લાઈક મળી જાય !

ફેસબુક ઉપર મુકો ને તરત લાઈક મળી જાય !
મઝા પડે ખુદા મને એવો કૈક કરિશ્મા મળી જાય

વાંચ્યા વગર તો ઘણા વખાણે છે કૃતિઓને
કોઈક વાંચીને પણ એકાદ દાદ મળી જાય

ભરમાર છે યાદોંની અત્યારે ખબર પડે છે
હું ક્યાં છું ને તું ક્યાં છે તે ખબર પડી જાય

વાઘ-સિંહ માર્યાના એકાદ ફોટો રાખતા રાજાઓ
અહીં તો મચ્છર માર્યાના પણ અપડેટ મળી જાય

હજાર છે ફ્રેન્ડલિસ્ટમાં, નામી અનામી મિત્રો છતાં
મઝા તો ત્યારે પડે કે પીઠ પર મિત્રનો ધબ્બો પડી જાય

દુનિયા ડિજીટલથી આવી નજીક એ સારી વાત છે
પણ કેમ ચાલે કે માણસ સાવ એકલો પડી જાય ?

બંદૂકે નથી મારવા પડતા હવે કોઈને આ જમાનામાં
મળે ઓછી લાઈક તો માણસ આમ જ અર્ધો થઇ જાય

ચાલો કશુંક ખોતરીએ….

ખોતરીએ એક ગરીબની મજબૂરી,
ખોતરીએ એક અમીરની તબિયત.

ખોતરીએ એક વૃદ્ધની એકલતા,
ખોતરીએ એક ગૃહિણીની વ્યસ્તતા.

ખોતરીએ એક નોકરિયાતની મજબૂરી,
ખોતરીએ એક રંગમંચના કલાકારની કલાને.

ખોતરીએ એક રોડ પર સુતેલા ગાંડાની દ્રષ્ટિને,
ખોતરીએ એક ભાષણ આપતા નેતાના શબ્દોને.

શું મળ્યું ?
ખોતરી એક ગરીબની મજબૂરી અને મળી…જલ્દી આ આયખું પૂરું થવાની ઝંખના,
ખોતરી એક અમીરની તબિયત અને મળી…મોંઘી દવાના સહારે આયખું લંબાવવાની ઝંખના.

ખોતરી એક વૃદ્ધની એકલતા અને મળી… ઘરમાં નકામા હોવાની વેદના,
ખોતરી એક ગૃહિણીની વ્યસ્તતા અને મળી… પતિ તરફથી અપૂર્ણતાની લાગણી.

ખોતરી એક નોકરિયાતની મજબૂરી અને મળી… બોસ તરફથી પ્રશંસા પામવાની લાલસા,
ખોતરીએ એક રંગમંચના કલાકારની કલાને અને મળી… પ્રશંસાને બદલે નાણાંની ઝંખના.

ખોતરી એક રોડ પર સુતેલા ગાંડાની દ્રષ્ટિને અને મળ્યું… આ દુનિયા ગાંડી હોવાનું અનુમાન,
ખોતર્યાં એક ભાષણ આપતા નેતાના શબ્દોને તો મળ્યું… આ દુનિયા xxx હોવાનું પ્રમાણ.

– મિતુલ ઠાકર
10-01-2019