પાડોશીનું બાળક રમતું રમતું ઘરમાં આવી ચઢે છે તું સોફા પરથી નીચે બેસે છે અને તરત તે તારા ખોળામાં
જેમ એક રાજા હકથી અને અદાથી ગોઠવાય એમ બેસી જાય છે . ઘરમાં નિર્દોષતાનું શાશન થોડી ક્ષણોમાં
સ્થપાઈ જાય છે . એ ખોળામાંથી ઉઠીને રમવા દોડે છે , પણ જેમ સંગીતકાર પાછા સમ પર આવી જાય એમ
એ ગમે ત્યાંથી પાછું તારા ખોળામાં આવી જાય છે તું ઉઠીને નાસ્તો લાવે છે પણ એ તો ડીશમાંથી ખાવાને
બદલે તારી અને મારી સામે ટગર ટગર જોયા કરે છે . એને પૂરી ખબર છે કે તું એને જરૂર ખવડાવશે .
હું એના જેવો શ્રદ્ધાવાન ક્યારે થઈશ એવો વિચાર આવે છે અને તું ડીશમાંથી લઈ એને ખવડાવે છે . હું એને ખભા
ઉપર ઊંચકીને ફેરવું છું . કાગડા ના ચકલીના અને વાઘ સિંહ ના અવાજોથી હસાવવાની કોશિશ કરું છું . એ રમે
પણ છે પરંતુ મારા ખભા કરતા તારા ખોળામાં એનું મન પરોવાયેલું રહે છે .
ખભો આકાશ આપી શકે અને ખોળો ધરતીનું વાત્સલ્ય .
એને ચકલીના અવાજો કરતા તારા પ્રેમાળ
હાવભાવમાં રસ છે . માનો ખોળો મંદિર ના ગર્ભગૃહ જેટલો પવિત્ર હોય છે એવું એ બોલતું નથી
માનો ખોળો એ તો દરેક ઘરમાં ઈશ્વરે આપેલું શાંતિનિકેતન છે એ તો એના રમતિયાળ ચહેરા પર લખેલું હોય છે
નવાઈ માત્ર મને એટલી લાગે છે કે એ માં વગરના બાળકની તું સાચ્ચે સાચ મા હોય એમ વર્તે છે ત્યારે થાય છે
ઈશ્વરના અનેક એડ્રેસ માં એક એડ્રેસ મારા જ ઘરમાં છે એ મને કેમ આટલું મોડું સમજાયું?
મુકેશ જોશી
Filed under: Uncategorized | Leave a comment »