સંક્ષિપ્તમાં તનાવ ક્યાં લખી શકાય છે ?
આ મૌનનો સ્વભાવ,ક્યાં લખી શકાય છે?
કેવો રહસ્યમય ઉછેર થાય આંખનો
એકેય હાવભાવ ક્યાં લખી શકાય છે ?
રસ્તા વિષે લખી શકાય બે-હિસાબ,પણ
નિશ્ચિતપણે,પડાવ ક્યાં લખી શકાય છે ?
શૃંગારની તરસ,અનેકવાર શબ્દ થઈ
વૈધવ્યનાં અભાવ,ક્યાં લખી શકાય છે ?
સંબંધનો વિષય હતો -નિભાવવો પડે !
અમથા ય,અણબનાવ ક્યાં લખી શકાય છે ?
દરિયો લખી જુઓ અવાવરૂ,લખાય છે ?
બસ એમ,અશ્રૃસ્રાવ ક્યાં લખી શકાય છે ?
સારૂં થયું તમે મળી ગયા ઉકેલ થઈ
જાણ્યા વગર પ્રભાવ ક્યાં લખી શકાય છે ?
ડૉ.મહેશ રાવલ
નવેસર/૨૮