ધોળું ધોળું સસલું

ધોળું ધોળું સસલું
આમ દોડે તેમ દોડે
મને જોઇને નાસી જાય

લીસા લીસા ગાલ છે
આંખ લાલ લાલ છે
પાણી પીવે ગાજર ખાય
મને જોઇને નાસી જાય

ડુંગર ચડે દોડી દોડી
કુદકા મારે ઘડી ઘડી
આમ દોડે તેમ દોડે
મને જોઇને નાસી જાય

સપનાની વાત કહું સપનાની વાત

સપનાની વાત કહું સપનાની વાત
ઓ બેન મારા સંભાળજો સપનાની વાત.

કોક દી હું સપના માં આકાશે ઉડતી
ચંદમાંમાંની સાથે હું રમતી
તારલિયા દેવ મારે પગે અડી જાય
ઓ બેન મારા સંભાળજો સપનાની વાત.

કોક દી હું પરીઓ ના દેશમાં પહોચતી
પરીઓના ખોળે હું સુખેથી પોઢતી
પરીઓની પાંખો મને પંખો નાખી જાય
ઓ બેન મારા સંભાળજો સપનાની વાત.

હજી એક્દ કડી યાદ કરીને ઉમેરવાની છે. (Sanskar balmandir na smarano)

ઊંટ કહે આ સમામાં

ઊંટ કહે આ સમામાં
વાંકા અંગ વાળા ભૂંડા  ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે

બગલા ની ડોક વાંકી, પોપટ ની ચાંચ વાંકી
કુતરા ની પૂંછડી નો વાંકો વિસ્તાર છે

વારણ ની સૂંઢ વાંકી, વાઘ ના છે નખ વાંકા
ભેંસ ને તો સિંગ વાંકા, શીંગડા નો ભાર છે

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપના અઢાર છે.

– સ્કૂલમાં ભણવા માં આવતી કવિતા, કદાચ અધુરી યાદ છે.

ટરરર ટરરર ઢમ ઢમ ઢમ

ટરરર  ટરરર ઢમ ઢમ ઢમ
કરો રમકડા કુચ કદમ

હાથી ભાઈ તો ચાલે આગળ પાછળ ઊંટ સવારી
ખડાક ખડદલ  ઘોડા દોડે ને શી છટા અમારી
ચાલો સૈનિકો કદમ કદમ , કરો રમકડા કુચ કદમ

ઉપર ઘરરર વિમાન ગરજે , નીચે લશ્કર ગાડી
ભરી બંદુકે સૈનિક સાથે ચાલો હાકલ પડી
ચાલો સૈનિકો કદમ કદમ , કરો રમકડા કુચ કદમ

-લેખક યાદ નથી, કવિતા ભણવામાં આવતી તે કદાચ અધૂરી યાદ છે.

સિંહની પરોણાગત – રમણલાલ સોની

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

અમે ફેર ફુદરડી ફરતા તાં….

અમે ફેર ફુદરડી ફરતાં તાં
અમે ફેર ફુદરડી ફરતાં તાં
ફેર ફુદરડી ફરતાં ફરતાં
પડી જવાની કેવી મજા
ભાઈ પડી જવાની કેવી મજા

અમે સાતતાળી રમતાં તાં
અમે દોડમ દોડી કરતાં તાં
દોડમ દોડી કરતાં કરતાં
બેસી જવાની કેવી મજા
ભાઈ બેસી જવાની કેવી મજા

અમે આમલી પીપળી રમતાં તાં
અમે ઝાડે ઝાડે ચડતાં તાં
ઝાડે ઝાડે ચડતાં ચડતાં
લપસી જવાની કેવી મજા
ભાઈ લપસી જવાની કેવી મજા

અમે સંતાકુકડી રમતાં તાં
અમે ખોળમ ખોળાં કરતાં તાં
ખોળમ ખોળાં કરતાં કરતાં
પકડાઈ જવાની કેવી મજા
ભાઈ પકડાઈ જવાની કેવી મજા

અમે ઉંદર બિલ્લી રમતાં તાં
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં તાં
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં
નાસી જવાની કેવી મજા
ભાઈ નાસી જવાની કેવી મજા

 

-from tahuko.com

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

 

-from tahuko.com

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ

ચાલો ચાલેને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી

ચાલો ચાલેને રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર
ઝરણાં નાના જાય દોડી દોડી

બાપુનાં છાપાં, નક્કામાં થોથાં
કાપી કૂપીને કરીએ હોડી        …ચાલોને

સાદી સઢવાળી, નાની ને મોટી
મૂકીએ પવનમાં છોડી છોડી    … ચાલોને

ખાલી રાખેલી, ઊંધી વળે તો
પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી … ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલા દોસ્ત મારી હોડી  … ચાલોને

 

– from tahuko.com

ચકીબેન ! ચકીબેન !….

ચકીબેન ! ચકીબેન !
મારી સાથે રમવા
આવશો કે નહીં ?

બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તને
હું આપીશ તને…

પહેરવાને સાડી મોરપીછાં વાળી
ઘમ્મરિયો ઘાઘર આપીશ તને
હું આપીશ તને…

બા નહીં વઢશે
બાપુ નહીં લડશે
રમવાને ઢીંગલો આપીશ તને
હું આપીશ તને…

 

-agnaat