દીવો બળે છે દૂર અંધારામાં સંભળાય છે એનાં બળવાનો અવાજ શિયાળવાનો રડવાનો અવાજ ક્યાંક ભૂખથી કણસતું કૂતરું અંધારાને વધારે અંધકાર અર્પે છે મંદ મંદ વાતા વાયરામાં ઘૂવડને ગીત ગાવાની ઈચ્છા જાગે છે અને મજા પણ પડે છે ને કાન સરવા કરીને સાંભળવા મથતું આભામંડળ ધરતી પર થોડીક ઘડી થંભી જાય છે કશુંક કાને પડે છે જે પડે તેને કાન સાચવી રાખવા મથે સાચવી રાખેલું સઘળું અંધારાનું તેજ તારલાઓ વિખેરી નાખે વિખેરાયેલુ ભેગું કરવા સપ્તર્ષિ ધ્યાનમગ્ન થઈને પ્રયાસ કરે છે એ પ્રયાસમાં આકાશગંગાને પ્રસવવેદના થાય ને જન્મે છે સર્વેને પ્રાપ્ત થયેલું……
ખોળે બેસીને રોજ રમતા દેવરજીને ફૂટી છે દોરા-વા મૂંછ. ભાભીને જાણ હવે ભોળી બે આંખોને ગમતો ગુલાબોનો ગુચ્છ ! પાટે બેસાડું પછી પીઠી ચોળાવું પછી વગડાવું આંગણામાં ઢોલ.
અવઢવમા છું છેલ્લા કેટલાય સમયથી. શું લખું, કેવી રીતે લખું ? એક યાચનાસભર પત્ર લખું કે વિનંતી કરું કે હકપૂર્વક આપની પાસે માંગણી કરું ? કેટલા બધા વિચારો, કેટલી બધી ગડમથલ… કે કઈ દિશા પકડવી, કયા રસ્તે જવું આવી ન સમજી શકાય એવી સ્થિતિના મધ્યે આપ સૌની સમક્ષ મારી કથની રજુ કરી રહી છું. મને વિશ્વાસ છે આપ સૌનો મને ચોક્કસ સાથ સહકાર મળશે.
સ્પષ્ટ શબ્દોમાં જ શરૂઆત કરું છું, જેથી પોસ્ટ પૂરી વાંચતાં પહેલાં જ આ પોસ્ટનો મારો ઉદ્દેશ મિત્રો માટે અજાણ્યો ન રહે.
હાલની મારી શારિરીક પરિસ્થિતિથી તો મારા મિત્રો અજાણ્યા નથી જ, પરંતુ તેમાંથી નીકળવા માટે તબીબી સારવાર અર્થે ઓપરેશન માટે દસ લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે તેમ છે, જે મારી પહોંચ બહારની બાબત છે, અને એટલે જ અત્યાર સુધી મારી સારવાર પણ થઈ શકી નથી. આ પોસ્ટનો ઉદ્દેશ સારવાર અર્થે મિત્રો કે કોઈ સેવાભાવી સંસ્થાઓ પાસેથી રકમ એકઠી કરવાનો છે, તે બાબતનો અહીં હું સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કરું છું.
મારું એકાઉન્ટ હેક કરીને આ પોસ્ટ કોઈએ નથી લખી. આ કોઈ ફ્રોડ નથી. મારા ફોન નંબર9662177997 પર સંપર્ક કરીને ખાતરી કરી શકો છો. તે ઉપરાંત, મારી કથનીની ખરાઈ કરવા માટે આપ નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક પણ કરી શકો છો: (1) મીનાક્ષી ચંદારાણા: 9998003128 (2)તાલુકા ભાજપ મહામંત્રીશ્રી રમેશભાઈ દેસાઈ : 9824378051 (3)માજી ઉપ. સરપંચશ્રી (ઝેરડા) દિનેશભાઈ ખત્રી :9924284518 (4)પ્રા.આચાર્યશ્રી (ભાચરવા પરા) રાજેશભાઈ નાયક : 9909465260
આટલું વાંચ્યા પછી જેને મારી પૂરી વાત આગળ જાણવામાં રસ પડે, તેને માટે અહીં હું મારા જીવનની અને મારી આ બીમારી અંગેની કેટલીક બાબતો અહીં મૂકી રહી છું:
હું વર્ષા કનુભાઈ બારોટ. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામની વતની. મારો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના જોબટ શહેરમાં થયેલો. મારુ બાળપણ મારા ગામમાં જ વીત્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઝેરડામાં જ લીધું. ત્યારબાદ અગિયાર બાર સાયન્સ વિષય સાથે દાંતીવાડા યુનિ. અને ડીસા એસ.સી.ડબ્લ્યુ હાઈસ્કૂલ ખાતે ભણવાનું થયું. બાર સાયન્સમાં નાપાસ થતા હું આર્ટસ સાથે ટેટોડા સ્કૂલમાં ગોઠવાઈ. હું જ્યાં જ્યાં ભણી ત્યાંત્યાં મારા ગુરુજનોનો અને મિત્રોનો અનહદ સ્નેહ અને અપાર આદર હું પામી છું. પ્રાથમિક શાળાના અમારા પ્રિય અને આજેય ફેમિલિફ્રેન્ડ જેવા ચંદુભાઈ એટીડી સર આજેય મારી સાથે છે. ખુબ જ ઉમદા સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા કાર્યરત રહેતા એવા ચંદુભાઈ સર આજેય દીકરીઓ, મહિલાઓને આગળ લઇ આવવાના કે સ્ત્રી સન્માનને લગતા કોઈ પણ કાર્યક્રમ હોય તો મને અચુક યાદ કરે. અને ભારપૂર્વક કહે, વર્ષા તારે આવવાનું છે હો. “કેટલી અદભુત લાગણી કેટલો સ્નેહ એમનો !!” ગુજરાતી વિષય સાથે બી.એ. મેં ડીસા કોલેજથી કર્યું. બી.એ. બાદ માસ્ટર ડિગ્રી મેં પાટણથી મેળવી. વિકલાંગતાના કારણે સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી કરતા પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાનું વધુ યોગ્ય લગતા અત્યારે મારો પોતાનો વ્યવસાય સંભાળી રહી છું. લગ્ન ન કર્યા હોવાથી અત્યારે માતાપિતા સાથે રહું છું. સાહિત્યમાં રસ ધરાવું છું. કવિતાઓ, વાર્તાઓ અને આર્ટિકલ્સ લખવાનો શોખ છે. મારી સાહિત્ય યાત્રાના મારા સહયાત્રીઓને કેમ ભૂલી શકાય ? મારા પિતાજી, સ્વર્ગીય જામાકાકા દેસાઈ, દિનેશભાઇ ખત્રી, મારા ગામનાં જ મારા મિત્રો, પ્રતાપભાઈ રાઠોડ, રમેશ રાજાભાઈ દેસાઈ, સ્વર્ગીય રમેશ જોશી “આરોપી”, રમેશ રજયા “ઇશ્ક પાલનપુરી”, કમલેશ ગઢવી આ બધા જ મારા મિત્રો વડીલો ડગલે ને પગલે જયારે જયારે મને જરૂર પડી ત્યારે ત્યારે મારી સાથે રહ્યા છે. મારી કૃતિઓના મારા પ્રથમ વાચક મારા પિતાજી, સ્વર્ગીય રમેશ જોશી અને ઇશ્ક પાલનપુરી રહ્યા છે. આ ત્રણ લોકોની નજર માંથી મારી કૃતિ પસાર થાય પછી જ એ સાહિત્ય જગતમાં બહાર આવે. મિત્રોના રૂપમાં ભગવાને મને કેટલું બધું સુખ આપી દીધું…!! મારા આ સુખના અહેસાસે મને એવું ક્યારેય અનુભવવા દીધું જ નથી કે હું વિકલાંગ છું. સાહિત્યમાં રસ ધરાવતી હોવાથી મેં અને મારાં ગામના જ કવિ મિત્ર શ્રી ઇશ્ક પાલનપુરી (રમેશભાઈ રજ્યા) અને અમારી સાહિત્યની પ્રવૃતિઓને હંમેશા બિરદાવતા એવા અમારા પ્રિય કાકા શ્રી કનુભાઈ જોશીના સાથ સહકારથી પ્રથમવાર અમે ઝેરડામાં એક મુશાયરાનું આયોજન કર્યું. તેમાં આમંત્રિત મુખ્ય મહેમાનોમા પાલનપુરના ખ્યાતનામ કવિશ્રી મુસાફિર પાલનપુરી સાહેબ, ડીસાના વાર્તાલેખક શ્રી કનુભાઈ આચાર્ય, સામાજિક કાર્યકર એવા ભગવાનભાઈ બંધુ અને કવિગણમાં હું, ઇશ્ક પાલનપુરી, શરદભાઈ ત્રિવેદી, ભાર્ગવ ભટ્ટ, ભાવિકા પટેલ, (મારી પ્રિય સખી), અને કેતન પંડ્યા. અમે આટલા લોકોએ આ કાર્યક્રમને ખુબ સફળ બનાવ્યો હતો. સાહિત્યમાં વધતી જતી રૂચીએ એક દિવસ મને અને ઇશ્ક પાલનપુરીને એક સાથે એક સાહિત્ય શિબિર કિલ્લા પારડીમા અઠવાડિયા માટે મોકલી દીધા. ત્યાં સહાયક તરીકે મારી સાથે મારાં ભાઈ જેવા મિત્ર કમલેશ ગઢવી મારી સાથે આવ્યા હતા. ત્યાંથી અમારી છંદબદ્ધ સાહિત્ય યાત્રા શરુ થઇ. કિલ્લાપારડીની એ સાહિત્ય શિબિરે મને એટલા ઉત્તમ અને પ્રેમાળ મિત્રો આપ્યા છે કે ક્ષણે ક્ષણે હું ઈશ્વરનો આભાર માનું એટલો ઓછો પડે. ફોરમ ચંદારાણા, તેની સાથે તેને મૂકવા આવેલા મીનાક્ષીબેન ચંદારાણા, મેગી અસ્નાની, કવિ રાવલ, હર્ષવી પટેલ, વર્ષાબેન પટેલ, ભૂષણ ઠાકર, કુલદીપ કારિયા, જીગરભાઈ જોશી.
જીવનમાં આપણને ડગલે ને પગલે જીવવાનું જોમ કોણ પૂરું પાડે છે ? આપણા મિત્રો જ ને !! મિત્રો ન હોયતો આપણે આપણા સુખને ક્યાં મૂકીએ ? છે એવી કોઈ બેંક જે મિત્રોની જગ્યા લઇ શકે ને આપણા સુખને સેફ રાખી શકે ?
સાહિત્ય ક્ષેત્રે મારુ ખેડાણ ખુબ ઓછું છે પરંતુ લખવું એ મારા લોહીમાં વણાયેલું છે. કદાચ એટલે જ લગભગ ૨૦૦૫ આસપાસ રખેવાળ દૈનિકમાં એક કાવ્ય સંગ્રહ વિશે જાહેરાત વાંચી. બનાસકાંઠાના કવિઓની કવિતાઓને આવરી લેતો એક કાવ્ય સંગ્રહ “બનાસનો કલરવ” તૈયાર થઇ રહ્યો હતો. અને આ સુંદર કામ પાલનપુરના કવિશ્રી નરેન્દ્રભાઈ જગતાપ સંભાળી રહ્યા હતા. આ કાવ્ય સંગ્રહ નિમિતે મારા મિત્રોની યાદીમાં નરેન્દ્રભાઈ જગતાપ નામનું નવું નામ ઉમેરાયું. અને એ પછી તો નરેન્દ્રભાઈની પાછળ પાછળ “શબ્દસાધના પરિવાર” નામનો અમારો આખો એક પરિવાર રચાઈ ગયો. નરેન્દ્રભાઈ જગતાપ એક તાંતણે બધાને ગૂંથતા ગયા ને સૌના સાથ સહકારથી અમારી સાહિત્યિક યાત્રા ચાલતી રહી છે મોજમજા ને ઉલ્લાસપૂર્વક.
વ્યવસાયની વ્યસ્તતા અને શારીરિક તકલીફના કારણે ઓછું લખાય છે એનો રંજ છે પરંતુ વાર્તાઓ લખવી એ મારો જીવ છે. મિત્રો અત્યારે મારો વાર્તાસંગ્રહ તૈયાર થઇ રહ્યો છે. મારી દસ ટૂંકી વાર્તાઓને વણી લેતો સંગ્રહ એટલે “પુનરાષ્ટમી” મિત્રો વધાવી લેશો ને મારી આ પુનરાષ્ટમીને ?
મિત્રો મારો આ વાર્તાસંગ્રહ તમારા હાથમા આવે એ પહેલા આપની સમક્ષ હું મારી શારીરિક તકલીફ વિશે આપને જણાવવા માંગુ છું. મિત્રો બચપણમાં જ હું ડાબા પગે પોલિયોગ્રસ્ત થઇ હતી. મારાં મમ્મી એવુ કહે છે ઘણીવાર કે જે દિવસે તને લકવો લાગુ પડ્યો એ દિવસે તું ખુબ નાચી હતી… નાચવું એ કેટલી સુંદર ઘટના છે નહિ મિત્રો ! તનમન એકકાર થઇ જાય ને માણસ ઘૂમે જ જાય, ઘૂમે જ જાય…. સમગ્ર અસ્તિત્વને તન્મય કરી દેતી ક્રિયા એટલે નૃત્ય, નાચ, નાચવું….. છેલ્લીવાર એક સબંધીના લગ્નમાં દેશી ઢોલના તાલે હું નાચી હતી સરસ ઘેરદાર લાલ રંગનું ફ્રોક પહેરીને એવુ મારાં મમ્મી કહે છે મને ઘણીવાર. એ ઘડીએ મારી ઉંમર હતી બે વરસની. અત્યારે આ ક્ષણે તેંતાલીસ વરસના પડાવે છું. નાચવાનું ખુબ મન થાય, નાચવું મને ખુબ ગમે પણ હકીકતમાં અત્યારે એ શક્ય ન હોવાથી મોબાઈલમાં ઈયરફોન લગાવીને કોઈ ગમતા ગીતના લયમાં મારી જાતને કલ્પનાઓમાં વહેતી મૂકી દઉં છું અને નાચી લઉં છું. આ પણ મનને ખુબ આનંદ આપતી ઘટના છે મારા માટે. કલ્પનાઓમાં ઘણું બધું જીવી શકાય છે ત્યારે તો આ અતિ વ્યસ્ત અને દુર્ગમ જીવનમાં માણસ જીવી જાણે છે. પરમપિતા પરમેશ્વરના આપણે સૌ આભારી છીએ કે એમણે આપણા મસ્તિસ્કમાં આવી સરસ ગોઠવણ કરેલી છે કે આપણે આપણી કલ્પના મુજબનું આપણું વિશ્વ રચી શકીએ છીએ. મારા જીવનમાં નાચવું એ હકીકત રૂપે હવે બનશે કે કેમ એ એક પ્રશ્ન છે પણ મનના એકાદ ખૂણે ઊંડે ઊંડે આશાની એક ઝબક દીવડી જળ્યા જ કરે છે કે હું નાચીશ…. મારા પગની સર્જરી બાદ હું નાચીશ, મારી “પુનરાષ્ટમી”ની નાયિકા નાચી હતી તેમ જ મન મૂકીને….. હા મન મૂકીને.
મિત્રો બે વરસની હતી ત્યારથી પોલિયો લાગુ પડ્યો હતો. મારુ બાળપણ દવાઓ, દુવાઓ, બાધાઓ અને માનતાઓમાં, આ દવાખાનેથી બીજા દવાખાને અને બીજા દવાખાનેથી ત્રીજા દવાખાને એમ વીત્યું. ઓગણીસસો ઇઠોતેરના અરસામાં વાહનોની સગવડ હોય નહિ એવી સ્થિતિમાં પગપાળા સંઘર્ષ કરીને મારા માતાપિતાએ મને દવાખાના સુધી પહોંચાડી હતી ને મારી ટ્રીટમેન્ટ કરાવી હતી. આખરે ડીસામાં એક હોમિયોપેથીના ડોક્ટરની સારવાર હેઠળ મારા પગમાં સારું પરિણામ મળવા લાગ્યું અને હું ઉભી થઇ અને ચાલવા લાગી. પિતાજીની આર્થિક સ્થિતિ એ વખતે ખુબ નબળી તે છતાં મને સાજી કરવામાં કોઈ જ કસર છોડી નહોતી. હું ચાલતી થઇ પણ છતાં ચાલતા ચાલતા વારંવાર પડી જતી. ખુબ મુશ્કેલી વેઠીને બાળપણ વિતાવ્યું છે. બહાર રમવા દોડી જવા પગ કેવા તલપાપડ થતા હોય પણ પગને વેગ કોણ આપે ? વેગ તો છીનવાઈ ગયો હોય ત્યારે નિઃસહાય પોતાના બચ્ચાંની વેદનામાં એક માઁ ના કાળજાના કેટલા કટકા થતા હશે એ વાત યાદ કરતા ય અત્યારે આંખ ભીની થઇ જાય છે. સમય તો એની તેજ ગતિએ ચાલ્યા જ કરતો હોય છે, પરંતુ જેના પગ જ થંભી ગયા હોય તેની વેદનાનું શું? મારા માતાપિતાએ અપાર વેદનાઓ વેઠી છે મારા માટે અને તેનો હજુ પણ અંત આવ્યો નથી. વેદનાઓ સાથે જીવન વહેતુ રહ્યું અને મનમાં એક લાચારીના ભાવ સાથે હું મોટી થતી રહી. ચાલતાં ચાલતા વારંવાર પડી જવાથી મારા પગની સર્જરી કરાવવી એવું નક્કી કર્યું મારાં માતાપિતાએ. છઠા ધોરણમાં ભણતી હતી ત્યારે પ્રથમવાર મારા પોલિયોગ્રસ્ત પગની સર્જરી થઇ. એ પછી બારમા ધોરણ સુધી મારા પગની યાત્રા સડસડાટ ચાલી.. ઉત્સાહપૂર્વક હું ચાલવા લાગી, ભણવા લાગી, સ્વપ્નાઓ જોવા લાગી કે ખુબ ભણીશ ડોક્ટર બનીશ. સ્વપ્નાઓ સાથે જીવતા જીવતા જીવનમાં ઘણી વખત એવું પણ બને છે કે આપણે જવું હોય ક્યાં અને કોઈ અગમ્ય શક્તિ આપણને દોરી જાય ક્યાં. ધોરણ બારમા હતી ત્યારે તસુભાર પણ પગમાં તકલીફ ન રહે એ માટે ફરીવાર મારા પગની સર્જરી થઇ. કેલિપર્સ પહેરીને જીવવું એવું ડોક્ટર તરફથી સૂચન થયું પરંતુ અભ્યાસ અર્થે અપડાઉનમાં કે ઉઠવા બેસવામાં કેલિપર્સ ખુબ બાધારૂપ લગતા તેનો ત્યાગ કર્યો અને વિના કેલિપર્સ જ ચાલવું એવું મેં નક્કી કર્યું. દ્રઢ સંકલ્પ સાથે કેલિપર્સને તિલાંજલિ આપી ને મેં ફરી મારી યાત્રા શરુ કરી. (જો કે કેલીપર્સને તીલાંજલિ આપી એ મારી મોટી ભૂલ હતી કારણ કે ડોક્ટરના કહ્યા મુજબ કેલીપર્સ પહેર્યું હોત તો સ્નાયુઓની આ મુશ્કેલી અત્યારે ન સર્જાઈ હોત) ૧૯૯૬/૯૭ થી ૨૦૧૨ સુધી મારા બંને પગે મને ખુબ સાથ આપ્યો. ૧૯૯૭ થી અભ્યાસ સાથે સાથે મેં વ્યવસાય કરવાનું વિચાર્યું અને પિતાજીને વાત કરી કે તમારી સાથે વ્યવસાય કરવા માંગુ છું, તો એજ સમયે મારા પિતાજીએ મને આવકારી અનેમને એસ.ટી.ડી. પી.સી.ઓ.નો વ્યવસાય સ્થાપી આપ્યો. મારા જીવનમાં મારા પિતાજીએ મને ખુબ મોકળું આકાશ આપ્યું છે. મારા પિતાજીએ મને કહ્યું કે તારા આ મોકળા આકાશમાં તને જેમ જચે એમ તું તારી પાંખો ફેલાવ અને મોજથી ઉડ. મારા પિતાજીનો સાથ ન હોત તો હું મન મૂકીને મારી મરજી મુજબ જીવી ન શકી હોત. મારા પિતાજીએ સ્થાપી આપેલ વ્યવસાયમાં ખુબ મન લગાવીને હું અભ્યાસ પણ કરતી રહી અને વ્યવસાય પણ સંભાળતી રહી. પગભર થયાની એ ઘડીથી આજની આ ઘડી સુધી હું મારા વ્યવસાયમાં કાર્યરત છું. વ્યવસાયની સાથે સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલી રહી. લખતી રહી, વાંચતી રહી, સાહિત્ય જગતે મને ખુબ ખુબ ખુબ સારા મિત્રોની ભેટ આપી. મને જીવનમાં મિત્રો ખુબ સારા મળ્યાછે એ બદલ હું મારા ભગવાનજીની આભારી છું. વ્યવસાયમાં સતત કાર્યરત હોવા છતાં હું મારા લેખનકાર્યને પણ પોસતી રહી છું. મારા કાવ્યો અને વાર્તાઓ ગુજરાતના નામાંકિત સામયિકોમાં પ્રકાશિત થતા રહે છે. હું માધ્યમિકમાં ભણતી ત્યારથી હું વિવિધ સાહિત્યિક પ્રવૃતિઓમાં ભાગ લેતી આવી છું. યુવા મહોત્સવની લેખન સ્પર્ધાઓમાં હું હમેશા પ્રથમ ઇનામ મેળવતી આવી છું. ત્યાર બાદ કોલેજ કક્ષાએ પણ હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. માં પણ યોજાયેલ યુવા મહોત્સવમાં હું પ્રથમ રહી છું. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયગાળા દરમિયાન ચાલી રહેલ “બેટી બચાઓ” અભિયાન અંતર્ગત મેં તેમને એક પત્ર અને દીકરીઓ પર મારી ત્રણચાર રચનાઓ મોકલી હતી. ત્યાર બાદ તેમના કાવ્યસંગ્રહ “આંખ આ ધન્ય છે” ના મુંબઈમાં યોજાનાર વિમોચન કાર્યક્રમની આમંત્રણ પત્રિકા મને પાઠવી હતી. મારુ દુર્ભાગ્ય કે કોઈ કારણસર હું આ અદ્દભુત પ્રસંગે હાજરી આપી શકી નહિ. અને એ સિવાય મોરારીબાપુ દ્વારા ઉત્તરકાશીમા યોજનારી રામકથામા પણ હાજર રહેવા માટે આમંત્રણ હોવા છતાં પગની તકલીફે મને હંમેશા રોકી છે. મારી વાર્તાઓએ પણ મને વિવિધ વાર્તા સ્પર્ધાઓમાં પ્રથમ ઇનામ લાવી આપ્યા છે. તેમજ અનેક લેખકો દ્વારા સંપાદિત વાર્તાસંગ્રહોમાં મારી વાર્તાઓને સ્થાન મળ્યું છે. તેમાંનો ગુર્જર પ્રકાશન રોહિત શાહ સંપાદિત પ્રથમ વાર્તાસંગ્રહ “વાર્તા ઉત્સવ” માં મારી વાર્તા “રિમી” ને સ્થાન મળ્યું છે. ત્યાર બાદ લેખિકા મંચ (ગુજરાતી લેખક મંડળ) વતી ભાવનગરના વકીલ પ્રતિભા ઠક્કર અને ઉર્વી અમીન દ્વારા સંપાદિત એકવીસ લેખિકાઓની એકવીસ વાર્તાઓને વણી લેતો વાર્તાસંગ્રહ સ્ત્રીઆર્થમાં પણ મારી પ્રથમ વિજેતા વાર્તા “અનોખું દહેજ”નો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, મહિલા-લેખન : નવલેખન : પન્ના ત્રિવેદી દ્વારા સંપાદિત “ગુજરાતી વાર્તાઓ” વાર્તાસંગ્રહમા મારી વાર્તા “પુનરાષ્ટમી” નો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રીડગુજરાતી વેબસાઈટ દ્વારા યોજાયેલી વાર્તા સ્પર્ધાઓમાં ક્રમશઃ મારી વાર્તાઓ “રિમી” ને પ્રથમ વિજેતા અને “કોશા” ને દ્વિતીય વિજેતા કૃતિ જાહેર કરવામાં આવી હતી. એ પછી બરોડાથી પ્રકાશિત થતા ગુજરાતી મેગેઝીન “ફીલિંગ્સ” દ્વારા યોજવામાં આવેલ વાર્તાસ્પર્ધામાં મારી વાર્તા “અનોખું દહેજ”ને પ્રથમ ઇનામ – રૂ. ૧૧૦૦૦ પ્રાપ્ત થયેલ છે. વાર્તા સિવાય નિબંધ લેખનમાં પણ હું રસ ધરાવું છું. મુંબઈથી પ્રકાશિત પ્રચલિત સામયિક “ચિત્રલેખા” અને “કચ્છ શક્તિ” દ્વારા આયોજિત બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા નિબંધસ્પર્ધાનાં પસંદ થયેલ તેંત્રીસ નિબંધોમાં મારા નિબંધને સ્થાન પ્રાપ્ત થયેલ છે. મારી વાર્તા અનોખું દહેજને મળેલ પ્રથમ ઇનામ, સંદર્ભે અમારા ડીસાના એમ.ડી. ડોક્ટર સાહેબ શ્રી ભરતભાઈ મકવાણાના નિવાસસ્થાને અન્ય અગ્રગણ્ય ડોક્ટરો અને શબ્દ સાધના પરિવારના કવિઓની હાજરીમાં મને મોમેન્ટો આપીને મારુ સન્માન કરવામાં આવ્યું હતું અને મારી કૃતિને બિરદાવી હતી, અને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ડો. ભરતભાઈ મકવાણા સર અને એમના ધર્મપત્ની મૌસમીબેન મકવાણા યુવા લોકોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને સૌની સાથે સંકળાયેલા રહે છે. એ સિવાય અમદાવાદ દૂરદર્શન પર મારા કાવ્યપઠનના કાર્યક્રમો થયા છે. હું કોઈ સહારા વિના ચાલી શકતી હતી ત્યાં સુધી હું સાહિત્યિક પ્રવૃત્તિમાં જોડાયેલી રહી છું. પાલનપુર મુકામે બનાસકાંઠાના કવિઓ દ્વારા ચલાવવામાં આવતી સાહિત્યિક સંસ્થા શબ્દ સાધના પરિવારની હું સભ્ય છું અને દર રવિવારે મળતી રવિસભામાં હું અચૂક ભાગ લેતી. અને આ રીતે જ એક વખત ૨૦૧૨ માં રવિસભામાંથી ઘરે પરત ફરતા રસ્તામાં મને અકસ્માત નડ્યો અને મને એજ પગે ફ્રેક્ચર થયું જે પગ પોલિયોગ્રસ્ત હતો અને અગાઉ જેમાં બે ત્રણ સર્જરી થઇ ચુકી હતી. હું જાણે સર્જરીની આદિ બની ગઈ હોઉં એમ ઈશ્વર મારાં પર આ બાબતે મહેરબાન થતો રહ્યો. હું હોસ્પિટલમાં ગોઠવાઈ. ફ્રેક્ચરનું ઓપરેશન થયું. અને ફરી ચાર મહિનાની આરામદાયક પથારી આવી મારાં માટે. ચાર મહિના બાદ હું ઉભી તો થઇ પરંતું મારાં ભગવાનજીએ મને હાથમાં લાકડી થમાવી દીધી અને કહ્યું કે હવે જેટલું ચાલી શકાય એટલું ચાલો આ ટેકણ લાકડીના સહારે. ટેક્ણ લાકડીના સહારે પણ હું બહાર આવતી જતી થઇ. વિવિધ કાર્યક્રમોમા જતી. મારો વ્યવસાય સંભાળતી અને દુકાનમાં જ જ્યારે જયારે સમય મળે એમ લખતી. હું સતત કાર્યરત રહેવાવાળી વ્યક્તિ છું. મારી પ્રકૃતિમારી જાતને જે કમિટમેન્ટ આપે એ પ્રમાણે હાર્યા વગર હું સતત ચાલતી રહી છું. હું આમ સતત પ્રેમ, લાગણી અને વ્હાલથી નિતરતા ચહેરાઓથી ઘેરાયેલી અને આમ સતત એકલી જીવી છું. મારી દુનિયા મારી દુકાનમાં જ છે. મારી દુકાનમાં મને અનહદ શાંતિ મળે છે. હું જે કઈ જીવું છું જે કઈ લખુ છું એની સાક્ષી મારી દુકાનમાં ગોઠવાયેલી મારી ચીજવસ્તુઓ છે. હું મારી દુકાનમાં જ બેઠી બેઠી દુનિયા ઘૂમિ વળું છું. મારો પરિવાર, મારાં મિત્રો, મારાં સગાસ્નેહીઓનું મિલન સ્થાન મારી દુકાન છે. આખી દુનિયા મારી દુકાનમાં આવી જાય છે અને હું જીવી ઉઠું છું. ક્યારેક રડવાની મઝા ય પણ મને મારી દુકાનમાં જ આવે છે. મને ક્યારેક કોઈક અભાવ કે પરાધીનપણાનો ભાવ પીડા આપે કે કોઈ ઘટના હૃદયને ઠેસ પહોંચાડે ત્યારે મોજથી રડવાની મઝા આવે એટલી મોકળાશ પણ મારી દુકાન જ કરી આપે છે. હું ખુબ સુખી વ્યક્તિ છું કારણ કે મારો પરિવાર મારી સાથે છે, મારાં મિત્રો મારી સાથે છે, મારો ભગવાન મારી સાથે છે, પરંતુ મારો પગ હવે મને સાથ નથી આપી રહ્યો. ૨૦૧૨ મા થયેલો અકસ્માત અને અને તેના લીધે પગમાં થયેલી ઇજાના કારણે લાકડીના સહારે વધુ સમય માટે હું ચાલી શકવા સક્ષમ રહી નથી. દિવસે દિવસે મારી મુશ્કેલી વધતી રહી છે. મારાં પગના સ્નાયુઓ એમની તાકાત ગુમાવી રહ્યા છે. હું અત્યારે માંડ આઠ-દસ ડગલાં ચાલુ ને થાકી જાઉં છું. હું દસ મિનિટથી વધુ સમય ઉભી રહી શકતી નથી. હું મારું કોઈ કામ હવે જાતે કરી શકતી નથી. મને અપાર મુશ્કેલીઓ પડી રહી છે રૂટિન લાઈફ જીવવામાં. અત્યારે મને મારો ભાઈ દુકાને મૂકી જાય છે અને સાંજે પાછો એ ઘરે મુકવા આવે છે. ચાલવાનું બિલકુલ નહિવત થઇ ગયું છે. આ તકલીફના કારણે મારો બ્યુટીપાર્લરનો વ્યવસાય પણ બંદ છે. બ્યુટીપાર્લરનું જે કામ ઉભા ઉભા હું કરી શકતી એ અત્યારે બેઠા બેઠા પણ કરી શકતી નથી. મારો પરિવાર સતત મારી પડખે હોવાથી મારું કોઈ કામ અટકતું નથી પરંતુ, પરાધીનતા એ પરાધીનતા છે.
મિત્રો અત્યારે મને પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ નામની સ્નાયુઓની બીમારી લાગુ પડી છે. આ બીમારી પોલિયો પેસન્ટને ઉમર થતા લાગુ પડે જ છે. એમાં સો માંથી પંચોતેર ટાકા પોલિયો પેસેન્ટ ને આ બીમારી ઉમર વધવાની સાથે થાય જ છે. વ્યક્તિ ધીમે ધીમે પગથી કમજોર થતો જાય છે. એ ચાલી શકવા સક્ષમ રહેતો નથી. ઉઠવા બેસવામાં તેમજ લાંબા સમય સુધી ઉભા રહેવામાં અતિશય તકલીફ પડે છે. આ બીમારીના કારણે સાજા પગમાં તેમજ કમરમાં તકલીફ થવી શરુ થઇ જાય છે જેના કારણે સતત બેસી રહેવામાં અને ઉભા રહેવામાં કે થોડું પણ ચાલવામાં આવે તો કમર અને પગમાં અસહ્ય દુખાવો થાય છે. આ બીમારીના કારણે પોલિયો પેસન્ટ પોતાનું કોઈ કામ જાતે કરી શકતો નથી કે વજન ઉંચકીને પણ ચાલી શકાતું નથી. જેના કારણે સંપૂર્ણપણે બીજાઓના સહારાની જરૂર પડે છે. હું અત્યારે આ તમામ મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી છું. પણ મિત્રો ખુશીની વાત એ છે કે આ બીમારીનો ઈલાજ છે. આ બીમારીના કારણે મને રોજિંદા કામ કરવામાં અતિશય તકલીફ પડવા લાગી ત્યારે મેં આના ઈલાજ માટે નેટ પર સર્ચ કર્યું તો મને હરિયાણા રાજ્યમાં આવેલ કુરુક્ષેત્ર શહેર સ્થિત ડોક્ટર સુરેશ ભોલા હોસ્પિટલ વિશે જાણકારી મળી. મારા જીવનમાં જાણે એક આશાનું કિરણ ઉગી નીકળ્યું. મેં વધુ સર્ચ કર્યું તો યુટ્યુબ પર આ ભોલા હોસ્પિટલમાં સર્જરી કરાવી ચૂકેલા અને સંપૂર્ણ સાજા થઇ ચૂકેલા હઝારો પોલિયો પેસન્ટના વિડિઓ જોવા મળ્યા. મારા આશ્ચર્યનો પર ન રહ્યો. હું લગાતાર પંદર વિસ દિવસ સુધી આ વિડિઓ જોતી રહી. પછી મેં ડોક્ટર સુરેશ ભોલા સર સાથે વીડિયોકોલથી વાત કરી. અને મને ડોક્ટર સાહેબે કહ્યું કે આપ ઠીક હો સકતી હો. આપ વિધાઉટ સ્ટિક ચલ સકતી હો. આપ અપની લાઈફ બહેતર બના શકતી હો. ૯૫% આપકી સભી પરેશાનીયા દૂર હો જાયેગી ઇસ સર્જરી સે. મને અદમ્ય ઈચ્છા થઇ ઉઠી કે ક્યારે હું હોસ્પિટલ જાઉં અને સર્જરી કરાવું. સર્જરી પહેલા એક વખત ચેકઅપ માટે જવું જરૂરી હોવાથી મેં નિર્ણય કર્યો હોસ્પિટલ જવાનો. મારુ નિદાન થયું અને સર્જરી માટે સલાહ આપી ડોક્ટરે. પરંતુ મને નિરાશા ત્યારે સાંપડી જયારે સર્જરીનો ખર્ચો જણાવવામાં આવ્યો. આઠ થી દસ લાખ સુધીનો ખર્ચો હતો આ સર્જરી માટે. હું નાસીપાસ થઇ કે આટલી રકમ લાવવી ક્યાંથી ? હું કેવી રીતે મેનેજ કરીશ ? ચિંતાથી મિશ્રિત વિચારોનું વંટોળ ઘેરી વળ્યું મને. કારણ કે મારાં પરિવારની આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાથી તેમજ હું પણ વ્યવસાયમા પગભર હોવા છતાં કોઈને કોઈ કારણસર હું મારાં માટે એવી બચત કરી શકી નથી કે હું આ સર્જરીનો ખર્ચો ઉઠાવી શકું. અને સમજણી થઇ ત્યારથી અત્યાર લગી મારાં પિતાજીને સતત સખત મહેનત કરતા અને સંઘર્ષપૂર્ણ જીવન જીવતા મેં જોયા છે એટલે એ પણ એમની જવાબદારીઓમાં ખર્ચાતા જ ગયા છે. મારાં પિતાજી પણ ની:સહાય છે આ બાબતે. અંતે મને મારી વાર્તાઓ યાદ આવી. મનમાં ઝબકારો થયો કે હા મારી વાર્તાઓ છે ને મારી સાથે. મારી વાર્તાઓ મને મદદરૂપ થશે અને ચોક્કસ મારાં પગની સર્જરી થશે ને ચોક્કસ હું ચાલતી થઈશ.
મિત્રો મારી દસ ખુબ પ્રસિદ્ધ થયેલી અને નામાંકિત સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થયેલી તેમજ મને વિવિધ વાર્તા સ્પર્ધાઓમાં પ્રથમ પારિતોષિક લાવી આપનાર મારી વાર્તાઓનો સંગ્રહ “પુનરાષ્ટમી” તૈયાર થઇ રહ્યો છે, જેના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીને સહાય અરજી પણ કરી છે.
મિત્રો હું ઈચ્છું છું કે આપ સૌ મને મારી સર્જરી માટે સાથ સહકાર આપો. મોટી રોકડ સહાય ન કરી શકે તેવા મિત્રો છેવટે મારો આ વાર્તા સંગ્રહ ખરીદીને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ મદદ કરી શકે છે. મિત્રો આપ કોઈને જન્મદિવસ નિમિતે કે કોઈની લગ્ન તિથિ નિમિત્તે કે કોઈપણ પ્રસંગે આપના મિત્રો વડીલો કે સગા સ્નેહીઓ ને મારો આ વાર્તાસંગ્રહ ભેટરૂપે આપી શકો છો અને આરીતે મને મદદરૂપ થઈને આપ મને સ્વનિર્ભર બનાવી શકો છો,
હું આભારી છું આપ સૌની.
ધન્યવાદ વર્ષા બારોટ ઝેરડા
પુસ્તકનું નામ – પુનરાષ્ટમી(વાર્તા સંગ્રહ) કિંમત – 300/- રૂપિયા
પ્રી બુકીંગ કરનાર માટે સ્પેશ્યલ ઓફર 20% ડિસ્કાઉન્ટ તથા ગુજરાતમાં કુરિયર ફ્રી એટલે કે 240/- કુરિયર ચાર્જ સાથે મારી બેંકની વિગત નીચે મુજબ છે.
Bank of Baroda
A/C No:
80290100009795
Name: VARSHABEN KANUBHAI BAROT
Branch: ZERDA EARSTWHILE TETODA
Ifsc code: BARBODBTETO
MICR Code: 385012525
Phonpay: 9662177997
Gpay: 9662177997
વધુમાં આ સાથે ક્યુ આર. કોડ પણ શેર કરું છું જેના દ્રારા પણ વિગતની ખરાઈ કરી પેમેન્ટ કરી શકાશે. ઉપરોક્ત કોઈ પણ માધ્યમથી પેમેન્ટ કર્યા બાદ વ્હોટસઅપ નંબર 9662177997 પર પેમેન્ટ કર્યા અંગેનો સ્ક્રીન શોટ અને સરનામુ મોકલવાનું રહેશે તમે એક કરતા વધારે નકલનું સાથે પેમેન્ટ કરી જુદા જુદા સરનામાં આપી શકશો.
મિત્રો મારી આ પોસ્ટને સોશિયલ મીડિયાના તમામ માધ્યમો થકી એક મહિના સુધી સતત વધુમાં વધુ શેર કરવા નમ્ર અપીલ છે.