એક હિંદુ તરીકે તમે બીજા હિંદુને શું કહેવા માંગશો?

ગઈકાલે ક્વોરા (Quora)માં એક પ્રશ્ન વાંચ્યો, જે લોકોએ એના ઉત્તરો આપ્યા હતા અને જે ઉત્તરોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો તે ફક્ત ડહાપણ ભરી શીખામણો આપતા, પોલિટિકલી કરેક્ટ ઉત્તરો લાગતા મને થયું કે મારે આ પ્રશ્નનો તો જવાબ આપવો જ જોઈએ અને મેં આપ્યો. ત્યાં જે ઉત્તર આપ્યો તે આજે અહિં ગુજરાતીમાં રજૂ કરું છુ. મેં ક્વોરામાં આપેલો મૂળ જવાબ અંગ્રેજીમાં અહિં જોઈ શકશો.

  1. તમારા ધર્મનો અને તમારી માન્યતાઓનો આદર કરો.
  2. તામારા ધર્મને એટલે કે હિંદુ ધર્મને જાણો જેને આજકાલ લોકો સનાતન ધર્મ પણ કહે છે.
  3. તમારા ધર્મ વિષે તમારા શાસ્ત્રોમાંથી શીખો, તમારી પાસે ઘણાં શાસ્ત્રો છે.
  4. અઢાર (૧૮) પુરાણોમાંથી કોઈ પણ એક તો અવશ્ય વાંચો જ, તમને જે પુરાણ ગમે તે પસંદ કરી શકો છો. એ પુરાણ જ તમને શીખવશે કે ધર્મ શું છે.
  5. ભાષણબાજો, કથાકારો, વક્તાઓ કે ધર્મગુરુઓએ કહેલી વાતો પર આંધળો વિશ્વાસ ન મૂકો, જાતે જે તે પુરાણ/શાસ્ત્ર વાંચી તેમની કહેલી વાતની ચોક્સાઈ કરી જુઓ.
  6. વેદ વાંચવાનો પ્રયત્ન કરો, શક્ય હોય તો ચારેય વેદો વાંચો.
  7. ભગવદ્ ગીતા કોઈ શાસ્ત્ર નથી, એ ફક્ત એક સંક્ષિપ્ત ગ્રંથ છે.
  8. તમને એ વાતની જાણ હોવી જ જોઈએ કે ભગવદ્ ગીતા મહાભારતનો એક અંશ છે. તે કોઈ પુરાણ કે વેદનું અંગ નથી.
  9. હિંદુ ધર્મ તમને ઇશ્વરના સાકાર અને નિરાકાર રૂપમાંથી તમારી અનુકૂળતા પ્રમાણે પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. સાકાર રૂપ એટલે વિગ્રહ સ્વરૂપ  (જેને લોકો મૂર્તિ કે પ્રતિમા પણ કહે છે) અને નિરાકાર સ્વરૂપ એટલે શિવલિંગ કે શાલિગ્રામ, જે ફક્ત પ્રતિકાત્મક ચિહ્ન છે, કોઈ નિશ્ચિત આકારની મૂર્તિ નથી. એ તમારો નિર્ણય છે કે તમારે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપની પૂજા કરવી છે કે એક નાના કાળા પથ્થરની જેને શાલિગ્રામ કહેવાય છે, બન્ને રીતે તમે વિષ્ણુને ભજી શકો છો.
  10. આમ, હિંદુ ધર્મ ફક્ત મૂર્તિપૂજા શીખવાડે છે એ ફક્ત એક અફવા છે.
  11. હિંદુઓ મહદંશે શાકાહારી હોય છે એનું કારણ એ છે કે હિંદુ ધર્મ સર્વ જીવો પ્રત્યે દયા અને સહિષ્ણુતા રાખવાનું શીખવે છે. જો તમે એક વખત દયા શું છે તે જાણી લો તો પોતાની ભૂખ ભાંગવા માટે નબળા કે અશક્ત પશુને મારવાનો જીવ નહિ ચાલે. જૈન સાધુઓ આ જ કારણથી પગમાં પગરખાં કે પાદુકાઓ નથી પહેરતા અને બોલતી વખતે મોં આગળ મુપત્તી રાખે છે, સુક્ષ્મ સ્તરની અહિસા તેને કહેવાય.
  12. એટલું ધ્યાન રાખો કે આપણાં શાસ્ત્રો જ્ઞાતિપ્રથા નથી શીખવાડતા, વર્ણપ્રથા અને જ્ઞાતિપ્રથામાં આભ-જમીનનો ફરક છે. ચાર વર્ણો ફક્ત સમાજનું લોકોનાં કૌશલ્યને આધારે વર્ગીકરણ કરવાની રીત હતી, તેમના જન્મને આધારે વર્ણ નિર્ધારિત નહોતા થતા. હા, એ વાત અલગ છે કે લોકોને તેમના વડીલો જ શિક્ષા આપતા હતા, તેથી એવું થતું કે એક કૌશલ્ય કે કળા એજ વંશમાં ચાલી આવતી અને એ કારણે વર્ણ વ્યવસ્થા જન્મગત હોવાની ગેરસમજ થઈ. દા.ત. આજના આધુનિક યુગમાં એક ઉદ્યોગપતિ પોતાના બાળકોને એના જ વ્યવસાયમાં પ્રવેશે તે માટેના શક્ય એટલા બધા જ પ્રયત્નો કરશે, ડોક્ટર પોતાનો દીકરો કે દીકરી ડોક્ટર જ બને એવું કરશે. શાસ્ત્રોમાં પણ એવું જ થતું હતું. (ઉમેરણ:જો આજે આપણને જવાહરલાલ નહેરુની દીકરી, તે દીકરીનો દીકરો, એ દીકરાની પત્ની અને દીકરો અને કદાચ દીકરી, બધા જ રાજકારણમાં જ પ્રવેશે તેમાં; ધીરુભાઈ અંબાણીના બન્ને દીકરાઓ અને તેમના પણ દીકરા-દીકરીઓ એ જ વ્યવસાયમાં પ્રવેશે; જીતેન્દ્રનો, અમિતાભ બચ્ચનનો, રાકેશ રોશનનો, અને અન્ય ઘણા અભિનેતાઓનો દીકરો; હેમા માલિનીની, શત્રુઘ્ન સિંહાની, અનિલ કપુરની, શક્તિ કપુરની કે અન્ય અભિનેતા/અભિનેત્રીઓની દીકરીઓ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરે એમાં કશું ખોટું ન દેખાતું હોય કે એનો કોઈ વિરોધ ન કરતા હોઈએ તો આપણા વડવાઓએ તે સમયે તેમને અનુરુપ સ્થાપેલી વર્ણવ્યવસ્થાનો અકારણ વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી.)
  13. ગાડરિયા પ્રવાહમાં જોડાઈને જાણ્યા-સમજ્યા વગર અન્ય લોકોની સાથે મળીને તમારા ધર્મની નિંદા ના કરો.
  14. એટલું જાણી લો કે તમારે અન્ય દાન-સખાવત કરવા માટે થઈ ને મંદિરમાં દાન આપવાનું બંધ કરવાની જરૂર નથી. તમને એક કરતા વધુ જગ્યાએ દાન આપતા કોઈ રોકતું નથી. મંદિર પૂજા-અર્ચના અને સાધનાનું કેન્દ્ર છે, તેના રાખરખાવમાં ખર્ચ થાય છે, મંદિર હશે તો તમારો ધર્મ જીવંત રહેશે.
  15. મૂર્ખ ન બનો, દંભી ધર્મનિરપેક્ષોના સાણસામાં ન આવો.
  16. તમારા ધર્મ ઉપર ગર્વ હોવો જોઈએ, ખાસ કરી ને તમારો દેશ લગભગ ૧૦૦૦ વર્ષ સુધી ઇસ્લામ અને ખ્રિસ્તિ ધર્મ પાળનારા ઝનુનીઓના દબાવમાં રહ્યો હોવા છતા જે ધર્મ ટકી રહ્યો અને ટકી શક્યો, એ ધર્મને ઉતરતો ન સમજો. તમારા ધર્મ પર તમને માન હોવું જોઈએ.

અજ્ઞાત's avatarવિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

5 Responses to એક હિંદુ તરીકે તમે બીજા હિંદુને શું કહેવા માંગશો?

  1. Bagichanand's avatar Bagichanand says:

    એક-બે નાનકડી ટીપ્પણી છે પરંતુ તેનો ઉલ્લેખ કરીને અહી મત-મતાંતર ઉભા ન થાય તેવા ઉદ્દેશ્યથી અહી ટાળુ છું. એમ તો આપની સાથે સંપુર્ણ સહમત છું.

    હું એટલું ઉમેરવા ઇચ્છીશ કે હિંદુ ધર્મ કે જેને મુળ સનાતન ધર્મ કહેવાય છે તે હંમેશા સુધારાવાદી અભિગમને અપનાવતો રહ્યો છે અને જરુરી સુધારા પણ કરતો રહ્યો છે; એટલે જ શાસ્ત્રના અધ્યન કરનારે પણ સમય અનુસાર વેદ-પુરાણોનો યોગ્ય અર્થ કરતા રહેવું જરુરી બને છે.

    આપની સવિસ્તાર અને સરસ મુદ્દાસર રજુઆત ગમી.

    Like

    • આભાર. બિલકુલ સાચી વાત કહી કે સનાતન ધર્મ હંમેશાથી સુધારાવાદી રહ્યો છે. આપણા ધર્મની એ સહિષ્ણુતા અને ઉદારતાને કારણે જ એ આજે તે સૌથી જૂનો અને હજુ પળાતો ધર્મ છે. હું દૃઢ પણે માનું છું કે જે પોતે શાસ્ત્રોનું અધ્યયન કરે છે તેને એ વાત સમજવામાં જરાકે વાર લાગતી નથી.

      આપની ટિપ્પણીઓ જાણવા ઉત્સુક છું, બેઝિઝક ટિપ્પણી કરો. કોઈ મતમતાંતર ઊભા નહી થાય એની હું ખાતરી આપું છું. બહુબહુ તો અસહમતિ રહેશે, એથી વધુ શું?

      Liked by 1 person

      • Bagichanand's avatar Bagichanand says:

        મારી ટીપ્પણી મુખ્યત્વે ત્રણ મુદ્દે હતી. આપ ચોક્કસ ઉંમરમાં મારા કરતા મોટા અને અનુભવી હશો એટલે ચોક્કસ આપનું સન્માન જાળવીને મારો જવાબ આપુ છું. આશા છે કે આપ મારી ભાવનાને સમજશો.

        એક – તમે લખ્યું છે કે, “તમારા ધર્મને એટલે કે હિંદુ ધર્મને જાણો જેને આજકાલ લોકો સનાતન ધર્મ પણ કહે છે.” અહી નાનકડો ફેરફાર એ હતો કે, “મુળ સનાતન ધર્મને આજકાલ લોકો હિંદુ ધર્મ કહે છે.”
        સનાતન એટલે જેની ઉત્પતિ કે શરુઆત નોંધાયેલી ન હોય તેવું. જેમ કે આકાશ, સુર્ય, પૃથ્વી, બ્રહ્માંડ વગેરે.. જે અનાદી કાળથી ચાલતું હોય અને આજે પણ સાશ્વત હોય. બસ આ જ રીતે આ ધર્મને સનાતન ધર્મ કહેવાય છે. ‘હિંદુ’ નામ તો ઘણાં સમયબાદ આપવામાં આવ્યું અને તેના કારણો વળી અલગ છે પણ તે ચર્ચામાં ન જઇએ. અહી મારો મુદ્દો માત્ર આપની વાક્યરચનામાં નાનકડા ફેરફાર વિશે જ છે.

        બે – હવે હિંદુઓ મુખ્યત્વે શાકાહારી છે પરંતુ આપણાં પુર્વજો શાકાહારી અને માંસાહારી બંને સરખા પ્રમાણમાં રહ્યા છે. રામ-કૃષ્ણ અને કૌરવો-પાંડવોના સમયકાળમાં પણ. ક્ષત્રિયોમાં માંસાહાર વધુ સામાન્ય ગણાતો અને ઘણી ધાર્મિક વિધીમાં જીવની આહુતીની વિધી આપણાં શાસ્ત્રોમાં નોંધાયેલી છે. સમયાંતરે આપણે જીવદયા અને સહઅસ્તિત્વનું મહત્વ સમજીને પ્રતિકાત્મક-બલી તરફ વળ્યા; આજે લગભગ તેનાથી પણ આગળ આવી ગયા છીએ. જે યોગ્ય પણ છે. (અને આવાજ સુધારાવાદી અભિગમના સ્વીકારની વાત મેં અગાઉના પ્રતિભાવમાં જણાવી હતી.)

        ત્રણ – આપશ્રીએ જણાવ્યું કે – “હિંદુ ધર્મ તમને ઇશ્વરના સાકાર અને નિરાકાર રૂપમાંથી તમારી અનુકૂળતા પ્રમાણે પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે.” મારા મતે આપના વાક્યમાં આ ઉમેરો કરવા જેવો છે કે, આપણો ધર્મ ઇશ્વરના સાકાર અને નિરાકાર રૂપ ઉપરાંત નિરિશ્વરવાદમાંથી કોઇપણને અનુકૂળતા પ્રમાણે પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. સનાતન ધર્મનો આ વિસ્તૃત ખયાલ વિશ્વના કોઇ ધર્મના શાસ્ત્રો કે દર્શનમાં જોવા મળે તેમ નથી. સનાતન ધર્મની સહિષ્ણુતા અને ઉદારતાનું આ ઉત્તમ ઉદાહરણ છે!

        —
        અહી માત્ર આપના ઉપરોક્ત મુદ્દાને અનુરૂપ જ વાત કરી છે. બીજી ઘણી નાની-મોટી બાબતો છે ધર્મમાં જેમાં કોઇ યોગ્ય છે તો કોઇ-કોઇ ખરેખર સુધારો ઇચ્છે છે અથવા તો હવે છોડી દેવા જેવી છે. મારું તાર્કિક મન ઘણાં રિવાજો અને માન્યતાઓ સ્વીકારવા તૈયાર નથી પણ એક સમજ મેળવ્યા બાદ આવી ધાર્મિક ચર્ચાથી દુર રહેવાનું સ્વીકાર્યું છે.

        આજે હું કોઇ રીતે ધાર્મિક તો નથી પણ હિંદુ ધર્મ પ્રત્યે ચોક્કસ માન છે. કયારેક મારા બગીચામાં લખાયેલી પોસ્ટ પર લાંબી ચર્ચાઓ કરેલી છે જેમાં આપ મારા વિચારો જાણી શકો છો.

        Liked by 1 person

        • ના મુરબ્બી ના, ઉંમર તો મને પણ તમારી ખબર નથી એટલે સંભવ છે કે તમે મારા કરતા મોટા હોવ, અને એ નાતે મને માનથી સંબોધવા બદલ આભારી છું…

          તમે રજૂ કરેલા ત્રણે મુદ્દા આમ તો સાચા છે, પણ મેં જે લખ્યું છે તે તેમ કેમ લખ્યું તે મુદ્દાવાર જણાવું…..

          પહેલું, આપણા ધર્મગ્રંથો આપણી કોઈ પરિભાષા આપતા નથી. જેમ કુરાન કહે કે સાચો મુસલમાન આને કહેવાય અને સાચો મુસલમાન આમ કરે, વગેરે, માટે આપણે એ ધર્મને મુસલમાન ધર્મ તરીકે ઓળખાવી શક્યા. આપણા વેદો કે પુરાણોમાં આવું નથી. ઘણીવાર આર્યધર્મ એવો ઉલ્લેખ આવે છે, પરંતુ તે અલગ પરિપ્રેક્ષ્યમાં. આમ સનાતન ધર્મ એવો શબ્દ આપણા ગ્રંથોમાં નથી અને ના તો કદી આપણને એની જરુર પડી… હિંદુ શબ્દ આરબોએ આપ્યો જે પાશ્ચાત્ય જગતે ઉપયોગમાં લીધો. જ્યારે ‘હિંદુ ધર્મ’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો ત્યારે ‘સનાતન ધર્મ’ શબ્દ અસ્તિત્વમાં નહોતો. હા, આપણે આપણા ધર્મને સનાતન ધર્મ કહીએ તે સાચું છે, ધર્મ સનાતન છે પણ નામ નહિ.

          બીજું, હું તો દૃઢપણે માનું છું કે ભગવાન રામ પોતે માંસાહારી હતા. મેં સ્પષ્ટ લખ્યું છે કે “હિંદુઓ મહદંશે શાકાહારી હોય છે….” જેનો અર્થ થાય છે કે થોડા હિંદુઓ માંસાહારી પણ હોય છે. ધર્મ શાકાહાર કે માંસાહારની શીખામણ આપતો નથી, એ તો ફક્ત દયાની શીક્ષા આપે છે. એ તો અનુસરનાર ઉપર નિર્ભર કરે છે કે એ ધર્મનાં કયા પાસાને અનુસરે છે. હિંદુ ધર્મ કશું જ પણ કોઈની ઉપર ઠોકી બેસાડવામાં માનતો નથી.

          ત્રીજું, નિરીશ્વરવાદ ધર્મમાં નથી, ધર્મગ્રંથો (ચાર વેદ અને અઢાર પુરાણ)માં નથી. આ બાવીસે બાવીસમાં ઈશ્વર તો વણાયેલો જ છે, અરે ઈશ્વર કેન્દ્રમાં જ છે એમ કહીએ તો ખોટું નથી. ધર્મગ્રંથો-ધર્મ-ઈશ્વર એ તો એજબીજાના પૂરક છે. એટલે ધર્મ નિરીશ્વરવાદ પસંદ કરવાનું કહે છે એવું આપણે ના કહી શકીએ. એ તો લોકોએ સ્વતઃ પસંદ કરેલું એક ઉમેરણ છે. અને હિંદુ ધર્મની સહિષ્ણુતાને કારણે એનો ધર્મના એક ભાગ રૂપે સ્વીકાર થયો છે.

          તમે બીજા પણ જે મુદ્દાઓ રજૂ કરવા ચાહો છો તે નિઃસંકોચ રજૂ કરો, ચર્ચા દ્વારા જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.

          તમે જ્યારે કહો છો કે “… બાબતો છે ધર્મમાં જેમાં કોઈ યોગ્ય છે તો કોઈ-કોઈ ખરેખર સુધારો ઈચ્છે છે”… શું તમે ચોક્કસ ધર્મની વાત કરી રહ્યા છો કે સામાજીક વ્યવહારોની કે રૂઢિઓની? એક વાત પર ધ્યાન દોરી દઉં કે કે રીત-રિવાજો, રૂઢિઓ, પ્રથાઓ એ ધર્મ નથી. પણ ચાલો, આગળ ચર્ચા કરીને જાણીએ…

          Liked by 1 person

          • Bagichanand's avatar Bagichanand says:

            માફ કરશો મેં ઘણો સમય લીધો ચર્ચામાં ભાગ લેવામાં. કામધંધોય કરવો જરુરી છે ને સાહેબ.

            આપની દરેક વાતો સાથે સહમત. હા, મુખ્યત્વે રિવાજો, રુઢીઓ કે સામાજીક વ્યવહાર જ કહી શકાય પણ હવે તે બધા મુળ ધર્મનો ભાગ ન હોવા છતાંયે હવે બની ગયા છે એટલે તેમાંજ સુધારો કરવાની વાત હતી અને અહી એક મુદ્દા સિવાય લાંબે-ટુંકે અંશે આપણી વાતોએ એક જ દિશામાં છે એટલે વધારે ચર્ચાની જરુર નથી લાગતી.

            સનાતન ધર્મ શા કારણે કહેવાય છે તે માટે જ મેં વ્યાખ્યા ઉમેરી હતી અને એક રીતે તો આ ભારતીય ભુ-પ્રદેશના વિશાળ સમુહે અપનાવેલી સામાન્ય સામાજીક વ્યવસ્થા કે પધ્ધતિ કહી શકાય. એટલે તેને ધર્મ ક્યાંથી, ક્યારથી અને કઇ રીતે કહેવો તે અઘરું છે. જીવવાની આ સામુહિક વ્યવસ્થાને ધર્મ કહેવો કે નહી એ પણ એક વિચિત્ર પ્રશ્ન છે. વેદ-પુરાણો, રામાયણ-મહાભારત કે ગીતામાં પણ ક્યાંય હિંદુ નામથી કે સનાતન નામના ધર્મ તરીકે કોઇ સીધો ઉલ્લેખ નથી. ધર્મનો ઉલ્લેખ જ્યાં જ્યાં છે તે જે-તે વ્યવક્તિના વ્યવહાર ધર્મ અથવા તો કર્મ ધર્મ વિશે છે.

            હવે સૌથી અઘરો મુદ્દો; નિરીશ્વરવાદ વેદોમાં નથી. સહમત અને આંશિક અસહમત. વેદો મુખ્યત્વે શ્રુતિ અને સ્મૃતિ આધારિત છે એટલે ક્યારે-કોણે-કેટલું ઉમેર્યું અને તેમાંથી કેટલું બાદ કર્યું તે કોઇ ચોક્કસ ન કહી શકે. જો બસો-પાંચસો વર્ષ પહેલાની આપણી સભ્યતાનો ઇતિહાસ પણ ચોખ્ખો અને સો-ટકા તટસ્થ મળી શકે એમ ન હોય તો આજે પ્રાપ્ય વેદની આવૃતિને સંપુર્ણ સત્ય તરીકે ન સ્વીકારી શકાય. જેમ ઇતિહાસ હંમેશા જીતેલા લોકો દ્વારા લખાય છે તેમ આપણાં ધાર્મિક પુસ્તકો ધર્મના ટેકેદારો દ્રારા જ રજુ થયા છે. નિરિશ્વરવાદીઓ હંમેશા લઘુમતીમાં રહ્યા છે. દુશ્મનની મહાનતા કે વિરોધી મતના ગુણગાનને કોઇ મહત્વ ન આપે; આટલામાં તમે બધું સમજી લેશો એવી વિનંતી.

            ઉપર કીધું એ એક કારણ હોવા ઉપરાંત એક વાત આપ સ્વીકારશો કે આપણો ધર્મ દરેકને તેના અધ્યયન અને ચિંતન ઉપરાંત તે વિશે પોતાનો આગવો મત અથવા તો તેનાથી અલગ મત રજુ કરવાની પણ છુટ આપે છે. ઇશ્વર વિશેના આલેખિત સ્વરૂપમાં ફેરફારને પણ સ્વીકારે છે. અહી કોઇ એક નિશ્ચિત રૂપ કે જડ માન્યતા નથી એટલે જ તો આજના હજારો પંથ કે સંપ્રદાયો અલગ-અલગ ઇશ્વરને પુજતા હોવાથી અને અલગ-અલગ માન્યતાઓ ધરાવતા હોવા છતાં સનાતન ધર્મના અનુયાયી તરીકે પોતપોતાનું અસ્તિત્વ સર્વોપરી બતાવીને ટકાવી રાખે છે. બસ તો ટુંકમાં નિરિશ્વરવાદને પણ આ પ્રકારે એક સંપ્રદાય માની લો જેના મુળમાં એ જ ધર્મ છે જેને આપણે હિંદુ કે સનાતન કહીશું. (આ છેલ્લી વાત માત્ર ટુંકમાં સમજવા માટે જ છે. એમ તો આજના રેશનાલિસ્ટો તો પંથ-સંપ્રદાયો કરતાં પણ વધારે જડ-રુઢીચુસ્ત બની ગયા છે! ઇશ્વરનો ઇનકાર કરતાં-કરતાં ક્યારેક માણસાઇ, પારંપરિક વ્યવસ્થા કે પ્રાકૃતિક ઐશ્વર્યને પણ અવગણવા લાગ્યા છે.)

            જુના સમયના ચાર્વાક, બુધ્ધ, મહાવીરની વાતોમાં પુર્ણ કે આંશિક નિરિશ્વરવાદ જોવા મળી જાય. ચાર્વાક દર્શન ઘણું સ્પષ્ટ છે; બુધ્ધ-મહાવીર તે બાબતે થોડા અસ્પષ્ટ કહી શકાય અને એમ પણ કહી શકાય કે તેમના ઉપદેશની દિશા જ અલગ હતી. જો કે તેમના જ સમર્થકો મુળ વાતોને આજે લગભગ ન સ્વીકારે એવું છે. તેઓની માનવ કલ્યાણ અને જીવ-દયાનો મુળ ઉપદેશ તેમના બાદ બનેલા ધર્મના શાસ્ત્રો પુરતી મર્યાદિત રહી ગઇ છે અને ધાર્મિક ક્રિયા-કાંડનું વર્ચસ્વ વધી ગયું છે. જેણે કીહ્યું’તું કે મુર્તીને છોડો, દરેક જીવનું કલ્યાણ કરો; પણ ભક્તોએ તેમની જ મુર્તિ બનાવી દીધી અને ફરી અગાઉ ચાલતું હતું એ જ ચક્કર શરૂ. (કારણમાં તો ઉપર કીધું એમ તમે સમજી લો.)

            આપણે એ સ્વીકારવું જોઇએ કે મુળ વેદ આધારિત હોવા છતાંયે વેદ ધર્મની સાથે-સાથે આ સામાજીક અને રહેણી-કરણીની એક વ્યવસ્થા હતી જેમાં નીરંતર બદલાવો થતા જ રહ્યા છે પણ તેને અનુસરતા લોકોના સામુહિક અસ્તિત્વમાં નિરિશ્વરવાદ પણ લાંબા સમયથી સ્વીકાર્ય રહ્યો છે અને તે ન્યાયે જો આજે આ વ્યવસ્થાને ધર્મ તરીકે ઓળખતા હોઇએ તો નિરિશ્વરવાદનો સ્વીકાર પણ ઉમેરવો પડે. હા તેને આજના ધર્મના ઠેકેદારો નહી સ્વીકારે તે પણ હકિકત છે. (જો તેમની જગ્યાએ હું હોઉ તો હું પણ ન સ્વીકારું. 🙂 )

            બસ, આનાથી વધારે નિરિશ્વરવાદની વકિલાત હું નહી કરું. આપ મારા તર્કને ન સ્વીકારો તો તેને એક વ્યક્તિ તરીકે આપના સ્વતંત્ર વિચારો હોવા તરીકે હું સ્વીકારી લઇશ. (આ મુદ્દે હવે હું વાદવિવાદમાં પડવા ઇચ્છતો નથી. થાકી જવાય છે સાહેબ માન્યતાઓ સામે તર્ક રજુ કરી કરીને.)

            શ્રુતિ-સ્મૃતિના કારણે ઘણી વાતો ધારણાંઓમાં અટવાઇ જાય છે અને વળી અર્થ કરનારની ઇચ્છા અનુસાર ઘણાં મત-મતાંતર હંમેશા રહેશે જ. ચર્ચા કેટલી પણ કરીએ આખરે તો એ જ મળશે કે દરેક સાચા છે અથવા તો દરેક ખોટા છે અથવા તો જેને જે ગમે તેનો સ્વીકાર કરે અથવા તો તાર્કિક રીતે ચર્ચા કરીને સૌ સર્વસંમત નિષ્કર્ષ પર પહોંચે. પણ સર્વસંમત થવામાં વળી એજ થશે કે કોણે કરેલો અર્થ સાચો? નક્કી કોણ કરશે? કેમ કે દરેકના કોઇ પુર્વગ્રહ, માન્યતાઓ અને અભ્યાસ છે. તેઓ જે રસ્તે આવ્યા હશે તેને જ સાચો જણાવશે. હું પણ તો એ જ કરું છું અને તમે પણ એ જ કરશો. 🙂

            લખતા લખતા ઘણું લખાઇ ગયું છે, ક્યાંય કંઇ વધારે કહેવાઇ ગયું હોય તો ક્ષમા કરશો. અને હા, મારી ઉંમર વર્ષ-33. હું આપથી નાનો જ હોઇશ એવું મને લાગે છે. (હા સમજણમાં પણ નાનો કહી શકો અને અનુભવમાં પણ.)

            Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free