અક્ષરનાદ દ્વારા ચાલુ કરાયેલી આ વાર્તાની નવી રીત એટલે માઈક્રોફિક્શન વાર્તા, ખુબ ઓછા શબ્દોમાં આખી વાતનોસાર એટલે માઈક્રોફિક્શન વાર્તા. આપડે ભાઈ હજી લેખનક્ષેત્રમાં હવાતિયા મારી રહ્યા છીએ એટલે બધામાં હાથ અજમાવી લેવાનો, નાના બાળકો ને કોણ ટોકે હેં ?
છતાં ખાસ નોંધવા જેવી વાત કે હું તો લખું એ તો ઠીક પણ નવાઈ મને એ વાતની છે કે લોકોને એ વાંચવું ગમે પણ છે બોલો ?
એની વે, કદાચ તમને પણ ગમે મારી માઈક્રોફિક્શન વાર્તાઓ….
દહેજ
“આજે તને જોવા આવવાના છે”- રાધિકા બહેન તેની દીકરીને તૈયાર થવાનું કહી નીચે આવ્યા
“આપણી પૂજા ને તે લોકો પસંદ તો કરશે ને ? ” રાધિકા બહેને તેના પતિને આવનારા એન.આર.આઈ. મુરતિયા માટે શંકા કરી
પંકજભાઈ તેને કેમ સમજાવે કે રૂપિયા પચ્ચીસ લાખના દહેજની ઓફર સ્વીકારી કે તરત પૂજાને વગર જોયે તે લોકોએ પસંદ કરી લીધી હતી
* * * * *
ખરસા
“પાંચ રૂપિયા તારે કરવા સે હું ?” જીવલાએ તેના નાના છોકરાને તતડાવ્યો
“નિશાળમાં અંગ્રેજીની નવી સોપડી આવી વેસાવા ઈ લેવી સે ”
“ઝા ઝા હવે, આ નેહાળ્ય વાળા માળા નવા નવા ખરસા કરાવ્યે જાય સે ”
તેનો દીકરો નિરાશ થઇ ઝુંપડાની બહાર રમવા જતો રહ્યો પછી જીવલાએ એની ધણીયાણી પાસેથી માંડ બચાવેલા દસ રૂપિયા જબરદસ્તીથી આંચકી લઇ પીઠા તરફ રવાના થયો
* * * * *
લાખ રૂપિયાની ઈજ્જત
“કેટલું બ્લડ ભેગું કર્યું ભાઈયો?” હોન્ડા સીટીમાંથી ઉતરી બિમલ શેઠે ત્યાં ઉભેલા તેની ઉંમરના યુવાનોને પૂછ્યું
“કદાચ ટાર્ગેટ નહિ થાય બિમલ” તેના એક બીજા બીઝનેસમેન લગતા મિત્રે મોંધા ચશ્માં ઉતરતા કહ્યું
“જો મિત્રો, આપની ક્લબની ઈજ્જતનો સવાલ છે, ટાર્ગેટ ના પૂરો થાય તો મારા ગોડાઉનમાં ધાબળા પડ્યા છે, કાઢી લો અને બાજુ ની ઝૂપડપટ્ટીમાં જઈ ને જાણ કરી આવો હમણા તમારો ટાર્ગેટ પૂરો ”
“આઈડિયા સારો છે બિમલ”
“હોય જ ને ? પચાસ રૂપિયાના ધાબળામાં લાખ રૂપિયાની ઈજ્જત બચાવી લેવી પડશે”
આખું ગ્રુપ ખડખડાટ હંસી પડ્યું
* * * * *
પવિત્ર
“પવિત્ર મંદિરના પટાંગણમાં પ્રવેશ નહિ મળે તને” પુજારી એ આદેશ કર્યો
“પણ બાપા હું તો અહી કાલે મરેલા કુતરાને ઢસડી જાવા આવ્યો છું” પેલા ગરીબ હરિજને કહ્યું
“તો ભલે પણ મંદિર ની દીવાલને અડતો નહિ”
“એ ભલે બાપલીયાપણ પેલા નગારામાં જે ચામડું સે ઈ મેં ચડાવ્યું છે હો !”
“બસ બસ હવે ચંપલો થયા વગર તારું કામ કર” કહી પુજારી પવિત્ર થવા સ્નાનાગાર તરફ ગયો
* * * * *
તેવડ
“ડોક્ટર સાહેબ આવે પછી તપાસશે ” કહી નર્સ ચટક મટક કરતી ચાલી ગઈ
કલાકે સાહેબ બપોરની નીંદર કરી આવ્યા અને ઊંઘરેટી આંખે દર્દી પાસે ગયા અને નાડ તપાસી એક ઇન્જેક્શન ઠોકી દીધું અને બસ્સો રૂપિયા કન્સલ્ટીંગ ફી માટે હાથ લંબાવ્યો, ચોળાયેલી નોટોમાં દસ રૂપિયા ઓછા હતા તે ડોકટરે કમને સ્વીકાર્યા અને કહ્યું કે “તેવડ ના હોય તો બીમાર ના પડાય”
એ સાંજે ડોક્ટર સાહેબે માથાના દુખાવાથી મુવીની સહ કુટુંબની ટીકીટ કેન્સલ કરાવી અને રૂપિયા બસ્સો કેન્સલેશન ચાર્જ આપી બાકીના પૈસા પરત મેળવ્યા
* * * * *
ભાઈ
ધંધામાં સગા મોટાભાઈ સામે પડી ને કેસ જીતેલા જીવનલાલ બહુ ખુશ હતા, ઘરે આપેલી ભવ્ય પાર્ટી માં તે નવા કપડામાં મહાલી રહ્યા હતા અને તેના શુભેચ્છકો તેના ભાઈ માટે કડવી વાતો કહી રહ્યા હતા તે સાંભળી રહ્યા હતા.
ભવ્ય ડીનર વખતે તેને પોતાનું બાળપણ યાદ આવી ગયું, તેના તેના મોટાભાઈના લાડ યાદ આવ્યા……
અર્ધી કલાક પછી જયારે અર્ધા ઉપરનું શહેર જીવનલાલને ત્યાં અવનવી વાનગીની જયાફત ઉડાડતું હતું ત્યારે જીવન લાલ તેના મોટાભાઈના ઘરે ભાભીના હાથનો રોટલો અને ખીચડી આનંદથી ખાઈ રહ્યા હતા.
* * * * *
કામ
“આજે કામ પર નહિ જાવ તો નહિ ચાલે?” રેણુકા તેના પતિને લાડ કરતી કહી રહી હતી અને પ્રતીકે ઓફિસે જવાનું માંડી વાળ્યું
તેની કામવાળીએ આ જોયું અને ડૂસકું મૂકી રડી પડી. તેનો લાડકવાયો તાવમાં ધખધખીને બેભાન અવસ્થામાં તેની માને પાસે બેસવા બોલાવી રહ્યો હતો ને આ કામવાળી કામ છૂટી જવાના ડરે ચુપચાપ કામ પર આવી ગઈ હતી.