આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: umreth ni nava jini

ઉમરેઠની નવા-જૂની


  • સૌથી પહેલા ઉમરેઠના શહીદ સ્વ.સુરેશ ભટ્ટને શહિદ દિવસ નિમિત્તે હાર્દિક શ્રધ્ધાંજલિ, બધાની જેમ આપણે પણ શહિદોને વર્ષમાં એક વાર યાદ કરવા પડે ને..! આ પહેલા હું રોટરી ક્લબનું બચ્ચું કહેવાતી ઈન્ટરેક્ટ ક્લબમાં સભ્ય હતો ત્યારે અચુક અમે શહિદ દિવસે ભાટવાડામાં શહીદ સ્વ.સુરેશ ભટ્ટને શ્રધ્ધંજલિ આપતો કાર્યક્રમ રાખતા અત્યારે આ પ્રથા ચાલે છે કે નહી ખ્યાલ નથી..!
  • ઉમરેઠના લોકો માટે એક આનંદની વાત છે, એસ.એન.ડી.ટી મેદાનમાં બે-ત્રણ દિવસમાં આનંદ મેળો શરૂ થાય છે, તો તૈયાર રહેજો તમારા છૈયા છોકરાને લઈ ત્યાં પહોચી જજો..!
  • ઉમરેઠની કેટલીક સોસાયટીઓમાં સિમેન્ટના બ્લોગ બેસાડવાનું કામ શરૂ થઈ ગયું છે. નગરપાલિકા નગર ઉપર ખૂબ મહેરબાન થઈ ગઈ છે, કેટલીક સોસાયટીમાં તો આર.સી.સી રોડ હતા તે પણ હટાવી બ્લોગ નાખવાની કામગીરી કરવામાં આવી છે. લાગે છે નગરપાલિકાને લોટરી લાગી છે.
  • હજૂ પણ છેલ્લા બે-ત્રણ મહિનાથી ઉમરેઠ નગરપાલિકામાં કાયમી ચીફ-ઓફિસર દેખાતા નથી..! અત્યારે નગરપાલિકા નધણિયાતી છે તેમ કહીયે તો ખોટું નથી. લગભગ ૧૭ વર્ષ સુધી ઉમરેઠમાં એક ચીફ-ઓફિસર મહેન્દ્રભાઈ શાહ રહ્યા હતા તેમના ગયા બાદ બીજા ૧૭ ચીફ ઓફિસરો બદલાઈ ગયા હશે તેમ કહીયે તો નવાઈ નથી. શાલું કોઈ ચીફ ઓફિસર ઉમરેઠમાં ટકતા કેમ નથી..? કે પછી ટકવા દેવામાં આવતા નથી..?
  • ..અરે હા બીજી એસ સરસ વાત, ગરમીની શરૂઆત સાથે બસ સ્ટેશન વિસ્તારમાં બાદશાહનો રસ શરૂ થઈ ગયો છે, હજૂ આ સિઝનમાં એક જ વખત રસ પીધો છે.
  • ચોકસી મહાજન દ્વારા પાંચ દિવસથી દૂકાનો બંધ રાખવામાં આવી છે, ચોકસીના વહેપારીઓ બજેટમાં જ્વેલર્સના ધંધાને લગતા નિયમોથી ખફા છે.
  • હવે દર રવીવારે લાઈટની રામાયણ શરૂ થઈ ગઈ છે, પણ રાહતની વાત તે છે કે, આખા ઉમરેઠ ની જગ્યાએ અડધા ઉમરેઠ માંજ લાઈટો બંધ રહે છે, એટલે એક રવીવારે પંચવટીની પેલી બાજૂ અને બીજા રવીવારે પંચવટીની આ બાજૂ. આ રવીવારે આ બાજુ એટલે અમારી બાજૂ લાઈટો જવાની છે. (હોશિયાર લોકોને આબાજૂ અને પેલી બાજૂ એટલે શું સમજાઈ ગયું હશે.)
  • ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉમરેઠના વારાહિ માતાજીના મંદિર તેમજ મેલડીમાતાજીના મંદિરે વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧.૪.૨૦૧૨ના રોજ વારાહી માતાજીના મંદિરે ભવ્ય હવન યોજાશે.
  • બીજી એપ્રિલે ઉમરેઠમાં થયેલ કોમી રમખાણોને દશ વર્ષ પૂરા થશે. કેટલા ખરાબ હતા તે દિવસો..! લગભગ દશ દિવસ સુધી ઘરમાં કેદ થઈ ગયા હતા. કોમી રમખાણો વીશે વિશેષ અનાપ શનાપ વાંચવું હોય તો બીજી એપ્રિલે બ્લોગ ઉપર પધારવા આમંત્રણ છે.
  • ચાલો બહૂ થઈ પારકી પંચાત, તમે તમારું કામ કરો હું મારું કામ કરું… આમ પણ ગરમીમાં વધારે લખવાનો કંટાળો આવે છે.