વિચાર- 8

ઘરઆંગણાનું ચોમાસું-

વર્ષાકાળ તો બધે જ રમ્ય લાગે છતાં પોતાના પ્રદેશ પરત્વેનું મમત્વ ઘરઆંગણાના ચોમાસાને માણવાની ઝંખના જગાડે છે. ઘરઆંગણા પર પ્રેમ ધરાવનારા લોકો  માટે જગન્નાથ પંડિત ‘પીયૂષ-લહરી’માં  “નરાન્મૂઢાંસ્તત્તજનપદસમાસક્તમનસો”- ‘પોતપોતાના પ્રદેશમાં આસક્ત મનવાળા’ આવો શબ્દ પ્રયોગ કરે છે.

‘મારું તે સારું’ અહીં પ્રેમ અને સંતોષથી આ વિચાર આવે છે. નહીં તો મારું તે સારું (બીજાનું નહી આ અર્થમાં) બોલવામાં અહંકાર લાગે.

એવો જ વિરોધાભાસ ‘સારું તે મારું’ આ વાક્યમાં પણ છે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિમાં જે કાંઈ સારું દેખાય તે મારું થવું જોઈએ, આ સ્વાર્થી વિચાર છે પણ આધ્યાત્મિક ઉન્નતિમાં અને ગુણોની પ્રાપ્તિમાં ‘સારું તે મારું’ આ વિચાર આત્મવિકાસ જરુર કરી આપે.

વર્ષાકાળની વાત કરતા કરતા આ વિચાર મનમાં આવ્યા. અત્યારે આકાશ ગોરંભાયેલું છે. સતત વીજગર્જનાઓ સાથે જળધારાઓ થઈ રહી છે. આ વાતાવરણમાં વાલ્મીકિ રામાયણમાં વાલ્મીકિએ પ્રસ્રવણગિરિ પરની ગુફામાં વર્ષાકાળ દરમ્યાન વસેલા શ્રીરામના મુખમાં વર્ષાઋતુનું વર્ણન મુક્યું છે,  વાંચી ને રોમાંચિત થઈ જવાય એવું સુંદર વર્ણન છે. તેનું ભાષાંતર માણીએ-

શ્રીરામ લક્ષ્મણજીને કહે છે हे सुमित्रानंदन ! अब यह जलकी प्राप्ति करानेवाला वह प्रसिध्ध वर्षाकाल आ गया । देखो, पर्वतके समान प्रतीत होनेवाले मेघोंसे आकाशमंडल आच्छन्न हो गया है!

यह आकाशस्वरुपा तरुणी सुर्यकी किरणों द्वारा समुद्रोंका रस पीकर कार्तिक आदि नौ मासों तक धारण किये हुए गर्भके रुपमें जलरुपी रसायनको जन्म दे रही है ।

ईस समय मेघरुपी सोपानपंक्तियों द्वारा आकाशमें चढकर गिरिमल्लिका और अर्जुनपुष्पकी मालाओंसे सुर्यदेवको अलंकृत करना सरल सा हो गया है !

मेघके उदरसे निकली, कपूरकी डलीके समान ठंडी तथा केवडेके समान सुगंधसे भरी हुई ईस बरसाती वायुको मानो अंजलियोंमें भरकर पीया जा सकता है ।

मेघरुपी काले मृगचर्म तथा वर्षाकी धारारुपयग्नोपवित धारण किये वायुसे पूरित गुफावाले ये पर्वत ब्रह्मचारियोंकी भांति मानो वेदाध्ययन आरम्भ कर रहे हैं ।

ये बिजलियाँ सोनेके बने हुए कोडोंके समान जान पडती हैं । ईनकी मार खाकर मानो व्यथित हुआ आकाश अपने भीतर व्यक्त हुई मेघोंकी गम्भीर गर्जनाके रुपमें आर्तनाद सा कर रहा है ।

धरतीकी धुल शांत हो गयी । अब वायुमे शीतलता आ गयी । गरमीके दोषोंका प्रसार बन्द हो गया । भुपालोंकी युध्धयात्रा रुक गयी और परदेशी मनुष्य अपने अपने देशको लौट रहे हैं ।

ईस समय पहाडी नदियाँ वर्षाके नूतन जलको वेगसे बहा रही हैं । वह जल सर्ज और कदम्बके फुलोंसे मिश्रित है, पर्वतके गेरु आदि धातुओंसे लालरंगका हो गया है । तथा मयूरोंकी केकाध्वनि उस जलके कलकलनादका अनुसरण कर रही है ।

देखो ! अपराह्णकालमें ईन वनोंकी  शोभा अधिक बढ जाती है। वर्षाके जलसे ईनमें हरीहरी घासें बढ गई हैं। झुंड के झुंड मोरोंने अपना नृत्योत्सव आरम्भ कर दिया है और मेघोंने ईनमें निरंतर जल बरसाया है।

गर्भ धारणके लिये मेघोंकी कामना रखकर आकाशमे उडती हुई आनन्दमग्न बलाकाओंकी पंक्ति ऐसी जान पडती है मानो आकाशके गलेमें हवासे हिलती हुई श्वेत कमलोंकी सुन्दर माला लटक रही हो।

छोटे छोटे ईन्द्रगोप नामक कीडोंसे बीचबीचमें चित्रित हुई नूतन घाससे आच्छादित भूमि उस नारीके समान शोभा पाती है, जिसने अपने अंगोपर तोतेके समान रंगवाला कंबल ओढ रखा हो, जिसको बीचबीचमें महावरके रंगसे रंगकर विचित्र शोभासे सम्पन्न कर दिया गया हो।

आकाशसे गिरता हुआ मोतीके समान स्वच्छ एवं निर्मल जल पत्तोंके दोनोंमें संचित हुआ देख प्यासे पक्षी पपीहे हर्षसे भरकर देवराज ईन्द्रके दिये हुए उस जलको पीते हैं। वर्षासे भीग जानेके कारण उनकी पाँखे विविध रंगकी दिखाई देती हैं।

भ्रमररुप वीणाकी मधुर झंकार हो रही है। मेंढकोंकी आवाज कंठ-तालसी जान पडती है। मेघोंकी गर्जनाके रुपमें मृदंग बज रहे हैं। ईस प्रकार वनोंमें संगीतोत्सवका आरंभसा हो रहा है।

आकाशमें लटके हुए ये मेघ अपनी गर्जनासे समुद्रके कोलाहलको तिरस्कृत करके अपने जलके महान प्रवाहसे नदी, तालाब, सरोवर, बावली तथा समुची पृथ्वीको आप्लावित कर रहे हैं।

बडे वेगसे वर्षा हो रही है, जोरोंकी हवा चल रही है और नदियाँ अपने कगारोंको काटकर अत्यंत तीव्र गतिसे जल बहा रही हैं। उन्होंने मार्ग रोक दिये हैं।

जैसे मनुष्य जलके कलशोंसे नरेशोंका अभिषेक करते हैं उसी प्रकार ईन्द्रके दिये और वायुदेवके द्वारा लाये गये मेघरुपी जल-कलशोंसे जिनक अभिषेक हो रहा है, वे पर्वतराज अपने निर्मल रुप तथा शोभा सम्पत्तिका दर्शन-सा करा रहे हैं।

રામકાળનું વર્ષાઋતુનું વર્ણન આપણે જોયું જો કે બધા જ શ્લોક નથી મૂક્યા. અદભુત ઉપમાઓ જેમાં હતી તેવું પ્રકૃતિવર્ણન જ મૂક્યું છે. તે કાળનુ ભારત જેને આર્યાવર્ત કહેવાતું તે કેટલું હર્યુંભર્યું હશે ! રામે આ પ્રકૃતિવર્ણન સાથે પોતાની વિરહવ્યથા પણ વર્ણવી છે. પણ તે વર્ણન અહીં નથી મૂક્યું.

Comments (8)

વિચાર- 7

(‘જગને ઝરૂખે’ પર આગળનો વિચાર મૂકતાં પહેલાં હું એ સહુ મિત્રોનો આભાર માની લઉં જેમણે મારા વિચારો વાંચી, પ્રતિભાવ અને તે પણ પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યા છે.)

આજે ફરી એક વાર્તા સાથે વિચાર જોઈશું.
એક ખેડુતની દીકરી આસપાસના ગામોમાં તેમના ગ્રાહકોને દૂધ આપવા જતી. તેમના ગ્રાહકોમાં એક સાધુનો પણ સમાવેશ થતો હતો. એના રહેઠાણ તરફ જતાં આ છોકરીને એક મોટો વહેળો પસાર કરવાનો થતો. વહેળામાં સારું એવું પાણી રહેતું, લોકો એ વહેળાને પાર કરવા એક ભાડાના તરાપાનો ઉપયોગ કરતા. એક દિવસ છોકરીને દૂધ લાવતાં મોડુ થઈ ગયું. સાધુ દૂધનો ઉપયોગ દેવપૂજામાં કરતા હતા. દૂધ મોડું આવતાં એમને પૂજાનું પણ મોડું થયું. તેથી નારાજ થઈને એમણે છોકરીને ઠપકો આપ્યો. છોકરી કહે, “હું તો મારે ઘેરથી વહેલી જ નીકળી હતી પણ તરાપાવાળાએ આવવામાં બહુ મોડું કર્યું, એની રાહ જોવામાં મને મોડું થયું.” સાધુએ મજાક કરતાં કહ્યું, “અરે! લોકો તો રામનામ લેતાં લેતાં સમુદ્ર ઓળંગી જાય છે અને તું એક ઝરણું પાર કરી શકતી નથી ?” છોકરી ગંભીર થઈ ગઈ.

આ પછી છોકરી ક્યારેય મોડી પડતી ન હતી. દરરોજ સવારે એ સમયસર આવી જ જતી. સાધુને આ વાતથી જિજ્ઞાસા થઈ, તેમણે છોકરીને તે રોજ સમયસર કેવી રીતે આવી શકે છે તે પૂછતાં તેણે કહ્યું, “હું  ભગવાનનું  નામ લેતાં લેતાં ઝરણા ઉપરથી ચાલી આવું  છું.”
સાધુને તેના કહેવા પર વિશ્વાસ ન બેઠો. તેણે પૂછ્યું, “તું પગે ચાલીને નદી કેવી રીતે પાર કરે છે તે મને બતાવીશ ?’’ બન્ને જણ કિનારા પર ગયા, છોકરીએ તો પાણી પર ચાલવાનું શરૂ કરી દીધું, એણે પાછળ ફરીને જોયું તો સાધુ મહારાજે તેની પાછળ આવવાનુ શરૂ તો કર્યું પણ તેમના પગ તો પાણીમાં ગરકાવ થઈ સખળડખળ થવા લાગ્યા હતા. “મહારાજ!” છોકરીએ બૂમ પાડી, “તમે મોઢેથી રામનામનાં જાપ તો કરો છો પણ તમે તમારાં કપડાં તો ભીનાં થવાની બીકે ઉંચા પકડી રાખ્યાં છે, આ તો પ્રભુ પ્રત્યે અવિશ્વાસ કહેવાય !’’

આ સાથે મોહમ્મદ પયગમ્બર સાહેબનું એક વાક્ય આ વાર્તાના સંદર્ભમાં ટાંકુ છું. જે તેમણે શબ્બાનની મધ્યરાત્રિના સંદેશમાં કહ્યું છે, “જે વ્યક્તિના હૃદયમાં પ્રભુ માટે એક રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ હશે તે ક્યારેય નર્કમાં નહીં જાય. સૂર્યાસ્ત પછી શરૂ થતી શબ્બાનની આ રાત્રિ પ્રાર્થનામાં અને દિવસ ઉપવાસમાં તમે વીતાવો, કારણ પ્રભુ આ સમય દરમ્યાન સૌથી નજીકના સ્વર્ગમાં અવરોહણ કરે છે (નીચે આવે છે).

પ્રભુનું અવરોહણ સાક્ષાત સ્વરૂપે ભલે ન દેખાતું હોય પણ જ્યારે જ્યારે કોઈ સદવૃત્તિનો આવિર્ભાવ થાય ત્યારે અને સર્જનની પળોમાં પછી તે કોઈ પણ માધ્યમમાં આવિષ્કાર પામે ત્યારે અનુભવી શકાતું હોય છે. કવિઓ અને કલાકારોને અને શ્રધ્ધાળુ હૃદયોને આ અનુભૂતિ હાથવગી હોય છે. પછી તે રાત્રિ કે દિવસ પવિત્ર જ બની જાય છે.

કવિ શ્રી લક્ષ્મણ દુબેની હિન્દી ગઝલના શ્રી કાસમ પટેલ દ્વારા અનુવાદિત શેર જોઈએ
(‘કોઈ ઘરમાં શોધે ઘર’માંથી સાભાર)

ખુદ ઉપર કાબૂ નથી એ સત્ય છે,
તે છતાં તારો જ હિસ્સેદાર છું

તું  ભલા શોધક કે સર્જક છો કહે !
હું તારું સર્જન કે આવિષ્કાર છું ?

તું જ જીવન_પર્વમાં લાવ્યો મને,
હું જ તારો દેહમય આભાર છું.

Comments (5)

વિચાર- 6

માણસનું મન બે ભાગમાં વહેંચાયેલું છે- જાગૃત અને અજાગૃત. આ અજાગૃત મન વ્યક્તિની જાણ બહાર કેટલીક વાતો નોંધતું હોય છે. રસપ્રતિમા, ગંધપ્રતિમા, શબ્દપ્રતિમા, રૂપપ્રતિમા, સ્પર્શપ્રતિમા આ બધી પ્રતિમાઓ રૂપે સ્મ્રુતિઓ ક્યારે મનમાં સંગ્રહાય છે તે પણ ખબર નથી પડતી. કોઈ સભાન પ્રયત્ન વગર આ બધું થાય છે. વિચાર પ્રક્રિયામાં જાગૃતિ રહે તો આ વાત ઉડી ને આંખે વળગે છે. મારો અનુભવ કહું તો ચોમાસામાં જ્યારે જ્યારે ખીલેલી જૂઈની મ્હેંક આવે છે ત્યારે ત્યારે મને પાલીતાણાનો ડુંગર યાદ આવે છે. 60 થી 70ના દાયકામાં દરેક વર્ષે જેઠ મહિનામાં મારા જૈન કાકા-કાકી સાથે પાલીતાણા જવાનું થતું. લગભગ પાંચમા ધોરણથી કોલેજકાળ સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પણ પછી 1971 પછી એક પણ વાર હું ત્યાં ગઈ નથી. એટલે તે સમયનું પાલીતાણા અને શેત્રુંજય ડુંગર મારી સ્મૃતિમાં સચવાયેલા રહ્યાં છે. જ્યારે જ્યારે જેઠ મહિનાનું છેલ્લું અઠવાડિયું હોય અને મોસમનો પહેલો વરસાદ પડે ત્યારે મને પાલીતાણા યાદ આવે છે અને ત્યા જવાનું મન થઈ જાય છે પણ અત્યારે જે ઝડપથી  નાનામોટાં ગામો, શહેરો, તીર્થસ્થાનો બદલાઈ રહ્યાં છે તે જોતાં મને ડર લાગે છે કે મારી સ્મૃતિમાં સચવાયેલું રળિયામણું પાલીતાણા હવે જોવા નહીં મળે. તે વખતે અમે ટ્રેન દ્વારા જતાં, સિહોરથી ગાડી બદલવાની રહેતી. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી સિહોર સુધીની યાત્રા રાતના સમયની રહેતી. વહેલી સવારે સિહોર પહોંચ્યા પછી સૌરાષ્ટ્રનો પ્રદેશ અજવાળુ થયું હોય તેથી જોવા મળતો.પાલીતાણા સવારે દસથી અગિયારની વચ્ચે આવતું. સ્ટેશનથી ગામ સુધી ઘોડાગાડીમા જતાં. પાંખી અવરજવર અને પહોળો રોડ આજુબાજુ જે નજરે ચડતું તે પણ ગમી જાય તેવું હતું. ઉતરવાની જગ્યા હંમેશા એક જ રહેતી ‘આરિસા ભુવન’.નામની ધર્મશાળા. આરસથી મઢેલું અને અરિસા જેવુ સ્વચ્છ એ ભુવન દર વર્ષે ત્યાં કંઈક ને કંઈક નવું બાંધકામ ઉમેરાતું રહેતું. પણ એ ધર્મશાળાનું આકર્ષણ એક તો એટલે હતું કે શત્રુંજયની તળેટી જવાના રસ્તે આવતી એ છેલ્લી ધર્મશાળા હતી. ત્યાંથી તળેટી સુધી જતાં રસ્તામાં એક સ્કૂલ અને એક દેરાસર જ વચ્ચે આવતા. બાકી ખુલ્લો રસ્તો જ હતો. તેથી ઘોડાગાડીમાં તળેટી જવાની પણ મઝા આવતી અને ડુંગરની નજીક આરિસા ભુવન હોવાને કારણે ત્યાં સતત મોરના ટહુકાઓ સંભળાતા એ સાંભળીને તો ડુંગર પર દોડી જવાનું મન થતું.

તળેટીના દેરાસરમાં દર્શન કરીને પછી જ ઉપર ચઢાય. એવો વણલખ્યો નિયમ યાત્રાળુઓ પાળે છે. તળેટીના એ દેરાસરથી શિલ્પસૌંદર્ય અને પવિત્રતાનો પ્રાકૃતિક સૌંદર્ય સાથેનો એ સુમેળ અદભુત લાગતો. જેઠ મહિનામાં ત્યાં યાત્રાળુઓની સંખ્યા ઓછી રહેતી કારણ કે શાળાઓનું વેકેશન પુરું થઈ ગયું હોય અને જેઠ મહિના પછી ડુંગરની યાત્રા બંધ થતી હોય છે, જૈન ધર્મમાં અહિંસાનું સુક્ષ્મ રીતે પાલન થાય છે ચોમાસામાં ઉત્પન્ન થતા સુક્ષ્મ જીવોની પગથી હિંસા ન થાય તેથી આ નિયમ છે. અમે જતા ત્યારે વાદળો ઘેરાવાની શરૂઆત થઈ હોય, ડુંગર ચઢતાં હોઈએ ત્યારે વાદળોની આરપાર જતા કેટલી મઝા આવતી ! થોડી ઉંચાઈ સુધી જતાં તો ઘરો ને ખેતરો, ગામો દેખાતાં પણ પછી આજુબાજુ ઉંચાનીચા ડુંગરોથી ફેલાયેલો વિશાળપ્રદેશ અને વિશાળ આકાશ જ દેખાય આપણી આજુબાજુ કોઈની હાજરી પણ ન હોય, વરસાદ પણ ત્યારે લગભગ પડતો જ. ડુંગરના ભીના પગથિયાં અને ભીના રસ્તા પર રમણીય એકાંત અને અનંતતાના એ પ્રદેશમાં એકાકાર થવાનો એ આનંદ અભૂતપુર્વ રહ્યો છે. બીજા દેશોમાં પ્રાકૃતિક સૌંદર્ય આપણા દેશ કરતાં વધારે હશે પણ આપણે ત્યાં તીર્થસ્થાનો પ્રાકૃતિક સૌંદર્ય જોડે જોડાયેલાં છે. પવિત્રતા અને પ્રાકૃતિક સૌંદર્યનું આ જોડાણ આપણા પૂર્વજોએ આપણને આપેલી અનુપમ ભેટ છે. સામાન્ય માણસોને નાની નાની તીર્થયાત્રામાં આનંદ સાથે પ્રકૃતિમાંથી સકારાત્મક પ્રેરણા પણ મળે. ડુંગર પર અડધે પહોંચીએ એટલે હિંગળાજ માતાનું સ્થાનક આવે. તેને માટે એક જોડકણું મારા કાકા સંભળાવતા ‘હિંગળાજનો હડો (કદાચ અડ્ડો મૂળ શબ્દ હશે) કેડે હાથ દઈ ચડો’ ઉપર પહોંચ્યા પછી દેરાસરોના સંકુલનો દરવાજો વટાવતા પહેલાં એક નવયુવાનનો પાળિયો આવે છે. ઘણાં વર્ષો પહેલાં એક વાઘના ત્રાસના લીધે ડુંગરની યાત્રા બંધ થઈ ગઈ હતી. તીર્થોના રહેવાસીઓની રોજી યાત્રાળુઓ ઉપર જ આધારિત હોય. એટલે ગામના લોકોને માટે પણ મુશ્કેલી ઉભી થઈ. આદમખોર થઈ ગયેલા વાઘની સામે બાથ ભીડવાની કોઈની હિંમત ન હતી. બેકાર હોવાને કારણે આ યુવાનને ભાભીના મહેણાં સાંભળવા પડતા એક વખતે એની હિંમતને પડકારતું મહેણું મારતાં ભાભીએ વાઘને મારી બતાવવા કહ્યું અને એ યુવાન તો સાચેસાચ વાઘને મારવા દોડ્યો. જતાં જતાં તળેટીમાં લોકોને કહેતો ગયો કે વાઘને મારીને હું ઘંટ વગાડીશ ત્યારે તમે ઉપર આવજો. વાઘની સાથે બાથ ભીડી આ યુવાને જીવસટોસટની લડાઈ ખેલી વાઘને માર્યો, અને લોહીલુહાણ હાલતમાં એણે ઘંટ વગાડ્યો. તળેટીના લોકો દોડી આવ્યા. પણ આ યુવાનનું પ્રાણપંખેરું તો ઉડી ગયું હતું.  ચોથા ધોરણમાં આ પ્રસંગનો અમારા પાઠ્યપુસ્તકમાં પાઠ તરીકે સમાવેશ હતો. જો કે મારું બાળમાનસ આ પ્રસંગ વાંચીને દુઃખી થઈ ગયું કેમકે વાઘ તો મર્યો પણ પેલો યુવાન ન બચ્યો. મારું મન એ યુવાનને જીવતો જોવા અને એની ભાભી એની બહાદૂરીને વધાવે એવું જ સાંભળવા ઈચ્છતું હતું- ખેર ઈતિહાસને બદલવો શક્ય નથી. પણ ઈતિહાસને બદલવાની કલ્પનાના વિચારો પરથી ફિલ્મો બની છે. મૂળ વાત પર આવતા કહું તો આ યુવાનની ખાંભીએ મસ્તક નમાવીને આગળ જવાનું. સંકુલમાં પહોંચ્યા પછી ત્યાં સ્નાન માટેની સગવડ હોય છે ત્યાં સ્નાન કરીને આદિશ્વર ભગવાનની સેવા કરી શકાય છે. એ સેવા માટે ત્યાં જૂઈ, મોગરા, ગુલાબ.વગેરે ફુલ મળે છે. બસ ! એ ફુલોની સુગંધ આજ સુધી સ્મૃતિમાં સચવાઈ રહી છે. તેથી જ્યારે, જ્યારે જૂઈની સુગંધ આવે છે ત્યારે ત્યારે મને પાલીતાણાની બધી સ્મૃતિ તાજી થઈ આવે છે. ‘જગને ઝરુખે’ ના આરંભમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા અનુભવ અને તેના પ્રતિભાવની જે વાત વિચારી તેના અનુસંધાનમાં આ અનુભૂતિનુ વર્ણન કર્યું. બીજી સ્મૃતિ વિષે પણ આગળ ઊપર વાત કરીશું.
–વર્ષા શાહ

Comments (11)

વિચાર- 5

(‘જગને ઝરૂખે’ પર આગળનો વિચાર મૂકતાં પહેલાં હું એ સહુ મિત્રોનો આભાર માની લઉં જેમણે મારા વિચારો વાંચી, પ્રતિભાવ અને તે પણ પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યા છે.)

ઘણા વર્ષો પહેલાં ઓટોમાન સામ્રાજ્યના એક સુલતાન એક ઈસ્તંબૂલના એક શેખ પાસે ગયા જેઓ પોતાના ડહાપણ અને પ્રામાણિકતા માટે વિખ્યાત હતા. સુલતાન શેખથી ખૂબ પ્રભાવિત થયા અને એમની સભામાં રોજ આવવા લાગ્યા. થોડા સમય પછી સુલતાને શેખને કહ્યું, “આપના માટે અને આપની શિક્ષાપધ્ધતિ માટે મને ખૂબ પ્રેમ છે. તેથી આપને જ્યારે પણ કશાયની જરૂર હોય તો મને તે જણાવશો. મારી સત્તાની અંતર્ગત એ જરૂરત હશે તો હું પુરી કરીશ.” આ એક સમર્થ સત્તાવાન અને અત્યંત સમૃધ્ધ વ્યક્તિ તરફથી મળેલો જાણે એક કોરો ચેક હતો. શેખે જવાબ આપ્યો, “હા, એક વસ્તુ છે જે તમે મારા માટે કરી શકો. તે એ કે તમે હવે અહીં ફરી આવશો નહીં.”  સુલતાન તો સ્તબ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું, “શું મારાથી કંઈ ખોટું થઈ ગયું છે ? એવું કંઈ હોય તો હું આપની માફી માંગુ છું.” શેખે જવાબ આપ્યો, “તમે તેનું કારણ નથી; કારણ છે મારા દરવેશ. તમે અહીં આવવાનુ શરૂ કર્યું તે પહેલાં તેઓ ફક્ત ભગવાનની કૃપા માટે જ પ્રાર્થના અને નામજપ કરતા હતા. હવે તેમના માનસ તમને ખુશ કરી, માનઅકરામ મેળવવાના વિચારોમાં જ રચ્યાપચ્યા રહે છે. હું તમને અહીં આવવાની મના કરું છું કારણ કે તમારી હાજરીથી નિર્લેપ રહી શકીએ એવી આધ્યાત્મિક પરિપકવતા હજુ અમારામાં આવી નથી.”

માણસ આખરે માણસ છે. ઈચ્છાઓથી પર થઈ જવાની સ્થિતિ ઈશ્વરકૃપાથી જ શક્ય છે પણ તે સ્થિતિએ પહોંચવા માટે પણ પાછી ઈચ્છા તો જોઈએ જ.

–વર્ષા શાહ

આ સાથે મનોજ જોશી ‘મન’ની ગઝલના બે શેર-

ગજબની પલાંઠી લગાવીને બેઠો !
વિચારોની વચ્ચે તું આવીને બેઠો !

ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહીંયાં,
અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો !

Comments (6)

વિચાર- 4

હમણાં અમે બેંગાલુરુ એટલે કે બેગલોરમાં છીએ.
અમારા ઘરની પાછળ એક મોટો ખાલી પ્લોટ છે. એ પ્લોટની ત્રણ બાજુ મોટા ફ્લેટસ છે. ત્રણે બાજુ ઉંચી કમ્પાઉંડવોલથી ઘેરાયેલા એ પ્લોટમાં હરિયાળીની વચ્ચે એક ઓરડી છે. બહુ ઓછી સગવડોવાળી એ નાની ઓરડીમાં એક કુટુંબ રહે છે. પાંચમા માળેથી એમની જીવનશૈલી જોઈ શકાય છે. ઓરડીની ત્રણે બાજુ જે આવાસો છે ત્યાં ચીજવસ્તુઓની રેલમછેલ છે ને એ ઓરડીમાં માણસો ઓછામાં ઓછી વસ્તુઓથી નિભાવે છે. એમની સાથે એક કૂતરું પણ એના બચ્ચાંઓ સાથે રહે છે. બાલ્કનીમાંથી જ્યારે જ્યારે એમને જોઉં છું ત્યારે ત્યારે આ વિરોધાભાસી જીવનશૈલી વિષે વિચાર આવે છે. આ વિચારના સંદર્ભમાં એક વાર્તા મૂંકું છું- એક ધનિક માણસે પોતાના દીકરાને ગરીબીનુ જીવન કેવું હોય તે એ જોઈ શકે તે માટે એક પ્રવાસે મોકલ્યો. છોકરાએ એક ખૂબ ગરીબ કુટુંબ સાથે એક દિવસ અને એક રાત વીતાવ્યાં. તે ઘેર પાછો ફર્યો ત્યારે તેના પિતાએ તેને પુછ્યું કે તે એ જગ્યાએ રહીને શું શીખી આવ્યો. ત્યારે પુત્રે જવાબ આપ્યો, “મેં જોયું કે આપણી પાસે તો એક કૂતરું છે એમની પાસે તો ચાર છે, આપણો સ્વીમીંગ પુલ તો આપણા બગીચાની વચ્ચે પહોંચીને પુરો થઈ જાય છે, એમના જળાશયનો તો છેડો જ દેખાતો નથી, આપણા બગીચામાં બત્તીઓ છે પણ એમની પાસે તો અગણિત તારાઓ છે. આપણો વાડો તો આપણા આંગણાની સામે પુરો થઈ જાય છે પણ એમના ઘર પાસે એમનું જે ખેતર છે તે તો જાણે ક્ષિતિજ સુધી, ધરતીના છેડા સુધી લંબાયેલું લાગે છે.” છોકરાનું બોલવું સાંભળીને પિતાની તો જાણે વાચા જ હરાઈ ગઈ. તેમાં વળી છોકરાએ ઉમેર્યું, “આપણે કેટલા ગરીબ છીએ તે બતાવવા માટે પિતાજી તમારો આભાર”

અમીરી/ગરીબી સાપેક્ષ છે. અન્યની પરિસ્થિતિની સાથે જ્યારે જ્યારે વ્યક્તિ પોતાની પરિસ્થિતિની તુલના કરે ત્યારે એની દ્રષ્ટિમાં આ અમીરી કે ગરીબીનો વિચાર આવે છે.

–વર્ષા શાહ

Comments (15)

વિચાર- 3

એક બીજી હળવાશભરી વાર્તા..

એક દંપતીએ લગ્નજીવનનો 60 વર્ષ જેટલો લાંબો ગાળો વિતાવ્યો [આ વાર્તાની પશ્ચાદભૂ પણ પાશ્ચાત્ય છે] તેઓએ પોતાની બધી બાબતો એકબીજા સાથે વહેંચી હતી ગોપનીય કશું રાખ્યું ન હતું સિવાય કે એક બૂટનું ખોખું , જે તેણીએ પોતાના કબાટના સૌથી ઉપરના ખાનામાં સાચવી રાખ્યું હતું, અને પોતાના પતિને તે ક્યારેય ન ખોલવાની તાકીદ કરી હતી.આટઆટલા વર્ષોમાં પતિએ પણ તે ખોખા વિષે વિચાર્યું ન હતું પણ એક દિવસ સ્ત્રી માંદી પડી અને ડોકટરે તેની બચવાની આશા છોડી દીધી ત્યારે બન્નેની વચ્ચેનું તે રહસ્ય છતું કરવા માટે પતિએ તે ખોખું ઉતાર્યું અને પત્નીના બિછાનામાં તેની બાજુમા મુક્યું પત્નીને પણ લાગ્યું કે પતિએ પણ આ રહસ્ય જાણવાનો સમય પાકી ગયો છે તે ખોખું ખોલવા સંમત થઈ.પતિએ ખોખું ખોલી ને જોયું તો એમાં અંકોડી વડે સુંદર રીતે ગૂંથેલી બે ઢીંગલીઓ અને 95000.ડોલરની થપ્પી નજરે પડી.પતિએ આ સંગ્રહ વિષે પત્નીને પુછ્યું.’’ આપણે જયારે પરણવાના હતા ત્યારે મારી દાદીમાએ મને શિખામણ આપેલી કે સુખી લગ્નજીવનનું રહસ્ય પતિની સામે દલીલ ન કરવામાં છે. તેણે મને એમ પણ કહેલું કે જ્યારે જ્યારે મને તમારી પર ગુસ્સો આવે ત્યારે મારે શાંત રહેવું અને અંકોડી લઈને ઢીંગલી બનાવવા બેસી જવું”. પતિ તો સાંભળીને હાલી ગયો. ખોખામાં ફક્ત બે જ કિંમતી ઢીંગલીઓ હતી. પત્ની આટલા લાંબા લગ્નજીવનમાં  ફક્ત બે જ વાર એની ઉપર ગુસ્સે થઈ હતી ! તે તો ખુશીથી ઉછળી પડ્યો.? “પ્રિયે,” તેણે કહ્યું “અને આ બધા ડોલરનું શું છે ? એ ક્યાંથી આવ્યા ?” “એ ડોલર અત્યાર સુધી મેં બનાવીને વેચેલી ઢીંગલીઓના ભેગા થયા છે.”

આ વાર્તા વાંચી મને પહેલો વિચાર એ આવેલો કે પત્નીનો જવાબ સાંભળી ઘડી પહેલાં આનંદથી ઉછળી પડેલા પતિનું શું થયું હશે ?

બીજો એક વિચાર એ આવે કે ગુસ્સો સર્જનાત્મક બને એ વિચાર તો સારો જ છે. સંબંધોમાં સારપ જળવાઈ રહે. પણ એથી સંબંધોમાં પ્રાણ રહે ખરો ? ગુસ્સો મનની સ્વાભાવિક પ્રતિક્રિયા છે. મારી દરેક વાતમાં કોઈ સંમત ન પણ થઈ શકે તેમ હું પણ કોઈની દરેક બાબતમાં સહમત ન પણ હોઉં. ક્યારેક ઝઘડવું અને પછી ભેગા થવું, સહજીવનમાં એનો પણ એક આનંદ છે અને દાંપત્યજીવનમાં તો ખાસ ! મારી દરેક વાત કોઈ મૂંગે મોઢે માની લે, એવો આગ્રહ રાખીને હું સામી વ્યક્તિનુ વ્યક્તિત્વ ખલાસ ન કરી શકું નહી. એટલે ઉપરની વાર્તામાં પતિને પહેલાં તો એ બાબતની ખુશી થઈ હશે કે પોતાની કોઈ વાત એવી ન હતી જે પત્નીને માન્ય ન હોય પણ એ ખુશી તો પળભરમાં જ નષ્ટ થઈ ગઈ.પણ પત્નીએ ક્યારેય પોતાનો વિરોધ પ્રદર્શિત ન કર્યો મૂંગી જ રહી એ એને ગમ્યું હશે કે કઠ્યું હશે ? એ તો એના વ્યક્તિત્વ પર આધારિત છે.પણ આ વિચારની સાથે મારી એક સખીનો જીવનપ્રસંગ એણે કહેલો તે યાદ આવી ગયો.ગૃહજીવનની શરૃઆતમાં થોડી ઘણી અણઆવડતને કારણે પતિપત્નીમાં ક્યારેક એકબીજા સાથે અણગમતો વ્યવહાર થઈ જતો.

પતિ એકવાર કોઈ કારણસર (થોડોક જ હોં)ગુસ્સે થયો ત્યારે પત્નીએ હસતાં હસતાં કહી દીધું, “મારા બાપાએ મને તમને સોંપી દીધી છે તમારે હવે જે કંઈ કરવું હોય, ગુસ્સો ,પ્રેમ અણગમો જે જાહેર કરવું હોય તેને માટે હવે હું જ તમારી સામે છું બીજું કોઈ નહી અને મારા માટે પણ મારા બધા ઉભરા ઠાલવવાનું પાત્ર પણ તમે જ છો.” સખીની આ કોઠાસુઝ દાંમ્પત્યજીવનની મધુરતા ટકાવવામાં ઉપયોગી છે બહોળા પરિવાર અને પોળ, શેરીના સહિયારા જીવાતી  જીંદગીના અનુભવમાંથી આ કોઠાસુઝ પ્રકટતી હતી. કુટુંબજીવનમાં કે સમાજજીવનમાં આ સમજણ પ્રકટે તો ફાયદો જ છે. પરણીને બીજા ઘરમાં આવતી દીકરીઓ અને એ ઘરના માણસો પરસ્પરના ઉછેરની ભિન્નતાને સ્વીકારી એકબીજા સાથે ઉદારતાથી વર્તે, થોડું સહન કરવાનું પણ આવે અઘરું પણ લાગે કારણ કે વાત કરવી સહેલી છે એટલી આચરણમાં મુકવી સરળ તો નથી જ પણ આવો વ્યવહાર થાય તો દેખાતી કે ન દેખાતી દિવાલો તો નહીં જ ચણાય પણ સંબંધોના સેતુ મજબૂત જરુર થશે.

–વર્ષા શાહ

Comments (11)

વિચાર- 2

‘જગને ઝરુખે’ એ વિચારો વ્યક્ત કરવાની જ જગ્યા છે, વિચારો મઠારીને મૂકવાનો પ્રયાસ   નથી, જેવા છે તેવા જ મૂકવા છે. એ રીતે આગળ વધવું છે. એક હળવી વાર્તાથી એની શરુઆત કરીશું. ઘણાએ આ વાર્તા કદાચ વાંચી પણ હશે. વાર્તાનીપશ્ચાદભૂ આઈરિશ છે.

એક માણસ આર્યલેન્ડના ગ્રામ્યપ્રદેશમાં રહેતો હતો. એક કૂતરા સિવાય એનો પોતાનો કહી શકાય એવો કોઈ સાથીદાર ન હતો. એક દિવસ એ કૂતરો મરી ગયો. એ માણસ પોતાના એ કૂતરાની સદગતિ માટે પ્રાર્થના કરાવવા દેવળમાં ગયો. પાદરીને તેણે કહ્યુ, “ફાધર મારો કૂતરો અવસાન પામ્યો છે. શું તમે તે બિચારા જીવના માટે પ્રાર્થનાવિધિ કરશો ?” ફાધર જેમનુ નામ પેટ્રિક હતું તેમણે જવાબ આપ્યો, “મારી ધારણા છે કે તે હું ન કરી શકું. અમારે ત્યાં પ્રાણીઓ માટે એ સેવા નથી.પણ બાજુની ગલીમાં કેટલાક બેપ્ટીસ્ટ લોકો છે તેઓ શું માનતા હશે તે કહી શકતો નથી પણ એ લોકો આ બિચારા જીવ માટે કશું કરતા પણ હોય!” પેલા માણસે પૂછ્યું, “હું હમણાં જ ત્યાં જાઉં છું ફાધર, પણ તમને શું લાગે છે હું એમને એ માટે એક હજાર પાઉંડ આપું તો ચાલશે ને?” ફાધર પેટ્રિકનો ઉદગાર હતો, “ઓ વ્હાલા મધર મેરી, જિસસના મા, આપે મને કહ્યું કેમ નહીં કે આ કૂતરો કેથોલિક છે !”
–ટાઈમ્સ ઓફ ઈંડિયામાંથી સાભાર

આ વાર્તા વાંચ્યા પછી શું વિચાર આવ્યો ? હળવી રમૂજ સાથે એ કેટલું કહી જાય છે, એ વિચારીશું ? આપણાં ઘરડાંઓ કહી ગયા છે તેમ કાયા ને માયા કોઈને ય છોડતા નથી. કાયાની જરુરિયાતો અવગણી શકાતી નથી અને વિષયમોહ પણ ભલભલાને છોડતો નથી.

સાથે એક વાસ્તવિકતા પણ મનને કઠે છે તે એ કે પ્રત્યેક ધર્મ આ સમગ્ર સૃષ્ટિને ઈશ્વરનું સર્જન માનવાનુ કહેતો રહેલો છે ને છતાં ય પોતાને ઈશ્વરના પ્રતિનિધિ માનનારાઓ જ સૃષ્ટિમાં ભેદભાવ ઉભો કરે છે. ઈશ્વરના પ્રત્યેક સર્જનમાં તેઓને ઈશ્વર દેખાતો નથી.

–વર્ષા શાહ

Comments (9)

વિચાર- 1

First impression is the last impression.એવું માનવામાં આવે છે પણ એવું મારા અનુભવમાં તો આવ્યું જ નથી. એનાથી ઉલ્ટું જ અનુભવમાં આવ્યું છે. પહેલી વારમાં વ્યક્તિ વિષે જે ધારણા બંધાઈ હોય તે થોડો વધારે પરિચય થયા પછી બદલાઈ જાય છે, અને એ પણ સ્વાભાવિક જ નથી ? માણસ દરેક સમયે પરિસ્થિતિ અનુસાર વર્તતો હોય છે તો આપણે જ્યારે તેને મળ્યા હોઈએ ત્યારે તેનું જે વર્તન હોય તે તેનો કાયમી સ્વભાવ છે એમ કેવી રીતે માની લેવાય ? અને મારો તો વારંવારનો એ અનુભવ રહ્યો છે, કે પહેલી વાર જે ચિત્ર ઉભું થયું હોય છે તે લાંબા પરિચય પછી બદલાઈ જાય છે.અને છતાં આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે પણ કોઈ નવી વ્યક્તિને હું પહેલી વાર મળવાની હોઉં ત્યારે મારા વિશે એના મનમાં સારી છાપ ઉભી થાય એવો મારો પણ પ્રયત્ન હોય જ છે એ વ્યક્તિનું તો એ જ જાણે!. ઘણા તો પહેલી નજરમાં જ માણસને ઓળખી લેવાનો દાવો કરતા હોય છે અને તેઓ ખોટા પણ નથી એ જોઈને મને ખરેખર આશ્ચર્ય સાથે અહોભાવ પણ થાય છે કે આ તો સારું કહેવાય ! એક રીતે વિચારતાં આ સારી ફર્સ્ટ ઈમ્પ્રેશનનો વિચાર તો સારો જ લાગે છે કારણ કે એથી બે વ્યક્તિનો પરસ્પર સદભાવ ઉભો થાય પછી ભલે તેઓ ફરી મળે કે ન મળે.

આ  બધા વિચારો મગજમાં ચાલ્યા કરે ત્યારે એવું લાગે કે કોઈની સાથે એની ચર્ચા કરીએ. પણ પ્રત્યેક સમયે તો એને કોઈની સાથે ચર્ચવા શક્ય નથી. તો આ મૂંઝવણ ઠાલવવી ક્યાં? આ બ્લોગ એનો ઉકેલ બની ગયો.ઘણુ બધું વાંચતી રહું છું. ક્યારેક એવું મઝાનું વાંચવા મળે, ક્યારેક વિચારતા કરી મુકે એવી વાસ્તવિકતા નજર સામે આવે ત્યારે આ વિચારોની વણઝાર શરુ થઈ જાય, તે વખતે કોઈની સાથે એના વિષે વાત કરવાનું ગમે. એમાંથી થઈ આ ‘જગને ઝરુખે’ની શરુઆત !

–વર્ષા શાહ

Comments (4)

જગને ઝરૂખે

આપણે સૃષ્ટિમાં જ્ઞાનેન્દ્રિયો વડે જે કંઈ અનુભવીએ અને એ અનુભવ મન સુધી પહોંચે, બુદ્ધિ એ અનુભવનો પ્રતિભાવ આપે. આપણે કંઈ પણ જોઈએ, સાંભળીએ, વાંચીએ કે અનુભવીએ કે તરત એના પ્રતિભાવ રૂપે મનમાં વિચાર આવે જ આવે. ક્યારેક લાગે કે વિચાર જો એક શક્તિ છે તો એ એક nuisance, એક કનડગત પણ છે. માણસ જાણે વિચાર્યા વગર રહી જ શકતો નથી, એ કંઇ પણ કરતો હોય કે કંઇ પણ ન કરતો હોય વિચાર તો આવવાનો જ. બસ, આ “જગને ઝરૂખે ” આવા વિચારોની અભિવ્યક્તિ છે.

વિચારની પ્રક્રિયા વિશે પણ ઘણું વિચારી શકાય. વિચારની પ્રક્રિયા માણસના ભુત, ભવિષ્ય અને વર્તમાનના અનુભવો સાથે જોડાયેલી હોય છે. ગાંડો માણસ પણ વિચારતો તો હોય જ છે, માત્ર એની વિચારવાની પ્રક્રિયા logically disordered હોય છે. normal માણસને પણ ક્યારેક દ્વિધા ઉત્પન્ન થતી હોય છે. એકી સમયે બે વિરોધી વિચાર આવે ત્યારે કયો વિચાર સાચો તે કેવી રીતે નક્કી કરવુ ? કેટલીક વાર એવો પ્રસંગ ઉભો થાય કે હમણાં ન બોલવામાં નવ ગુણ માનીને ચુપ રહેવું કે બોલે તેના બોર વેચાય એમ માનીને પોતાનો મત રજુ કરવો એવી વિમાસણમાં પડી જવાય. બેમાંથી એકનું પણ અનુસરણ કરી પસ્તાવાનો વારો નહીં આવે એવી કોઈ ગેરંટી નથી. માનો, બોર નથી વેચવા. આપણે  આપણો કોઇ સ્વાર્થ સાધવો નથી. સુચન જ કરવું હોય છતાં તેની કેવી અસર થશે તે અટકળ થઇ શકતી નથી. તો ઘણી વાર એવું પણ થઇ જાય કે તે વખતે બોલવાની જરુર હતી ને બોલ્યા નહીં. બધાને આવું થતું હશે ?

આવી જ દ્વિધાનું બીજું ઉદાહરણ હવે પછી જોઇશું.

–વર્ષા શાહ

Comments (15)

« Newer Posts
Design a site like this with WordPress.com
શરૂ કરો