Tag Archives: Gujarati

થાળ

સામાન્ય

(રંગ અવધૂત મહારાજનો થાળ)

રંગ અવધૂત મારા રંગ અવધૂત,

ભિક્ષા લેવાને વહેલા આવજો . . .

જાગ્યાં મારા ભાગ્ય વ્હાલા ખૂલ્યાં મારા ભાગ્ય,

પાવન કરવાને વહેલા આવજો . . . 


ચોખા ને મગની ખીચડી આપ તો આરોગતા,

ભાજી કે શાક તમે સંગે આરોગતા,

ચર્ચા નહિ સ્વાદની કૈં ગનતા પ્રસાદ . . . ભિક્ષા . . .


ચાહું કે ભિક્ષા દેવી વિધવિધ ભોજનજી,

બરફી ઘેબર ને પેંડા જલેબીની વાનગી,

લાડુ ને માલપૂઆ વેઢમી સંગાત . . . ભિક્ષા . . .


મૈસુર ને દૂધપાક સાથે ઉત્તમ શીખંડ હો,

કેરીનો રસ ને સાથે હલવાસન પાક હો,

સુતરફેણી પણ પીરસું લેજો આસ્વાદ . . . ભિક્ષા . . .


બાસમતી ભાત સાથે ખીચડી બનાવું,

ચોળાફળી ને રીંગણ, સુરણનું શાક લાવું,

બટાકા ટમેટાનું રસદાર શાક . . . ભિક્ષા . . .


વિધવિધ ફરસાણ પણ મેં છે બનાવ્યાં,

વિધવિધ સરીતાઓનાં જળ પણ મેં છે આણ્યાં,

તાંબુલ એવું સજાવું! થાયે રસદાર . . . ભિક્ષા . . .


ઈશ્વર रसो वै स: થઇ ને છે વ્યાપયો,

ભોજન તો अन्नं ब्रह्म મંત્ર છે મેં જાણ્યો,

લેજો હો ગુરુવર તમે એનો આસ્વાદ . . . ભિક્ષા . . .


દિધો આદેશ પાંડુરંગે વિઠ્ઠલને,

જન્મ હું ધરીશ તારો વ્હાલુડો બાળ થઇને,

પાંડુરંગ થઇને આવ્યો દુ:ખડાં હરવાય . . . ભિક્ષા . . .


અન્નકૂટ મેં ધરીયો રંગા તારી નજરની સામે,

આરોગો અવધૂત જેથી પાંડુરંગ પામે,

દાસ થઇને વીનવું રંગા કરજો કૃપાય . . . ભિક્ષા . . .

= = = ૐ = = =

અષાઢ સુદ પૂર્ણિમા (ગુરુ પૂર્ણિમા) સં. ૨૦૭૬. તા. ૫-૭-૨૦૨૦.

 

નયનં મધુરં‍

સામાન્ય
નયનં મધુરં‍

કૃષ્ણ તારી આંખડી જાણે પદ્મ પાંખડી. . . ધ્રુવ

રાધાને આંખબે ઈશારે બોલાવતો,
મૌન વાણી રાધાની સ્નેહે મમળાવતો,
રાધાનો પ્રેમ જાણે ત્યાગની છે ચાખડી… કૃષ્ણ તારી

નયણાંનાં વર્તનથી ગોપીઓ નચાવતો,
ઘેલછાને ભાવનાનાં જળથી નવરાવતો,
ભાન ભૂલે ભામિની ચાલ જોઈ ફાંકડી… કૃષ્ણ તારી

આંખની રતાશ જોઈ ચાણૂર ગાત્રો ધ્રુજે,
કંસના નયનમાંહી ભયના ભૂતો દિસે,
વાંસળીયે પાપીને લાગે દંડ લાકડી… કૃષ્ણ તારી

ભક્તોને આંખ મહીં વૃંદાવન લાગતા,
શરણે આવેલાને મોક્ષધામ લાગતા,
નિરાશા નષ્ટ થઇ વિદાય થાય રાંકડી… કૃષ્ણ તારી

આંખડીના ગોખ મહીં આવી શ્યામ નાચજે,
જન્મોની વેદના પછી આવી આ ઘડી… કૃષ્ણ તારી

= = = ૐ = = =

ગીતા નિર્ઝરી

સામાન્ય

ગીતા જયંતિના પાવન પર્વે શ્રી. દિનેશ પાઠક દ્વારા રચિત “ગીતા નિર્ઝરી” પુસ્તક, આ બ્લોગના પુસ્તક વિભાગમાં ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ કરીએ છીએ.

આપ સૌને આ પુસ્તક ગમશે એવી આશા સાથે અહિં પ્રગટ કરીએ છીએ.

ગીતા નિર્ઝરી

રંગ વંદના

સામાન્ય
રંગ વંદના

નારેશ્વર સ્થિત પરમ પૂજ્ય શ્રી. રંગ અવધૂત મહારાજની દત્ત નામ સંકીર્તન પ્રેરિત સ્વરચિત

“રંગ વંદના (વાંચો / Downlaod)”.

ધન્ય ધરા ગુર્જરી

સામાન્ય

ધન્ય ધરા ગુર્જરી,

જાણે ઝલકી સ્નેહ નિર્ઝરી . . . ધૃવ . . .

 

માટી એની કાળી ધોળી,

વસુધાએ પૂરી રંગોળી;

ફળ ફૂલ લચી પડ્યાં ખૂબ મ્હેંકે,

ધાન્ય ભર્યા વિસ્તારી . . . ધન્ય ધરા . . .

 

अतिथी देवो भव: નું દર્શન,

સ્મિત સહ આવકારતાં વદે વચન;

કોઈ પારકાં રહે નહીં અહીં,

વિવેકની સરવરી . . . ધન્ય ધરા . . .

 

રેવા સૌને નિર્મલ કરતી,

મહી તાપી ફળદ્રૂપતા દેતી;

નાની મોટી સરિતાઓ પણ,

જલથી છે સૌ ભરી . . . ધન્ય ધરા . . .

 

દત્ત ચરણ ગીરનારે વસતાં,

પાવાગઢ પર કાલી રમતાં;

અંબાજીનો આશ્રય પામે,

ગુર્જર પ્રજા મન ભરી . . . ધન્ય ધરા . . .

 

કૃષ્ણચંદ્ર દ્વારીકામાં વસતા,

સોમનાથ શિવ સૌને ગમતા;

બુદ્ધ મહાવીર વિચારધારા,

પાષાણ પાટી પર પ્રસરી . . . ધન્ય ધરા . . .

 

નરસિંહના મધુરાં પદ ગૂંજે,

જલારામ સેવા સહુ પૂજે;

અવધૂત રંગની મૌન વાણીની,

વહેતી મધુરી લહેરી . . . ધન્ય ધરા . . .

 

ગાંધી વલ્લભની આ ભૂમિ,

રવિશંકર દાદાએ ચૂમી;

સંત પૂનિતની સેવા ભક્તિ,

લોક હૃદયમાં પ્રસરી . . . ધન્ય ધરા . . .

___ ૐ ____

ચૈત્ર સુદ ચૌદસ સં. ૨૦૭૬. તા. ૨૦-૪-૨૦૨૦.