આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2025

આણંદ જિલ્લામાં આજથી ધો.૧૦,૧રની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ર૭ ફેબ્રુ.થી ધો.૧૦, ૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો આરંભ થશે. આણંદ જિલ્લામાં સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ-કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદશૃન હેઠળ પરીક્ષાલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં ધો.૧૦માં ૩૧ર૯૦, ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ૧ર૬૦૯ અને વિજ્ઞાન પ્રવાહમાં ૪૧પ૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પરીક્ષાના સુચારુ સંચાલન માટે ધો.૧૦ માટે ૩ અને ધો.૧રની પરીક્ષા માટે ૧ ઝોનની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ધો.૧૦ની પરીક્ષામાં ૪૦ પરીક્ષા કેન્દ્રો,૧૦૬ બિલ્ડીંગો અને ૧૧ર૦ બ્લોક છે. જયારે ધો.૧ર સા.પ્રવાહમાં ર૦ પરીક્ષા કેન્દ્રો, ૩૮ બિલ્ડીંગો અને ૪૧૭ બ્લોક તેમજ ધો.૧ર વિ.પ્રવાહમાં પ પરીક્ષા કેન્દ્રો, ર૦ બિલ્ડીંગ અને ર૧૩ બ્લોક તૈયાર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, દરેક પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્ઘારે તેમજ વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની સુવિધા રહેશે. કેન્દ્રો ઉપર પીવાનું શુદ્ઘ પાણી, જરુરી દવા, ઓઆરએસ સહિતની જરુરી પ્રાથમિક દવા સાથે મેડીકલ ટીમની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, વાલીઓ બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નં. ૧૮૦૦-ર૩૩-પપ૦૦ ઉપર સંર્પક કરી માર્ગદર્શન મેળવી શકશે. ઉપરાંત માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થી, વાલીઓ માટે જીવન આસ્થા હેલ્પલાઇન નં. ૧૮૦૦-ર૩૩-૩૩૩૦ ચોવીસ કલાક કાર્યરત રહેશે.

ઉમરેઠ – શિવરાત્રી ની ભક્તિભેર ઉજવણી , શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.


ઉમરેઠમાં શિવરાત્રી પર્વ ને અનુલક્ષી સવાર થી જ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તો નો ઘસારો થયો હતો. ઉમરેઠ જાગનાથ મહાદેવ માં શિવરાત્રી પર્વ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો. શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી જાગનાથ મહાદેવ માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. 

ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંદ્ર મુળેશ્વર મહાદેવ માં પણ બીલીપત્ર અને દૂધ ચઢાવવા માટે ભક્તોની લાઈન લાગી હતી. આજે નગરના શ્રી ચંંદ્રમુળેશ્વર મહાદેવ ખાતે ૩૦૦મી પાલખીયાત્રા પરંપરાગત રીતે નિકળી હતી , પાલખીયાત્રા દરમ્યાન મહાદેવજીએ ઘરે બેઠા લોકોને દર્શન આપ્યા હતા. પાલખીયાત્રા ની પૂર્ણાહુતિ શ્રી ચંદ્ર મુળેશ્વર ખાતે થઈ હતી ત્યારબાદ મહા આરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. 

કુબેર ભંડારી મહાદેવ માં પણ શિવરાત્રીને અનુલક્ષીને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. કુબેર ભંડારી મહાદેવ માં પણ ભોલેનાથ ના દર્શનાર્થે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. બીજીબાજુ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે મહાશિવરાત્રી પર્વ ને અનુલક્ષીને દર્શન-પ્રદર્શન યોજાયું હતુ જેમાં લોકોએ લાભ લીધો હતો. બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે અમરનાથની ગુફામાં બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતુ જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. શિવરાત્રી પર્વ નિમિત્તે ઉમરેઠના વિવિધ શિવાલયના પુજારી ને બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પુજારીઓના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. અહીંયા યોજાયેલ પ્રદર્શનમાં શિવ મહિમા , શિવ ભક્તિ સહિત યોગ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટેશન રોડ પાસે આવેલ મહાદેવ ખાતે પણ સવાર થી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મહાદેવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે બપોરે ૪ કલાકે શિવજીની સવારી નિકળી હતી જે નગરમાં વિહાર કરી પૂનઃ મહાદેવ ખાતે પૂર્ણ થઈ હતી. ઉમરેઠ પાસેના લીંગડા અને ડાકોર રોડ પર આવેલ બિલેશ્વર મહાદેવ ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને ભોલેનાથ ને બટાલા શકરીયા ધરાવ્યા હતા.

શિવરાત્રી પર્વની શુભેચ્છા


ઉમરેઠ – અર્બન કો.ઓ બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


સામાજિક સેવાના ભાગરૂપે ઉમરેઠની ધી અર્બન કો.ઓ.બેંક અને રેડ ક્રોસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે અર્બન બેંક  ખાતે આજે તા.૨૫/૨/૨૦૨૫ને મંગળવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બેંકના ખાતેદારો સહીત બેંકના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ નગરજનો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમ્યાન ૮૫ જેટલા યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉમરેઠ અર્બન બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.

વિદ્યાનગર – નંદાલય હવેલી ખાતે ફાગોત્સવની ઉજવણી


જગતગુરુ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર પુ.પા.ગો.૧૦૮. શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ની આજ્ઞાથી તથા આહિતાગ્ની શ્રી દેવકીનંદજી મહોદય શ્રી અને ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રી ના સાનિધ્યમાં શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી ના ૫૩માં પ્રાગ્ટય દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો ફાગોત્સવ તા.૬/૩/૨૦૨૫ને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે.

આ પ્રસંગે બપોરે ૪.૩૦ કલાકે ફુલફાગની ભવ્ય સવારી શ્રી નંદાલય ખાતે થી નીકળશે અને વિદ્યાનગરના વિવિધ વિસ્તારમાં ફરશે. સાંજે ૬.૩૦ કલાકે હોલીખેલ, રસિયા અને ફાગોત્સવ મનોરથ અને ત્યારબાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનનો લાભ લેવા વૈષ્ણવ સૃષ્ટિને નંદાલય હવેલી ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઉમરેઠ: શ્રી ચંંદ્રમુળેશ્વર મહાદેવથી મહા શિવરાત્રિ પર્વે  ૩૦૦મી પાલખીયાત્રા નિકળશે


ઉમરેઠના પ્રાચીન શ્રી ચંદ્ર મૂળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ૩૦૦મી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા વિક્રમ સંવત ૧૭૮૧થી પરંપરાગત રૂપે ઉજવાતી આવી છે. આવર્ષે ૫૦૦મી પાલખી યાત્રા તા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ બુધવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે પ્રસ્થાન કરશે. યાત્રા દરમિયાન મહાદેવજી નગર વિહાર કરશે અને ભક્તો ને તેમના ઘર આંગણે દર્શન આપશે આ અનેરા પર્વે ભક્તો ધન્યતાનો અનુભવ કરશે. શ્રી ચંદ્ર મૂળેશ્વર મહાદેવ મંદિર ઉમરેઠ શહેરના સૌથી પ્રાચીન શિવ મંદિર તરીકે ઓળખાય છે. વિક્રમ સંવત ૧૭૮૧માં શિખરબદ્ધ થયેલા આ મંદિરમાં શિવરાત્રી પર્વે પરંપરાગત રીતે પાલખી યાત્રા યોજાઈ રહી છે. યાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે ૭:૩૦ વાગ્યે મહા આરતી યોજાશે.

દિલીપભાઈ ચંદ્રશંકર દવેના યજમાન પદે માત્ર કાશી અને ઉમરેઠમાં યોજાતી સમાન ચાર પ્રહર ની શિવ મહાપૂજાનું પણ આયોજન થશે. આગામી દિવસે વર્ષમાં એકમાત્ર વખત મહાભોગ સાથે આરતીના દર્શન નો પણ લાભ ભક્તોને મળવા પાત્ર થશે. ઉમરેઠના શ્રી ચંદ્ર મુળેશ્વર મહાદેવ ના વહીવટીતંત્ર દ્વારા શહેર ની ધર્મપ્રેમી જનતાને આ વિશેષ ધાર્મિક પ્રસંગમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઓડ, બોરીયાવી અને આંકલાવમાં ફેબ્રુઆરીના અંત સુધી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે


આણંદ જિલ્લામાં ઓડ, બોરીયાવી અને આંકલાવ પાલિકાની ચૂંટણી સંપન્ન થઈ જતાની સાથે જ હવે પ્રમુખ-ઉપ્રમુખની ચૂંટણીને લઈને કવાયત તેજ કરી દેવામાં આવી છે અને આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં ત્રણેય પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાશે તેમ મનાઈ રહ્યું છે. જેને લઈને ત્રણેય પાલિકામાં પ્રમુખપદ મેળવવા માટે જોરદાર લોબીંગ શરૂ કરી દેવામાં આવ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઓડમાં ભાજપે ૨૪માંથી ૨૪ બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે બોરીયાવી પાલિકામાં પણ ભાજપે ૨૪માંથી ૧૫ બેઠકો જીતીને ૨૭ વર્ષ બાદ પ્રથમ વખત બહુમતી સાથે સત્તાના સુત્રો હસ્તગત કરશે. જ્યારે આંકલાવ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત વિકાસ પેનલને ૧૦-૧૦ બેઠકો મળી છે.જ્યારે ચાર સ્વતંત્ર અપક્ષો ચૂંટાયા છે. ઓડ પાલિકામાં આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય બેઠક છે. જેને લઈને કોને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી કમિટિના ચેરમેન બનાવવા તે માટે અત્યારથી કાઉન્સીલરોમાં ગુસપુસ શરૂ થઈ જવા પામી છે. આજે સવારે ત્રણેય પાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્સીલરોને અંધારીયા ચોકડી સ્થિત ભાજપના કાર્યાલયે આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે પ્રમુખપદને લઈને અંદરખાને ગતિવિધીઓ તેજ થઈ જવા પામી છે. પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી કમિટિના ચેરમેનપદ માટે પટેલ, ક્ષત્રિય અને ઓબીસી સમાજમાંથી પ્રાધાન્ય અપાય તેમ લાગી રહ્યું છે.


બોરીયાવી પાલિકામા આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી મહિલા બેઠક છે. ભાજપના જે ૧૫ કાઉન્સીરો ચૂંટાયા છે. તેમાંથી ૧૦ મહિલાઓ ચૂંટાઈ છે જ્યારે પાંચ જ પુરૂષ કાઉન્સીલરો ચૂંટાયા છે. વોર્ડ નંબર ૬માંથી એકમાત્ર ચૂંટાયેલા ઓબીસી મહિલા રમીલાબેન રાજેશભાઈ ભોઈ પ્રમુખપદના દાવેદાર હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે ઉપપ્રમુખ અને કારોબારી કમિટિના ચેરમેનપદે પાંચ પુરૂષોમાંથી પસંદગી થશે તેમ મનાઈ રહ્યું છે. સત્તા મેળવવાનો ખરો જંગ આંકલાવ પાલિકામાં જોવા મળનાર છે. અહીંયા પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલાની બેઠક છે. કુલ૨૪ બેઠકોમાથી ૧૦માં ભાજપ અને ૧૦માં કોંગ્રેસ પ્રેરિત અપક્ષો ચૂંટાયા છે. જ્યારે ચાર સ્વતંત્ર અપક્ષો ચૂંટાયા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચારેય અપક્ષોને પોતાની તરફેણમા લાવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. કાઉન્સીલરો તુટવાની બીકે બન્ને પક્ષો દ્વારા પોતપોતાના કાઉન્સીલરો તેમજ કેટલાક અપક્ષોને આજે રાત્રીના સુમારે સહેલગાહે મોકલી દેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. બન્ને પક્ષે પાલિકાની સત્તા હસ્તગત કરવા માટે ભારે હોડ જામી છે. કોંગ્રેસ તરફથી અમિતભાઈ ચાવડાએ પોતાનો ગઢ બચાવવા માટે મરણિયા પ્રયાસો હાથ ઘર્યા છે જ્યારે ભાજપના નેતાઓ દ્વારા કોઈપણ ભોગે આ વખતે આંકલાવ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવા માટેના તમામ પ્રયાસો તેજ કરી દીધા છે.

દૂકાન વેચવાની છે.


હમીદપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ઉત્કૄષ્ઠ પ્રદર્શન


આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની હમીદપુરા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતી આરોહી જિજ્ઞેશકુમાર પરમારે ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની અન્ડર ૯ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં ઉમરેઠ તાલુકાનું પ્રતિનિધિત્વ કરી ત્રીજા નંબરે વિજેતા બની હમીદપુરા પ્રાથમિક શાળા અને ઉમરેઠ તાલુકા ગૌરવ વધાર્યું છે. આચાર્ય મનોજકુમાર અમીન દ્વારા દીકરીને મેડલ અન કલર બોક્સ ભેટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા આરોહીને જિલ્લા કક્ષા સુધી લઈ જઈને ત્રીજો નંબર મેળવવામાં કોચ તરીકે ભૂમિકા ભજવનાર શાળાના શિક્ષક અને આરોહીના પિતાજી જિજ્ઞેશકુમાર પરમારને ફોલ્ડર ફાઈલ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે જિલ્લા કક્ષાએ ત્રીજા નંબરે વિજેતા થતા આરોહીને રૂપિયા ૨૦૦૦ પુરસ્કાર મળશે. આ અગાઉ ઉમરેઠ તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થઈ ૧૫૦૦ રૂપિયા પુરસ્કાર મેળવેલ છે. દીકરી આરોહિની જિલ્લા કક્ષાની સિદ્ધિ બદલ ઉમરેઠ ટીપીઈઓ ભાવિનભાઈ પટેલ, ઉમરેઠ બીટ કે.નિ. જે.એ. પટેલ, બીઆરસીસી ડી.એન. પટેલ, સીઆરસીસી શૈલેષભાઈ પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

ઉમરેઠ નગર પાલિકા પેટા ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય


ઉમરેઠ નગર પાલિકાની પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૮૦૨ મતથી વિજય મેળવ્યો છે. આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ધનંજય જોશીએ ૧૪૯૫ મત મેળવ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેશ તલાટી માત્ર ૬૯૩ મત મેળવી શક્યા. બીજી તરફ, ૨૫ મતદારો એ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો, જે મતદારોની અલગ માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. વિજય બાદ, ભાજપના ઉમેદવાર ધનંજય જોશીએ શહેર પ્રમુખ હાર્દિક પટેલ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને વોર્ડ નં. ૪ ના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ જીત માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર સંગઠનની મહેનત અને પક્ષપ્રેમી મતદારોના સમર્થનનું પરિણામ છે. આ વિજય સાથે ભાજપે નગર પાલિકાના રાજકારણમાં પોતાની પકડ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસ માટે આગામી રાજકીય દિશા અંગે ઊંડા વિચારવિમર્શનો સમય આવી ગયો છે.

જ્ઞાતિગત સમીકરણ અને મતદારોની વૃત્તિ

વોર્ડ નં. ૪ માં આ વખતે જ્ઞાતિગત સમીકરણ ખોટું પડી ગયું, કારણ કે મતદારો એ પક્ષના મૂલ્યોને જોતા પોતાનું મંતવ્ય આપ્યું. સામાન્ય રીતે, આ વિસ્તારમાં જ્ઞાતિગત રાજકારણ મહત્વ ધરાવતું હોય છે, પરંતુ આ વખતે પક્ષવાદે જેલવાયું હતું. મતદારોની આ વૃત્તિએ ભાજપ માટે અનૂકૂળ વાતાવરણ ઉભું કર્યું અને કોંગ્રેસ માટે નવી ચુંટણીઓ માટે પ્રણાલી બદલવા વિશે વિચારવું જરૂરી બન્યું છે.

ભાજપ માટે મહત્વપૂર્ણ જીત

આ વિજય ખાસ કરીને નવા શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ માટે અત્યંત મહત્વનો હતો, કારણ કે તે તેમની નેતૃત્વ ક્ષમતાને સાબિત કરવાનો મહત્વપૂર્ણ પડકાર હતો. ધનંજય જોશી માટે પણ આ જીત ઐતિહાસિક છે, કારણ કે તેઓએ પહેલી જ વખત ચૂંટણી લડી અને પ્રભુત્વ સ્થાપિત કર્યું.

આગામી ચુંટણીઓ પર અસર

આ જીતના કારણે ભાજપમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે અને આગામી સામાન્ય ચુંટણીઓ માટે કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે. ભાજપે સ્થાનિક સંગઠન સાથે મજબૂત જોડાણ બાંધીને, મતદારો સુધી પોતાની વિચારધારા પહોંચાડી અને આ જીત મેળવવામાં સફળતા મેળવી. બીજી તરફ, કોંગ્રેસ માટે આ હાર એક મનોમંથનનો વિષય છે, કારણ કે આ બેઠક અગાઉ કોંગ્રેસના કબજામાં હતી, પરંતુ હવે ભાજપે તેને ઝડપી લીધી છે.