હાથમાં કલમ

હાથમાં કલમ આવી જવાથી ધોધમાર વરસી જવાયું,

અને વરસતા વરસાદ માં ઘોઘરા સાદે થોડું ગાઈ જવાયું.

મને વસવસો નથી દોસ્તો, સમય વેડફવાનો,

અંદર થી લાગે કે થોડું સારું જીવી જવાયું.

પત્થર તોડવાની વાતો

પત્થર તોડવાની વાતો

કરવી સહેલી છે અને કરી પણ શકાય

પરંતુ

વાસ્તવિકતામાં

ક્યારેક પગમાં

એક કાંકરી પણ

સાલી રાડ પડાવી દે છે…

દુનિયા જીરવી શકશે તેને ?

બારી ખોલી નાખવાથી

કદાચ

તાજી હવા અંદર આવશે

બેશક

પરંતુ

મારા મનમાં ધરબાયેલા

અરમાનો, સપનાઓ અને વેદનાઓ

જો દોટ મુકશે બહાર ભણી તો…..?

દુનિયા જીરવી શકશે તેને ?

શ્વાસ ઉછીના લેવા પડે છે

ક્યારેક પડ્યા એવા દેવા પડે છે ને,

બારસાખ ને પણ ટેકા લેવા પડે છે.

 

વાવાઝોડા સામે ટકવું સહેલું છે આમતો સાવ,

ને ક્યારેક ઝીણા ફોરાઓથી પણ આડશો લેવી પડે છે.

 

ધરાઈ ભલે ને ગયો હોય તું પૈસા ને પ્રસિદ્ધીથી,

ક્યારેક એકાંતે ડુસકા ઉછીના લેવા પડે છે.

 

આમતો સાવ હતી નાખી દીધા જેવી વાત,

છતાં નિર્દોષ હોવાના પુરાવા દેવા પડે છે.

 

ભંગારથી પણ બદતર સડતો હતો સમય,

આજે આખરી પળોમાં શ્વાસ ઉછીના લેવા પડે છે.

ઉગતા સુરજે યાદોનાં ખુલે પોટલા

ઉગતા સુરજે યાદોનાં ખુલે પોટલા,

ને સાંજનો પડછાયો અટવાય છે મને .

 

કૃષ્ણ, રામ, શંકર ને ભૂલવાનું નથી કહેતો,

તે ઈશ્વર છ, હું માણસ છું તે રહેવાદે મને.

 

ફૂલો, ઝાકળ, ઝરણું આ વિચારવું બહુ રૂપાળું,

દીવાલને દિવાલનું રક્ષણ  છે ત્યાંથી નીકળવા મને.

 

આંખોમાં ભલે હો ઝાંખપ, હૈયા ચક્ષુ ખુલી ગયા,

ઘણા ગયા થોડા રહ્યા, હવે જાત ઓળખવા દે મને.

 

હો ચાહે સુરજ નો કે દીવડાનો,

પડછાયો હંમેશા વફાદાર રહ્યો છે મને.