Archive

Archive for Nov, 2019

દીકરા અને દીકરી વચ્ચેનું અંતર

          મિત્રો, આજ કાલ “બેટી બચાવો, બેટી પઢાવો” અને “બેટી પઢાવો અભિમાન” જેવા સુત્રો દ્વારા દીકરીને આગળ વધારવા માટે સરકારશ્રી અને સમાજના આગેવાઓ દ્વારા સારા એવા પ્રયાસો થઇ રહ્યા છે. સારી બાબત છે. દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે આપણે પુરતા પ્રયાસો કરવા જ જોઈએ પરંતુ આપને એ નથી લાગતું કે આમાં ક્યાંક ને ક્યાંક આપણે દીકરાને અન્યાય કરી રહ્યાં છીએ?

          “મારી દીકરી, મારુ અભિમાન” નામના લેબલ હેઠળ બીજા કોઈએ એની દીકરી સાથેનો ફોટો ફેસબુક કે ટવીટર ઉપર મુક્યો તો હું પણ મૂકી દઉં… એ માનસિકતા આપણે અપનાવી છે પરંતુ ક્યારેય આપણે એ માર્ક કર્યું છે કે દીકરો આપણને ક્યારે અને કેટલી વખત મદદમાં આવ્યો છે?

ggggggg

          સમાજમાં રહીને પિતાશ્રી નાં પગલે પગલે ચાલવા માટે અને પોતાના માતા-પિતાની આબરુને ઠેસ નાં પહોંચે એનું ધ્યાન રાખતા રાખતા આજે દીકરાના મનની હાલત શું હશે એનો વિચાર આવ્યો છે કોઈને? સમાજમાં ક્યાય જવું આવવુ હોય તો દીકરો અને વહુ જાય, વ્યવહાર કે સામાજિક જવાબદારી સાચવવાની હોય કે પછી પિતાશ્રીની અમુક ઉંમર પછી ઘર ચલાવવાનું હોય… હંમેશા દીકરો આગળ આવ્યો છે. છતાંય ઘણી વખત આપણે દીકરાને યેન-કેન પ્રકારે ઉતારી પાડીએ છીએ અને જેમ-તેમ બોલીએ છીએ. હમણાં એક સંમેલન માં હું ગયેલો તો ત્યાં તો સ્ટેજ ઉપરથી એવું બોલવામાં આવી રહ્યું હતું કે જે પુણ્યશાળી હોય એના ઘરે જ દીકરી જન્મે… તો જેના ઘરે દીકરો જન્મે એ પાપી? આવી હલકી માનસિકતા?

                                               દીકરો એટલે પાંગરેલી કૂંપણ…

                                                                તો

                           દીકરો એટલે પહાડ જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયું…

          ઘણા લોકો કહેતા હોય છે કે દીકરીને જેટલી લાગણી હોય એટલી લાગણી દીકરાને ના હોય… પરંતુ પ્રકૃતિએ પુરુષનુ ઘડતર જ એ રીતે કર્યું છે કે એને સ્ટ્રોંગ રહેવું જ પડે. કારણે કે ગમે તેવી પરિસ્થિતિ માં મોભી તરીકે એણે જ આખા ઘરની જવાબદારી નિભાવવાની હોય છે. એ ઢીલો પોચો પડે તો પરિવારને બેઠું કોણ કરે?

          રહી વાત વૃધ્ધાશ્રમની તો એનો પણ ખુલાસો કરી દઉં કે કોઈ દીકરાને પોતાના માતા પિતાને વૃધ્ધાશ્રમમાં મોકલવાની ઈચ્છા ના થાય. આની પાછળ પણ આપણી દીકરી જ જવાબદાર હોય છે જેને આપણે વ્હાલનો દરિયો, સ્વર્ગની પરી તરીકે સંબોધીએ છીએ. આવા સમયે “મારી દીકરી, મારુ અભિમાન” ક્યાં ગયું? કોઈએ પોતાની દીકરી ને સમજાવવાનો પ્રયાસ કર્યો કે દીકરી, તું આ ખોટું કરી રહી છે? આ જ વસ્તુ તારો ભાઈ-ભાભી કરશે તો તું સહન કરી શકીશ? ના, આવા સમયે આપણે માત્ર એટલું જ વિચારીએ છીએ આપની દીકરી ખુશ તો છે ને? તો બસ… ઘણા ખરા અર્થે સ્વાર્થી બની જઈએ છીએ ત્યારે આપણે… બાકી કોઈ દિવસ કોઈએ ક્યારેય જોયું કે કોઈ દીકરો લગ્ન પહેલા એના માતા-પિતાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય? અરે દીકરો કદાચ ૩૦ વર્ષે કરતાં પણ વધારે ઉમર નો થઇ ગયો હશે અને મહીને લાખ રૂપિયા કમાતો હશે તો પણ એના મગજમાં આ વિચાર નહિ આવે..!!

ghghghgh

          બીજી એક ખાસ મહત્વની બાબત, આપણે જેટલું આપણી દીકરી અને જમાઈ સાથે એડજસ્ટ કરી શકીએ છીએ એટલું જલદી દીકરા અને વહુ સાથે એડજસ્ટ કરીએ છીએ? આંખો બંધ રાખીને એકાંત રૂમમાં બેસીને વિચારજો. સમજાઈ જશે. દીકરી લગ્ન પછી સાસરે જતી રહેશે પરંતુ દીકરો આખી જિંદગી માતા-પિતાની સેવા કરે છે તથા તેના પરિવાર માટે દિવસ રાત સંઘર્ષ કરી, મહેનત કરી પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. દીકરીનું રુદન કદાચ તમને એની આંખોમાં દેખાશે પરંતુ દીકરાનું રુદન તમને કદાચ એના ઓશીકા ઉપર પણ જોવા નહિ મળે જેની ઉપર એ રાત્રે સુતો હોય…

          કહેવાય છે કે દીકરીને ચાહતા રહો, સમજવાની જરુર નથી…..

                                હું કહુ છુ દીકરાને બસ સમજી લો…આપોઆપ ચાહવા લાગશો…..

          કદાચ અમુક મિત્રોને/વાચકોને આ લેખ ખરાબ લાગે અથવા તો ના ગમે તો એક વાર શાંતિથી વિચારજો કે તમારા ઘરે દીકરી છે એના બદલે ભગવાને દીકરો આપ્યો હોત તો? આખી વાત આપને આપોઆપ સમજાઈ જશે જો આપ નિષ્પક્ષ થઇ વિચારશો તો… છેવટે દુનિયાની વાસ્તવિકતા તો આપણે સ્વિકારવી જ રહી…

                                 

  ….. ✍     !! मेरा बेटा मेरा अभिमान !!               !! મારો દીકરો ઘરનો ગૃહસ્થંભ !!

 


 

Update : આજના જમાનામાં વધુ પડતો ઉચ્ચ અભ્યાસ/ઉચ્ચ પગારની નોકરી કરતી દીકરી અને ત્યાર બાદ તેના લગ્નજીવન (ગૃહસ્થાશ્રમ) ઉપર પડતી અસરોનો લેખ વધુ આવતા અંકે…

Design a site like this with WordPress.com
Get started