એઆઇ (AI)ના ધખારા અને એનાં દુષ્પરિણામો

હમણાં ક્વોરા પર એક સવાલના જવાબમાં જોયું કે જવાબમાં જાતે મહેનત કરવાને બદલે કોઈકે AIને પૂછ્યું અને આદત મૂજબ, જ્યારે AIને ખબર ન હોય ત્યારે તે ટાઢા પહોરનાં ગપ્પાં હાંકે છે એ આ સવાલના જવાબમાં સાબીત થયું. સવાલ હતો કે “સાવજ સાથે એક રાત ક્યા પુસ્તકનો ભાગ છે?” એના જવાબમાં એકભાઈ (ઉર્ફે તેમણે વાપરેલું AI) જણાવે છે કે, “‘સાવજ સાથે એક રાત’ એ પ્રખ્યાત ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીની રચના છે” અને એટલે જ ન અટકતા પોતાની ફેંકાફેંક ચાલુ રાખતા AI જણાવે છે કે, “શાળાના પાઠ્યક્રમમાં પણ આ લેખ લોકપ્રિય રહ્યો છે“. આ બન્ને દાવામાં સૌરાષ્ટ્રની રસધારના કયા ભાગમાં, શાળાના પાઠ્યક્રમમાં કયા ધોરણમાં, વગેરે જેવી કોઈ જ વધુ વિગતો નહીં. એ ચાર છ લીટીના સ્ટન્ડર્ડ એઆઇ ફોર્મેટ (મુદ્દાસર, ઘાટાઅક્ષરો, વગેરે)માં એઆઇ એટલું કોન્ફિડન્ટ્લી જૂઠું બોલે છે કે અજ્ઞાની માણસો એને સાચું માની ને આગળ વધી જાય.

હકીકતમાં ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર એ કોઈ એક પુસ્તક નથી, બલ્કે પાંચ પુસ્તકો છે, સૌરાષ્ટ્રની રસધાર ૧-૫ અને આ પાંચેપાંચ ગુજરાતી વિકિસ્રોતમાં ઓનલાઇન ઉપલબ્ધ છે. મને આ પાંચમાંની એકેય રસધારની અનુક્રમણિકામાં ‘સાવજ સાથે એક રાત‘ નામની કોઈ વાર્તા દેખાઈ નહીં. એટલું જ નહીં, સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧થી ૫માં એકેય વાર્તાનાં શીર્ષકમાં ‘સાવજ’ કે ‘રાત’ આ બે શબ્દો આવતા પણ નથી.

આ નીચે હું ‘સૌરાષ્ટ્રની રસધાર (ભાગ ૫)’ની અનુક્રમણિકા પણ વાચકોના સંદર્ભ માટે મૂકું છું, એમાં ક્યાંય કોઈને સાવજ સાથે એક રાત નામનું પ્રકરણ દેખાય છે? (આ પાંચમી આવૃત્તિના વર્ષ ૨૦૦૬માં થયેલા પુનઃમુદ્રણની અનુક્રમણિકા છે.)

સૌરાષ્ટ્રની રસધાર (ભાગ ૫) (આ પાંચમી આવૃત્તિના વર્ષ ૨૦૦૬માં થયેલા પુનઃમુદ્રણની અનુક્રમણિકા છે.)

તો ભાઈઓ, બહેનો અને એ સિવાયના સર્વે, બહુ હરખપદુડા થઈ ને AI પર આંધળો વિશ્વાસ ન મૂકો. આ એઆઇ તમારા અને મારા માથે આવી ખોટી માહિતી મારે અને પછી તમે એને એક જગ્યાએ છાપો એટલે એ ટેક્સ્ટ સ્ક્રોલ કરી ને વારંવાર એ માહિતી અન્યોને દેખાડતું રહે અને પરિણામે એણે પોતે ફેલાવેલું જૂઠાણું તમારા માધ્યમથી એ સત્યમાં પરિવર્તિત કરી દે. આ જુઓ, નીચે મેં હમણાં ગુગલમાં આ સવાલ બેઠેબેઠો પૂછતાં એ ક્વોરા ગુજરાતીનો ઉપરોક્ત જવાબ ટાંકી ને એની એ જ વાત દોહરાવે છે (અહિં હવે તે ભાગ ૫ એવું ઉમેરે છે).

જેને શ્રી. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર મફતમાં ઓનલાઇન વાંચવી હોય તે નીચે આપેલી કડીઓ પર જઈ ને વાંચી શકે છે.

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૧

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૨

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૩

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૪

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૫

અને અંતે જો તમારી પાસે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના પુસ્તકની એવી નકલ હોય જેમાં આ વાર્તા આપેલી હોય તો તેની વિગતો જણાવજો જેથી વિકિસ્રોત પર એનો ઉમેરો કરી શકાય.

ઇંગ્લેન્ડમાં રહેવાના ગેરફાયદા (ભારતથી આવી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા એક ભારતીયની નજરે)

ક્વોરા પર કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો કે “ઇંગ્લેન્ડમાં રહેવા માટે સૌથી મોટા નુકસાન શું છે?” એ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો તે આ મૂજબ છે.

તમારા પરિવાર અને સ્વજનોથી દૂર રહેવું પડે છે. (જો તમે પહેલી પેઢીના વસાહતી હોવ તો). તમે પોતાની લાયકાતને આધારે જો ઇંગ્લેન્ડ જાવ તો સાથે ફક્ત તમારાં પતિ/પત્નિ અને બાળકોને જ લઈ જઈ શકો છો. માતા-પિતા, ભાઈ-બહેનો અને તેમના પરિવાર તમારી સાથે કાયમી વસવાટ માટે તમારી સાથે આવી શકતા નથી. આ બધાંથી દૂર રહેવાનું અને તે પણ ઓછામાં ઓછી સાડા આઠ કલાકની હવાઈ સફર જેટલું દૂર રહેવાનું કેટલું આકરું છે તે તો જે રહે તે જ જાણી શકે.

તમારા વાર-તહેવાર તમારી રીતે ઉજવવા ન મળે. દિવાળી હોય કે હોળી કે પછી ઉત્તરાયણ/મકરસંક્રાંતિ, ઇંગ્લેન્ડમાં તમારે માટે વરસના ૩૬૫ દિવસ સરખા. હા, જો તમે નસીબદાર હોવ અને નજીકમાં કોઈ સનાતન (હિંદુ) મંદિર હોય તો ત્યાં બધા તહેવારો ઉજવાય અને લોકો ભેગા થાય એટલે થોડોઘણો તહેવારોનો આનંદ માણી શકો પણ મંદિરના ઝાંપાની બહાર નીકળો એટલે કોઈ તહેવાર જેવું ન લાગે, જ્યારે ભારતમાં વસતાં હોવ તો એ માહોલ જ તમને તહેવારનો અહેસાસ કરાવતો હોય.

કેમકે અહિં તમે એકલાં જ હોવ, માંદગીમાં કે બીજી કોઈ વિષમ પરિસ્થિતિમાં તમારે પડખે ઊભાં રહેનારની ખોટ હંમેશા વરતાય. હા, અહિં તમને તમારાં જેવાં લોકો મળી રહે જેમની સાથે મિત્રતા કરી શકો અને એ મિત્રો જ તમારો પરિવાર બની રહે. પરંતુ સાજેમાંદે પરિવારની જે હુંફ હોય તે મિત્રો તો પૂરી ન જ કરી શકે. કોવિડની મહામારીએ આ વાત બહુ ખરાબ રીતે સમજાવી.

ઉપર કહ્યું તેમ ઇંગ્લેન્ડમાં તમારે વરસના બારેય મહિના અને ૩૬૫ દિવસ સરખા, એટલી હદે સરખા કે દરરોજ વરસાદ પડે. દરરોજનો અર્થ લિટરલી દરરોજ નહિં પણ ગમે ત્યારે. હોળીના દિવસે ધમધોકાર વરસાદ પડે અને ક્યાંય હોળી પ્રગટાવી ન શકાય એટલે ભલે ને તમે મંદિરને અડોઅડ રહેતા હોવ, એ વરસ તમારે હોલિકાદહન વગર જ કાઢી નાખવું પડે. ધનતેરસથી તે છેક લાભપાંચમ સુધી દરરોજ વરસાદ પડ્યો હોય એટલે ભલે સરકાર તરફથી કે હાઇકોર્ટ/સુપ્રિમકોર્ટ તરફથી ફટાકડા ફોડવા પર કોઈ પ્રતિબંધ ન હોય તો પણ તમે ફટાકડા ફોડી ન શકો. કોઈએ લગ્ન કે પાર્ટીમાં નિમંત્રણ આપ્યું હોય અને ચકાચક તૈયાર થઈ ને ગયા હોવ તો પણ વરસાદ તમને ન છોડે. લોકો છત્રીનો ઉપયોગ ખાસ કરતા નથી, સિવાય કે તમારે લાંબું અંતર ચાલી ને કાપવાનું હોય.

લાલબત્તીએ કે ઝેબ્રાક્રોસિંગે ગાડી ઊભી રાખવી જ પડે, અમદાવાદની જેમ હાંકે ન રખાય. કેમકે કેમેરા બધે લાગેલા હોય અને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ ટિકિટ (ભારતમાં જેને મેમો કહે છે) ઘરે બેઠા આવી જાય. સ્પિડિંગ (નિયત મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવા) જેવા ટ્રાફિકના અમુક નિયમોના ભંગ માટે તો દંડની સાથેસાથે લાયસન્સ પર પોઇન્ટ મળે અને ૧૨ (અંકે પૂરા બાર) પોઇન્ટ મળે એટલે તમારા વાહન ચલાવવા પર પ્રતિબંધ આવી જાય. એક નિયમભંગ માટે ઓછામાં ઓછા ત્રણ કે છ પોઇન્ટ મળે, જેનો અર્થ છે કે તમે મહત્તમ બે કે ચાર જ નિયમભંગ કરી શકો. પાર્કિંગ પણ નિર્ધારીત જગ્યાએ જ કરી શકો અને મોટેભાગે બધે તમારે પાર્કિંગ માટે નાણું ખર્ચવું પડે અને એ પણ અમુક સમય માટે જ. જેમકે ઘણી જગ્યાએ પાર્કિંગ મહત્તમ બે કલાક કે એક જ કલાક માટે કરી શકો એ પણ ફદિયા આપી ને અને જો તમે સમયથી વધારે રોકાયા તો પાછી ટિકિટ (દંડ) મળે એ નફાનું.

તમાકુના બંધાણી હોવ તો તો ઘણું નુકસાન કેમકે પાનમસાલો કે માવો કે પછી બુધાલાલ ખાઈ ને ગમે ત્યાં થુંકી ન શકો, બીજા શબ્દોમાં કહું તો ક્યાંય થુંકી ન શકો. બીડીસિગારેટ પણ ગમે ત્યાં ફુંકી ન શકો.

સૌથી મોટું નુકસાન માંદા પડો ત્યારે થાય. કેમકે દાક્તરને મળવા માટે તમારે એપોઇન્ટ્મેન્ટ જોઈએ. એપીન્ટ્મેન્ટ વગર ડૉક્ટરની સર્જરીમાં (ભારતમાં જેને દવાખાઅનું કહીએ તેને ઇંગ્લેન્ડમાં સર્જરી કહે) પ્રવેશ જ ન મળે. ઘણી વખત એવું થાય કે તમને દરદ હોય અને તમે એપીન્ટ્મેન્ટ લો તો તમારી એપીન્ટ્મેન્ટનો દિવસ આવે એ પહેલા તમારું દરદ એની મેળે શમી ગયું હોય. અમુક વખત તો અઠવાડિયા કે દસ દિવસ સુધી એપીન્ટ્મેન્ટ ન મળે. ગમે એટલી તકલીફ હોય તમારે ગોળી ગળી ને જ સારવાર કરવી પડે, ઇન્જેક્શન તો ડોક્ટર મારે જ નહિં. ઢીંચણનું, પથરીનું, એપેન્ડિક્સનું, હર્નિયાનું, વગેરે ઓપરેશન સામાન્ય શ્રેણીમાં આવે જેના માટે તમારે ૩-૬ મહિના કે એથી વધુ રાહ જોવી પડે. હા, જો તમારી પાસે પ્રાઇવેટ મેડિકલ ઇન્શ્યોરન્સ હોય તો તમે વહેલું ઓપરેશન કરાવી શકો પણ એ ઇન્શ્યોરન્સ બહુ મોંઘો હોય એટલે જો તમારી નોકરીમાંથી તમને પર્ક્સમાં મળ્યો હોય તો જ તમારી પાસે હોય. ઘણાં લોકો દાંતની સારવાર કે ઢીંચણના ઓઅરેશનો કરાવવા આસપાસના દેશોમાં જઈ આવે કેમકે ત્યાં (ટિકિટભાડું અને રહેવાજમવાનો ખર્ચો ઉમેર્યા પછી પણ) ઓપરેશન કે સારવાર સસ્તામાં પડે. જો કે ડેન્ટલ સિવાયની મેડિકલ સિસ્ટમ મફત છે, પણ એ મફત એટલા માટે છે કે દર‌ મહિને પગારમાંથી ૧૫-૨૦% ભરવાના હોય છે.

કરચોરી ન કરી શકો. ઇન્કમ ટેક્સ અને નેશનલ ઇન્શ્યોરન્સ એમ બે કર તમારે દર મહિને આવકમાંથી ભરવા પડે જેનો દર ઘણો ઊંચો છે. ધંધો હોય યો પણ (એમેઝોન કે ગુગલના સ્તરે ન પહોંચો ત્યાં સુધી) ઘણો મોટો હિસ્સો કોર્પોરેશન ટેક્સ, વેટ અને ઇન્કમ ટેક્સ તથા નેશનલ ઇન્શ્યોરન્સ તરીકે તમારે સરકારને આપવો જ પડે, કરચોરી કે કર બચતનો કોઈ માર્ગ ન મળે.

આ તો થયાં અમુક સામાન્ય જીવનનાં, રોજબરોજનાં, દરેકે ભોગવવા પડતાં નુકસાનો. આ સિવાયનાં ઘણાં નુકસાનો છે, જો કે ફાયદા પણ છે.

આ પ્રશ્નનો જવાબ જો મારે બે વાક્યોમાં આપવાનો હોય તો હું નીચેની બે કહેવતોમાં એ જવાબ આપું,

૧. ડુંગરા દૂરથી રળિયામણા

૨. કાગડાં બધે કાળાં

અસ્તુ!

ખલસનાતન વિચારધારા- Pseudo Hinduism

આજકાલ કહેવાતા હિંદુ વિચારકોને કોઈક અલગ જ પ્રકારનું શૂળ ઉપડ્યું છે, આપણા એટલે કે સનાતન તહેવારોને પશ્ચિમની ઢબે ઉજવવાનું કહેવાનું અને પશ્ચિમના એટલે કે ખ્રિસ્તી ધર્મના તહેવારો ને સનાતન સંસ્કૃતિ સાથે બળાત્કારે જોડી એ પ્રકારે ઉજવણી કરવાનું આહ્વાન કરવાનું શૂળ. હજી બે દિવસ પહેલા જ ખ્રિસ્તી નાતાલ એટલે કે ક્રિસમસનો તહેવાર ગયો જે ભારત તો શું યુરોપ અને યુ.કે.માં પણ ધાર્મિક તહેવાર તરીકે નહીં પણ સામાજીક તહેવાર તરીકે કે પછી એક વ્યાવસાયિક (Commercial) તહેવાર તરીકે વધુ ઉજવાય છે, ખાસ કરી ને યુ.કે. અને યુ.એસ.એ.માં. છેલ્લાં ૨-૩ વરસથી વોટ્સએપ પરના ધર્મધુરંધરો અને વિચારકોએ આપણા પવિત્ર છોડ તુલસીની સરખામણી ક્રિસમસ ટ્રી સાથે કરવા માંડી છે અને નાતાલ નજીક આવતા આ નીચે જોવા મળે છે એવા સંદેશાઓ ફરતા કરી મૂકે છે.

મારી તેમને (અને જો તમે પણ આવા સંદેશા ફરતા કર્યા હોય- “ફોરવર્ડેડ એઝ રિસિવ્ડ-Forwarded as Received” ડિસ્ક્લેમર સાથે પણ) એક જ વિનંતી છે કે મારા ભાઈઓ અને બહેનો, જો તમને ક્રિસમસ ઉજવવાનો એટલો જ શોખ છે તો ક્રિસમસ ટ્રી સાથે જ ઉજવો ને? નહિતર તમને કયો ભોજીયો ભાઈ આવી ને ગધાડી પકડાવી ગયો છે કે તમારે યેનકેન પ્રકારે નાતાલ ઉજવવું જ પડે? અને એ બધા કરતા પહેલા પ્રશ્ન તો એ છે કે, કોઈ તહેવાર ઉજવવો એટલે શું? દિવાળીના દિવસે મુસલમાનો ફટાકડા ફોડે તો તો તે શું હિંદુ થઈ જાય છે? કે હોળીમાં ખ્રિસ્તીઓ રંગ અને પાણીથી હોળી રમે તો તેમને તમે હિંદુ ગણવા માંડો છો? ના ને? તો પછી તમે ક્રિસમસ ઉપર ઘરમાં ક્રિસમસ ટ્રી મૂકી પણ દીધું તો તમે શું ખ્રિસ્તી થઈ ગયા? હા, એ વાત જૂદી છે ભારતમાં ખરેખર ક્રિસમસ ટ્રી ઘરમાં મૂકવું એ ફક્ત અને ફક્ત એક ઘેલછા છે. અહિં વિદેશમાં બાળકો તેમની શાળા-કોલેજોમાં, મિત્રોનાં ઘરે કે અમે વયસ્કો અમારી ઓફિસોમાં, દુકાનોમાં, શોપિંગસેન્ટરોમાં, ક્રિસમસ ટ્રી મૂકાતું અને સજાવાતું જોઈએ એટલે ખાસ કરી ને બાળકો માટે થઈ ને ઘરમાં ક્રિસમસ ટ્રી મૂકતા હોઈએ. પણ એ ફક્ત આનંદ માટે અને બાળકો આ વિદેશની ધરતીમાં પોતાને અન્ય કરતા અલગ ન સમજે કે ચારે બાજુ થતી ઉજવણી દરમ્યાન પોતે તે ઉજવણીમાંથી બાકાત રહ્યાનો અહેસાસ ન કરે તે માટે જ. ભારતમાં એવું ન બનવું જોઈએ કે Peer Pressureમાં લોકો ને ઘરમાં ક્રિસમસ ટ્રી ગોઠવવાની ફરજ પડે. ક્રિસમસ ટ્રીને બદલે જો ઉપરના ચિત્રોમાં જણાવ્યું છે તેમ તુલસીનો છોડ મૂકીએ અને તેની નીચે દીવો કરીએ (ખરેખર લોકો ક્યારેય ક્રિસમસ ટ્રીની નીચે મીણબત્તી સળગાવતા નથી) એટલે શું આપણે ક્રિસમસ ન ઉજવ્યું એમ કહેવાય? એ તો ઉલટાનું આપણે ક્રિસમસની ઉજવણીમાં શામેલ થયા એમ ગણાય. જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ અન્ય ધર્મના લોકોને વટલાવવાની પ્રવૃત્તિ આદરે છે ત્યારે તેઓ આ જ કામ કરે છે, લોકોને કહે છે કે તમારે તમારા રીતરિવાજ કે પ્રથાઓ છોડવાની જરુર નથી, ફક્ત ઈસુ ખ્રિસ્તને ભગવાન માનો. આજે પણ ગુજરાતમાં જે ગુજરાતી ખ્રિસ્તીઓ છે તેમાના મોટા ભાગનાને ઘરે નાતાલમાં લાડવા બને છે, નવા વર્ષ (૧લી જાન્યુઆરી)ના દિવસે કંસાર/લાપસી બને છે, ઘણા ખ્રિસ્તીઓ ક્રોસ સામે કે ઈસુના ફોટા/ચિત્રની સામે મીણબત્તી નહીં પણ દીવો કરતા હોય છે.
જ્યારે ખ્રિસ્તી ધર્મ યુ.કે.માં અને યુરોપમાં પ્રવેશ્યો ત્યારે અહિંના લોકો પેગન-Pegan ધર્મ પાળતા હતા, જે સનાતન-હિંદુ ધર્મને ઘણો મળતો આવતો ધર્મ હતો, જેમાં સૂર્ય, વર્ષા, ચંદ્ર જેવા કુદરતી દેવતાઓની ઉપાસના થતી અને અમુક હદે યજ્ઞ/હવન પણ થતા. એ પેગન લોકોનો મોટો તહેવાર ઉત્તરાયણ-Winter Solstice (૧૪મી જાન્યુઆરી નહીં, તે તો મકર સંક્રાંતિનો દિવસ છે. આ ઉત્તરાયણ એટલે ૨૧-૨૨ ડિસેમ્બર) હતો. જ્યારે સૂર્ય દક્ષિણ દિશામાં તેના ચરમ સ્થાને પહોંચી ગયો હોય છે અને પાછો ઉત્તર દિશા તરફ ખરવાની શરુઆત કરે છે તે દિવસને ઉત્તરાયણનો પ્રારંભ ગણવામાં આવે છે અને તે પછીના છ મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં ક્રમશઃ તેના ટોચના બિંદુ સુધી ખસે રાખે છે. આ પેગન તહેવારની ઉજવણી જો બંધ કરાવે તો લોકો સહેલાઈથી ખ્રિસ્તી ધર્મ પાળવા તરફ ના ઢળતા એ કારણે (મોટા ભાગના ઇતિહાસકારોના મત મુજબ) એ પેગન તહેવારના દિવસને (અને શરુઆતમાં તો ઉજવણીને પણ) એમનો એમ રાખી ઇસુ ખ્રિસ્તનો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો હતો તેવું જોડી નાખ્યું. આજે પણ (ખાસ કરી ને પ્રોટેસ્ટન્ટ) ખ્રિસ્તીઓનો એક એવો વર્ગ છે જે ઇસુનો જન્મ ડિસેમ્બરમાં નહીં પણ જુલાઇમાં થયો હતો તેમ દૃઢ પણે માને છે. જો તમે પણ ઇસુના જન્મની કથા સાંભળી/વાંચી હોય તો તમે સહજ જ સમજી શકો છો કે એ દિવસ શિયાળાનો તો હોઈ જ ન શકે. ખેર, તો વાત એમ છે કે ખ્રિસ્તી મિશનરીઓની આ તો જૂની અને જાણીતી ચાલ છે જેમાં તેઓ લોકો ને ખ્રિસ્તી તહેવાર તેમના (લોકોના) ધર્મ અને સમાજની માન્યતા પ્રમાણે મનાવવાની સલાહ આપે અને પછી લાગ જોઈ ને તેમને ખ્રિસ્તી બનાવી દે.

મેં મને એક બે ગ્રુપમાં જ્યારે આવા સંદેશા આવ્યા ત્યારે મેં અણગમો દર્શાવ્યો તો નીચે જુઓ છો એવી ચર્ચા થઈ, જેનો મને પ્રશ્ન કરનાય બેમાંથી એકેયએ જવાબ હજી આજે ૨૪ કલાકથી વધુ વિતી ગયા હોવા છતાં નથી આપ્યા, કેમકે તેમની પાસે કોઈ જવાબ છે જ નહી.

તો મિત્રો, જો તમે નાતાલની સવારે દેવળમાં જતા ન હોવ, આખા દિવસમાં ઈસુ ખ્રિસ્તને યાદ કરતા ન હોવ, ફક્ત આનંદપ્રમોદ માટે જ ક્રિસમસ ટ્રી મૂકતા હોવ તો ચિંતા કરશો નહિ, તમે એમ કરવાથી ખ્રિસ્તી થઈ જવાના નથી અને નથી તો તમે તમારા સનાતન ધર્મને કોઈ નુકસાન પહોંચાડવાના છો. હા, હું આ તહેવારને મારો અને સનાતન ધર્મનો તહેવાર માનતો નથી એટલે ઘેલો થઈ ને જેને ને તેને Merry Christmasના મેસેજો મોકલતો નથી. મારા ખ્રિસ્તી મિત્રો કે સહકર્મચારીઓને જ એવા સંદેશા મોકલું છું. હું તમને પણ એ સલાહ આપીશ કે એકબીજાને મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ કરવાની ઘેલછા જગાડવી નહી કેમકે એ તહેવાર તમારો નથી. શું તમે બકરા ઇદના દિવસે કે રમજાન ઇદના દિવસે તમારા હિંદુ મિત્રો અને સગાંસ્નેહીઓને ઈદ મુબારકના સંદેશા મોકલો છો? પટેટીના દિવસે Happy Patetiના સંદેશા મોકલો છો? ના ને? તો પછી ક્રિસમસના સંદેશા પણ ફક્ત ખ્રિસ્તીઓને મોકલો તે જ શોભે છે. તુલસીને દીવો કરવાનો બહુ શોખ થતો હોય તો ફક્ત ક્રિસમસ દરમ્યાન જ શું કામ, દરરોજ કરો ને? એમ કરવાથી તમારો સનાતન ધર્મ વધુ સારી રીતે આચરાશે.

આ તો થઈ પારકા તહેવારને સનાતન તહેવારનો રંગ આપવાની વાત. હવે કરું સનાતન તહેવારને આપણા સૌથી મોટા તહેવાર દિવાળીના તહેવારને ખ્રિસ્તી તહેવાર ક્રિસમસની જેમ ઉજવવાની સલાહ આપવાની. આ વર્ષે દિવાળી ઉપર એવો સંદેશો અને તેનો વિડિયો ફરતો થયો હતો કે દિવાળીની આગલી (કાળીચૌદસની) રાત્રે છાનાંછપનાં બાળકોના ઓશિકા નીચે પૈસા મૂકી દેવાના અથવા ઘરમાં એક ખૂણામાં કે નિયત જગ્યાએ (જેમકે ભગવાનના મંદિર પાસે) ભેટો મૂકી દેવાની અને દિવાળી ના દિવસે બાળકો ઊઠે ત્યારે એમને એમ કહેવાનું કે લક્ષ્મી માતા રાતના અંધારામાં આવી ને તેમના માટે રોકડ નાણું કે ભેટો મૂકી ગયા. શું આ પ્રથા તમને ખ્રિસ્તીઓના કાલ્પનિક પાત્ર સાંતા ક્લોઝ-Santa Clauseની વાર્તાથી કોઈ રીતે અલગ લાગે છે? જેમાં ખ્રિસ્તી/પશ્ચિમનાં બાળકો એમ માનતા હોય છે કે સાંતા રાતના અંધારામાં ઘરની ચિમનીમાંથી ઘુસી ને ક્રિસમસ ટ્રીની નીચે ભેટો મૂકી જાય છે. આપણી સંસ્કૃતિ એટલી તો સરસ છે કે એમાં આપણે આપણાં બાળકોને વડિલોને પગે લાગતા, વિનમ્ર થતા શીખવીએ છીએ અને એમના એ વિનય માટે થઈ ને તેમને લક્ષ્મી માતાની કૃપારુપ શુકનના પૈસા આપીએ છીએ. આપણી આવી સરસ પ્રથા બદલી ને તેને ખ્રિસ્તી પ્રથા બનાવવાની અને ખ્રિસ્તીઓના તહેવાર નાતાલને તુલસી દિવસ બનાવવાનો. આ બધા લોચા કયા પ્રકારના મગજમાંથી ઉત્પન્ન થતા હોય છે તે સમજાતું નથી.

વ્યથા કે ગુલામીની મનોદશા?

બે-ત્રણ દિવસ પહેલા પ્રજસત્તાક દિને વોટ્સએપ પર આ કવિતા ફરતી થઈ ગઈ હતી, મને નહિ નહિ તોય ઓછામાં ઓછી સાત વખત મળી. તમને બધાને મળી જ હશે… જો ના મળી હોય તો વાંચી જુઓ અને વાંચેલી હોય તો નજરઅંદાજ કરીને નીચે વાંચો:

“સારું થયું આઝાદ થઇ ગયા…!”

સારું થયું આઝાદ થઇ ગયા.
એ ગોરા સાલ્લા રસ્તા પર થુકવા દેતા નોતા,
રસ્તા પાણી થી ધોતા હતા,
આપણે કેટલા નસીબ- વાળા ?
ગમે ત્યાં થૂકી શકયા,
ગુટખા ખાઈ…. સારું થયું આઝાદ થઇ ગયા….

તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા,
મૂરખા રાશન માં સારું અનાજ આપતા,
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજ- માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,….. સારું થયું આઝાદ થયા. …‌

એ મૂરખ અંગ્રેજો
શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા,
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા,
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા આપણે  ભાગ્યશાળી બન્યા, …..સારું થયું આપણે આઝાદ થયા……

એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો- ને ભીખ માગવા દેતા નોતા,
એ બધા  આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા,
હવે બાળકો નું અપહરણ કરી,
અપંગ બનાવી,
ભીખ મગાવી ઉદાર આપણે થયા,……સારું થયું આઝાદ આપણે થયા……

એ ફિરંગીઓ,  લાંચ ખાવા દેતા નોતા,
એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા, હવે આપણે લાંચિયા ની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા, ……સારું થયું આઝાદ થઈ ગયા…..

(માફી: સર્જકની કે જેનું નામ કદાચ કોઈકે મોકલ્યું હતું પણ મને યાદ નથી રહ્યું, જો કોઈ જાણતું હોય તો જણાવશો, અહિં ઉમેરી દઈશ)

આ કવિતા વાંચીને મને એવી માનસિકતાવાળા માણસોની દયા આવવા માંડી જે માને છે કે મહાન અંગ્રેજો ના હોત તો આપણે જન્મી જ ન શક્યા હોત અને જો જન્મ્યા હોત તો હજુ જંગલમાં જાનવરોને મારીને કાચું માંસ જ ખાતા હોત. ક્યારે લોકો અંગ્રેજોની ગુલામી કરવાનું છોડશે? હું એમ નથી કહેતો કે આ કવિતાના રચયિતાએ દેશની આજની પરિસ્થિતિ પ્રત્યે જે વ્યથા વ્યક્ત કરી છે તે ખોટી છે કે તેમાં અતિશયોક્તિ છે કે નથી તો હું સામાન્ય ભારતીય નાગરીકની માનસિકતાના વખાણ કરું છું (કેમકે તે તો આ કવિતાને ફોરવર્ડ કરીને લોકોએ સાબિત કરી જ દીધું છે), પરંતુ અહિં અંગ્રેજોને જે રીતે મહાન ચિતર્યા છે એની સાથે સંપૂર્ણ અસહમત છું.

ચાલો એની સામે થોડા તર્ક રજૂ કરું, સર્જક કહે છે કે ” મૂરખા રાશન માં સારું અનાજ આપતા”, શું તેમને ખબર છે કે રાશન (મર્યાદિત પ્રમાણમાં અનાજ-કરિયાણું) કેમ અને ક્યારે આપતા? શું રાશન આપવું એ ખરેખર પ્રશંસનિય કાર્ય હતું? વિશ્વયુદ્ધમાં જ્યારે એમના દેશમાં પુરવઠો ખોરવાયો ત્યારે આપણે અહિંથી અને બધેથી ભેગું કરીને મર્યાદિત પ્રમાણમાં વહેંચ્યું. જે વિશ્વયુદ્ધ સાથે આપણે કોઈ લેવાદેવા નહોતી તેમાં અકારણ આપણા સેંકડો લોકો હોમાઈ ગયા, આજે પણ અહિં બ્રિટનમાં રિમેમ્બરન્સ સન્ડે ઉજવાય અને એમાં યુદ્ધની બલિહારીઓ લેવાય ત્યારે ભારતીય સૈનિકોને ભાગ્યે જ યાદ કરાતા હોય, પણ છતાં એ રાશન આપનાર અંગ્રેજો મહાન?

” સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા,” ખરેખર? ભારતની શિક્ષણપ્રથાને નેસ્તનાબુદ કરીને પોતાનું ઘુસાડ્યું તે મહાન? આપણી આરોગ્યવિદ્યા આયુર્વેદને નેસ્તનાબુદ કરીને એલોપથી જબરજસ્તીથી ઘુસાડી તે મહાન?

“એ ફિરંગીઓ લાંચ ખાવા દેતા નોતા, એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા,” વાહ વાહ, શું વાત છે! લાંચ લેતા આપણને શીખવાડ્યું કોણે? લાંચની પ્રથા ચાલુ કોણે કરી? એટલા જ દૂધે ધોયેલા હતા જો તમારા એ અંગ્રેજો કે ફિરંગીઓ તો એમણે ભારતના ભાગલા કરવા માટે લાંચમાં મહમદ અલી ઝીણાને પાકિસ્તાન શું કામ આપ્યું? શું કામ રાજાઓને લાંચમાં લંડનની સહેલ કરાવીને છાનુંમાનું રાજ છીનવી લીધું? જેણે લાંચ આપતા શીખવ્યું તે અંગ્રેજો મહાન?

ધન્ય છે સર્જકને.

અંગ્રેજોએ આપણા માટે કશું નહોતું કર્યું, જે કર્યું તે તેમના પોતાના માટે કર્યું, આપણે એમની આરતિ ઉતારવાની હવે આઝાદીના લગભગ ૭૦ વરસે તો બંધ કરવી જ જોઈએ. અંગ્રેજોને આપણી કોઈ દયા નહોતી આવતી, કે નહોતા તો તે કોઈ ધર્માદાનું કે પરોપકારનું કામ કરવા નીકળ્યા. એ ફક્ત ધંધો કરવા અને આપણી જાહોજલાલીને લુંટવા આવ્યા હતા જ્યારે આપણે નીચોવાઈ ગયા ત્યારે એ લોકો દેશને કંગાળ હાલતમાં છોડિ ને જતા રહ્યા અને નહેરુ-ઝીણા જેવા લાલચુ નેતાને લાંચ આપતા ગયા.

તા.ક. (સ્પષ્ટતા): કવિતા મારી નથી, તેના વ્યાકરણ અને જોડણી સુધાર્યા નથી, જે રૂપમાં મળી હતી તે જ રૂપમાં પ્રસ્તુત કરી છે.

એમાં મેં શું ખોટું કહ્યું?

આજે એક ભાઈની સાથે વાત ચાલતી હતી. વાતમાંથી કોઈક ત્રાહિત વ્યક્તિની કાંઈક વાત નીકળી અને મેં પૂછ્યું કે તે ક્યાં રહે છે? જવાબ મળ્યો: “ન્યુ મણીનગર” અને મરી ભભકી. મેં કીધું કે મને સખત ગુસ્સો ચડે છે જ્યારે લોકો એક સ્થળના નામ પરથી બીજાનું નામ પાડે છે. તેઓ ઉવાચ: “એમાં શું થઈ ગયું યાર, આ તો ખાલી નામ જ છે“.

મેં એમને એક જ સવાલ પૂછ્યો, “માનો કે તમારે એક બાબો છે ચિંતન, ભગવાનની કૃપાથી તમારે ઘેર ફરી પારણું બંધાય અને અન્ય એક પૂત્રરત્ન અવતરે તો તમે ક્યારેય એનું નામ ‘નવો ચિંતન‘ પાડશો? જવાબમાં તેઓ હસ્યા અને મેં ફેંકેલા બોલ પર ચોગ્ગો મારતા હોય એવા ભાવ સાથે બોલ્યા: “એક ઉપર બીજો બાબો તો ૨-૪ વરસમાં જ આવી જાય. આ મણીનગર પછી ન્યુ મણીનગર કાંઈ બે–ચાર વરસમાં થોડું બન્યું?” મને લાગ્યું કે અહિં સ્વિંગ બોલિંગથી કામ નહિ ચાલે એટલે મેં ગુગલી ફેંક્યો: “બરોબર છે. ચાલો બીજો પ્રશ્ન પૂછું કે તમારા માતુશ્રીનું નામ રમીલાબેન છે અને તમારા ઘરે ઈશ્વરના આશીર્વાદથી સુંદર કન્યા જન્મે છે. હવે તો તમે એનું નામ ‘નવી રમીલા‘ પાડશોને? કે પછી રાજાઓમાં હોતું ‘તું એમ ‘રમીલા બીજી‘ વધારે યોગ્ય રહેશે?” અને સાલું મારી ગુગલીએ કામ કર્યું. ભાઈ કહે, એવું તે કાંઈ હોતું હશે? અને અચાનક એમને કાંઈક કામ યાદ આવ્યું અને એમણે મારી રજા માંગી જે મેં આપી દીધી.

હવે તમે જ કહો, એમાં મેં શું ખોટું કહ્યું?

વિકિપીડિયા અને બ્લૉગ્સ-એક સરખામણી

માતૃભાષાના મંડપ નીચે – ૨ શીર્ષક હેઠળ મુરબ્બી શ્રી જુગલકિશોરભાઈએ વેબગુર્જરી પર પ્રસિદ્ધ કરેલા સંપાદકિય પર મેં કરેલી ટિપ્પણી

હું અહિં આવ્યો તો હતો વિકિપીડિયા વિષે જણાવવા, પણ મેં જોયું કે અત્યાર સુધીમાં મળેલી ત્રણે-ત્રણ કોમેન્ટ્સ વિકિપીડિયા વિષે જણાવી ચૂકી છે. હું વિકિપીડીયાનો પ્રબંધક છું અને ઉપરની ત્રણે કોમેન્ટ્સ સાથે સહમત થઉં છું, હા, મુરબ્બી શ્રી વોરા સાહેબે જણાવ્યું તેમાં અને પછીની યોગેશભાઈની કોમેન્ટમાં થોડો વિરોધાભાસ જરૂર છે, છતાં તે બંને સાથે સહમત છું. વ્યોમભાઈએ પણ સમજાવ્યું જ છે, જે એકદમ સાચું છે. અંગ્રેજી વિકિપીડિયા જેટલી ઝડપથી ગુજરાતી વિકિપીડિયામાં ફેરફારો નથી થતા, એનું મોટું કારણ બંનેના સંખ્યાબળમાં ૧:૧૦૦૦નો કે કદાચ તેથી દસ ગણો કે સો ગણો ગુણોત્તર પ્રમાણ છે. હશે, જે હોય તે. વિકિપીડિયાની સરખામણી બ્લૉગ્સ સાથે કોઈ કાળે ન થઈ શકે. જેમ વર્તમાન પત્રોની સરખામણી નવલકથાઓ સાથે, નવલકથાઓની સરખામણી વ્રતકથાઓ સાથે કે આ ત્રણેમાંથી કોઈની પણ સરખામણી ગુજરાતી વિશ્વકોશ સાથે ન થઈ શકે, અને ગુજરાતી વિશ્વકોશની સરખામણી Encyclopædia Britannica સાથે ન થઈ શકે, તેમ જ ગુજરાતી વિકિપીડિયાની સરખામણી અંગ્રેજી વિકિપીડિયા સાથે ન થઈ શકે અને ન તો તેને અન્ય કોઈપણ ઓનલાઇન માધ્યમ સાથે સરખાવી શકીએ.

બ્લૉગ જગતનું જમાપાસું કહો તો જમાપાસું અને ઉધારપાસું કહો તો ઉધારપાસું, તે એ છે કે તેમાં જેને જેમ ફાવે તેમ લખી શકે છે. તેને કોઈ પડકારે તો એ પડકારરૂપ કોમેન્ટને લેખક પોતે ડિલિટ કરી શકે છે, કોમેન્ટકર્તાને બ્લૉક કરી શકે છે, વગેરે, વગેરે. એટલે કે મુદ્રણાલયોમાંથી છપાતા સાહિત્યની જેમ જ, આ સાહિત્ય પણ અસ્પૃશ્ય રહી શકે છે, અને આપણે તેને આમ નિસ્પૃહી રહેલું જોયું પણ છે. જેમ છાપામાં કોઈ સમાચાર, લેખ કે વિગત છપાઈ હોય, તેના વિરોધમાં કે તેની સામે વાંધો ઉઠાવતો પત્ર તમે અખબારના કાર્યાલયને લખ્યો હોય તો પણ તે છાપવો કે નહિ, કે તેનો ઉત્તર આપવો કે નહિ તે અખબારના તંત્રી કે માલિકના હાથમાં હોય છે, તેમ જ બ્લૉગ જગતમાં પણ એ સત્તા બ્લૉગના ઓનર (બ્લૉગર)ના હાથમાં હોય છે. એટલે આપણે જે બીક વિકિપીડિયા માટે બતાવીએ છીએ કે “…… એમાં સૌ કોઈને માહિતી મૂકવાની છૂટ હોઈ તે લખાણોની ચકાસણીનાં કોઈ ધોરણો ખરાં ? લખાણો પર સુધારાવધારા થતા હોય છે પણ એ બધા સુધારાની પણ સચ્ચાઈનું શું ?” ત્યારે આપણે આ જ પ્રશ્ન બ્લૉગના સંદર્ભમાં પૂછવાની દરકાર પણ કરતા નથી, અને ત્યાં તો આપણે બ્લૉગરના વિચારોની સ્વતંત્રતા અને વૈવિધ્યની વાહવાહ કરીએ છીએ. કેમ આવા બેવડા ધોરણો? શું કોઈ બ્લૉગ એવો છે જેમાં લખેલું લખાણ સુધારવાની છૂટ અન્ય કોઈ વ્યક્તિને હોય? પોતાના લખાણો ક્યાંથી લીધેલા છે તેની માહિતી અને સંદર્ભ આપતા બ્લૉગો કેટલા? આપણે આવા અસંદર્ભ બ્લૉગો પર તો કોઈ ખાસ પ્રશ્ન ઉઠાવતા હોઈએ એવું ખાસ ધ્યાને ચડતું નથી. તો વિકિપીડિયા પર પ્રશ્ન ઉઠે છે એનો મતલબ શું એમ જ કરવો ને કે વિકિપીડિયા પાસેથી લોકોની અપેક્ષા અનેકગણી વધુ છે? હું તો ચાહીશ કે લોકો જેટલી સંખ્યામાં બ્લૉગ્સ વાંચે છે તેટલી જ સંખ્યામાં પહેલા વિકિપીડિયા વાંચે. વિકિપીડિયામાં મળતી માહિતીને બ્લૉગ્સ પર મળતી માહિતી સાથે સરખાવી જુએ, જો કોઈ બ્લૉગમાં કોઈ માહિતી ખોટી છે તેમ લાગે તો તેના લેખકને તે સુધારવા માટે જણાવી જુએ અને પછી મુલવણી કરે.

તમે ઉઠાવેલા પહેલા પ્રશ્નના જવાબમાં મને તો એમ લાગે છે કે જાણીતા લેખકો અને વિવેચકોને પ્રિન્ટમીડિયામાં એ કામ કરવાથી અર્થોપાર્જન થાય છે, જ્યારે અહિં ફક્ત સમય વેડફાતો લાગે અને કાળે કરીને કદાચ દુશ્મનો પણ વધે, એટલે આ માધ્યમથી તેઓ દૂર રહેતા હોય તે સ્વાભાવિક છે.

બીજો પ્રશ્ન જે તમે ઉઠાવ્યો છે, તે જ મારી હૈયા વરાળ પણ છે, કે બ્લૉગજગતમાં મનફાવે તેમ લખવા કરતા મને તો મોટો વાંધો મનફાવે તેવા વ્યાકરણમાં અને મનફાવે તેવી જોડણીમાં લખવા સામે છે. મને તો હજુ સુધી એ સમજાતું નથી કે જો કોઈને લખવાનો એટલો બધો શોખ હોય તો કેમ તેઓ પોતાનું વ્યાકરણનું જ્ઞાન સુધારવાની કોશિશ નથી કરતા? આપણી પોતાની ભાષામાં લખવાનું મન થાય તો ભાષાને જાણવી તો જોઈએ ને? વિચારો ભલે પોતાના હોય, પણ ભાષાનું તો બંધન નડવું જોઈએ ને? હું પોતે પણ કોઈ વ્યાકરણનો કે જોડણીનો ખાં નથી, પણ હું જ્યારે લખતો હોઉં ત્યારે એટલી તો સભાનતા રાખું છું કે બને ત્યાં સુધી ભૂલ ના કરું, જો કોઈ જોડણીની ખબર ન હોય તો જોડણીકોશ, ભગવદ્‌ગોમંડલ કે ગુજરાતી લેક્સિકન જેવા હાથવગા માધ્યમમાં ચકાસણી કરી લઉં છું. એમ કરવું કશું અઘરૂં નથી, ઉપરથી એમ કરતા મારું જ જ્ઞાન વધે છે. પણ લોકોને ક્યારે એ સમજાશે? જો ખરેખર આપણી ભાષાને અને તેમાં લખાતા લખાણોને સમૃદ્ધ કરવા હોય અને લોકભોગ્ય બનાવવા હોય તો, સૌપ્રથમ તો ભાષાશુદ્ધિ માટેની જાગૃતિ આણવાની જરૂર છે. આપણે જે લોકો ફક્ત પ્રિન્ટમીડિયા જ વાંચે છે તેમને બ્લૉગ્સ વાંચતા કરીશું અને તે બ્લૉગ્સમાં સાર્થ, ઊંઝા, મહેસાણા, ભાવનગર, અમદાવાદ, લંડન, સીડની, વગેરે બધા જ પ્રકારની જોડણીઓ વંચાવીશું તો આપણી ભાષાની હાલત અત્યારે છે તેના કરતા પણ વધારે કફોડી થશે એમ નથી લાગતુ? આપણે આપણા ઘરે લગનપ્રસંગ લઈએ ત્યારે કેવું ઘરને ધોળાવીને અને સ્વચ્છ કરીને રાખીએ છીએ? દીવાળીમાં પણ કેમ નવી ચાદરો પાથરીએ છીએ? કેમકે ઘરે આવતા મહેમાનને આપણી ભીંતના ઉખડી ગયેલા પોપડા, કે ચાદરોમાં પડેલા કાણા, કે ગાદલા પર પડેલા છોકરાઓના મૂતરના ધાબા બતાવવામાં આપણને જેટલો સંકોચ થાય છે તેટલો જ સંકોચ બ્લૉગજગતમાં રહેલી જોડણી અને ભાષાની અરાજકતા બતાવવામાં થવો જોઈએ.

જો ભાષાના નિયમોની ચિંતાની વાત કરતા હોઈએ તો હું તો એવા લોકોથી પણ ખુશ નથી કે જે અન્ય જગ્યાએથી માહિતી લઈ આવે અને તમે કહો છો તેમ “પોતે ક્યાંક્યાંથી માહિતી લાવ્યા છે તેની લિંક મૂકીને પોતાની નિષ્ઠા અને જાગૃતિનો પરિચય કરાવતા જ રહે” આ વિધાન તમારા એ જ ફકરામાં આવે છે જેમાં તમે ભાષા કે સાહિત્યનાં ધારાધોરણોની, સાહિત્યસ્વરૂપોની કક્ષાની અને ભાષાના નિયમોની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને એટલે એમ સમજી લઉં છું કે તમે ક્યાંથી લાવ્યાની લિંક મૂકનારને તાજના સાક્ષીની રૂએ આ પ્રશ્નોમાંથી બાકાત રાખો છો. શું કામ? જો નિષ્ઠા પારકા લેખક પ્રત્યે હોય તો પોતાની ભાષા-માતૃભાષા-માટે કેમ નહી? કોઈએ ભૂલ કરી હોય તો એ ભૂલ હું જ્યારે એ લખાણ મારા બ્લૉગ પર મેલતો હોઉં ત્યારે તો સુધારી શકું ને? ગુજરીમાંથી ચાર પાયાવાળું ટેબલ લાવ્યો હોઉં અને એ ડગુમગુ થતું હોય તો શું હું એને એમનું એમ રાખીશ કે એકાદ પાયાને છોલાવીને કે એની નીચે ગડી કરેલો કાગળ કે પૂંઠું મૂકીને ટેબલને ડગતું બંધ કરીશ? તો કોઈને ત્યાંથી લઈ આવેલું લખાણ ડગુમગુ થતા ટેબલ જેવું હોય તો તેના એક પાયાની નીચે ગડી વાળેલું પૂંઠું કેમ ન ખોસી શકાય?

ચાલો, મૂળ લેખ કરતા તો મારી ટીપ્પણી લાંબી ખેંચાઈ ગઈ, મારા બ્લૉગ પર તો હું લખતો નથી , પાછું મને કોઈ કહેશે કે પારકે રસોડે આટલું બધું કેમ રાંધી આવો છો?

બંધારણ મુજબ ભારતની કરવામાં આવેલી વ્યાખ્યા અનુસાર ભારતની મૂલવણી

ગઈ કાલે પ્રજાસત્તાક દિને મગજમાં એક જ વિચાર ચાલતો રહ્યો કે શું ભારત ખરા અર્થમાં પ્રજાસત્તાક બન્યું છે ખરૂં? આપણા દેશનું બંધારણ તો ડૉ. આંબેડકરની અધ્યક્ષતા હેઠળની સમિતિએ ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસના ગાળામાં તૈયાર કરીને આપી દીધું હતું. બંધારણ ભારત દેશને “સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક લોકશાહી, તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપનારો અને તેમની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો” ઘોષિત કરે છે. જો કે, મૂળ બંધારણ સમિતિએ ઘડેલા બંધારણમાં ભારત દેશને સમાજવાદી અને બિનસાંપ્રદાયિક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો ન હતો, તે તો પાછળથી આપણા જનપ્રતિનિધિઓએ છેક ૧૯૭૬માં ઈન્દિરા ગાંધીની સરકારે કરેલું ઉમેરણ છે. હવે જ્યારે આ વ્યાખ્યાના એક એક શબ્દને લઈને આજના ભારતને મૂલવવાનો પ્રયત્ન કર્યો તો મને નીચે પ્રમાણેના જવાબો પ્રાપ્ત થયા. જો કે, આ ઉત્તરો મારા અંગત વિચારોને પ્રતિબિંબિત કરે છે, પરંતુ અહિં આપ સૌની સાથે વહેંચવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, કદાચ તમારામાંથી કોઈ પણ આ ઉત્તરો સાથે સહમત થતું હોય, અથવા મારા વિચારોને સુધારવાનો પ્રયત્ન કરીને કદાચ હું ખોટો હોઉં તો મને સુધારવાનો પ્રયત્ન પણ કરે.

શું આપણે ખરા અર્થમાં સાર્વભૌમ છીએ?
મને તો લાગતું નથી. જે ભારે માત્રામાં આપણે અમેરિકા અને બ્રિટન જેવા ધનિક (કે કંગાળ) દેશો પર હજુ આજે પણ નિર્ભર છીએ (જો કે એવું કેમ છે તે પણ સમજાતું નથી) તેના પરથી ભારતને સાર્વભૌમ સત્તા કહેતા પહેલા સો વખત વિચારવું પડે છે.

શું આપણે સમાજવાદી છીએ?
કોઈ કહી શકશે ભારતને સમાજવાદી? ભારત તો માલેતુજારવાદી છે એવું લાગે છે, જ્યાં ઉદ્યોગની નીતિઓ હોય કે વ્યાપારની નીતિઓ, ટેલિકોમ્યુનિકેશન હોય કે એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ, મોટા ભાગનું બધું જ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને જ ધ્યાનમાં રાખીને જ થતું હોય અને બાકીનું થોડુંઘણું નેતાઓના અંગત સ્વાર્થને આધારે થતું હોય, તે દેશ સમાજવાદીની વ્યાખ્યામાં કેવી રીતે બંધ બેસી શકે તે સમજવું ખરેખર અઘરૂં છે.

શું આપણે બિનસાંપ્રદાયિક છીએ?
કદાચ હા, કેમકે જ્યારે કોંગ્રેસ પક્ષ ચુંટણી લડતો હોય ત્યારે તે વાત ઢોલ પીટી પીટીને કહે છે, જેથી કેટલાક લોકોના માનસ પર સંમોહનની અસર થાય છે અને તેમને એ વાસ્તવિકતા હોવાનો ભાસ થાય છે. પરંતુ જે દેશમાં “પર્સનલ લૉ”ને નામે હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી એમ ત્રણ ધર્મો માટે જૂદા જૂદા કાયદા હોય, જે દેશમાં હિંદુને લગ્ન માટે એક કાયદો લાગુ પડે અને મુસલમાનને લગ્ન કે છૂટાછેડા માટે અલગ કાયદો લાગુ પડે તેને બિનસાંપ્રદાયિક ગણવો કે નહિ તે વિષે મને તો હજુ અવઢવ છે.

શું ભારત પ્રજાસત્તાક લોકશાહી છે?
લોકશાહીનો અર્થ ફક્ત “લોકોએ આપેલા મતને આધારે ચુંટાયેલી સરકાર” પુરતો સિમિત રહેતો હોય તો, હા, ચોક્કસ ભારત લોકશાહી છે. આપણા દેશની સરહદ પર પડોશીઓ હુમલા કરી જાય, દેશની અંદર ઘુસીને જો પડોશી દેશના આતંકવાદીઓ આપણી નિર્દોષ પ્રજાને નિર્મમરીતે રહેંસી જતા હોય છતાં આપણા દેશની જનતા કશું કરી ન શકતી હોય, જે દેશની સંસદમાં ફક્ત પૈસાને જોરે સરકારો રચાતી હોય તે દેશને કેવી રીતે લોકશાહી કે પ્રજાસત્તાક લોકશાહી કહી શકાય તે મને કોઈપણ વ્યક્તિ સરળ શબ્દોમાં સમજાવી શકે તેની હું રાહ જોઈને બેઠો છું.

શું ભારત તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપે છે?
ન્યાયની વાત કરીએ તો, જે દેશમાં આમઆદમી પોતાના ઘરમાં થયેલી ચોરી કે પછી એક સ્થાનિક ગુંડા (કે જે દાદાના હુલામણા નામે ઓળખાય છે) દ્વારા હપ્તાની માંગણી વિરુદ્ધ અને તે માંગણીને ન સંતોષતા તેને થતી કનડગત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવવા જતા ડરતો હોય; જે દેશની જનતાના અબજો (હવે તો અબજો પણ ૧૦૦ અબજ, ૨૦૦ અબજ જેવા આંકડામાં મપાય છે)ના નાણાંના કૌભાંડો કરીને સરેઆમ ફરતા હોય અને તેમને લોકો કશું કહી કે પૂછી ન શકતા હોય, જે દેશના લોકોને કાયદો અને કાયદા પ્રમાણે પોતાના હક્કોની જાણકારી આપવામાં જ ન આવતી હોય; જે દેશમાં અમીરોના ઘરમાં અને જનતાના સેવક કહેવાતા સાંસદો અને ધારાસભ્યો, વગેરેના ઘરમાં એક ફળની કિંમત અને આયોજન પંચ દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની દૈનિક આવક (શહેરી વિસ્તારોમાં રૂપિયા ૨૮.૩૫ અને ગ્રામિણ વિસ્તારમાં અંકે રૂપિયા ૨૨ અને ૪૨ પૈસા) વચ્ચે અધધધ અસમાનતા હોય; જે દેશમાં છાશવારે આતંકવાદી હુમલાઓમાં સામાન્ય જન પોતાના જાનમાલનું નુકશાન વેઠતો હોય, તે દેશ પોતાના કયા નાગરીકને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપે છે તે માનવું મારે માટે પણ સ્વપ્ને પણ શક્ય નથી.

શું ભારત દેશ તેના નાગરીકોની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો દેશ છે?
ભ્રાતૃત્વ એટલે શું? આ પ્રશ્ન મારો નથી, આપણા દેશના બંધારનનું પાલન કરનારા રાજકારણીઓ અને કાયદાનું પાલન કરાવનારા પોલીસ તંત્રના મનમાં રહેલો પ્રશ્ન હોવાની લાગણી મને થાય છે. જે દેશમાં અનામતને નામે લોકોને અંદરોઅંદર ઝઘડાવવામાં, અસ્પૃશ્યતાને હજુ આજે પણ વ્યાજબી ગણનારા, હિંદુ-મુસલમાન, શહેરી-આદિવાસી, વગેરે જેવા વાડાઓ ઉભા કરી એવા જુથો વચ્ચેની ખાઈને દિનપ્રતિદિન વધુને વધુ પહોળી કરવામાં જ જે પોતાનું હિત સમજે છે, તે દેશ આવો કોઈ પ્રયત્ન પણ કરી શકે છે, તે કદાચ ભગવાન જ મારે મન સ્પષ્ટ કરી શકે.

આમ મારા ભારત દેશને, “મેરા ભારત મહાન” કહેવામાં ગર્વ અનુભવતો હું, તેના બંધારણના ઘડવૈયાઓમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારો હું, તે જ બંધારણ ના પાલનકર્તાઓમાં લગીરેય વિશ્વાસ મુકી શકતો નથી. તેમાં નિષ્ફળતા કોની, મારી કે એ ભારતના રખવાળાઓની? આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. કદાચ વિશ્વમાં એકમાત્ર આપણો દેશ જ એવો દેશ હશે જે તેના બંધારણના અસ્તિત્વમાં આવ્યાનો દિવસ, આજે ૬૩ વર્સ પછી પણ દેશની આઝાદીના દિવસ કરતા પણ વધુ ધામધુમથી ઉજવે છે. જે બંધારણ સમિતિમાં દેશના અગ્રણી કાયદાશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતીઓ (કનૈયાલાલ મુન્શી (પૂર્વ ગૃહમંત્રી, બોમ્બે સ્ટેટ), અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર (પૂર્વ એડ્વોકેટ જનરલ, મદ્રાસ સ્ટેટ), એન. ગોપાલસ્વામી આયંગર (પૂર્વ મંત્રી, જમ્મુ અને કાશ્મિર તથા નહેરુ કેબિનેટના સભ્ય), બી.એલ. મીટ્લર (પૂર્વ એડ્વોકેટ જનરલ, ભારત), મોહમદ સાદુલ્લાહ (પૂર્વ મુખ્યમંત્રી, આસામ) અને ડી.પી. ખૈતાન (ખૈતાન ઉદ્યોગકાર કુટુંબના વારસ અને પ્રખ્યાત વકિલ), માધવ રાવ (વડોદરાના મહારાજાના કાયદા સલાહકાર), ટી.ટી. કૃષ્ણમાચારી (ઉદ્યોગપતિ અને કંગ્રેસી))નો સમાવેશ થયો હતો, જે બંધારણના સલાહકાર તરીકે સર બેનેગલ નરસિંગ રાઉ (ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય જજ) રહી ચુક્યા હોય, જે સમિતિના અધ્યક્ષને આજે બંધારણના ઘડવૈયા તરીકેનું માન આપીને તેમની પૂજા થતી હોય, જે બંધારણ અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, જેવા વિશ્વના અન્ય દેશોના બંધારણમાંથી અનુકૂળ અને યોગ્ય કલમો લઈને રચાયું હોય, તે બંધારણ દ્વારા દેશની કરવામાં આવેલી વ્યાખ્યામાં આજે ૬૩ વર્ષ પછી પણ તાર્કિક સ્પષ્ટતા શોધી ન જડતી હોય, તે દેશનું કમભાગ્ય કેટલું? દેશનું કમભાગ્ય એટલે કોનું કમભાગ્ય? દેશની સામાન્ય જનતાનું જ કે બીજા કોઈનું?

હકારાત્મક માન્યતાઓ અને નકારાત્મક માન્યતાઓ

(આ પોસ્ટ ૩૦ ઓગસ્ટે કાગળ ઉપર લખી હતી, અહિં અક્ષરાંકન કરવામાં મોડું થયું છે પણ એ દિવસના જ શબ્દોમાં જ લખું છું.)

ગઈકાલના ડેઇલી મેલમાં અને પરમ દિવસના મેટ્રોમાં સમાચાર વાંચ્યા કે ASDAએ અત્યાર (૨૮-૨૯ ઓગસ્ટ)થી Santa’s Grotto બનાવી દીધો છે, નાતાલના ૧૧૭ દિવસ પહેલાથી. આ સમાચાર એક ટિકાની જેમ પ્રસિદ્ધ થયા હતા. લોકોને મૂળ વાંધો તો એ વાતનો હતો કે બાળકો સાન્તાક્લોસને જોઈને નાતાલ સંબંધી ભેટોની ખરીદી કરાવશે અને અત્યારે જ્યાં લોકો પાસે પૈસા નથી, મંદીનો માહોલ છે ત્યારે વધુ ખર્ચો થશે.

પણ એ સમાચારમાં એક રસપ્રદ વાત ધ્યાન પર આવી કે લોકોનું કહેવું છે કે, “બાળકોને ખબર પડી જશે કે સાન્તાક્લોસ હકિકતમાં અસ્તિત્વ ધરાવતા નથી” (Others say Asda’s campaign gives children the impression Santa isn’t real.-Metro, ૨૮-૦૮-૨૦૧૨ અને ‘spoiled the festive period by conveying to children that Santa may not be real’ and that they ‘take away their child’s innocence’-Daily Mail, ૨૯-૦૮-૨૦૧૨). કેટલી સરસ વાત છે? એક વિકસિત દેશના લોકો જાણે છે કે સાન્તા જેવું કશું નથી છતાં નાની ઉંમરના બાળકોને એમાં વિશ્વાસ મુકતા શિખવે છે. અને એટલું જ નહિ, તેમનો એ વિશ્વાસ કોઈ રીતે ભાગી ન જાય તેની પણ કાળજી રાખે છે. આ એ જ લોકો છે જે બાળકને અંધારાની, ભૂતની, બાવાની કે પોલીસની કૃત્રિમ બીક લગાડવાના સખત વિરોધી છે, ફક્ત ડર ના બેસાડવો એ હેતુ થી જ નહિ, પણ બાળકને વાસ્તવિકતાથી અવગત કરાવવું જોઈએ એ હેતુથી પણ.

રસની વાત એ છે કે તેઓ તદ્દન ખોટા નથી. બાળકને સાન્તા આનંદ આપે છે. જે વાત કોઈને આનંદ આપતી હોય, સાંત્વના આપતી હોય, તે ભલે ને કાલ્પનિક હોય તેને યથાવત રહેવા દેવી જોઈએ. જ્યારે આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો, જેમને પોતાને ખાતરી નથી કે ભગવાન નથી જ, તે એમની અંગત માન્યતા જ હોવા છતાં ઢોલ નગારા લઈને લોકોને એમ ઠસાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે કે ભગવાન જેવું કશું નથી. અને એ પણ એવા લોકોને ઠસાવવાનું કે જે ભગવાનનું અસ્તિત્વ છે તેમ માનીને રાજી થતા હોય, પોતાનું દુ:ખ બે ધડી વિસરી જતા હોય કે આશાના સહારે જીવનની વિષમ ઘડીઓ વ્યતિત કરતા હોય છે. વાત છે હકારાત્મક માન્યતાઓની અને નકારાત્મક માન્યતાઓની. જેમ અહિંના માતા-પિતાઓ માને છે બાળકને તેની બાલ્યાવસ્થામાં સાન્તા પર વિશ્વાર રાખવા દેવું અને તેને સાન્તાના નામે ભેટ-સોગાદો પણ આપવી, એ રીતે આપણે ભલે નાસ્તિક હોઈએ કે ભલે રેશનલ હોઈએ શું આપણે અન્ય આસ્તિક કે ઇરેશનલ લોકોને બક્ષી ના શકીએ?

વડીલ બ્લૉગર મિત્ર દીપકભાઈ ધોળકીયાએ રામાયણ અને કૃષ્ણની દ્વારકા એ બે વિષય પર પુરાતત્વિય શોધો પરથી લખાયેલા પુસ્તકના આધારે બે લેખમાળાઓ લખી. તેની શરૂઆતમાં તેમણે લખ્યું હતું કે “અહીં રામની નહીં – રામાયણની રચના, એના સ્વરૂપ વિશે સાહિત્યિક દૃષ્ટિએ અને પુરાતત્વની દૃષ્ટિએ ચર્ચા કરી છે.” આ એક ડિસ્ક્લેમર હતું. આ જ વાત તેઓએ વારંવાર આ લેખો પરની ચર્ચામાં પણ કહી. છેલ્લ લેખ પરની એક ચર્ચાના જવાબમાં તેઓ લખે છે કે “એટલે કૃષ્ણને કે રામને ભગવાનપદેથી પદભ્ર્ષ્ટ કરવાનો પુરાતત્વનો ઇરાદો નથી. આમ પણ કૃષ્ણ મારૂં પ્રિય પાત્ર છે અને એ ન હોય તો એમને શોધી કાઢવા પણ તૈયાર થાઉં. ભાલકા તીર્થ પાસે પુરાતત્વીય ખોદકામમાં પારાધિના તીરથી ઘાયલ કૃષ્ણનુ અશ્મિ આખું ને આખું મળી આવે તો -એવી ઇચ્છા રહી છે.” મને તો આ ખરી ખેલદિલી લાગે છે, જે બહુ ઓછા લોકો બતાવી શકતા હોય છે. જો સહુકોઈ આ પ્રકારની ખેલદિલી બતાવે તો એક સુહૃદયી સમાજનું નિર્માણ થાય જ્યાં ધર્મના નામે ય્દ્ધો થતા બંધ થઈ જાય તેમ મારૂં માનવું છે.

ચાન્સ કે ઈમાનદારી (૩)?

આગળની બે પોસ્ટ્સની શ્રેણીની જ આ ત્રીજી અને હાલ પુરતી છેલ્લી પોસ્ટ છે. જો કે આ અનુભવ પહેલાના બે કરતાં જુદો છે, પણ ભળતો સળતો હોવાથી તે જ શ્રેણીમાં સમાવી લીધો છે.

‘સૃષ્ટિ’માં કામ કરતો ત્યારે સૌરાષ્ટ્ર બાજુના કોઈક ગામડાની મુલાકાત લઈને ઘેર પાછા જવા માટે એસ.ટી.ની બસમાં બેઠો હતો. ભાડું ૪૯ કે ૫૯ રૂપિયા જેવું હતું. કંડક્ટરને પૈસા આપ્યાં એટલે એણે સ્વાભાવિક રીતે જ મોટી નોટો પાછી આપીને કહ્યું કે “એક રૂપિયો છુટો નથી, આવે એટલે આપું છું.” હજુ તો મુસાફરી શરૂ જ થઈ હતી અને ઓછામાં ઓછા બે અઢી કલાકના અંતરમાં ૩-૪ સ્ટોપ અને એક ડ્રાઈવર-કંડક્ટરની મરજીનું નાસ્તા સ્ટોપ આવવાની ખાતરી હતી એટલે કંડક્ટરને મારો એક રૂપિયો ક્યાંકથી છુટો મળી જ જશે તેમ વિશ્વાસ રાખીને બેઠો. પહેલા એક-બે સ્ટોપ પરથી મુસાફરો ચઢ્યા અને બધાની ટિકીટ અપાઈ ગઈ એટલે મેં કંડક્ટરને મારો રૂપિયો યાદ અપાવ્યો, પણ તેણે મોઢું બગાડીને “અરે યાર નથી આવ્યો, કીધુંને કે આવે એટલે આપીશ” કહીને પોતાનો જીવ છોડાવ્યો. અને પછી તો એને ખબર પડી ગઈ કે હું તેની છાલ નહી છોડું, એટલે તેણે મારી સામે નજર મેળવવાનું જ ટાળવા માંડ્યું. હું સમજી ગયો હતો કે મારો રૂપિયો પાછો મળવાનો નથી.

બસ સરખેજ થઈને આવી એટલે મેં અંજલી સિનેમા પાસે ઉતરી જવાનું નક્કી કર્યું. એપીએમસીના થોડાક પહેલેથી ઉભો થઈ ગયો અને કંડક્ટર પાસે પહોંચીને એક રૂપિયો માંગ્યો, તેણે એ જ સ્વાભાવિક રકઝક ચાલુ રાખી. અને જાણે રૂપિયો પાછો માંગવો તે મારી ભૂલ હોય તેમ મને ખખડાવવા માંડ્યો કે, ક્યાં ક્યાંથી હેંડ્યા આવે છે, આવા સારા કપડા પહેરીને એક રૂપિયા માટે મરે છે, અમારે તો જાણે એમના રૂપિયામાં બંગલા બંધાઈ જવાના હોય, વગેરે વગેરે. વાસણા બસ સ્ટોપ આવતાં બીજા થોડાઘણા લોકો ઉતરવા માટે ઉભા થયા અને હું બારણામાં ઉભો રહી ગયો. કંડક્ટરને કીધું કે જ્યાં સુધી મારો રૂપિયો પાછો નહી મળે ત્યાં સુધી હું કોઈને ઉતરવા નહી દઉં. તેની પાસે છુટા ના હોય તો હું ચાર રુપિયા છુટા આપું તે મને પાંચનો સિક્કો આપે. પણ તે હવે નાગાઇ ઉપર ઉતરી આવ્યો હતો. કહે કે, “મારી પાસે પાંચનો સિક્કો પણ નથી. હું ટિકીટની પાછળ લખી આપું એસ.ટી. સ્ટેન્ડ પર આવીને મેઇન કાઉન્ટર પરથી લઈ જજો.”

હું ટસનો મસ ના થયો. લોકો ઉતરવા માટે રાહ જોઈને ઉભા હતા અને બસ આગળ વધી શકે તેમ નહોતી. ક્લાઇમેક્સ હવે આવ્યો. મને જતું કે ઉભેલા લોકો કહેશે અને કંડક્ટરને ઝુક્યા વગર છુટકો નહી રહે. પણ મારા આશ્ચર્ય વચ્ચે તે લોકો પણ કંડક્ટરના સૂરમાં સૂર પુરાવીને બોલવા લાગ્યાં અને મને ગાળો દેવા માંડ્યા કે એક રૂપિયા માટે આટલો કજીયો કરું છું. મેં આખી બસ બાનમાં લીધી છે, વગેરે વગેરે. છેવટે મારે પ્રજામત સામે ઝુકાવવું પડ્યું અને કંડક્ટર પાસે ટિકીટ પાછળ લખાવ્યું, તેનો બીલ્લા નંબર લખાવ્યો અને ખાડિયા જવાનું થયું ત્યારે રસ્તામાં એસટી સ્ટેન્ડેથી મારો રૂપિયો પાછો લેતો આવ્યો અને તે કંડક્ટર સામે ફરિયાદ પણ નોંધાવતો આવ્યો.

પરમ દિવસે દીપકભાઈની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ત્યાં સુરેશભાઈની કોમેન્ટ હતી કે પ્રજાને તેની લાયકાત પ્રમાણે જ મળે છે. જે મારા આ અનુભવ પરથી પણ સાબીત થાય છે. આપણી પ્રજા એટલી બધી તો બેઈમાન થઈ ગઈ છે કે બેઈમાની તેમના મગજમાં ઘુસી ગઈ છે. જે પ્રજા પોતે જ બેઈમાન હોય તે અન્યને ક્યાં ઈમાનદારીના પાઠ ભણાવવાની હતી. આપણી પ્રજાની લાયકાત તો ઘણી ઉંચી છે, પણ તેમના મગજ એટલા દૂષિત થઈ ગયાં છે કે તેમને પોતાનો હક્ક માંગવામાં શરમ આવે છે અને કોઈક હક્ક માંગતું હોય તો તે તેમને દોષી જણાય છે. તેમની પાસે સમયનો અભાવ છે, એટલે એક રૂપિયો જતો કરીને બસમાંથી ઉતરી જવાની ઉતાવળ હોય છે, અને આડોશીપાડોશી શું કહેશે એવી હિનતાથી પીડાતા પોતાનો હક્ક જતો કરીને પણ ગરદન ટટ્ટાર રાખીને ચાલશે.

શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???

બે-ત્રણ દિવસ પહેલા ઇમેજીન પર આવતી સિરિઅલ દ્વારકાધીશ જોતો હતો. ઘણા સમયથી તેમાં સુદામાની કથા ચાલી રહી છે. આપણને તો સુદામા ભગવાનને મહેલે તાંબૂલ લઈને ગયો અને ભગવાને મુઠ્ઠી-મુઠ્ઠી તાંબૂલે તેની જાણ બહાર જ તેને ધન અને ઐશ્વર્ય આપ્યું જેની જાણ સુદામાને તે પોતાને ગામ પાછો ફરે છે ત્યારે જ થાય છે, તેટલી જ વાત જાણીએ છીએ (એટલિસ્ટ હું તો એટલું જ જાણતો હતો). પરંતુ આ સિરિયલમાં તો તે ઘટના કદાચ બે મહિના પહેલા આવી ગઈ અને તે પછી પણ હજુ સુદામા જ છવાયેલા રહ્યા છે.

હવે મૂળ વાત પર આવું તો, તેમાં મેં જોયું કે ભગવાન સુદામાના ઘરે રસૌયા બનીને આવે છે, કેમકે સુદામાની પત્ની ધન આવવાને કારણે છકી ગઈ હતી. સુદામા પૈસો મળવા છતાં ભિક્ષુકવૃત્તિ કરીને પેટ ભરવા માંગતો હતો અને બંબે વચ્ચે ચડભડ થતાં સુદામા તેમના ચાર પૈકીના ત્રણ પુત્રોને લઈને પત્નીથી અલગ રહેવા જતો રહે છે. ઝુંપડામાં રહીને, ભિક્ષા માંગીને, તે ભગવાનનું સ્મરણ કરતો રહે છે. પણ તેની પત્ની સુશીલા ધનમાં આળોટતી, સાહ્યબી ભોગવતી ભગવાનનું નામ સુદ્ધાં લેવા તૈયાર નથી. આથી તેને ભગવાનાભિમુખ કરવા અને તેણે સુદામાનો ત્યાગ કરીને કરેલી ભૂલ કબુલ કરાવવા કૃષ્ણ પોતે રસૌયો બની તેના ઘરે આવે છે પરંતુ તેમના લાખ પ્રયત્ન કરવા છતાં સુશીલામાં કોઈ ફેર પડતો નથી. હવે ક્લાઈમેક્સ… કૃષ્ણ એવું કરે છે કે જે એક માત્ર છોકરો સુશીલાની સાથે તેના મહેલમાં રહેતો હોય છે, તે અચાનક માંદો પડે છે. સુશીલા મોટામાં મોટા વૈદ્યને બોલાવે છે, અઢળક સંપત્તિ આપવા તૈયાર થાય છે. એક બાજુ સુદામા તેને સમજાવે છે કે ભગવાન કૃષ્ણના નામનું રટણ કર, બધું થીક થઈ જશે, પણ સુશીલા સુદામા પર ગુસ્સો કરીને તેને હાંકી કાઢે છે. બીજી બાજુ બધાંજ વૈદ્યો હાથ ધોઈ કાઢે છે. આ સમયે સુદામા ફરી તેની પત્ની પાસે જઈને કહે છે કે હવે કૃષ્ણનું શરણું લીધા સિવાય કોઈ ઉપાય નથી. અને કેમકે સુશીલા બધા પ્રયત્નો કરીને થાકી ગઈ હોય છે, પોતાના પુત્રને બચાવવા તે પણ કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ એ જ રસૌયા સ્વરૂપે હાજર થાય છે અને તેમના પુત્રને સાજો કરી દે છે. સુશીલા ભગવાનની ભક્ત બની જાય છે.

હવે સવાલ…. શું ભગવાન એટલા સ્વાર્થી છે કે કોઈ માણસ તેમને ના માનતું હોય તો તેનું સંતાન લઈ લેવા સુધીની હદે તેને પિડા આપે કે જેથી ત્રસ્ત થઈને એ વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે? કે આવું તે પોતે મહાન છે અને સૌએ મારૂં શરણું સ્વીકારવું જ જોઈએ તેવા ઘમંડમાં કર્યું હશે? બીજું બધું માનવામાં આવે પણ ભગવાનનું આવું સ્વાર્થી કે ઘમંડી વલણ તો માનવામાં આવે તેવું જ નથી. શું ખરેખર કૃષ્ણએ સુદામાના બાળકની આવી હાલત કરી હશે?

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free