શ્રાદ્ધનું રૅશનાલ કે શ્રાદ્ધનો તાર્કિક આધાર
24/09/2021 1 ટીકા
હાલમાં મહાલય (શ્રાદ્ધ) પક્ષ ચાલી રહ્યો છે. આ શ્રાધ પક્ષ લક્ષી અમુક પ્રશ્નો છે,
પ્રશ્ન
૧. કેટલા લોકો જાણે છે કે ભાદરવા મહિનાની પૂનમથી શરુ કરી ને અમાસ સુધીના આ ૧૬ દિવસ જ કેમ શ્રાદ્ધ માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે?
૨. જો તમને ખબર નથી અને કોઈની પાસેથી એનું કારણ મળતું નથી તો તમે માનો છો કે તમારે આવી ફાલતુ પ્રથા બંધ કરી દેવી જોઈએ?
૩. તમને લાગે છે કે કાગડાને ખવડાવવાથી તમારા પિતૃને ભોજન મળે એ વાતમાં કોઈ દમ છે?
૪. જો આવી વાહિયાત વાતમાં તમે ન માનતા હોવ તો તમને શ્રાદ્ધ કરવાનું માંડી વાળવાની ઈચ્છા નથી થતી?
ચાલો હવે આ પ્રશ્નોના સંભવિત જવાબો જોઈ લઈએ,
ઉત્તર
૧. મને ખબર નથી.
૨. ચોક્કસ.
૩. બીલકુલ નહિં.
૪. હાસ્તો, થાય છે જ ને.
જો તમારા જવાબો આ પ્રમાણે (કે આને ભળતાસળતા) હોય તો નિરાશ ન થશો, તમે એકલા નથી. હું જો અહિં મતદાન (Poll) રાખું તો તમને જાણ થશે કે મોટાભાગના ‘ભણેલાંગણેલાં’ લોકોના જવાબ આવા જ છે. અને કદાચ એટલે જ આપણે રેશનાલિસ્ટોની જેમ આ પ્રથા, રૂઢિ, રિવાજ કે જે કહો તેના માટેનું તાર્કિક કારણ શોધવામાં પડી જઈએ છીએ. છેલ્લાં બે-ચાર વરસથી બે પ્રકારનાં કારણો સોશિયલ મીડિયામાં ફરતાં હતાં, ૧. કાગડાં આ સમય દરમ્યાન ઈંડા મૂકે છે અને માટે આપણાં વડવાઓએ કાગડાઓ માટે ખોરાકની વ્યવસ્થા કરી આપી, ૨. આયુર્વેદના સિદ્ધાંત મુજબ ચોમાસા દરમ્યાન આપણાં શરિરમાં પિત્તનું પ્રમાણ વધે, દૂધ પિત્તશામક છે, માટે પિત્તનો પ્રકોપ રોકવા માટે ખીર ખાવાની પ્રથા ચાલુ થઈ. આ બે કારણો ઓછાં પડતાં હતાં તે આ વર્ષે બીજાં બે નવાં નીકળ્યાં, ૧. ધડમાથા વગરની નક્ષત્ર અને રાશિઓની વાત કરી ને ન સમજાય એવું કારણ, જેમાં સપ્ટેમ્બર માસમાં દક્ષિણાયનની વાત કરે છે, ૨. મૃત્યુ પછીની વિધિમાં કાગડા, ગાય, કુતરાં, કિડીમંકોડી અને બ્રાહ્મણને ભોજન કરાવવાની કોઈક અગમ્ય શાસ્ત્રની વાત.
મને તો આ ચારેયમાંથી એક પણ તર્ક સુસંગત લાગતો નથી. પણ છતાં મેં મારાં પિતૃઓનાં શ્રાધના દિવસે ખીર કે અન્ય કોઈ મીઠાઈ બનાવી ને ખાવાનું બંધ કર્યું નથી. શું કામ કરવું જોઈએ?
વર્ષગાંઠને દિવસે બજારમાંથી કેક લાવી એની ઉપર તમારી ઉંમરની સંખ્યામાં મીણબત્તીઓ સળગાવી અને પછી તેને ઓલવી ને પેલી કેક ખાતી વખતે તો કોઈ પૂછતું નથી કે આવી પ્રથા પાછળનો તર્ક કે શાસ્ત્રીય ઉલ્લેખ બતાવો, કે નથી તો વેલેન્ટાઇન ડે પર ચોકલેટ ખાવાની અને પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્નીને ગુલાબ આપવાની પ્રથા પાછળનો તર્ક જાણવાનો આગ્રહ રાખતા (જો કે વર્ષોથી છાપાવાળાં લખે છે કે સેન્ટ વેલેન્ટાઇનની લોકવાયકાઓમાં આ ખ્રિસ્તી તહેવારનો પાયો છે) તો પછી એ જ ‘ભણેલાંગણેલાં’ લોકોને આપણી હિંદુ/સનાતન ધર્મની પ્રથાઓ અને તહેવારોમાં જ કેમ તર્ક શોધવા નીકળાવાની જરુર પડે છે? મધર્સ ડે અને ફાધર્સ ડે મનાવવામાં આપણને વાંધો નથી આવતો અને એ પણ એનું મૂળ જાણ્યાં વગર. તો પછી આ મરી ગયેલાં મા, બાપ, દાદા, દાદીઓના ડે મનાવવામાં શું કામ તર્ક શોધવો પડે છે? શું કામ મૂળ કારણ જાણવાનો આગ્રહ? શું કામ રૅશનાલિસ્ટ માઇન્ડ બની જાય છે? શું આપણે આપણી સંસ્કૃતિ અને વડવાઓની આગવી કોઠાસુઝને બિરદાવી ન શકીએ કે આજકાલના વેલેન્ટાઇન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે જેવા વ્યાવસાયિક ઉત્સવોને બદલે તેમણે સેંકડો વર્ષોથી આ બાપદાદા પખવાડિયાં એટલે કે ફોરફાધર્સ ફોર્ટનાઇટ વડે ફક્ત અને ફક્ત આપણાં મૃત વડીલોને વર્ષમાં બે વખત (એક વખત એમની મરણતિથિ પર અને બીજી વખત તેમનાં શ્રાદ્ધ પર) યાદ કરવાની ગોઠવણ કરી હતી? અને આપણાં એ વડવાઓએ પક્ષીઓ માટે પણ આ પંદર દિવસ ભોજનની સુવિધા ઊભી કરી આપી, ના, ફક્ત કાગડા માટે નહિ, બધાં જ પક્ષીઓ માટે. છાપરે કે ધાબે કાગવાસ નાખી ને આપણે ક્યાં જોઈએ છીએ કે એ કાગડાઓએ જ ખાધું કે અન્ય પક્ષીઓએ પણ? તો એ અબોલા જીવો પર અનુકંપા કરો અને કાગવાસ નાખવાનું તથા ખીરપુરી ખાવાનું ચાલું રાખો.
હા, આપણો સનાતન ધર્મનાં ઘડતરનો પાયો વિજ્ઞાન પર આધારિત છે, પરંતુ એક વાત તો આપણે સૌએ સ્વીકારવી જ રહી કે દરેક વસ્તુને વૈજ્ઞાનિક અભિગમ હોવો જરુરી નથી. તહેવારો, ઉત્સવો અને ઉજવણીઓ આપણા આનંદ માટે છે, એકધારી ઘરેડમાંથી થોડા સમય માટે ચિત્તને બહાર લાવવા માટે છે. દરેક કાર્યમાં વૈજ્ઞાનિક તથ્ય કે તાર્કિક સત્ય શોધવાને બદલે એનો આનંદ લેતા થઈએ. ધર્માચરણ વિજ્ઞાન અને અનુભવ પર આધારિત છે અને શિસ્તપાલન શીખવે છે એ યાદ રાખીએ અને ઉત્સવો આનંદ માટે છે એ ન ભૂલીએ.
અસ્તુ!
ખૂબ જ સુંદર વાત કહીં
LikeLike