ગીત / ભાભીનું ગીત
ખેતરનો શેઢો ને શેઢાની પાળ ઉપર બપ્પોરી ભાથું અણમોલ,
એમાં ભાભીના મીઠા બે બોલ !
ચૂરમાની તાંસળીમાં માખણના લોંદાને મૂક્યો છે સાચવીને કોરે,
મધમીઠા રોટલામાં ઓકળીની ભાત રૂડી ભાભીની આંગળીઓ દોરે!
ભાઈના છાયડામાં લ્હેરાતો લીલીછમ લાગણીના ખેતરનો મોલ !
ખોળે બેસીને રોજ રમતા દેવરજીને ફૂટી છે દોરા-વા મૂંછ.
ભાભીને જાણ હવે ભોળી બે આંખોને ગમતો ગુલાબોનો ગુચ્છ !
પાટે બેસાડું પછી પીઠી ચોળાવું પછી વગડાવું આંગણામાં ઢોલ.
પરબતકુમાર નાયી