રન રીપોર્ટ: લોનાવાલા થી એમ્બીવેલી

* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ ગઇકાલે (૨૧ જુલાઇ) હું અત્યાર સુધીના બેસ્ટ રુટ પર દોડ્યો. એમ તો ચાલ્યો પણ ખરો. વેલ, તો સાંભળીએ આંખે દેખ્યો અને જાતે દોડ્યો અહેવાલ!

મુંબઇ રોડ રનર્સ નામનું ફેસબુક ગ્રુપ છે (ફેસબુકની એક જ સારી વસ્તુ અત્યારે મને લાગે છે! 😉 જેમાં નક્કી થયું કે લોનાવાલમાં કંઇક દોડવાનું આયોજન કરવામાં આવે. વેંકટ અને રામે રહેવા-જમવાની વ્યવસ્થા કરેલી અને કોઇકની ગાડીમાં મારે જવાનું હતું. છેવટે નક્કી થયું કે વિવેક મને નેશનલ પાર્કથી પીક-અપ કરશે. શનિવારે સાંજે હું, વિવેક અને ઉન્મેશ – ત્રણેય જણાં લોનાવાલા જવા નીકળ્યા. મને તો બહુ ઉત્સાહ હતો, કારણ કે હજુ સુધી લોનાવાલાની અંદર ક્યારે ગયો નહોતો (પહેલા પુને જતો ત્યારે વચ્ચે બસ અટકતી એટલું જ) અને હવામાન એકદમ મસ્ત હતું. રસ્તામાં અમને ભયંકર ટ્રાફિક વત્તા બેકાર રસ્તાનો સામનો થયો એટલે છેક રાત્રે ૯ વાગે અમે અમારી જગ્યાએ પહોંચ્યા. જગ્યા એક જૂની લોજ હતી, પણ કેર-ટેકરે જમવાનું મસ્ત બનાવ્યુ. રાત્રે યામાઝાકીનો (ઓરિજીનલ) થોડો ટેસ્ટ કરવામાં આવ્યો અને સવારે વહેલા ઉઠવાનું હતું એટલે સીધાં પથારી ભેગાં.

સવારે લગભગ ૪.૧૫ જેવા જાગ્યા. ફટાફટ ચા અને હળવો નાસ્તો કરી નક્કી કરેલ જગ્યાએ પહોંચ્યા ત્યારે મસ્ત વરસાદ હતો અને એકદમ ઠંડો પવન ફૂંકાતો હતો. લગભગ બધાં જ થથરતાં હતાં અને વાર્મ-અપ કર્યા પછી ધીમે-ધીમે દોડવાનું શરુ કર્યું. એમ તો નક્કી કર્યું હતું કે એમ્બીવેલી સુધી ૨૧.૫ અને પછી પાછાં બીજું ૧૧ જેટલું એટલે કે ૩૨-૩૩ કિલોમીટર દોડીએ. ૧૪ કિલોમીટર સુધી ખાસ વાંધો ન આવ્યો. આરામથી વાતો કરતાં-કરતાં, બીજા લોકોની રાહ જોતાં દોડ્યા. રસ્તો? મસ્ત. હવામાન? મસ્ત. આગળ પાછળ માત્ર પાંચ-છ ફીટ દેખાય એવું ધુમ્મસ!

૧૪-૧૫ કિલોમીટર સુધી વાંધો ન આવ્યો અને અચાનક ડાબા પગનો અંગૂઠો અસહ્ય દર્દ કરવા લાગ્યો (ક્રેમપ!) નસીબજોગે, ત્યાં રાજ અને ભાસ્કર વગેરે આવ્યા અને થોડી પગની મુવમેન્ટ કરવા કહ્યું એ પ્રમાણે કર્યા બાદ ઠીક થઇ ગયું પણ મારી ઝડપ ચોથા ભાગની થઇ ગઇ. એમ્બીવેલી સુધી પહોંચતા આંખે ધુમ્મસ આવી ગયું અને ત્યાં જઇને જોયું કે સપોર્ટ કાર તો ત્યાં નથી. દસેક મિનિટ સ્ટ્રેચીસ વગેરે કર્યા બાદ કાર આવી. બે કિલોમીટર ગયા ત્યાં બીજા રનર્સ મળ્યા (વેકંટ) એટલે તેમને કારમાં જવા દીધા અને પછી શરુ થયું મસ્ત વોકિંગ. ૪૫ મિનિટ! પછી થયું કે હવે ચલાશે નહી. નસીબજોગે, બીજા રનરની કાર આવી અને છેવટે નોનસેન્સ પબ્લિકનો સામનો કરતાં-કરતાં ધીમેથી લોનાવાલા પહોંચ્યા. લોજ પર પહોંચ્યા પછી સરસ ચા પીધી. ફોટો સેશન કર્યું. મસ્ત કાંદા-પોંહા ખાધા અને તરત પાછાં જવા નીકળી ગયા.

સાર: વધુ દોડવાની જરુર છે.
સાર ૨: હિલ્સ આર હાઇ!

PS: આ રનવિતા વાંચો! ટી-શર્ટ, toubebas.com ની છે.

PS ૨: પૂર્ણ ચિત્ર

One thought on “રન રીપોર્ટ: લોનાવાલા થી એમ્બીવેલી”

  1. રનવીતા સાંભળીને અભિષેક’નું ” રન ( Run ) ” મુવી યાદ આવી ગયું 😉

    ફર્ક એટલો છે કે ; તમે રન કરો છો અને અમે રન જોઈએ છીએ !

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.