પશ્ચિમના સુધરેલા દેશો જ્યારે માનવતાની ભાવનાથી પ્રેરાઈને આપણને ટપારે છે કે, ‘તમારે ત્યાં જે ઉદ્યોગોમાં બાળમજૂરો જોતરાયાં હશે, એવા ઉદ્યોગો દ્વારા બનતો માલ અમે ખરીદીશું નહીં!’ ત્યારે આપણે ઉશ્કેરાઈ જઈ, મિથ્યા આક્ષેપબાજીમાં રાચીએ છીએ અને એમાંથી રાજકારણના કે દાદાગીરીના પોરા શોધવા લાગી જઈએ છીએ. માણસને આત્મનિરીક્ષણ કરવું ગમતું જ નથી અને પોતાના દોષો દેખાતા જ નથી. વળી, જો સામો માણસ આપણા એવા કોઈ દોષ તંતોતંત ચીંધીને બતાવે, તો આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ અને ગાળાગાળી દ્વારા આત્મસંતોષ શોધીએ છીએ. વ્યક્તિગત રીતે કોઈ માણસની આવી નિર્બળતા ક્ષમ્ય ગણીએ, કારણ કે એવા તો સેંકડો મળે. પ્રત્યેક અનુભવની જ એ ઘટના છે કે, નાછૂટકેય ક્યારેક સામાના દોષનો અંગુલિનિર્દેશ, એને સુધારવાના શુભ હેતુથીય થઈ જાય, તો ઇનકાર અને ઝઘડો જ વહોરવો પડે છે, છતાં એ જતું કરીએ. પરંતુ એક રાષ્ટ્રના ભયાનક રાષ્ટ્રીય અનિષ્ટ પ્રતિ જ્યારે માનવતાથી પ્રેરાઈને કે ભલે કોઈ ઈતર આશયથી અન્ય દેશ પ્રતિકાર દર્શાવે; ત્યારે શરમાવાને બદલે કે સુધરવાને બદલે આપણે દોષારોપણમાં ઝંપલાવીએ છીએ અને સંતોષ-આશ્વાસન લેવામાં રાચીએ છીએ. આવા અભિગમ બદલ તો આપણે શરમાવું જ જોઈએ. પરંતુ એથીય વધુ, તીવ્રતમ શરમથી આપણું મસ્તક ઝૂકી જવું જોઈએ અને આંખ ભીની થવી જોઈએ; તે તો એ ભયાનક હકીકતથી કે આપણા દેશમાં ઓછામાં ઓછા છ કરોડ બાળમજૂરો છે. દુનિયાભરમાં સૌથી વધુ!

હમણાં કાળઝાળ ગરમીમાં, ઉપલેટાની એક બેઢંગ હૉટેલમાં, આપણી બેઢંગ જિંદગાનીના દુઃખદ પ્રતીકસમા અણગમાપ્રેરક પરિવેશમાં, મિત્ર ઇન્દુકુમાર જાનીએ ચા મંગાવી; છોકરો ચા લઈને આવ્યો ને એ કડક-મીઠી સ્પેશ્યલ કડવી ઝેર બની ગઈ. શ્યામવરણો, મેલોઘેલો એ બિસ્માર બાળક, જેના મુખ ઉપર કોઈ માનવીય નૂરની તો આશા જ શી? પરંતુ આઠ-દસ વરસના એ મજબૂર ચહેરા ઉપરનો ત્રસ્તતા તથા શૂન્યતાનો ભાવ ખરેખર જીરવવો દુષ્કર હતો; જાણે અમને પૂછતો હતો કે, જિંદગી આવી કેમ? સવારથી સાંજ સુધી, બાર-ચૌદ કલાક આ ગુલામ બાળક રેંકડી પરથી આમ ચાની કીટલીની લાવ-જાવ કર્યા કરતો હશે. એના ચિત્તમાં જરૂર પ્રશ્ન ઊઠતો હશે જ કે, ‘આ બધું શું અને શા માટે?’ પરંતુ બાળક પાસે શબ્દો નથી હોતા. અને એથી જ કદાચ દુઃખીમાં દુઃખી બાળકેય કદી આત્મહત્યા નથી વિચારી શકતું. આ બાળક એવો તો દૂબળોપાતળો કે જોતાં જ સમજાઈ જાય કે તે પોષક ખોરાકના જીવલેણ અભાવથી પીડાય છે. પ્રેમના, સ્નેહ-વાત્સલ્યના અભાવની તો અહીં વાત જ શી કરવી, જ્યાં પ્રેમસ્રોત એવાં ખુદ મા-બાપે જ એને કેવળ આમદાનીનું સાધન ગણી, કાળી મજૂરીએ જોતરી દીધો હોય ત્યાં! દૂબળા હાથે ચાના ભંગાર પ્યાલા ભરતાં ભરતાં, એ યંત્રબાળક બીજા હાથે જોરજોરથી એનું માથું ખણતો હતો; જે બાપડું કદાચ જૂથી ખદબદતું હશે. એક માસૂમ, નિર્દોષ, નિરાધાર બાળક- ત્રણ-ત્રણ લોહીતરસ્યાં પ્રાણીઓ એને ચૂસી રહ્યાં હતાં: મા-બાપ, રેંકડીવાળો શેઠ અને જૂ! એને માથે હાથ ફેરવી, ગોદમાં લઈ, પૂછવાનું મન થાય કે, ‘બેટા, ક્યારેય તું નાહ્યો છે ખરો? આવ, તને આંસુથી નવરાવું!’ પણ એવા મનોરથમાં સમર્થતા ક્યાંથી પૂરતી? આપણેય લાચાર, એ જ પ્રશ્ન પૂછી વિરમીએ કે, ‘જિંદગી આવી કેમ?’ આપણી આઝાદી, લોકશાહી, આપણો ગાંધીવાદ, આપણો મહાન આધ્યાત્મિક વારસો, આપણી વિશ્વશ્રેષ્ઠ પ્રાચીનતમ સંસ્કૃતિ તે આ જ કે? કેવી ક્રૂર મજાક!

ભારત દેશનો આમ નાગરિક કેવળ ભૌતિકવાદી, ધનલાલસુ, લાગણીહીન, સ્વાર્થી, માનવતાવિહોણો જણ છે. અંગ્રેજીમાં લખતા એક ભારતીય લેખકે કટાક્ષમાં કહ્યું છે કે, ભારતીય નીતિમત્તા એટલે મુખમાં રામ અને મનમાં કામ! અહીં ‘સેક્સ’ના વિકલ્પે આપણે ‘પૈસો’ મૂકી શકીએ. આપણી આધ્યાત્મિકતા પણ ધનલાલસામાંથી પ્રગટે છે. મતલબ કે, આપણા ધાર્મિકો માને છે કે, કથા-પારાયણોના શ્રવણથી કે ભજન-ભક્તિ ને ધ્યાનથી ક્યાંક કશોક દુન્યવી લાભ મળી જાય. એથી જ આપણા અધ્યાત્મગુરુઓ દોમદોમ ભોગવિલાસમાં આળોટે છે અને આથી જ આપણી આધ્યાત્મિકતા માનવતા નથી પ્રગટાવતી. બાળમજૂર સસ્તો પડે છે; એ કદી પગારવધારો નથી માગતો; ટ્રેડ યુનિયન નથી રચતો; હડતાળો નથી પાડતો; કોઈ પણ આનુષંગિક હક તે માગતો નથી; તે તમામ અન્યાય સહી લે છે અને ચૂપચાપ માર ખાઈ લે છે. આથી આપણા નફાલાલચુ શેઠિયા બાળમજૂરો રોકવાનું વધુ પસંદ કરે છે. ફટાકડાનાં, ગાલીચાઓનાં, દીવાસળીનાં, સ્લેટનાં કારખાનાંમાં લાખોની સંખ્યામાં બાળમજૂરો વેઠ કરે છે; જે કામ એવું તો જોખમી છે કે યુવાનીમાં પ્રવેશતાં સુધીમાં તો તનતોડ શ્રમ કરતાં આ નાજુક ભૂલકાં ચિરઆરામમાં પોઢી જાય છે.

મહુવા (સૌરાષ્ટ્ર)માં, સર્કિટ હાઉસમાં અમારે માટે ચા લઈને આવેલા આઠેક વર્ષના કિશોરને મેં પૂછ્યું કે, ‘દોસ્ત, તને હું બે રૂપિયા બક્ષિસના આપું, તો તારો શેઠ એ તારી પાસે રહેવા દે કે છીનવી લે?’ છોકરો કહે, ‘એને ખબર પડે, તો એ છીનવી જ લે!’ આ શેઠિયાઓમાં એટલી પણ દયા નહીં કે, ‘ભલે, એ બાપડાને કોઈએ રૂપિયો-બે રૂપિયા આપ્યા તો એક દા’ડો ચોકલેટ-પીપરમીંટની કે જલેબી-ગાંઠિયાની મોજ માણતો!’ અરે, કદાચ મા-બાપ ખુદ પણ એવી વધારાની રકમ પોતાના બાળકના ખિસ્સામાંથી ખંખેરી જ લેતાં હશે. દુઃખદ આશ્ચર્યની હકીકત એ કે, આ દેશમાં બાળમજૂરી પ્રતિબંધક કાયદો છે, ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે અને છતાં અઢીથી ચૌદ વર્ષની વયનાં પૂરાં છ કરોડ બાળકોને સાવ મામૂલી વેતન બદલ, સલામતીની સામાન્ય પણ વ્યવસ્થા કર્યા વિના જ, છડેચોક અને બિન્દાસ વેઠે જોતરવામાં આવે છે.

કવિવર ટાગોરે ક્યારેક કહ્યું હતું કે, જ્યાં સુધી આ પૃથ્વી પર બાળકો જન્મે છે ત્યાં સુધી માનવું કે હજી ઈશ્વરે માનવજાતમાંથી શ્રદ્ધા ગુમાવી નથી. જ્યારે ગોર્કીએ જાહેર કર્યું કે, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર બાળકો રિબાય છે ત્યાં સુધી હું માનવા તૈયાર નથી કે આ દુનિયા ઈશ્વરની બનાવેલી છે. હું કહું છું કે, ભારતનો ભગવાન સેડિસ્ટ છે; જે જથ્થાબંધ બાળકો જન્માવીને એમની પીડા જોવાનો આનંદ માણે છે!

ખેર, આ તો વારંવાર ચર્ચાતી નક્કર હકીકતો છે. આજે તો અત્રે મારે એક નવો વિચાર, નવો ઇલાજ પ્રસ્તુત કરવો છે. જોકે મને પ્રારંભરૂપે તો આમૂલ ક્રાંતિકારી ઇલાજો જ ગમે; જે એવા કે, બાળકોને મજૂરીએ રાખનાર શેઠિયાને સીધો ફાંસીએ જ ચઢાવી દેવો અથવા તો ગરીબોની ફરજિયાત ખસી કરી દેવી; એમને માટે બાળક જન્માવવા ઉપર જ સખત પ્રતિબંધ મૂકવો યા પોતાના કુમળા સંતાનને મજૂરીએ મોકલનાર મા-બાપને કડકમાં કડક સજા કરવી- જોકે એવાં મા-બાપો તો કંગાલ અને એથી લાચાર હોય છે.

ખેર, એવું કંઈ પણ આ રાષ્ટ્રમાં અસંભવ! કારણ કે જે પ્રજાનો આત્મા જીવંત હોય એ રાષ્ટ્રમાં જ ક્રાંતિ થાય. આપણે તો મૃત અંતરાત્માવાળી મુડદાલ માનવટોળી છીએ. આ સંજોગોમાં એક નવો જ શક્ય તથા સૌમ્ય ઇલાજ સૂચવું; જે માનવતાને નાતે તત્કાળ અજમાવવો ઘટે: અનાથાશ્રમો અનિવાર્ય છે, તે ભલે સ્થાપો; જોકે કુંવારી માતાને સ્વીકારીએ તો આવા આશ્રમોની સંખ્યા અવશ્ય ઘટાડી શકાય. એને બદલે, ચાલો, આપણે ‘બાળમજૂર-આશ્રય સંસ્થાઓ’ સ્થાપીએ! દાતાઓ આ પુણ્યકાર્ય માટે મેદાનમાં અચૂક આવે! ઘણાની પાસે ઘણો જ પૈસો છે; પણ એ વાપરતાં આપણને નથી આવડતું, જે શીખીએ! સેવાસંસ્થાઓ પણ આ કાર્યમાં જોડાય!

આવી બાળમજૂર-આશ્રય સંસ્થાઓ બાળમજૂરોને એમની કાળી, અમાનવીય હાલતમાંથી છોડાવી લાવી, પોતાને ત્યાં રાખે અને પ્રેમ-પોષણ આપે, શિક્ષણ આપે, માનવીય સંસ્કાર આપે અને જીવનોપયોગી કાર્ય-કારીગરી શીખવે. આવી સંસ્થાઓ જો સ્થળે સ્થળે સ્થપાય, તો બાળમજૂરી-નિવારણનું કાર્ય નોંધપાત્ર પ્રમાણમાં સિદ્ધ થાય. માટે હવે જાગો, ઊઠો જ! આ ઈશ્વરનું કાર્ય છે. જાણીતા ચિંતક શ્રી નગીનદાસ સંઘવી લખે છે: ‘હસવા-ખેલવાનું તથા શિક્ષણ પામવા માટેનું બાળપણ છીનવી લઈ, બાળકોને જીવતોડ મજૂરી કરવાની ફરજ પાડનારો સમાજ ઈશ્વરનો દ્રોહી છે. બાળમજૂરીથી તૈયાર થતા માલસામાન પર પ્રતિબંધ મૂકવાની ધમકી યુરોપ-અમેરિકાનાં રાષ્ટ્રો આપવા લાગ્યાં છે, એમાં… સમભાવ અને સંવેદનાનો અંશ પણ છે. માનવહકનો અનાદર થતો હોય તેવા કામથી વેગળા ખસી જવાનો હેતુ પણ તેમાં સમાયેલો છે. એટલો જશ વિકસિત દેશોના લોકો અને આંદોલનકારીઓને આપણે આપવો જોઈએ.’

થોડા માસ પહેલાં, એક વાચકમિત્રે ઉશ્કેરાઈને પત્ર લખેલો કે, ‘બાળકોની વકીલાતનો મિથ્યા બકવાસ બંધ કરો! એથી કશું જ વળવાનું નથી. બાળકો આમ જ કાગળિયાં વીણવાનાં છે અને ઉકરડા ફેંદવાનાં છે… આમ જ રિક્ષાઓમાં ગોંધાઈને શાળાઓમાં ધકેલાવાનાં છે ઇત્યાદિ!’ મિત્ર, તમારી આગાહી કદાચ સાચી- કબૂલ! તેમ છતાંય અમે તો બોલીશું જ. આપણા બાળનિષ્ણાત ડૉ. બિપિન દેસાઈએ એક સૂત્ર આપ્યું છે: ‘સ્પીક ફોર ધ ચિલ્ડ્રન!’ બાળકો વતી બોલો; કારણ કે બાળકો જાતે બોલી શકતા નથી.

✍️ પ્રા. રમણ પાઠક (વાચસ્પતિ)

સુરતના ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતિ)ની વર્ષોથી દર શનિવારે પ્રગટ થતી રહેલી લોકપ્રિય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વિષયોનું સંકલન કરીને સ્મરણીય રજનીકુમાર પંડ્યા, શ્રી. યાસીન દલાલ તેમ જ શ્રી. ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સંપાદીત કરી સાકાર કર્યો હતો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તિ : 1997; પાનાં :  381 મૂલ્ય : રૂપિયા 200/-)માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટિ, નવા વિચાર, નવું ચિન્તન ગમે છે? તેના પરિચયમાં રહેવા નિયમિત મારો રૅશનલ બ્લોગ http://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર મંગળવારે અને શુક્રવારે સવારે, આમ સપ્તાહમાં બે પોસ્ટ મૂકાય છે. તમારી મહેનત ને આતુરતા નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવિંદ મારુ ઇ-મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : ૨૫/૦૯/૨૦૨૬

4 Comments

  1. ” બાળ મજૂર ” વિશે લેખો લખવા અને તેમની દયનિય પરિસ્થિતિ પર ચર્ચા કરવાથી આ પ્રશ્ન હલ થવાનો નથી. આમાં સરકાર સાથે હાથ મિલાવી, નાગરિકોએ સહાય કરવી જોઈએ. ઓછા પગારમાં બાળકો પાસે કામ કરાવતા ધનિકો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે. તેમને જરા પં શરમ નથી આવતી. ઓછા પગારમાં રાખી ગદ્ધા વૈતરું કરાવે છે. આપણા દેશની વસ્તી જુઓ ? સરકાર એકલી શું કરે. મારા , તમારા જેવા પોતાનો ફાળો આપે છે ખરા ? ” ના ” તો પછી લખવાનો કે ચર્ચા કરવાનો અર્થ નથી. સુખી વર્ગ કમર કસે, આજુ બાજુ દેખાતા એવા બાળકોને સહાય કરે. ” એક વ્યક્તિનું આ નથી કામ . સમૂહનું જુઓ શુભ પરિણામ”. સહુએ જાગ્રત થવાની જરૂર છે. ચાલો ત્યારે કરીએ શુભ શરુઆત. સહુ પ્રથમ નાના બાળકોને નોકરી પર ન રાખો. તેમને ઉદાર દિલે ભણવા માટે જરૂરિયાત પૂરી પાડો.

    Liked by 1 person

  2. It is the outcome of economic requirement.

    Family need more income, hence child labor has become necessity. It’s a shame on society as a whole.

    Liked by 1 person

Leave a Reply