વિસ્તાર તો વળગણ તરફ વિસ્તારજે
સંબધને, સમજણ તરફ વિસ્તારજે !
શું પાંગરે, અતિરેકના આશ્લેષમાં ?
વૈશાખને શ્રાવણ તરફ વિસ્તારજે
ખાલીચડેલી જીભ, લોચા વાળશે
શબ્દાર્થ, ઉચ્ચારણ તરફ વિસ્તારજે
મારે કશું ક્યાં જોઇએ છે, સામટું
આસ્તેકથી કણ, મણ તરફ વિસ્તારજે
ભીંતો ય રાખે છે રજેરજની ખબર
અફવા,સુખદ પ્રકરણ તરફ વિસ્તારજે
ઉંડાણ રસ્તાનું ચરણને છેતરે
એવી પળે,આંગણ તરફ વિસ્તારજે
લે,આજ આપું છું તને આ જાત પણ
કાં ખેસ,કાં ખાપણ તરફ વિસ્તારજે !
ડો.મહેશ રાવલ
નવેસર/ ૮૩


