Archive for નવેમ્બર 24, 2008

વિસ્તરણ…

Posted in Navesar on નવેમ્બર 24, 2008 by DR.MAHESH RAWAL

img_6185

વિસ્તાર તો  વળગણ તરફ  વિસ્તારજે
સંબધને,  સમજણ  તરફ  વિસ્તારજે !

શું   પાંગરે,  અતિરેકના  આશ્લેષમાં ?
વૈશાખને   શ્રાવણ   તરફ  વિસ્તારજે

ખાલીચડેલી   જીભ,   લોચા  વાળશે
શબ્દાર્થ,  ઉચ્ચારણ તરફ  વિસ્તારજે 

મારે  કશું   ક્યાં  જોઇએ છે, સામટું
આસ્તેકથી કણ, મણ તરફ વિસ્તારજે

ભીંતો  ય  રાખે  છે  રજેરજની ખબર
અફવા,સુખદ પ્રકરણ તરફ વિસ્તારજે

ઉંડાણ    રસ્તાનું    ચરણને    છેતરે
એવી પળે,આંગણ તરફ વિસ્તારજે

લે,આજ આપું છું તને આ જાત પણ
કાં ખેસ,કાં ખાપણ તરફ વિસ્તારજે !

ડો.મહેશ રાવલ
નવેસર/ ૮૩

Design a site like this with WordPress.com
શરૂ કરો