ક્ષણોની ભીંતમાંથી શું ખરે છે જો
થયું છે શું ગરક, ‘ને શું તરે છે જો
ન વત્તા કર ભલે, પણ બાદ તો કરમાં !
ઉદય ને અસ્ત વચ્ચે, શું ફરે છે જો
ઉખાણું પૂછ એની ના નથી – પણ હા !
નિરૂત્તર આંખ, પગલું શું ભરે છે જો
હતી તો બંધમુઠ્ઠી, તો ય આવું કાં ?
બધાનાં હાથમાંથી શું સરે છે જો
સમસ્યા એ નથી કે દ્રાક્ષ ખાટી છે
ન પામ્યા તો, નકામું શું ઠરે છે જો
નવી યાદી મુજબ સરખામણી તો કર !
સમયને છોડ, બીજું શું ફરે છે જો
સદંતર ક્યાં થયો છે બંધ દરવાજો
ઉઘડતા અર્થ, ખુલ્લુ શું કરે છે જો
ફરી ગઈ કેમ આખી વાત, છેલ્લે જઈ
ઉતર-ચડ ગ્રાફ નક્કી શું કરે છે જો !
મરણનોં અર્થ આવો સાવ ટૂંકો કાં ?
ગયું તે કોણ ? પાછું શું ફરે છે જો
ડો.મહેશ રાવલ
નવેસર/૮૦


