એક હિંદુ તરીકે તમે બીજા હિંદુને શું કહેવા માંગશો?
02/12/2019 5 ટિપ્પણીઓ
ગઈકાલે ક્વોરા (Quora)માં એક પ્રશ્ન વાંચ્યો, જે લોકોએ એના ઉત્તરો આપ્યા હતા અને જે ઉત્તરોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો તે ફક્ત ડહાપણ ભરી શીખામણો આપતા, પોલિટિકલી કરેક્ટ ઉત્તરો લાગતા મને થયું કે મારે આ પ્રશ્નનો તો જવાબ આપવો જ જોઈએ અને મેં આપ્યો. ત્યાં જે ઉત્તર આપ્યો તે આજે અહિં ગુજરાતીમાં રજૂ કરું છુ. મેં ક્વોરામાં આપેલો મૂળ જવાબ અંગ્રેજીમાં અહિં જોઈ શકશો.
- તમારા ધર્મનો અને તમારી માન્યતાઓનો આદર કરો.
- તામારા ધર્મને એટલે કે હિંદુ ધર્મને જાણો જેને આજકાલ લોકો સનાતન ધર્મ પણ કહે છે.
- તમારા ધર્મ વિષે તમારા શાસ્ત્રોમાંથી શીખો, તમારી પાસે ઘણાં શાસ્ત્રો છે.
- અઢાર (૧૮) પુરાણોમાંથી કોઈ પણ એક તો અવશ્ય વાંચો જ, તમને જે પુરાણ ગમે તે પસંદ કરી શકો છો. એ પુરાણ જ તમને શીખવશે કે ધર્મ શું છે.
- ભાષણબાજો, કથાકારો, વક્તાઓ કે ધર્મગુરુઓએ કહેલી વાતો પર આંધળો વિશ્વાસ ન મૂકો, જાતે જે તે પુરાણ/શાસ્ત્ર વાંચી તેમની કહેલી વાતની ચોક્સાઈ કરી જુઓ.
- વેદ વાંચવાનો પ્રયત્ન કરો, શક્ય હોય તો ચારેય વેદો વાંચો.
- ભગવદ્ ગીતા કોઈ શાસ્ત્ર નથી, એ ફક્ત એક સંક્ષિપ્ત ગ્રંથ છે.
- તમને એ વાતની જાણ હોવી જ જોઈએ કે ભગવદ્ ગીતા મહાભારતનો એક અંશ છે. તે કોઈ પુરાણ કે વેદનું અંગ નથી.
- હિંદુ ધર્મ તમને ઇશ્વરના સાકાર અને નિરાકાર રૂપમાંથી તમારી અનુકૂળતા પ્રમાણે પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. સાકાર રૂપ એટલે વિગ્રહ સ્વરૂપ (જેને લોકો મૂર્તિ કે પ્રતિમા પણ કહે છે) અને નિરાકાર સ્વરૂપ એટલે શિવલિંગ કે શાલિગ્રામ, જે ફક્ત પ્રતિકાત્મક ચિહ્ન છે, કોઈ નિશ્ચિત આકારની મૂર્તિ નથી. એ તમારો નિર્ણય છે કે તમારે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપની પૂજા કરવી છે કે એક નાના કાળા પથ્થરની જેને શાલિગ્રામ કહેવાય છે, બન્ને રીતે તમે વિષ્ણુને ભજી શકો છો.
- આમ, હિંદુ ધર્મ ફક્ત મૂર્તિપૂજા શીખવાડે છે એ ફક્ત એક અફવા છે.
- હિંદુઓ મહદંશે શાકાહારી હોય છે એનું કારણ એ છે કે હિંદુ ધર્મ સર્વ જીવો પ્રત્યે દયા અને સહિષ્ણુતા રાખવાનું શીખવે છે. જો તમે એક વખત દયા શું છે તે જાણી લો તો પોતાની ભૂખ ભાંગવા માટે નબળા કે અશક્ત પશુને મારવાનો જીવ નહિ ચાલે. જૈન સાધુઓ આ જ કારણથી પગમાં પગરખાં કે પાદુકાઓ નથી પહેરતા અને બોલતી વખતે મોં આગળ મુપત્તી રાખે છે, સુક્ષ્મ સ્તરની અહિસા તેને કહેવાય.
- એટલું ધ્યાન રાખો કે આપણાં શાસ્ત્રો જ્ઞાતિપ્રથા નથી શીખવાડતા, વર્ણપ્રથા અને જ્ઞાતિપ્રથામાં આભ-જમીનનો ફરક છે. ચાર વર્ણો ફક્ત સમાજનું લોકોનાં કૌશલ્યને આધારે વર્ગીકરણ કરવાની રીત હતી, તેમના જન્મને આધારે વર્ણ નિર્ધારિત નહોતા થતા. હા, એ વાત અલગ છે કે લોકોને તેમના વડીલો જ શિક્ષા આપતા હતા, તેથી એવું થતું કે એક કૌશલ્ય કે કળા એજ વંશમાં ચાલી આવતી અને એ કારણે વર્ણ વ્યવસ્થા જન્મગત હોવાની ગેરસમજ થઈ. દા.ત. આજના આધુનિક યુગમાં એક ઉદ્યોગપતિ પોતાના બાળકોને એના જ વ્યવસાયમાં પ્રવેશે તે માટેના શક્ય એટલા બધા જ પ્રયત્નો કરશે, ડોક્ટર પોતાનો દીકરો કે દીકરી ડોક્ટર જ બને એવું કરશે. શાસ્ત્રોમાં પણ એવું જ થતું હતું. (ઉમેરણ:જો આજે આપણને જવાહરલાલ નહેરુની દીકરી, તે દીકરીનો દીકરો, એ દીકરાની પત્ની અને દીકરો અને કદાચ દીકરી, બધા જ રાજકારણમાં જ પ્રવેશે તેમાં; ધીરુભાઈ અંબાણીના બન્ને દીકરાઓ અને તેમના પણ દીકરા-દીકરીઓ એ જ વ્યવસાયમાં પ્રવેશે; જીતેન્દ્રનો, અમિતાભ બચ્ચનનો, રાકેશ રોશનનો, અને અન્ય ઘણા અભિનેતાઓનો દીકરો; હેમા માલિનીની, શત્રુઘ્ન સિંહાની, અનિલ કપુરની, શક્તિ કપુરની કે અન્ય અભિનેતા/અભિનેત્રીઓની દીકરીઓ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરે એમાં કશું ખોટું ન દેખાતું હોય કે એનો કોઈ વિરોધ ન કરતા હોઈએ તો આપણા વડવાઓએ તે સમયે તેમને અનુરુપ સ્થાપેલી વર્ણવ્યવસ્થાનો અકારણ વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી.)
- ગાડરિયા પ્રવાહમાં જોડાઈને જાણ્યા-સમજ્યા વગર અન્ય લોકોની સાથે મળીને તમારા ધર્મની નિંદા ના કરો.
- એટલું જાણી લો કે તમારે અન્ય દાન-સખાવત કરવા માટે થઈ ને મંદિરમાં દાન આપવાનું બંધ કરવાની જરૂર નથી. તમને એક કરતા વધુ જગ્યાએ દાન આપતા કોઈ રોકતું નથી. મંદિર પૂજા-અર્ચના અને સાધનાનું કેન્દ્ર છે, તેના રાખરખાવમાં ખર્ચ થાય છે, મંદિર હશે તો તમારો ધર્મ જીવંત રહેશે.
- મૂર્ખ ન બનો, દંભી ધર્મનિરપેક્ષોના સાણસામાં ન આવો.
- તમારા ધર્મ ઉપર ગર્વ હોવો જોઈએ, ખાસ કરી ને તમારો દેશ લગભગ ૧૦૦૦ વર્ષ સુધી ઇસ્લામ અને ખ્રિસ્તિ ધર્મ પાળનારા ઝનુનીઓના દબાવમાં રહ્યો હોવા છતા જે ધર્મ ટકી રહ્યો અને ટકી શક્યો, એ ધર્મને ઉતરતો ન સમજો. તમારા ધર્મ પર તમને માન હોવું જોઈએ.
આપના પ્રતિભાવ