Archive for એપ્રિલ, 2012
નેજવાંની છાંય તળે/હરિકૃષ્ણ પાઠક/ “કુમાર”/ નવેંબર 1966
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયા કાયાના હીર,
તોયે ફૂલ જેમ ખૂલ્યું છે મન.
આંગણામાં ઉગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ.
એવું લાગે રે ઘડી,
ઊગી છે આજ ફરી, વીતેલી રંગભરી કાલ !
છોગાંની શંકાએ માથે ફેરવીને હાથ
ખોળે ખોવાયેલું ગવન.
નેજવાંની છાંય તળે….
ઠમકાતી મંદ ચાલ
E mail Courtsey MJ Kapadia
ઘરમાંને બારણે ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુના પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડમાંડ ચૂપ !
શમણાંનો સાદ કરી,
હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન
મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,-હરીન્દ્ર દવે
મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાંતેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘયાત્રાની જરૂરતથી સજ્જ થઇ જઇને,
એક મંજિલની લગન આંખે ઊતરવા દઇને,
ભાનને ક્ષણને કાળજીથી સમેટી લઇને,
‘આવજો’ કહીને કોઇ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા,
દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઇ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
-હરીન્દ્ર દવે

તાજેતરની ટિપ્પણીઓ