ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન ને અનુસ્વારોનાં નળિયાં છાપરે ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.
થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું ટોડલે નામોના દીવા ઝળહળ્યા સાથિયા કેવળપ્રયોગી આંગણે રેશમી પડદા વિશેષણના હલ્યા.
જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.
રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ
Published in Gujaratnewsline,Canada on Sept.25, 2026.
સિદ્ધહસ્ત ગઝલકાર શ્રી ‘અદમ’ ટંકારવીએ ઘણાં ઉચ્ચ પારિતોષિકો મેળવ્યાં છે, મુશાયરાઓના સફળ સંચાલક છે અને સૌથી વિશેષ તો એ એક અદના આદમી છે. સહજતા, સાદગી અને સરળતા તેમના વ્યક્તિત્ત્વના અભિન્ન પાસાંઓ છે.
આજથી દસેક વર્ષ પહેલાં મળેલ તેમના ‘૭૮૬ ગઝલો’નું પુસ્તક ફરી એકવાર આજે હાથમાં આવ્યું અને તેમાંથી વાળેલાં પાનાંઓમાંની એક રચના (૧૪૦માં પાને) નજરે ચઢી. ’એના પાયામાં બારાખડી પડી’.
વાંચતા વેંત જ ગમી ગયેલી, ગાલગાગાના ૧૭ માત્રામાં ગૂંથાયેલી એક ગઝલકારની આ રચના ‘નઝમ કે સોનેટ !?’ એવા અત્યંત ઝીણા અને ઝાંખા અક્ષરે પેન્સિલથી કરેલાં આશ્ચર્ય અને પ્રશ્નાર્થ ચિહ્નો જોઈ એને સમજવાનો અને આસ્વાદ કરવાનો મનસુબો પાક્કો થયો. તે માટે ફરીથી વાંચતા સ્પષ્ટ થતું જ ગયું કે, ચાર ચાર પંક્તિના ત્રણ વિભાગ અને છેલ્લી ૨ પંક્તિઓ મળીને રચાયેલ આ કાવ્યપ્રકારસોનેટ છે, ગઝલ નથી..
પ્રથમ ૮ પંક્તિઓમાં ખૂબ જ સુંદર રીતે અહીં ભાષાના મહેલનું ચિત્ર ઊભું થાય છે. કોઈપણ મકાન, ઘર, કે ઈમારત ઘડવા માટે મુખ્યત્ત્વે ઈંટો, ભીંત, બારી, બારણા, છાપરું, નળિયાં વગેરે જોઈએ જ. કવિએ આવી પાયાની બાબતોને ધ્યાનમાં લઈને અહીં અદ્ભૂત કલ્પના કરી છે. આ તો ભાષાનો મહેલ! એટલે કે, કક્કો, બારાખડી, એમાંથી બનતા શબ્દો, શબ્દોમાં પણ તત્સમ અને તદ્ભવ, ક્રિયાપદ વગેરે જરૂરી. વળી તેમાં પણ વિરામચિહ્નો,અનુસ્વાર, વિભક્તિ, વગેરે હોય. આ બધાંની આલિશાન કલ્પના તો જુઓ?
તો આ ભાષામહેલના પાયામાં તેમણે બારાખડી મૂકી, શબ્દોની ભીંતો બનાવી, ક્રિયાપદોની બારીઓ અને તત્સમ શબ્દોના પ્રવેશદ્વાર કલ્પ્યાં. એટલું જ નહિ,
ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન, ને અનુસ્વારોનાં નળિયાં છાપરે ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી ભાવવાચક નામ મૂક્યું ઉંબરે..
અતિ સરળ બાનીમાં તરત જ સમજાતું જાય તેવું તેમણે એક ચિત્ર ઊભું કરી દીધું કે, આ મકાનના ભોંયતળિયે બધાં જાણે વિરામચિહ્નો, છાપરાનાં નળિયા તરીકે અનુસ્વાર દર્શાવ્યાં. ગોખલાઓમાં વિભક્તિઓ ગોઠવી અને ઊંબરે આવકારના કે સ્મિતના ભાવ!! વાહ..વાહ.. મસ્ત મઝાની કવિ-કલ્પના. કશાયે ભારેખમ શબ્દો વગર, અતિ સહજતાથી આપણી નજર સામે એક ચણાતું મકાન તાદૄશ કરી દીધું.
તે પછીની ચાર પંક્તિઓમાં આ જ ભાવમાં મઝાથી ઘણું બધું ઉમેરાતું જાય છે. આલિશાન મહેલ જેવું મકાન પણ ખરા અર્થમાં ‘ઘર’ તો ત્યારે જ બને કે એમાં કોઈ હોય, કશુંક જીવંત હોય, ચેતનાનું ચાલક બળ હોય, આંગણે સાથિયા પૂરાતા હોય, ટોડલે દીવા પ્રગટતા હોય ને મખમલી પડદાઓની હરફર હોય. પણ એવું કોણ હોય? ભાવકને માટે કવિનો કસબ અહીં માત્ર ‘તું’નું સર્વનામ મૂકે છે. આ ‘તું’માં તો એ…ય મનને માંડવે ધજાઓ લહેરાવા માંડે છે. એટલું જ નહિ, કવિ અહીં બાકી રહેલ નામ, સર્વનામ, વિશેષણને પણ ક્યાં ભૂલ્યા છે? આ એક સામાન્ય ઈમારત નથી; ભાષાભવન છે! એમાં કશીયે ઓછપ કેમ ચાલે?! વાંચતા જઈએ અને માણતા જઈએ કેઃ
થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું ટોડલે નામોના દીવા ઝળહળ્યા સાથિયા કેવળપ્રયોગી આંગણે રેશમી પડદા વિશેષણના હલ્યા.
વાચક એના ભાવવિશ્વ મુજબ કલ્પના કરવા માંડે અને આ પોતપોતાના ‘તું’ના પ્રેમનો અનુભવ કરવા માંડે. કોઈ આશિકને પોતાની માશૂકા સાંભરે, માને બાળક પ્રત્યેનો પ્રેમ વર્તાય, કોઈ મનમાં પ્રિયતમની પ્રેમાનુભૂતિ કરવા માંડે તો સંતાનોને સુદૂર ગયેલ મા-બાપના દર્શન થાય. એમ દરેક ભાવક વિવિધ એવા પેલા ‘તું’ થી ભીંજાવા માંડે. ત્યાં તો સોનેટની કારીગરી એક ગજબનો પલટો કરે છે.
કવિકર્મને સલામ કરવાનું મન થાય એવી આ આખરની બે પંક્તિઓમાંઃ ‘જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો, ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.’ અચાનક ભાવકના મનમાં – હેં …શું…,આહાહા…વાહ.. જેવા એક પછી એક ઉદ્ગારો નીકળે છે. હા, આ સામાન્ય દુન્યવી પ્રેમની અનુભૂતિ નથી એ વાત ધીરે ધીરે સમજણમાં ઉતરતાં પહેલાં આંચકા, પ્રશ્નાર્થ, વિસ્મય વગેરેનાં બારીબારણાં ખુલતાં જાય છે. એ સર્વનામ ‘તું’ એટલે કે, આ તો અલૌકિક અને દિવ્યપ્રેમની અનુભૂતિનો ઈશારો વર્તાય છે. એનો જરાક પણ અહેસાસ થાય તો અને ત્યારે…જગતના ભલભલા આલિશાન મહેલો કે મહેલાતો પણ પત્તાની જેમ પળમાત્રમાં ઊડી જાય છે. જેને એ પ્રેમની પ્રતિતી થાય છે તેને સઘળી અન્ય સાહ્યબી ફિક્કી લાગે છે એવો પણ સૂર સંભળાય છે.
કવિ શ્રી સુંદરમ્ કહી ગયા છે તેમ ‘મારે આતમને આવાસ પ્રભુ, તારી પગલી પડે, મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે.’ જો કે, એમાં તો પ્રભુ શબ્દ સીધો, અભિધાની રીતે પ્રયોજ્યો છે જ્યારે અદમભાઈએ ગૂઢાર્થ રાખ્યો છે. સાંઈ કવિ શ્રી મકરંદ દવે પણ અચૂક યાદ આવે જ.
‘આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ ભૂલ્યા-ભુલાયા સંભારણે, આ તેજની સવારી કોને કારણે ?‘
કવિને કદાચ એ પણ અભિપ્રેત હોઈ શકે કે, દિવ્ય પ્રેમ શબ્દાતીત હોય છે. અદમભાઈ એક ઑલિયા ફકીર તરીકે પણ જાણીતા છે એ અહીં આ પંક્તિઓમાં પ્રતિબિંબિત થાય છે. ક્યાંક તેમણે એમ પણ લખ્યું છે કે, અક્ષરી એકાંતમાં પુરાઈને બેઠા છીએ,વાણીના વિસ્તારમાં પુરાઈને બેઠા છીએ. કેવો ઊંચો સૂફી વિચાર!
આમ, સત્ત્વ અને તત્ત્વથી ભર્યા ભર્યા આ નઝમ પ્રકારના સોનેટનો આસ્વાદ કર્યાની ધન્યતા સાથે કવિ શ્રી અદમભાઈને આદરપૂર્વકવંદન.
તા.૨૨મી ઑગષ્ટને શનિવારના રોજ, હ્યુસ્ટનના શારદા-અંબા મંદિરમાં એક સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. ખળખળ વહેતી સરિતાના કલકલ નિનાદ સમો એ પ્રસંગ હતો. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના પચીસ વર્ષની ઉજવણીનો એટલે કે, ‘રજત જયંતી’નો ઉત્સવ હતો.
ઉનાળાની બપોરના ત્રણ વાગ્યાથી સંસ્થાની સમિતિના સભ્યો, સહાયકો અને સેવાભાવીઓની ચહલપહલ ચાલુ થઈ ચૂકી હતી. શરૂઆતમાં અલ્પાહાર અને ચ્હા સાથે શ્રોતાજનોનું સ્વાગત થતું જતું હતું, કાર્યકર્તા અને અન્ય કલાકાર ભાઈ-બહેનો સ્ટેજ પરની વ્યવસ્થામાં મશગુલ હતાં.
નિર્ધારિત સમયે જરૂરી સૂચનાઓની જાહેરાત અને વિનંતી બાદ હૉલના મંચનો મખમલી પડદો ખુલતાંની સાથે સુમધુર સંગીત સાથે સરસ્વતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તે સાથે જ અતિથિવિશેષ, ચિન્મયા મિશનના ગુરુવર્ય શ્રી ગૌરાંગ નાણાવટી અને સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે દીપ-પ્રાગટ્ય કર્યું. તેમને તથા સંસ્થાના પ્રથમ સભ્ય અને દાતાઓને, સંસ્થાના સિક્કાવાળી અને ગુજરાતી અક્ષરોના ભરતકામયુક્ત સુંદર શાલ થકી સન્માનિત કરવામાં આવ્યા. તે જ સમયે સંસ્થાના એક નવા સભ્ય શ્રી ઓમપ્રકાશ ગુપ્તાએ તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તકની માહિતી આપી.
કાર્યક્રમની શરૂઆત એક સુંદર યોગાનૃત્યથી કરવામાં આવી. રિદ્ધિ દેસાઈએ વિવિધ યોગાસનની મુદ્રાઓ સાથે, ધ્યાનાકર્ષક અંગભંગી અને હાવભાવ દર્શાવી, ગીત સાથે સુંદર રજૂઆત કરી. પ્રમુખ શ્રી નિખિલ મહેતા દ્વારા પ્રસંગોચિત સ્વાગત પ્રવચન બાદ, શ્વેતા શ્રોફે કાર્યક્રમનું સૂકાન આગળ વધાર્યું.
હ્યુસ્ટનના નૃત્ય-કલાકાર ઉમા નગરશેઠ દ્વારા આયોજિત કવિ શ્રી ઉમાશંકર જોશીનુંગીત, “સદા સૌમ્ય શી વૈભવે ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી” પરનું નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કલાકાર બહેનોની સુંદર રજૂઆતે સભાજનોને મુગ્ધ કર્યા. નૃત્ય દરમ્યાન પાછળના મોટા ફલક પર શબ્દોને અનુરૂપ,અવની મહેતા દ્વારા સજાવેલ સુંદર 3Dચિત્રોનું આયોજન સૌનું ધ્યાન ખેંચતા હતાં.
ત્યારબાદ સંસ્થાના જ સર્જક દેવિકા ધ્રુવે લખેલ ‘પચ્ચીસમાં પર્વ’નું એક ગીત રજૂ કરવામાં આવ્યું. ગીતના શબ્દો હતાઃ ‘આજ સરિતાને તીરે કાંઈ જામ્યો છે મેળો’, તેનું સ્વરાંકન સંસ્થાના સભ્ય ભાવના દેસાઈએ કર્યું હતું; છ કલાકારો દ્વારા વાજીંત્ર સહિત આ સમૂહગાન કરવામાં આવ્યું.
બે આઈટમોની વચ્ચે સૂત્રધાર દ્વારા ગુજરાતી સાહિત્યની અને કવિઓની વિવિધ વાતો વાતાવરણમાં રસ અને રંગ ભરતી હતી. સભાગૃહમાં વાહ..વાહ.ના ભાવો વ્યક્ત થતા જતા હતા. તે પછી ઉપપ્રમુખ રિદ્ધિ દેસાઈ અને દેવિકા ધ્રુવ દ્વારા સંસ્થાના ૧ થી ૨૫ વર્ષના ઈતિહાસની, સ્થાપના, પ્રગતિ અને પ્રવૃત્તિઓની પાવરપોઈન્ટ થકી ઝલક દર્શાવવામાં આવી, ૨૫ સાહિત્યકારો તરફથી મળેલા શુભેચ્છા-સંદેશ પ્રસારિત કરવામાં આવ્યા અને નવી પેઢી દ્વારા સાહિત્ય સરિતા અવિરત વહેતી રહે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી. આ ઉપરાંત સંસ્થાના સ્વર્ગસ્થ પામેલ સર્જકો અને વર્તમાન સર્જકો અંગે પણ જાણકારી આપવામાં આવી.ભારતથી આવેલ સંસ્થાના એક સર્જક અને ભૂતપૂર્વ પ્રમુખ, શૈલા મુન્શાએ સ્વરચિત ‘જુગલબંધી કરી છે મેં’ એ ગઝલ રજૂ કરી અને પોતાની આ હ્યુસ્ટનની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી.તે પછીનો ગરબો “મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો” પ્રસ્તુત કરવામાં આવ્યું. તેમાં બહેનોની કલામય રજૂઆત જોતાં,આખોયે હૉલ તાળીઓના ગડગડાટથી ગૂંજતો હતો, પ્રેક્ષકો અનેરો આનંદ માણતા હતા.આ સમયે પણ પાછળના મોટા ફલક પર ગરબાના શબ્દોને અનુરૂપ, સજાવેલ સુંદર 3Dચિત્રોનું આયોજન સૌનું ધ્યાન ખેંચતા હતાંઅને માનસપટ પર ઘેરી છાપ ઉપસાવતા હતા.
કાર્યક્રમને વિવિધ રીતે આગળ વધારતા બે એકાંકી નાટકો રજૂ કરવામાં આવ્યા. પ્રથમ એકાંકી ‘ઉઘાડા પગે’ની વાર્તા-વસ્તુમાં મૈત્રીની મિરાત હતી. ત્રણ જ પાત્રો દ્વારા ભજવાયેલા આ નાટકમાં બહુધા નેપથ્યમાંના ‘ઑડિયો’ અને પડદા પરના વાર્તાને અનુરૂપ આબેહૂબ ચિત્રોએ મોટો ભાગ ભજવ્યો. નાટક હૃદયસ્પર્શી રહ્યું.અહીં પણ ફ્લેશબેકનાં ચિત્રોએ અનેરો રંગ રાખ્યો.દરેક કલાકારોએ કુશળતાથી રોલ ભજવ્યો.
ત્યારબાદ ૭૦-૭૫ની ઉંમરની બહેનો દ્વારા એક નૃત્યની રજૂઆત થઈ. જેમાં પગના ઠમકારાને બદલે ચહેરાના ભાવો અને સહજ અમસ્તી અંગભંગી દ્વારા, કવિ શ્રી ધ્રુવ ભટ્ટનું ગીત ‘સાંભળી શકાય નહિ, બોલવું યે બંધ અને કરવાની સંજ્ઞાથી વાત..’ એક અનોખી રીતે, સુંદર સંજ્ઞા-નૃત્ય પ્રસ્તુત કર્યું. સૌએ તાળીઓ થકી ખૂબ જ દાદ આપી.
બીજું એકાંકી નાટક ‘ દસમાંથી દસ’ માં વિદ્વાન પ્રોફેસર, ઘરરખ્ખું ગૃહિણી અને અને તેના શિક્ષક-એમ ત્રણ પાત્રોનું હતું. થોડું રમૂજી અને મર્મભર્યં રહ્યું. રંગભૂમિના અસ્સલ નાટકોના બદલે પાત્રોએ, પોતપોતાની ભૂમિકાને ‘ઑડિયો-વિડીયો’ થકી અભિનયને ઉપસાવી સુપેરે ન્યાય આપ્યો.
સમાપનમાં કલાકારો સહિત, દરેકની વ્યક્તિગત આભારવિધિ થયા બાદ, ભોજન પીરસવામાં આવ્યું અને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.
એકંદરે આ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો. નોંધનીય એ હતું કે આમાં કોઈ ઝાઝા પ્રવચનો ન હતાં, અતિ સરળતા હતી, માત્ર ૯ જ આઈટમો હતી, પ્રોગ્રામ ન તો લાંબો હતો કે ન ટૂંકો હતો. 3Dચિત્રોનાં ઉચિત આયોજને દરેક આઈટમને મઝાનો ઊઠાવ આપ્યો. એ રીતે રસને જાળવી રાખીને બરાબર બેથી અઢી કલાકમાં જ આ રજતજયંતીનો ઉત્સવ સાહિત્યિક રીતે ઉજવાઈ ગયો જે સૌના મનમાં છવાઈ ગયો. સંસ્થાના સૌ સભ્યોને,આયોજકોને અને સહાયકોને ખૂબ અભિનંદન.
ઉમાશંકર જોશીની આ ‘જઠરાગ્નિ’ કવિતા ઉપજાતિ છંદમાં ગૂંથાયેલ એક સોનેટ છે. આમ તો એ સીધી અને સરળ ભાષામાં લખાયેલ હોઈ એકદમ તરત જ સમજાઈ જાય છે. પણ તેમાં રહેલ કવિની સંવેદનાનાં વિવિધ પાસાંઓ અને તે સમયના સામાજિક ચિત્રો પ્રતિબિંબિત થયાં છે જે ખરેખર આસ્વાદ તરફ ખેંચી જાય છે. ઘણાં ભાવકોએ પોતપોતાની રીતે અનુભવીને આલેખન પણ કર્યું છે.
આ કાવ્ય એક વાર વાંચી લીધા પછી એકદમ તરત, પહેલું તો વિસ્મય એ થાય છે કે, એક પ્રકૃતિપ્રેમી અને સંવેદનાઓને કોમળતાથી કવિતામાં કંડારનારા કવિ શ્રી ઉમાશંકરભાઈ એક આક્રોશ દર્શાવતું કાવ્ય પણ આપી શકે! ૧૯૧૧માં જન્મેલા આ મહાન કવિએ તેમની માત્ર ૨૧ વર્ષની ઉંમરે, એટલે કે ખૂબ શરૂઆતના વર્ષોમાં આ કાવ્ય લખ્યું છે.
પ્રથમ પંક્તિ છેઃ “રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!” અહીં શબ્દે શબ્દમાંથી નીકળતા ‘ટોન’માં-ધ્વનિમાં વ્યંગાત્મક આક્રોશ છે. પણ માત્ર આક્રોશ નથી. હિત છૂપાયેલો ઠપકો છે, ચિંતાનો સૂર છે; જાણે કોઈ વાત્સલ્યભરી માનો રોષભર્યો ભાવ છે. અને તે ભાવ કવિની અલગ અલગ શૈલીમાં આ કાવ્યમાં વ્યક્ત થયો છે. એ કહે છે કે, મહેલ, મિનારા, ઝુમ્મર, ફુવારા, ચંદનવાટિકા, કંચનસ્થંભમાળા, ઘુમ્મટો, ક્રીડાંગણ, ચંદ્રશાળા…આહાહા… રચો, રચો..
શરૂઆતમાં કવિએ ધનિકો જે કંઈ રચાવી શકે અને રચાવી રહ્યાં છે તેને વર્ણનાત્મક શૈલીમાં ગણાવ્યાં છે. તે દરેક રચાતી ઈમારત,જગા કે બાંધણીને વળી વિશેષણોથી નવાજી છે. દા.ત.અંબરચુંબી મંદિરો,ઊંચા મ્હેલ, મિનારા, સ્ફટિક મઢ્યાં ઝુમ્મરો, રંગીન ફુવારા,ચંદનની વાટિકાઓ, કંચનની સ્થંભમાળા, નવરંગી ઘુમ્મટો, ક્રીડાંગણ, ચંદ્રશાળા વગેરે વગેરે. અને તેમ કહેતાં કહેતાં ‘રચો, રચો ’ શબ્દને બે વાર ઘૂંટ્યો છે જે વ્યંગના ભાવને એકદમ ઘેરો ઉપસાવે છે.
આગળની પંક્તિઓમાં ‘રચો’ની સાથે ‘રાચો’ શબ્દ દ્વારા વર્ણાનુપ્રાસ અલંકાર સ્વાભાવિક રીતે ગૂંથાયો છે અને તેમાં રાચવાની ક્રિયાઓમાં અમીરોના વર્તન સામે આક્રોશી અને ચિંતાજનક સૂર સંભળાય છે. ભૌતિક વસ્તુઓમાંથી મળતી ક્ષણિક ખુશીઓમાં રાચો, એમાં મ્હાલો, ઉજવણીઓ કરો,આનંદો,આનંદો વગેરે..અભિવ્યક્તિમાં ભરેલો કટાક્ષ ભાવકનાં હૈયાંને અડતો જાય છે.
આમ, સાદા, સીધા અને તરત જ સમજાઈ જાય તેવા શબ્દો થકી કવિએ કાવ્યાત્મક્તા સાથે ધાર્યું નિશાન તાક્યું છે. સમાજમાં ઊભા થયેલા અસમાનતાના વર્ગો સામેનો એક અવાજ સંભળાવ્યો છે.
તે પછી નવમી પંક્તિથી કવિ ચેતવણી આપે છે. એ અમીરોને કહે છે કે, તમારે જેટલું અને જેવું ભવ્ય રચવું હોય તે રચજો પણ યાદ રાખજો કે આ બધા એકમેકના અંતરને રુંધતા પથ્થરો છે.સમાજમાં આ જે કંઈ ચાલી રહ્યું છે તે ગરીબોની ઉપહાસ લીલા છે, ભેદભાવની શિલા છે. સમય એ ક્યારેય સાંખી શક્શે નહિ. જ્યારે સમય ફરશે ત્યારે– કરોડો ગરીબોની આહ ઓકતી અનેભૂખથી રીબાતા માનવીઓના પેટની આગ પ્રજ્વલશે અને એવી ફેલાશે કે બધું જ એમાં ભસ્મીભૂત થઈ જશે. પછી એમાંથી આ ભવ્ય ઈમારતોની એક કણી પણ રહેશે નહિ. આ છેલ્લી બે પંક્તિઓ તો એટલી ચોટદાર છે કે, વર્ષોથી મનમાં કોતરાઈ ગઈ છે.
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ના લાધશે!
ઉમાશંકરભાઈ યુગદૄષ્ટા હતા. વાસ્તવિકતાનું ચિત્ર આપી કવિતાની રીતે, વર્ષો પહેલાં એમણે ચેતવણી આપી હતી; જાણે કે, ભવિષ્યવાણી ભાખી હતી કે કાળના ગર્ભમાંથી શું શું નીકળશે. એમણે તે સમાજના ઊભી થયેલી અસમાનતાના વિભાગો સામે, અન્યાય પામતા વર્ગો તરફ આંખ ઉઘાડવા વિશેનો પડકાર ફેંક્યો હતો. તેમની એક બીજી કવિતા ‘પહેરણનું ગીત’માં પણ કંઈક આવો જ આક્રોશ સંભળાય છે કેઃ
રામજી કાં રોટલા મોંઘા? લોહી માંસ આટલાં સોંઘાં?
તો ‘ નીશીથ’ કાવ્યસંગ્રહમાં પણ કવિની પંક્તિઓ છે કે,
કાં ભૂખ ને ભોજન હેં વિખૂટાં? કાં બેય સહેજે મળી શકે ના?
ગરીબોના પરસેવા અને અમીરોની પ્રસન્ન્તા! કવિની આ સંવેદના એટલી તીવ્રતાથી વ્યક્ત થઈ છે જે કોઈપણ વાચકના હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. ગરીબોની ઉપેક્ષા દર્શાવતું આ એક કટાક્ષથી ભરેલું સોનેટ છે. દલિત વર્ગની કવિતા તે સમયમાં ઘણી લખાતી. આ વિશે જરા જુદી રીતે કવિ શ્રી કરસનદાસ માણેકના શબ્દો છેઃ
એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા ચાંદીની ચાખડીએ ચડીને ભક્ત થયા’તા ભેળા..
અ બધી કવિતાઓ સર્વકાલીન કવિતા. એ લખાય છે ત્યારે કવિતા એ યુગની હોય છે પણ કહેવાય છે કે, યુગ કવિને ઘડે છે અને કવિ એના યુગને રચે છે. સાચા કવિઓ ધરતી પરના સૌંદર્યનાં ગીતો રચે છે તો એ સૌંદર્યને ભૂંસતા પરિબળો સામે અજંપો પણ ઠાલવે છે. વળી આ કવિ તો વિશ્વમાનવીના સ્વપ્નસેવી અને વિશ્વશાંતિના ચાહક અને આહવાહક કવિ છે. તેમના અંતરમાંથી ઊઠેલા પૂણ્યપ્રકોપનું આ કાવ્ય છે. આમ, ક્રાંતિની ચેતવણી આપતું ઉ.જો.નું આ ‘જઠરાગ્નિ’ કાવ્ય તેમના વિચારો, લાગણીઓ અને સમાજ તરફની જાગ્રત ચેતનામાંથી સર્જાયેલું છે અને તેથી એ સર્વકાલીન કવિતાનું ઉત્તમ ઉદાહરણ છે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી..
છેલ્લા કેટલાયે વખતથી ખોવાયેલા અને ગૂંચવાયેલા રહેતા સમીરના ચહેરા પર નિરાંતની રેખાઓ જોતાં નેહાને મનમાં હાશ થઈ. વચ્ચે એકાદ-બે વાર નેહાએ વાત કરવા કોશિશ પણ કરી જોઈ હતી પણ સમીર “યુઝવલ, ઑફિસ સ્ટ્ફ..” કહીને વાત ટાળી દેતો હતો.
આજે નેહા ગ્રોસરી શોપિંગ કરીને પાછી ઘેર આવી તો સમીર લિવિંગરૂમમાં બેસીને કોફી પીતાં “આઈ સો ડેવિલ” -કોરિયન સસ્પેન્સ થ્રીલર મુવી જોઈ રહ્યો હતો. નેહા સમીરને એક સરસ ખુશીની વાત કરવા માંગતી હતી અને એ પણ, સમીરના મિત્રના પરિવારની. પણ સમીરને આમ “રિલેક્સ” મૂડમાં જોઈને, એને પોતાને હાશ થઈ હતી. એ આવીને સમીરની બાજુમાં બેઠી. સમીરે મુવી પૉઝ કર્યું અને પોતાનો મગ ઊંચો કરીને પૂછ્યું, “કોફી? મેં હમણાં જ બનાવી છે.”
સમીરના હાથમાંના મગમાંથી જ એક ઘૂંટડો પીને નેહા હવે સમીરના મુખ પરની હળવાશને ઘૂંટડે ઘૂંટડે પીતી રહી. તરત જ સમીરનું એના પર ધ્યાન ગયું અને એણે હસીને પૂછ્યું, “આમ મને જોઈને તું આજે આટલી ખુશ કેમ થાય છે, અને તે પણ આપણાં લગ્નના આટલાં વર્ષો પછી?” અને સમીરે એના માથે હળવી ટપલી મારી.
“તને ખબર છે કે તું કેટલા બધાં સમયથી જાણે કોઈ અસમંજસમાં હોય એમ ચિંતાતુર રહ્યો છે? મારે કહેવું નથી પણ ગયા વરસની માઈક સાથે બનેલી એ દુર્ઘટના પછી પહેલીવાર…!”
સમીરે સહેજ ઊંડો શ્વાસ લઈને કહ્યું, “તને એક વાત કહું? આજે એ જ માઈકે મને મેજીકલી મદદ કરી છે!”
નેહા એકદમ આશ્વર્ય પામી કારણ કે, ક્યારેય પણ માઈકની વાત નીકળે તો સમીર હંમેશા ટાળી દેતો. આજે એણે સામેથી માઈકની વાત કાઢી હતી. હવે નેહાને કઈ રીતે માઈકે સમીરને મદદ કરી એ જાણવાની તાલાવેલી થઈ. નેહાએ સમીર સામે જોઈને કહ્યું , “હું કપડાં બદલીને આ આવી. પણ પછી વાત કરવાની છે, બહાનાં નહીં કાઢતો…!” નેહા ઊભી થઈને એનાં રૂમમાં ગઈ. આજે આટલા સમય પછી માઈકનું નામ સાંભળતાં જ એની આંખો સામે વરસેક પહેલાંની ઘટના તાદૃશ્ય થવા માંડી અને એ ગોઝારા દિવસની ફિલ્મ પસાર થઈ. માઈકના ફ્યુનરલમાં એ અને સમીર ગયાં હતાં. એની નજર સામે એ દૃશ્ય હજુ ગઈ કાલે જ બન્યું હોય એટલું તાજું હતું. માઈકની પત્ની, એની દીકરી, જમાઈ અને અન્ય કુટુંબીજનો સાથે હતી.
માઈક વિષે એની પત્નીએ “હાર્ટફેલ્ટ” નાની સ્પીચ આપી. “માઈક પોતે મિલિટરી સર્વિસમાં અઢાર વરસનો હતો ત્યારે જોડાયો હતો. અમે “હાઈસ્કૂલ સ્વીટહાર્ટ” હતાં. માઈકે મિલિટરીમાં જતા પહેલાં મને વચન આપ્યું હતું કે પાંચ વરસ એની સર્વિસના પૂરા થશે પછી એ લગ્ન કરશે. અને એણે એના વચનને પ્રામાણિક રહીને લગ્ન કર્યા. મિલિટરી સર્વિસને કારણે એને ફ્રી કૉલેજમાં ભણવા મળ્યું અને પોતે એંજિનિયરિંગનું ભણ્યો. બહુ નાની ઉંમરમાં જ, – અમે હાઈસ્કૂલમાં હતાં ત્યારથી જ – એને સ્મોકિંગ કરવાની લત લાગી હતી. હું ગુસ્સે થતી કે આ આદત છોડી દે. બે ચાર દિવસ છોડતો પણ ખરો પણ પછી એનો એ જ..! હદબહારનું “સ્મોકિંગ ઈઝ ઈન્જુરિયસ ટુ હેલ્થ,” એવું હું કહેતી તો મને કહેતો, “વોટ, ડુ યુ મીન? અરે, હું તો મારા ગ્રાન્ડ ચિલ્ડર્નને આપણા પ્રેમની વાતો કહેવા લાંબુ જીવવાનો છું!” અમારી દીકરીના લગ્નને હજી બે વરસ જ થયાં હતાં. માઈકને એની દીકરી માટે જીવવું હતું, મારા માટે જીવવું હતું, તમારા જેવા એના વહાલા મિત્રો માટે એને જીવવું હતું.”
માઈકની પત્નીનો અવાજ રૂદનઘેરો થયો. એણે આંખો લૂછી. ફ્યુનરલહોમમાં પીન ડ્રોપ સાઈલેન્સ હતું. એણે એનું વક્તવ્ય આગળ ચલાવ્યું. “અમારી દીકરીનો જન્મદિન અમે કાયમ સાથે ઉજવતાં. આ વખતે માઈકને અમારી દીકરીના જન્મદિન દરમ્યાન જ કંપનીના કામે, ત્રણ દિવસ માટે શાંઘાઈ જવાનું હતું. માઈકને અફસોસ થતો હતો કે એ આ વખતે અમારી દીકરીના જન્મદિવસે સાથે નહીં હોય. આમ તો એનાં કામમાં હું કયારેય વચ્ચે બોલતી નહોતી. પણ તે દિવસે મેં એને કહ્યું હતું કે તું ન જા અને તારા ટીમમાંથી કોઈને તારું કામ સોંપી દે, પણ માઈક જેનું નામ..! ‘ફરજ પહેલાં’નો પાઠ એનો જીવનમંત્ર હતો. આ પ્રોજેક્ટ કંપનીના ગ્રોથ માટે ખૂબ અગત્યનો છે. ધે આર કાઉન્ટિંગ ઓન મી ટુ લીડ ધ પ્રોજેક્ટ.” અને પછી હસીને કહે, “હું સવારે મારી દીકરીને વહેલામાં વહેલો ફોન કરીશ. પણ સપનામાંયે ધાર્યું નહોતું એવું બની ગયું…! શાંઘાઈમાં રાતે ઊંઘમાં જ એનાં શ્વાસો એને દગો આપી ગયા. ૧૨ મી માર્ચે માઈક એને શાંઘાઈથી જ “હેપી બર્થડે” નો ફોન કરવાનો હતો. ન એ દીકરીને ફોન કોલ કરી શક્યો અને ન તો એ પાછો આવી શક્યો.” હવે માઈકની દીકરી એની મા પાસે આવીને રડી રહી હતી. માઈકની પત્નીએ રુદનભર્યા અવાજે આગળ કહ્યું; “માઈક ઓછાબોલો હતો, પણ બધાંને કાયમ પોતાથી થાય એટલી મદદ કરતો હતો. વી વિલ મિસ હિમ.”
નેહાને હજુયે બરબર યાદ હતું કે ફ્યુનરલની સર્વિસ પૂરી થઈ અને તેઓ માઈકની પત્નીને મળીને નીકળ્યાં પછી પણ એની સ્પીચના પડઘા કારમાં બેઠાં પછી પણ કાનમાં પડતા હતા. સમીરના મોઢા પર ઉદાસી હતી. નેહાએ સમીરના ખભાને સહેલાવ્યો અને એની સામે જોયું. સમીરની આંખમાં ન વહી શકેલાં આંસુ મોતીની જેમ તગતગતાં હતાં.
“નેહા, હું અને માઈક વરસોથી કલીગ્સ અને કામમાં એકબીજાના પૂરક. શરૂઆતમાં તો તેની સાથે કામ કરવાનું ખૂબ કપરું લાગતું હતું, કારણ કે માઈક મૂળે મિલિટરી સ્વભાવનો, ઓછાબોલો પણ આખાબોલો. કામની બાબતમાં મારો સીનિયર, અને ઘણો કડક, પણ હું એની પાસેથી કામની શિસ્ત શીખ્યો. એની ઝીણવટભરી ચોકસાઈથી સમયસર અને પરફેક્ટ કામ થાય છે એ સમજાયું. આ કારણે ધીરેધીરે મને પણ એની સાથે ફાવી ગયું હતું પણ એનું સતત સિગરેટ ફૂંકવાની આદત મને “રિપલસીવ” લાગતી હતી. છતાં પણ કામ પર માઈકનું સિગરેટ ફૂંકવાનું તો ચાલુ જ રહેતું.” સમીરે કાર પાર્કિંગ લોટમાંથી બહાર કાઢી. નેહાને ખબર હતી કે માઈકનું આમ ઓચિંતું ચાલ્યા જવું સમીરને હજુ માન્યામાં નહોતું આવતું. એણે સમીરને કહ્યું, “તું અપસેટ છે, તો કાર ઊભી રાખ. હું ચલાવું છું.”
સમીરે કહ્યું, “ઈટ ઈઝ ઓકે.” અને પાછો એ માઈકની વાતો પર ચઢી ગયો, “મેં એને અનેકવાર કહ્યું હતું કે આટલી બધી સિગરેટ પીવી સારી નહીં તો એ મને હસી કાઢતો. આઈ વીશ, કે હું એને ખૂબ જ સખ્તાઈથી કહી શક્યો હોત કે સિગરેટ બંધ ન થાય તો ઓછી તો કર…! મને નથી ખબર કે વધુ સિગરેટ પીવાથી ઓચિંતો એ ગયો કે શું, પણ, કાશ, મેં એને સિગરેટની એની આદત વિષે ટોક્યો હોત…!” કપડાં બદલતાં નેહાને એ પણ યાદ આવ્યું કે ત્યારે સમીરના અવાજમાં સહેજ કંપ આવ્યો હતો.
સમીરે ત્યારે આગળ વાત કરતાં કહ્યું હતું કે “મને હજી યાદ છે એ ૧૨ મી માર્ચનો એ દિવસ.. શાંઘાઈ, ચાઈનાની એક હોટલમાં આગલી સાંજે ભોજન પછી, છૂટા પડતી વખતે માઈકે કહ્યું હતું.” હું આજે વહેલો જ સૂવા જાઉં છું. સેમ, કાલે સવારે મારે વહેલા ઊઠવું છે. Tomorrow is my daughter’s Birthday. આવતીકાલે મારી દીકરીનો જન્મ દિવસ છે. મારે સૌથી પહેલાં એને શુભેચ્છા આપવી છે. પછી જ મારો દિવસ શરૂ કરવો છે. I want to wish her first.” પણ, માઈક ફોન કરવા ઊઠી શક્યો જ નહીં!” ***** નેહા આ બધું જ યાદ કરતી કરતી બહાર લિવિંગરૂમમાં આવતી હતી ત્યારે એને થયું કે માઈક નથી તો એણે કઈ રીતે સમીરને મદદ કરી હશે? હવે એનાથી રહેવાતું નહોતું. નેહા આવી અને સોફા પર બેઠી. મુવી પૂરૂં થઈ ગયું હતું. એ બોલી, “ચાલ જોઈએ, કહે મને કે કઈ રીતે માઈકે તને મદદ કરી?” ”નેહા, ગયા અઠવાડિયે કંપનીના સિનીયર ડિરેક્ટરે, હું અને માઈક જે પ્રોજેક્ટ પર કામ કરતા હતા એ પ્રોજેક્ટ અંગે ખૂબ મહત્ત્વનો સવાલ પૂછ્યો હતો. પહેલાં તો હું થોડી ક્ષણ ગૂંચવાયો. પરંતુ બીજી જ ક્ષણે મેં ભાવો છુપાવીને શીઘ્ર જવાબ આપી દીધો. જવાબ આપતા તો આપી દીધો. પરંતુ પછી સંશય થયો કે, એ જવાબ સાચો હશે કે ખોટો? આ પ્રોજેક્ટ માઈકના ગયા પછી “ઠંડા બસ્તા”માં હતો અને એ હવે એકદમ ઉજાગર થયો હતો. મારા જવાબ ઉપર અમારી કંપનીના નફા-નુક્સાનનો મોટો આધાર હતો. આજે જો માઈક હોત તો આ મૂંઝવણ ન હોત. કારણ કે, એ પ્રોજેક્ટનો મૂળ ‘આર્કિટેક’ – ઘડનાર – તો માઈક હતો. માઈકની પોઝિશન પર હજુ કોઈને હાયર કરવાનું બન્યું નહોતું એટલે નેક્સ્ટ મારો વારો આવ્યો હતો..!
મેં મારા ડિરેક્ટરની પરમિશન લીધી કે પ્રોજેક્ટને ઘણો સમય થઈ ગયો છે અને મારી પાસે બધાં જ કાગળો નથી તો માઈકની ઑફિસમાં જઈને એ અંગેની બધી ફાઇલો મારે અહીં લાવવી પડશે. માઈકની ઑફિસની બહાર બેઠેલી એની ઍડમિન આસિસ્ટન્ટ પાસે મેં ફાઇલ કેબિનેટની ચાવી લઈને ફાઈલો તપાસવા માંડી. કંઈ હાથ ન લાગતા હું માથે હાથ દઈને બેસી પડ્યો..”
કહી દેવાની ઉતાવળમાં સમીર એટલું ઝડપથી, એકીશ્વાસે બોલ્યે જતો હતો કે તેને અટકાવવાનું નેહાને ઠીક ન લાગ્યું.
“ત્યાં તો નેહા, એક ચમત્કાર જેવું કંઈક થયું..” સમીર અવિરત બોલ્યે જતો હતો. “નેહા, માઈકની ઑફિસમાં અચાનક એક વ્યક્તિ આવી અને મને કહે, “સમીર, તમારા માટે એક કવર માઈકના ટેબલ પર હતું, તે મેં સાચવીને મૂક્યું છે.” અને એ વ્યક્તિ એક મોટું કવર આપી ગઈ. ઝડપભેર મેં એ કવર ખોલ્યું ને હું સ્તબ્ધ થઈ ગયો ! ઓહ માય ગૉડ ! આ તો એ જ ફાઇલ કે જેમાં પ્રોજેક્ટનો આખો પ્લાન હતો. મેં આપેલો જવાબ પણ એમાંથી સાચો જ નીકળ્યો !!. એટલે મનને ખૂબ રાહત થઈ ગઈ.
પણ આ બધી ધમાલમાં આ કવર આવીને આપી જનાર વ્યક્તિ આવી ક્યાંથી? એ કોણ હતી? હું કાગળો જોવામાં રહ્યો હતો એમાં ન તો એને પ્રોપ્રલી થેંક્યુ કહી શક્યો કે ન એનું નામ પૂછી શક્યો હતો..! હું બહાર નીકળ્યો અને માઈકની ઍડમિન આસિસ્ટન્ટને પૂછ્યું, “આ હમણાં જે આવીને આ કવર આપી ગયો એ કોણ હતું? હું કંઈ પૂછું એ પહેલાં જ એ જતો રહ્યો.” તો ઍડમિને કહ્યું, “અહીં તો કોઈ આવ્યું નથી.” સમીર કહે, “હું પછી આશ્ચર્ય અને ચમત્કારની મિશ્ર લાગણીઓ વચ્ચે અવાક થઈને ઝડપભેર ઘેર આવ્યો. નેહા, એ કોણ હતું? કયો તાર હજી જોડાયેલો છે માઈકની સાથે? શું સંબંધ કે લેણાદેણી બાકી છે મારી, આ પરદેશી માણસ સાથે?”
હવે નેહા એકદમ ચોંકી ગઈ. તે બોલીઃ “ઓહોહો…. Just unbelievable! મારે પણ આવી જ વાત કરવી છે. અહીં શું બન્યું ખબર છે? આજે સવારે તું ઑફિસે ગયો પછી થોડીક જ વારમાં માઈકની પત્નીનો ફોન હતો. તેણે સમાચાર આપ્યા કે, તેની દીકરીને ત્યાં આજે જ વહેલી સવારે દીકરાનો જન્મ થયો છે!” સમીરઃ આજે? સાચે? આજે જ? નેહાઃ હા, આજે જ, આજે સવારે જ. બંને એકબીજા તરફ વિસ્મય ભરી નજરે જોતાં સ્તબ્ધ થઈ ગયાં. કારણ કે, સમીરના કાનમાં માઈકના છેલ્લા દિવસના અને નેહાના કાનમાં સમીરે ફ્યુનરલના દિવસે કહેલાં શબ્દો પડઘાયા “ સેમ, કાલે સવારે મારે થોડું વધારે વહેલા ઊઠવું છે. Tomorrow is my daughter’s Birthday.. આવતીકાલે મારી દીકરીનો જન્મ દિવસ છે. મારે સૌથી પહેલાં એને શુભેચ્છા આપવી છે. પછી જ મારો દિવસ શરૂ કરવો છે. I want to wish her first.”
ને, અનાયાસે બંનેની નજર કેલેન્ડરનાં પાનાં ઉપર પડી. આજે પણ ૧૨ મી માર્ચ ! એક જ તારીખે, ત્રણ જુદા જુદા સ્થાને ખેંચાયેલા માઈકના તાર!! મૃત્યુનો, મૈત્રીનો અને અધૂરી ઝંખનાનો.. ! સંબંધોનાં આ તે કેવાં સમીકરણો?!!